કેન્દ્રીય મંત્રી અનંત કુમારને થયેલું લંગ કેન્સર શું છે અને કોને થાય?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે કેન્દ્ર સરકારના સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમારને ઘણા પત્રકારોએ સતત ખાંસતા જોયેલા. ગત મેં-જૂન મહિનાની આ વાત છે.

જેવી ચૂંટણી પુરી થઈ તેવી તેમણે ડૉ.ની સલાહ લીધી અને ખ્યાલ આવ્યો કે તેમને ફેફસાનું કૅન્સર છે.

ત્યારબાદ માત્ર સાત જ મહિનાની અંદર સમાચાર આવ્યા કે કેન્દ્ર સરકારના સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારનું અવસાન થયું છે.

અનંત કુમારની કચેરીમાંથી આવેલા નિવેદનમાં જણાવેલું કે કૅન્સર અને તેના ફેલાવાને કારણે તેમનું અવસાન થયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ આઇસીયૂમાં વૅન્ટિલેટર પર હતા.

બેંગ્લુરુની શ્રી શંકરા કૅન્સર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં અનંત કુમારની સારવાર ચાલી રહી હતી.

આ જ હૉસ્પિટલમાં તેમને ખાંસીની સારવાર દરમિયાન કૅન્સર હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેઓ સારવાર માટે અમેરિકા ગયા હતા.

20 દિવસ પહેલાં જ તેઓ અમેરિકાખથી પરત આવ્યા હતા અને શંકરા હૉસ્પિટલમાં ભરતી થયા હતા.

ફેફસાના કૅન્સરનું કારણ

ફેફસાના કૅન્સરને સમજવા માટે પહેલાં એ સમજવુ જરૂરી છે કે, કૅન્સર શું છે?

દિલ્હીની ધર્મશિલા કૅન્સર એન્ડ રિસર્ચ હૉસ્પિટલના ડૉક્ટર અંશુમન કુમારના મતે, "શરીરના સેલ(કોશિકાઓ)ની એક વિશેષતા હોય છે. એક ઉમર પર પહોંચ્યા બાદ તેની ક્ષમતા ખતમ થઈ જાય છે."

"પરંતુ જે અંગમાં કૅન્સર થાય તેની કોશિકાઓ આ વિશેષતા ગુમાવી દે છે અને બે થી ચાર, ચારથી આઠના હિસાબે વધતી રહે છે."

"શરીરના જે ભાગમાં કોશિકાઓ આ રીતે ખતમ થવાની ક્ષમતા ગુમાવે છે, તે કૅન્સરની ઉત્પત્તિની જગ્યા કહેવાય છે."

ડૉ. અંશુમન જણાવે છે, "ફેફસાના કૅન્સરનાં ત્રણ કારણો હોય છે. પહેંલુ તમાકુનું સેવન અથવા ધુમ્રપાન. સિગારેટ પીવાનો અને ધુમ્રપાન કરવાનો સીધો સબંધ ફેફસાની બીમારી સાથે છે. તેનાથી ફેફસાના કૅન્સરનો ખતરો ઊભો થઈ શકે છે."

બીજું કારણ છે, પ્રદૂષણ. ડૉ. અંશુમન જણાવે છે કે કારખાનાઓના ધુમાડા હોય કે ગાડીઓના ડીઝલથી થતું પ્રદૂષણ, દરેકમાં બૅન્જિન ગૅસ હોય છે. આ જ ગૅસ હવાને પ્રદૂષિત કરે છે, જે ફેફસાના કૅન્સરનું કારણ બની શકે છે.

ત્રીજું કારણ છે જિનેટિક, શરીરના જિન્સમાં ફેરફારના કારણે પણ કૅન્સર થઈ શકે છે.

અનંતકુમારને ફેફસાનું કૅન્સર થવા પાછળ શું કારણ?

બેંગ્લુરુની શંકરા હૉસ્પિટલના ડૉ. બી.એસ. શ્રીનાથના જણાવ્યા અનુસાર અનંત કુમારને કોઈ પણ પ્રકારની તમાકુની આદત નહોતી.

તેમણે કહ્યું, "તેમને સિગારેટ, દારુ કે સિગારનો શોખ નહોતો. તેથી પહેલું કારણ તેમના કૅન્સર માટે જવાબદાર નથી, તેમજ અનુવાંશિક ગુણો સાથે પણ તેને ન જોડી શકાય."

"અનંત કુમાર કેન્દ્રીના મંત્રી હતા, તેમને વધુ સમય દિલ્હીમાં રહેવું પડતું હતું. સમગ્ર વિશ્વમાં દિલ્હીના ખતરનાક પ્રદૂષણની ચર્ચા થયા કરે છે."

"ઘણી વખત કૅન્સરનું કારણ પકડી શકાતું નથી. આ વર્ષે જૂનમાં જ તેમને કૅન્સર છે એવું નિદાન થયું."

"એ રાજનીતિમાં જોડાયેલા હતા, નેતા હતા, અનેક જગ્યાએ જવું પડતું. તેથી તેમને રૂમમાં બંધ રહેવાની સલાહ પણ નહોતી આપી શકાતી."

"જ્યારે તેમને કૅન્સર હોવાનું નિદાન થયું ત્યારે એ ઍડવાન્સ સ્ટેજ પર હતું."

પ્રદૂષણ અને ફેફસાની બીમારીઓનો સીધો સંબંધ છે એ વાત નકારી શકાતી નથી.

માત્ર સલાહ આપી શકાય કે, ફેફસાની બીમારી ધરાવતા લોકોએ પ્રદૂષિત જગ્યાઓથી દૂર રહેવુ જોઈએ. પણ આ વાતને લીધો સંબંધ છે, એવું પણ ન કહી શકાય.

ફેફસાના કૅન્સરનાં લક્ષણો અને કારણોઃ

ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર ફેફસાના કૅન્સરના બે પ્રકાર હોય છે, સ્મૉલ સેલ કૅન્સર અને નૉન સ્મૉલ સેલ કૅન્સર.

સ્મૉલ સેલ ફેફસાનું કૅન્સર બહુ ઝડપથી આગળ વધે છે. જ્યારે નૉન સ્મૉલ સેલ કૅન્સર તેની સરખામણીએ ધીમે ધીમે આગળ છે.

કૅન્સર જાગૃતિ માટે કેટલાક ડૉક્ટર્સ દ્વારા શરૂ કરવામાં આવેલી વેબસાઇટ ઇન્ડિયા અગેન્સ્ટ કૅન્સરમાં જણાવેલ ફેફસાના કેન્સરનાં કારણોઃ

-તમને સતત ત્રણ અઠવાડિયાથી ખાંસી આવે છે અને મટતી નથી.

-કફમાં લોહી નીકળે છે.

-સીડી ચડવા ઊતરવામાં શ્વાસ ચડે છે.

-છાતીમાં દુઃખાવાની ફરિયાદ રહે છે.

-બધુ બરાબર છે, છત્ત્તાં વજન ઘટી રહ્યું છે.

આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. આ ફેફસાના કૅન્સરના શરૂઆતનાં લક્ષણો હોઈ શકે છે.

જો કૅન્સર મગજ જેવા શરીરના અન્ય કોઈ પણ ભાગમાં પ્રસરે તો શરીરના કોઈ પણ ભાગમાં લકવો પણ થઈ શકે છે. જો કૅન્સર કિડની સુધી ફેલાય તો કમળો પણ થઈ શકે છે.

કૅન્સરનાં સ્ટેજ

ડૉ. અંશુમન જણાવે છે કે દરેક કૅન્સરની જેમ ફેફસાના કૅન્સરના પણ ત્રણ પડાવ હોય છે.

તેઓ કહે છે, "શરૂઆતનો તબક્કો(અર્લી સ્ટેજ) ત્યારે કૅન્સરની શરૂઆત થાય છે."

"શરીરના કોઈ પણ અંગમાં તેની કોશિકાઓ બે થી ચારની ઝડપે વધવાના શરૂ થાય છે."

"આ તબક્કામાં ઑપરેશનની મદદથી ફેફસાનું કૅન્સર પ્રસર્યું હોય એ ભાગ દૂર કરી શકાય છે."

"ઇન્ટર્મીડિએટ્ (વચ્ચેનો તબક્કો) ત્યારે કૅન્સરની કોશિકાઓ એક અંગમાંથી બીજા અંગમાં ફેલાવવા લાગે છે."

"આ સ્ટેજમાં કીમો થેરાપી, રેડિયો થેરાપી અને ઑપરેશન દ્વારા ઇલાજ થઈ શકે છે."

"ઍડવાન્સ સ્ટેજઃ જ્યારે કૅન્સરની કોશિકાઓ અન્ય અંગોમાં સંપૂર્ણ રીતે ફેલાઈ ચૂકી હોય છે."

"આ સ્ટેજમાં દર્દીના ફરી સ્વસ્થ થવાની નહિવત્ શક્યતાઓ હોય છે પરંતુ કીમો થેરાપીથી સારવાર થઈ શકે છે."

અનંતકુમારને ખ્યાલ આવ્યો ત્યારે ઍડવાન્સ સ્ટેજનું કૅન્સર હતું. કીમો થેરાપીથી સારવાર નહોતી થતી. એ માત્ર દવાઓ લઈ રહ્યા હતા. આવો ડૉ. શ્રીનાથનો દાવો છે.

ઇલાજ માટે અમેરિકા જ કેમ?

અભિનેત્રી સોનાલી બેન્દ્રે હોય કે ક્રિકેટર યુવરાજ સિંહ, કોઈ પણ જાણીતી વ્યક્તિ ભારતમાં તેની સારવાર કેમ નથી કરાવતી, અમેરિકા કેમ જાય છે?

બેંગ્લુરૂની શંકરા હૉસ્પિટલના ડૉ. શ્રીનાથ જણાવે છે કે અનંત કુમારને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ અમે જ આપેલી.

તેમણે કહ્યું, "હકીકત એ છે કે અમેરિકાએ કૅન્સરની સારવાર માટે કેટલાક નવાં ડ્રગ્ઝ શોધ્યાં છે, જે હાલ ભારતમાં ઉપલબ્ધ નથી."

"અમેરિકામાં ફેફસાના કૅન્સરમાં ઉપયોગી દવાની શોધ ઍડવાન્સ સ્ટેજમાં છે. તેથી અમે તેમને ત્યાં જવાની સલાહ આપેલી."

તેમણે જણાવ્યું કે ભારતમાં ઉપલબ્ધ દવાઓથી અનંત કુમારને કોઈ જ ફાયદો થતો નહોતો. કૅન્સર અને તેના સાથે સંકળાયેલાં સંશોધનોમાં ભારત હજી પાછળ છે.

તેમણે કહ્યું, "આપણા દેશમાં અમુક સારવાર જ થઈ શકે છે. ઍડવાન્સ સ્ટેજની સારવાર માટે આપણે સક્ષમ નથી."

"તેથી અમે જ હતાશ થઈને અન્ય દેશમાં જવાની સલાહ આપીએ છીએ. અમેરિકા અને યુરોપના દેશોમાં આ પ્રકારની સારવારના સંશોધનો પાછળ ખૂબ ખર્ચ થાય છે, તેથી ત્યાં યોગ્ય સારવાર પણ થઈ શકે છે."

જ્યારે ધર્મશિલાના ડૉ. અંશુમનના મતે ભારતમાં પણ દરેક પ્રકારના કૅન્સરની સારવાર ઉપલબ્ધ છે. પરંતુ લોકો બે કારણોથી સારવાર માટે વિદેશ જાય છે. એક કારણ, લોકો પોતાની બીમારી છુપાવવા માગે છે બીજું કારણ છે પૈસા. સેલિબ્રિટી સ્ટેટસના કારણે મોટા ભાગના પૈસા વાળા લોકો ભારતમાં ઉપલબ્ધ સારવાર પર વિશ્વાસ નથી કરતાં.

મહિલાઓની સરખાણીએ પુરુષોમાં ફેફસાના કૅન્સરનું પ્રમાણ વધારે

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ પ્રિવેન્શન એન્ડ રિસર્ચના કેટલાક સંશોધકો અને ડૉક્ટર્સ દ્વારા ઇન્ડિયા અગેન્સ્ટ કૅન્સર ઝુંબેશ શરૂ કરી છે.

આ વૅબસાઇટના આંકડાઓ મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોમાં ફેફસાના કૅન્સરનું પ્રમાણ વધારે છે.

આ વાત ડૉ. શ્રીનાથ પણ માને છે. તેમના મતે પુરુષોમાં લંગ કૅન્સરના કેસ વધુ આવે છે.

જો કે હવે મહિલાઓમાં પણ આ પ્રકારના કેસ બહુ ઝડપથી વધી રહ્યા છે.

ડૉ. શ્રીનાથ જણાવે છે, અન્ય દેશોની સરખામણીએ ભારતમાં નાની ઉંમરમાં લોકો કૅન્સરનો શિકાર થઈ રહ્યા છે. જે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. જો કે, તેનાં કારણો હજી ધ્યાનમાં નથી આવ્યાં.

ઇન્ડિયા અગેન્સ્ટ કૅન્સર વૅબસાઇટ મુજબ ભારતમાં કૅન્સરના દર્દીની સરેરાશ ઉંમર લગભગ 54 વર્ષ છે.

ફેફસાનું કૅન્સર મોટા ભાગે તમાકુનું સેવન, ધુમ્રપાન અથવા પ્રદૂષણના કારણે જ થાય છે.

તમને જો સિગારેટ કે તમાકુની લત હોય તો તરત જ છોડી દેવી જોઈએ.

જ્યાં તમારા મિત્રો કે સંબંધી ધુમ્રપાન કરતા હોય તેવા પેસિવ સ્મોકિંગથી પણ બચવું. પ્રદૂષણ ફેલાવતી ગૅસવાળી જગ્યાઓ પર કામ કરવાનું ટાળો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો