You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિગારેટ ન પીતા હોય તો પણ ફેફસાંનું કૅન્સર થઈ શકે?, આ વાત જે તમારે જાણવી જોઈએ
- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી મરાઠી
“મેં મારી જિંદગીમાં ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી. મારો દોસ્ત 40 વર્ષથી ધૂમ્રપાન કરે છે, તો પછી મને ફેફસાંનું કૅન્સર કેવી રીતે થયું?”
અપોલો હૉસ્પિટલના સર્જિકલ ઑન્કૉલૉજિસ્ટ ડૉ. અંબરીશ ચેટરજીને આ સવાલ વારંવાર પૂછવામાં આવે છે.
તેઓ કહે છે, “ધૂમ્રપાન ફેફસાંના કૅન્સરનું સૌથી મોટું કારણ છે અને આ પ્રકારના કૅન્સરથી પીડાતા 80 ટકા લોકો ધૂમ્રપાન કરતા અથવા તમાકુના વ્યસની હોય છે. બાકીના 20 ટકા લોકો એવા પણ છે કે જેઓ ધૂમ્રપાન કરતા નથી. આ સત્ય છે.”
તેથી ધૂમ્રપાન ન કરતી હોય, તમાકુનું સેવન ન કરતી હોય, અત્યંત પ્રદૂષિત વિસ્તારમાં ન રહેતી હોય અથવા ખાણ કે એસ્બેસ્ટોબસ સંબંધી કામ ન કરતી હોય તેવી વ્યક્તિને પણ ફેફસાંનું કૅન્સર થઈ શકે છે.
નવેમ્બર મહિનો ફેફસાંના કૅન્સર બાબતે જાગૃતિના પ્રસારનો મહિનો છે. આ પ્રસંગે તમારે ફેફસાંના કૅન્સર વિશે જે જાણવાની જરૂર છે તે બધી માહિતી અમે આપી રહ્યા છીએ.
ફેફસાં કેવી રીતે કાર્ય કરે છે અને કૅન્સર તેને કેવી રીતે અસર કરે છે?
ફેફસાં એ શ્વસનતંત્રનો એક હિસ્સો છે. તે મૂળભૂત રીતે શરીર માટેનાં ફિલ્ટર્સ છે. આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ તેમાં નાઇટ્રોજન, કાર્બન ડાયૉક્સાઇડ અને ઑક્સિજન જેવા વાયુઓ હોય છે.
ફેફસાં ઑક્સિજનને ફિલ્ટર કરે છે અને તે શરીરને આપે છે તથા બાકીના અનિચ્છનીય વાયુઓને શ્વાસ દ્વારા બહાર કાઢી નાખે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફેફસાંના કોષો અત્યંત મેટાબોલિક હોય છે. તેનો અર્થ એ કે તે સતત કાર્યરત્ હોય છે. તેમાં નુકસાન થાય ત્યારે એ કોષો જાતે પોતાનો ઉપચાર કરી લે છે.
ડૉ. અંબરીશ ચેટરજી કહે છે, “ફેફસાંએ ધૂમ્રપાન જેવી બાહ્ય ઉત્તેજનાનો સામનો કરવો પડે છે ત્યારે ફેફસાંના કોષોને નુકસાન થાય છે. આ નુકસાન લાંબા સમય સુધી વારંવાર થતું રહે છે. એ પછી કોષોની સ્વયં ઉપચારની સિસ્ટમ બદલાઈ જાય છે. તેમાં પરિવર્તન થાય છે અને જીવલેણ કોષો તરીકે પણ ઓળખાતા કૅન્સરના કોષોની રચના થાય છે. આ જીવલેણ કોષો આપણી શ્વાસ લેવાની ક્ષમતાને અવરોધે છે.”
ફેફસાંના કૅન્સરનાં કારણો
દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, નીચે મુજબનાં પરિબળો ફેફસાંના કૅન્સરનું કારણ બની શકે છે.
ધૂમ્રપાન
ભારતમાં ફેફસાંના કૅન્સરનું એકમાત્ર સૌથી મોટું કારણ ધૂમ્રપાન છે, કારણ કે પ્રત્યેક 10માંથી નવ કિસ્સામાં ફેફસાંના કૅન્સર માટે ધૂમ્રપાન કારણભૂત હોય છે.
ધૂમ્રપાનને કારણે તમારા ફેફસાં હજારો હાનિકારક રસાયણોના સંપર્કમાં આવે છે અને એ પૈકીના ઘણા કાર્સિનોજેનિક હોય છે એટલે કૅન્સરના કારક હોય છે.
તમાકુ જેવી સ્મૉકલેસ ટોબેકો પ્રોડક્ટ્સના સેવનથી પણ ફેફસાંના કૅન્સરનું જોખમ વધે છે.
સેકન્ડહેન્ડ સ્મૉક અથવા પેસિવ સ્મૉકિંગ એટલે કે આપણી આસપાસ અન્ય કોઈ સિગારેટ કે બીડી પીતું હોય ત્યારે તેનો ધુમાડો આપણા શ્વાસમાં જતો હોય છે.
બીબીસી પર પ્રકાશિત એક લેખમાં કૅન્સર રિચર્ચ યુકેના વડા ચિકિત્સક ચાર્લ્સ સ્વાન્ટન કહે છે, “નૉન-સ્મૉકિંગ લંગ કૅન્સર એ કોઈ મામૂલી મુદ્દો નથી. મારી પાસે આવેલા પાંચથી દસ ટકા દર્દીઓએ ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી.”
વાયુપ્રદૂષણ
ભારત, ખાસ કરીને મોટાં શહેરોમાં ગંભીર વાયુપ્રદૂષણનો સામે સંઘર્ષ કરી રહ્યું છે. ટ્રાફિકનો ધુમાડો, ઔદ્યોગિક ઉત્સર્જન અને બર્નિંગ બાયોમાસમાંથી નીકળતું ફાઇન પાર્ટિક્યુલેટ મેટર (પીએમ 2.5) ફેફસાંના કોષોને નુકસાન પહોંચાડે છે અને કૅન્સરની વૃદ્ધિને વેગ આપે છે.
દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં સર્જિકલ ઑન્કૉલૉજી વિભાગના પ્રોફસર ડૉ. એસવીએસ દેવ કહે છે, “તમાકુનું સેવન અથવા ધૂમ્રપાન ફેફસાંના કૅન્સરનું સૌથી મોટું કારણ છે એ સાચી વાત છે, પરંતુ ધૂમ્રપાન ન કરતા હોય તેવા લોકોમાં વાયુપ્રદૂષણ ચોક્કસપણે ફેફસાંના કૅન્સરનું કારણ બની શકે છે.”
રેડોન નામનો એક કિરણોત્સર્ગી વાયુ છે. તે અમુક પ્રકારની જમીન પર બાંધવામાં આવેલા ઘરોમાં એકઠો થઈ શકે છે. રેડોન સાથે લાંબા ગાળા સુધી સંપર્કમાં રહેવાથી ફેફસાંના કૅન્સરનું જોખમ વધે છે.
વ્યાવસાયિક કારણ
આ ફેફસાંના કૅન્સરનાં મુખ્ય કારણો પૈકીનું એક છે. એસ્બેસ્ટોસ માઇનિંગ અને કેમિકલ મૅન્યુફૅક્ચરિંગ જેવા ચોક્કસ ઉદ્યોગોના કામદારો અને દારૂનાં પીઠાં અને રેસ્ટોરાંમાં સેકન્ડહેન્ડ સ્મૉકના સંપર્કમાં આવતા લોકો પર ફેફસાંના કૅન્સરનું વધારે જોખમ હોય છે.
ફેફસાંના કૅન્સરનું એક કારણ જીનેટિક્સ પણ હોઈ શકે છે. ડૉ. ચેટરજી કહે છે, “ધૂમ્રપાન ન કરતી વ્યક્તિઓને આનુવંશિક પરિવર્તનને કારણે ફેફસાંનું કૅન્સર થયાના કિસ્સા પણ છે.”
ફેફસાંના કૅન્સરનાં લક્ષણો
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં કૅન્સર સંબંધી મૃત્યુનું મુખ્ય કારણ ફેફસાંનું કૅન્સર છે. તેમાં સ્ત્રીઓ તથા પુરુષોનો મૃત્યુદર સૌથી વધારે છે.
ધૂમ્રપાન ફેફસાંના કૅન્સરનું મુખ્ય કારણ છે, જે લગભગ 85 ટકા કેસ માટે જવાબદાર છે.
ફેફસાંના કૅન્સરનાં ઘણાં લક્ષણો જોવાં મળે છે, જે સૂચવે છે કે તમારા ફેફસાંમાં કોઈ તકલીફ છે.
ફેફસાંના કૅન્સરનાં સૌથી સામાન્ય લક્ષણો નીચે મુજબ છે.
- સતત ખાંસી
- છાતીમાં પીડા
- શ્વાસ લેવામાં તકલીફ
- ઉધરસમાં લોહી નીકળવું
- થાક
- જાણીતા કારણ વગર વજનમાં ઘટાડો
- ફેફસાંમાં વારંવાર લાગતો ચેપ
પ્રારંભે આ લક્ષણો હળવા હોઈ શકે છે અથવા તેને શ્વાસની સામાન્ય સમસ્યાઓ ગણવામાં આવે તે શક્ય છે. પરિણામે વાસ્તવિક નિદાન વિલંબથી થાય છે.
ફેફસાંના કૅન્સરથી પીડાતા કેટલા લોકો બચે છે?
ડૉ. ચેટરજી કહે છે, “ફેફસાં મહત્ત્વનાં અંગો છે. આ મહત્ત્વપૂર્ણ અવયવોની સમસ્યા એ છે કે જ્યાં સુધી તેમને મહત્તમ નુકસાન ન થાય ત્યાં સુધી લક્ષણો દેખાતાં નથી.”
તેથી વ્યક્તિમાં લક્ષણો દેખાવાં લાગે ત્યાં સુધીમાં ફેફસાંનું કૅન્સર આગળના તબક્કામાં પહોંચી ગયું હોય છે.
તેઓ ઉમેરે છે, “આ લક્ષણો દેખાય પછી ફેફસાંના કૅન્સરનું નિદાન થાય છે. આવા કિસ્સામાં 15-20 ટકા કેસ ઑપરેશનેબલ તબક્કામાં હોય છે. ગાંઠનું ઑપરેશન તે પ્રારંભિક તબક્કામાં હોય ત્યારે કરવામાં આવે છે. બાકીની ઍડવાન્સ તબક્કાની બધી ગાંઠોનું ઑપરેશન કરી શકાતું નથી.”
રિસર્ચ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસનાં તારણો મુજબ, 2020માં વિશ્વભરમાં ફેફસાંનું કૅન્સર નિદાન થયું હોય તેવો બીજા નંબરનો જીવલેણ રોગ હતો. ફેફસાંના કૅન્સરના દર વર્ષે 22,06,771 નવા કેસ નોંધાય છે (કૅન્સરના કુલ કેસ પૈકીના 11.6 ટકા), પરંતુ તે કૅન્સર સંબંધી મૃત્યુદરનું મુખ્ય કારણ બને છે. તેમાં દર વર્ષે 17,96,144 દર્દીઓ મૃત્યુ પામે છે, જે કૅન્સરના કુલ દર્દીઓનો 18 ટકા હિસ્સો છે.
ભારતમાં ફેફસાંના કૅન્સરના દર વર્ષે 72,510 કેસ (5.8 ટકા) નોંધાય છે અને ફેફસાંના કૅન્સરના 66,279 દર્દીઓ (7.8 ટકા) મૃત્યુ પામે છે.
પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં ફેફસાંનું કૅન્સર લગભગ એક દાયકા અગાઉ જોવા મળે છે. તેની નિદાનની સરેરાશ વય 54થી 70 વર્ષની છે.
આ ક્ષેત્રમાં વાયુપ્રદૂષણ અને જર્મલાઈન મ્યુટેશન જેવા અનોખા કારકો ધૂમ્રપાન કરતા લોકોમાં ફેફસાંના કૅન્સર માટેના પૂર્વસૂચક છે.
અનેક અભ્યાસોમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ-પૂર્વ એશિયામાં ફેફસાંના કૅન્સરથી પીડાતા લોકોનો એક મોટો હિસ્સો ક્યારેય ધૂમ્રપાન કરતો નથી. ભારતના અભ્યાસોમાં તે પ્રમાણ 40થી 50 ટકા અને દક્ષિણ એશિયાની મહિલાઓમાં તે 83 ટકા છે.
નિવારણના ઉપાય
ડૉક્ટર્સ અને આરોગ્ય સંગઠનો એ બાબતે સર્વસંમત છે કે ફેફસાંના કૅન્સરના જોખમને અટકાવવા માટે ધૂમ્રપાન અને કોઈ પણ પ્રકારની તમાકુનું સેવન બંધ કરી દેવું જોઈએ.
અમેરિકાનું સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ સૂચવે છે કે લોકો સેકન્ડહેન્ડ સ્મૉક, ડીઝલના ધુમાડા અને એસ્બેસ્ટોસ, આર્સેનિક તથા સિલિકા તેમજ ક્રોમિયમ જેવાં અન્ય વાયુપ્રદૂષણથી દૂર રહીને ફેફસાંના કૅન્સરનું જોખમ ઘટાડી શકે છે. તમારે તમારા ઘરમાં રેડોનના પ્રમાણની તપાસ પણ કરાવવી જોઈએ. રેડોન વધારે પ્રમાણમાં હોય તો તેને ઘટાડવાનાં પગલાં લેવાં જોઈએ.
વ્યક્તિગત કે પારિવારિક ઇતિહાસ જેવા ફેફસાંના કૅન્સરના કેટલાક જોખમી કારકોને બદલાવી શકાતા નથી. તમારા પરિવારમાં કોઈને ફેફસાંનું કૅન્સર હોય તો સ્વસ્થ રહેવા માટે તમારે શું પગલાં લેવા તેની સલાહ ડૉક્ટર પાસેથી લેવી જોઈએ.
ધૂમ્રપાન ન કરતા હોવા છતાં ફેફસાંનું કૅન્સર થયું હોય તેવા લોકોમાં ડીએનએ મ્યુટેશન હોઈ શકે છે. આ પ્રકારના કૅન્સરની સારવાર ટાર્ગેટેડ થૅરપી વડે કરી શકાય છે.
ડૉ. ચેટરજી સ્વસ્થ આહાર, વજન નિયંત્રણ, કસરત અને તણાવ-મુક્ત જીવન જીવવાનો આગ્રહ કરે છે.
તેઓ કહે છે, “સ્વસ્થ જીવનશૈલી કોઈ પણ પ્રકારના કૅન્સરને જોખમને ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તે ઍન્ટીઓક્સિડન્ટ્સ બનાવે છે અને ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરે છે. આ ફ્રી રેડિકલ્સ કૅન્સરના કોષોની વૃદ્ધિમાં યોગદાન આપતા હોય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન