You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં બ્લાસ્ટમાં 21નાં મૃત્યુ : ગોડાઉનનો માલિક કોણ હતો, ચાર પ્રશ્નોના જવાબ
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ઢુવા રોડ પર મંજૂરી વગર ધમધમતી ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા 21 લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયારના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મજૂરોના માનવ અંગો અને માંસના લોચા દૂર દૂર સુધી ઊડીને પડ્યા હતા.
ગોડાઉનની આરસીસી ભરેલી છત તૂટી પડતા મજૂરો દટાઈ જતા સાંજ સુધી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે બ્લાસ્ટમાં 21 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે તેમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકો સામેલ છે.
સરકારે ઘટનાના પીડિતો માટે સહાયતાની જાહેરાત કરી છે. સરકારે મૃતકોના પરિજનો માટે ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે.
સરકારે ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરી દીધી છે. અને પોલીસે ઇડરથી ગોડાઉનના માલિક દિપક ખૂબચંદની ધરપકડ કરી લીધી છે. અન્ય આરોપી ખૂબચંદ મોહનાણી હજુ લાપતા છે. ગોડાઉનનું લાઇસન્સ દીપક ખૂબચંદના નામે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ડીસાની ફેકટરીના માલિક કોણ છે
ડીસાના ઢુવા રોડ પર જીઆઈડીસીની બહાર દીપક ટ્રેડર્સ નામનું ફટાકડાનું ગોડાઉન આવેલું છે.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયાર અનુસાર ગોડાઉનના માલિક ખૂબચંદભાઈ મોહનાીણ તેમજ દીપક ખૂબચંદ દ્વારા ફટાકડા રાખવાના ગોડાઉનની આડમાં ફટાકડા ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ કોઈ પણ જાતની તંત્રની 'મંજૂરી વગર' શરૂ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક લોકો અનુસાર તાજેતરમાં જ હોળી -ધુળેટીના તહેવાર બાદ મધ્યપ્રદેશથી 25 જેટલા મજૂરો ફેકટરીમાં આવ્યા હતા અને ફટાકડા બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
બીબીસી સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા પ્રમાણે હાલ પોલીસે ગોડાઉન માલિકના ભાઈ જગદીશ સિંધીની ધરપકડ કરી છે. સાથે જ દીપક ખૂબચંદની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
ડીસાનું ગોડાઉન કે ફેકટરી? આ જગ્યાએ શું ચાલી રહ્યું હતું?
ડીસાના જે ગોડાઉનમાં દુર્ઘટના બની તે જગ્યાએ ફટાકડા બનાવવાનું કામ થતું હોવાના અહેવાલ છે.
જોકે સરકારે આ મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. ઘટના બાદ કલેક્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અહીં ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું ત્યારે ધડાકો થયો તેવી પ્રાથમિક માહિતી મળી છે."
બીબીસી સહયોગી પરેશ પઢીયારના જણાવ્યા પ્રમાણે દીપક ટ્રેડર્સ નામની કંપની ખૂબચંદ રેલુમલ મોહનાણીની માલિકીની હતી જેમાં ફટાકાડા બનાવવામાં આવતા હતા કે કેમ તે અંગે હાલ પોલીસ તપાસ ચાલુ છે. જોકે બનાસકાંઠા એસપીએ ગોડાઉનમાં ફટાકડા રાખ્યા હોવા અંગે મનાઈ કરી હતી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બહાર આવેલી જાણકારી પ્રમાણે અહીં કોઈ પણ પ્રકારના ફટાકડા બનાવવામાં આવતા હોવાની જાણકારી સામે આવી નથી. અહીં ફટાકડા બનાવવામાં આવતા હોવાનો પુરાવો અમારી એફએસએલની ટીમને મળ્યા નથી.
સાંજે કલેક્ટર મિહિર પટેલે ફરી મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, "આ ગોડાઉન ફટાકડાના સ્ટોરેજ માટેનું ગોડાઉન હતું અને વર્ષ 2021માં લાયસન્સ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર-2024માં લાયસન્સની સમય અવધિ સમાપ્ત થતા રિન્યૂઅલ માટે ગોડાઉનના માલિકોએ એપ્લાય પણ કર્યું હતું."
તેમણે આગળ કહ્યું કે, "અંદાજે 15 માર્ચની આજુબાજુ પોલીસ અને મામલતદારે ઘટના જ્યાં બની છે એ સ્થળની મુલાકાત પણ લીધી હતી અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી પરંતુ ત્યારે સમગ્ર પ્રિમાઇસીસ ખાલી હતો અને કોઈ જથ્થો જોવા મળ્યો ન હતો. પાછલા પંદરેક દિવસમાં ગેરકાયદેસર જથ્થાનો સંગ્રહ કર્યો હોય એવું જણાઈ આવે છે."
ડીસામાં આ દુર્ઘટના કેવી રીતે બની હતી?
પરેશ પઢિયાર સ્થાનિકોની સાથેની વાતચીત પ્રમાણે જણાવે છે કે સવારે દસેક વાગ્યાની આસપાસ ફટાકડા બનાવવાના વિસ્ફોટક પદાર્થમાં સામાન્ય આગ લાગતા મજૂરોમાં દોડધામ કરે કે કાંઈ વિચારે તે અગાઉ તુરંત જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો.
ધડાકાનો અવાજ આજુબાજુના ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો.
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મજૂરોના માનવ અંગો તેમજ માણસના લોચા 200 ફૂટ દૂર સુધી ખેતરોમાં ઊડ્યા હતા. જ્યારે ગોડાઉનનો આરસીસી સ્લેબ પણ તૂટી પડ્યો હતો અને બાજુની ફેક્ટરીની દીવાલ પણ ધરાશાયી થઈ જવા પામી હતી. જ્યારે આરસીસીના મોટા સ્લેબના ટુકડા પણ 300 ફૂટ દૂર સુધી ઊડ્યા હતા.
ગોડાઉનનું ધાબુ તૂટી પડ્યું હતું. જેમાં વિસ્ફોટથી ઘાયલ થયેલા મજૂરો દટાઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે પોલીસ તંત્ર, વહીવટીતંત્ર તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (એસડીઆરએફ) દોડી આવી કાટમાળ હટાવી એક બાદ એક મજૂરોની લાશ બહાર કાઢી હતી. મૃતકોના પરિવારજનોના આક્રંદથી ગમગીન માહોલ છવાઈ ગયો હતો.
ડીસાની દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓ કોણ છે?
ડીસાના ગોડાઉનમાં થયેલા ધડાકામાં 21 લોકોનાં મોત થયાં છે તે બધા મધ્યપ્રદેશના છે.
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લા કલેકટરે જાહેર કરેલી પ્રેસનોટ પ્રમાણે ડીસાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી નવ મૃતકો દેવાસ જિલ્લાના ખાતેગાંવ તાલુકાના સંદલપુર ગામના રહેવાસી છે જેમાં ત્રણ બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.
અને દેવાસ જિલ્લામાંથી આ મજૂરો સાથે ગયેલા ઠેકેદાર પંકજનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
આ દુર્ઘટના અંગે મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે પણ ઍક્સ પર ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, "બનાસકાંઠામાં ફાયર ફેકટરીમાં બ્લાસ્ટ થવાથી જે મજૂરો મૃત્યુ પામ્યા તેનાથી હું દુ:ખની લાગણી અનુભવું છું. રાજ્ય સરકાર મૃતકો પ્રત્યે દિલસોજી વ્યકત કરે છે. રાજ્ય સરકાર ઘાયલ મજૂરો અને મૃતકોના પરિવારને શક્ય તમામ મદદ કરશે. હું મહાકાલને પ્રાર્થના કરું છું કે કે આ દુ:ખને સહન કરવાની સૌને શક્તિ આપે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓ માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, "બનાસકાંઠામાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટથી લોકોના જીવ ગયા છે તેનાથી હું ખૂબ દુ:ખી છું. જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે તેમને સાંત્વના, ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય PMNRFમાંથી આપવામાં આવશે."
બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોરે જણાવ્યું હતું કે, "ડીસા મુકામે ફટાકડાની ફેકટરીમાં આગ લાગતા 18થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તમામના આત્માને શાંતિ મળે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું તેમજ એમના પરિવારજનો પર જે દુ:ખ આવી ચડયું છે એ દુ:ખ સહન કરવાની ઈશ્વર એમને શક્તિ આપે તેમજ દુ:ખની ઘડીમાં લોકસભાના સાંસદ તરીકે હું પરિવારની સાથે છું."
"ગુજરાતમાં આ પહેલાં પણ અનેકવાર આવી ઘટનાઓ બની છે. વહીવટીતંત્રની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે. અધિકારીઓ એનઓસી તો આપી દે છે પરંતુ પછી આવી દુર્ઘટના સર્જાય છે. સુરત તક્ષશિલા કાંડ, રાજકોટ અગ્નિકાંડ કે પછી મોરબી પુલકાંડ જેવી દુર્ઘટનાઓમાં નામ માત્રની તપાસ થાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન