ડીસા: ગોડાઉન બ્લાસ્ટમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકો સહિત 21નાં મૃત્યુ, મુખ્ય આરોપી ગોડાઉન માલિકની ધરપકડ

બનાસકાંઠાના ડીસામાં આજે ફટાકડાની એક ફેકટરી તથા ગોડાઉનમાં ધડાકા પછી થયેલી દુર્ઘટનામાં 21 શ્રમિકોનાં મૃત્યુ થયાં છે.

બનાસકાંઠા કલેકટર મિહિર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કુલ મૃત્યુઆંક 21 સુધી પહોંચ્યો હોવાની પુષ્ટિ કરી હતી.

મિહિર પટેલે કહ્યું હતું કે, "9 જેટલા મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે. એમના પોસ્ટમૉર્ટમની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી છે. બે મૃતદેહોના અંગો મળ્યાં છે."

"એમના ડીએનએ સૅમ્પલ કલેકશનની કાર્યવાહી હાલ ચાલુ છે. આ તમામ મજૂરો મધ્યપ્રદેશના દેવાસ અને હડીયા જિલ્લાના રહેવાસી છે. મધ્યપ્રદેશ સરકાર સાથે પણ અમે હાલ સતત સંપર્કમાં છીએ."

"મોડી રાત સુધીમાં મધ્યપ્રદેશના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચવાના છે. પોસ્ટમૉર્ટમની કાર્યવાહી પૂરી થયા બાદ મૃતદેહોને મધ્યપ્રદેશ મોકલવામાં આવશે."

અગાઉ બનાસકાંઠાના એસ.પી અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે, "સ્લૅબ પડી જવાથી આ દુર્ઘટના બની હતી. સ્લૅબ પડવાને કારણે લોકોનાં મૃત્યુ થયાં છે. અમે ભારતીય ન્યાય સંહિતાના ધારા 304 હેઠળ એફઆઈઆર નોંધવા જઈ રહ્યા છીએ. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

આ દરમ્યાન ઇડરથી ગોડાઉનના માલિક અને મુખ્ય આરોપી દીપક ખૂબચંદની ધરપકડ થઈ છે. તો અન્ય આરોપી ખૂબચંદ હજુ લાપતા છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર દીપક ખૂબચંદના નામે આ ફટાકડાના ગોડાઉનનું લાઇસન્સ હતું.

દુર્ઘટના બાદ તંત્રે કરી હતી બચાવ કામગીરી

આગના સમાચાર મળતા ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ઍમ્બ્યુલન્સની ટીમ અને સરકારી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ લાગ્યાના કલાકો પછી પણ કાટમાળમાંથી મૃતદેહો કાઢવાની કામગીરી ચાલુ હતી.

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયાર અનુસાર સવારે લગભગ 9.45 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. તેનાથી સ્લૅબ નીચે બેસી ગયો. કામ કરતા મજૂરોના પરિવારજનો પણ ત્યાં જ રહેતા હોવાથી સ્લૅબ નીચે દટાયા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાસ્થળ પર સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સહિત વિધાનસભાના અધ્યશ્ર શંકરસિંહ ચૌધરી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

રાજ્ય સરકારે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતને તપાસ માટે રવાના કર્યા હતા.

ફેકટરીમાં શું કામ ચાલતું હતું?

કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે,"આ ગોડાઉન ફટાકડાના સ્ટોરેજ માટેનું ગોડાઉન હતું અને વર્ષ 2021માં લાયસન્સ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર-2024માં લાયસન્સની સમય અવધિ સમાપ્ત થતા રીન્યૂ માટે ગોડાઉનના માલિકોએ એપ્લાય પણ કર્યું હતું."

"અંદાજે 15 માર્ચની આજુબાજુ પોલીસ અને મામલતદારે ઘટના જ્યાં બની છે એ સ્થળની મુલાકાત પણ લીધી હતી અને વીડિયોગ્રાફી કરી હતી પરંતુ ત્યારે સમગ્ર જગ્યા ખાલી હતી અને કોઈ જથ્થો જોવા મળ્યો ન હતો. પાછલા પંદરેક દિવસમાં ગેરકાયદેસર જથ્થાનો સંગ્રહ કર્યો હોય એવું જણાઈ આવે છે."

અગાઉ મિહિર પટેલે જણાવ્યું કે, "પ્રચંડ વિસ્ફોટના કારણે આખી ફૅક્ટરીનો આરસીસી સ્લૅબ ધરાશયી થઈ ગયો છે. હાલમાં જેસીબી મશીન દ્વારા કાટમાળ દૂર કરવાનું કામ ચાલુ છે. અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા છે."

તેમણે જણાવ્યું કે "ચાર લોકો ઈજાગ્રસ્ત છે જેમાંથી બેને પાલનપુર સિવિલ હૉસ્પિટલ અને બેને ડીસા સિવિલ હૉસ્પિટલમાં રિફર કરાયા છે."

કલેક્ટરે જણાવ્યું કે, "અહીં ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું ત્યારે ધડાકો થયો તેવી પ્રાથમિક માહિતી મળી છે."

ફટાકડાની ફેક્ટરીમાં બૉઇલર ફાટ્યું હોવાનું માનવામાં આવે છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે કારખાનાનો સ્લૅબ તૂટી ગયો હતો.

આગની દુર્ઘટનામાં દાઝેલા શ્રમિકોને નજીકની હૉસ્પિટલે ખસેડાયા છે. સાથે જ અમુક લોકો ફેકટરીની છત નીચે દબાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની પણ આશંકા સેવાઈ રહી છે.

ડીસા ફેકટરી આગ દુર્ઘટનાના પીડિતો માટે સરકારે સહાય જાહેર કરી

ડીસાની ફેકટરીમાં આગ દુર્ઘટનાના પીડિતો માટે સરકારે સહાયની જાહેરાત કરી છે.

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાહેરાત કરી હતી કે,"ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈજાગ્રસ્તોને ઝડપથી યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની સૂચના તંત્રને આપી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે."

ત્યારે કૉંગ્રેસે આગની વારંવાર બનતી ઘટનાઓ અંગે સવાલ ઉઠાવ્યા હતા અને પીડિતો માટે ઉદાર હાથે સહાયની માગ કરી હતી.

ગુજરાત કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઍક્સ પર લખ્યું છે કે, "માણસના જીવથી વધારે કિંમતી બીજું કંઈ જ ન હોય. આપણા ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. સુરતનો તક્ષશિલાકાંડ હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, સરકારે કોઈ બોધપાઠ ન લીધો. હું રાજકારણ કરવા નથી માગતો પણ શું આ સરકારની જવાબદારી નથી કે કોઈ ગુજરાતીનો જીવ ન જાય?"

"બનાસકાંઠાના ડીસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તેમને હું શ્રદ્ધાંજલી આપું છું. સરકાર તેમને આર્થિક મદદ પણ ઉદાર હાથે કરશે એવી આશા રાખું છું."

બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોરે શું કહ્યું

બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોરે જણાવ્યું હતું કે, "ડીસા મુકામે ફટાકડાની ફેકટરીમાં આગ લાગતા 18થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તમામના આત્માને શાંતિ મળે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું તેમજ એમના પરિવારજનો પર જે દુ:ખ આવી ચડયું છે એ દુ:ખ સહન કરવાની ઈશ્વર એમને શક્તિ આપે તેમજ દુ:ખની ઘડીમાં લોકસભાના સાંસદ તરીકે હું પરિવારની સાથે છું."

"ગુજરાતમાં આ પહેલાં પણ અનેકવાર આવી ઘટનાઓ બની છે. વહીવટીતંત્રની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે. અધિકારીઓ એનઓસી તો આપી દે છે પરંતુ પછી આવી દુર્ઘટના સર્જાય છે. સુરત તક્ષશિલા કાંડ, રાજકોટ અગ્નિકાંડ કે પછી મોરબી પુલકાંડ જેવી દુર્ઘટનાઓમાં નામ માત્રની તપાસ થાય છે."

"ડીસાની ઘટનામાં મૃતકોના પરિવારોને વધુમાં વધુ સરકારની મદદ મળે એવી મારી માગ છે. આ દુર્ઘટના માટે જવાબદાર તત્ત્વોને જેલના હવાલે કરવામાં આવે કે જેથી આવી દુર્ઘટના ભવિષ્યમાં ફરી ન સર્જાય."

ડીસાની ફેકટરીમાં આગ લાગી ત્યારે શું થયું હતું?

બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા પ્રમાણે, મૃતદેહો અને ઈજાગ્રસ્ત લોકોને વાહનોમાં લઈ જવાયા હતા. ધડાકાના કારણે કારખાનાની દીવાલો તૂટી ગઈ છે જેના પરથી તેની પ્રચંડ અસરનો ખ્યાલ આવે છે.

કારખાનામાં આગ અને ધડાકા પછી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બૂમાબૂમ શરૂ કરી હતી. મૃતક મજૂરોના સ્વજનો આક્રંદ કરી રહ્યા હતા.

આ ઘટના બની ત્યારે કારખાનામાં કેટલા મજૂરો હાજર હતા, સુરક્ષાની કોઈ વ્યવસ્થા હતી કે નહીં તેની સત્તાવાર માહિતી મળી શકી નથી.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, "આ ખૂબ જ દુખદ ઘટના છે. ઈજાગ્રસ્તોને તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે."

"ઘટનાસ્થળે પહોંચીને રિપોર્ટ આપ્યા બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે."

ભાર્ગવ પરીખ જણાવે છે કે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઘટનાસ્થળે જવા માટે રવાના થયા હતા અને સાંજે પોતાનો અહેવાલ સુપ્રત કરશે.

ડીસાની ફેટકરીમાં આગ લાગી ત્યારે કેટલા લોકો અંદર હતા?

બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા પ્રમાણે, રૅસ્ક્યૂ ઑપરેશન ચાલુ છે. આખો સ્લૅબ હઠાવવામાં આવશે, ત્યારે ચોક્કસ આંકડો મળશે. છ લોકોને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

સ્થાનિકોએ પઢિયારને જણાવ્યું હતું કે, 'અહીં ફટાકડાની ફેક્ટરી છે. ઘટના બની, ત્યારે તેમાં લગભગ 35 લોકો કામ કરી રહ્યા હતા. હજુ પણ કેટલાક મૃતદેહો સ્લૅબની નીચે હોવાની આશંકા છે, જેથી મૃત્યુઆંક વધી શકે છે.'

અન્ય એક વ્યક્તિએ કહ્યું કે ધુમાડાના કારણે ફેક્ટરીમાં જઈ શકાતું નથી.

ઘટનાસ્થળે ઉપસ્થિત એસડીએમ (સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ) નેહા પંચાલે મીડિયાને જણાવ્યું કે પ્રાથમિક માહિતી પ્રમાણે કારખાનામાં એક વિસ્ફોટ થયો હતો, જેના કારણે સ્લૅબ તૂટી પડ્યો હતો.

તેમણે કહ્યું કે રૅસ્ક્યૂ ઑપરેશન ચાલુ છે. આખો સ્લૅબ હઠાવવામાં આવશે, ત્યારે ચોક્કસ આંકડો મળશે. છ લોકોને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડના એક કર્મચારીએ જણાવ્યું કે, "અમને આગ લાગવાની જાણકારી મળતા અમે અહીં આવી ગયા. અહીં જોયું તો આગ લાગેલી હતી. ફાયર ફાઇટિંગ પછી આગ કાબૂમાં આવી ગઈ, પરંતુ અંદર લોકો દટાયેલા હતા."

તેમના કહેવા મુજબ ફેક્ટરીની અંદર પાંચથી છ લોકો હજુ દટાયેલા હોવાની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.