You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરદાર વલ્લભભાઈ પટેલની જમીન બારોબાર વેચી નાખવાનું કાવતરું કેવી રીતે ઘડાયું અને આરોપીઓને કેદની સજા થઈ
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતના પહેલા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જમીનના માલિક બની આખી જમીન વેચવાના મામલામાં ત્રણ લોકોને 28 માર્ચે જ મહેમદાવાદ પાંચ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે.
ખેડા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની માલિકીની જમીન વેચી નાખવાના મામલામાં ચાર આરોપીની ધરપકડ કરાઈ હતી. એક આરોપીનું કોર્ટ કેસ દરમિયાન મૃત્યુ થયું હતું.
આ મામલો મહેમદાવાદમાં આવેલી 1.39 હેક્ટર ખેતીની જમીનનો છે.
શું હતો સમગ્ર મામલો ?
મહેમદાવાદના ગાડવા ગામમાં જમીન સરદાર પટેલના નામે નોંધાયેલી હતી, એમને લોક કલ્યાણ માટે બનાવેલી ગુજરાત પ્રાંતીય સમિતિને આ જમીન આપી હતી.
વર્ષ 1932થી સરકારી ચોપડે આ જમીન ગુજરાત પ્રાંતીય સમિતિના પ્રમુખ વલ્લભભાઈ ઝવેરભાઈના નામથી નોંધાયેલી હતી. ગુજરાત પ્રાંતીય સમિતિ ગરીબ કલ્યાણ અને ગરીબ વિકાસ માટે કામ કરે છે. આ બિનરજિસ્ટર્ડ ટ્રસ્ટ છે.
ગુજરાત સરકાર દ્વારા ઈ-ધારા હેઠળ કૉમ્પ્યુટરમાં જમીનના માલિક અને વારસદારોની નોંધણી કરવામાં આવી હતી.
આ જમીન ઈ-ધારા હેઠળ 2004-2005માં નોંધવામાં આવી ત્યારે કૉમ્પયુટરમાં ઍન્ટ્રી કરનારની ભૂલને કારણે જમીનના માલિક તરીકે ગુજરાત પ્રાંતીય સમિતિ પ્રમુખ વલ્લભભાઈ ઝવેરભાઈના બદલે, માત્ર વલ્લભભાઈ ઝવેરભાઈના નામે નવી શરત હેઠળ નોંધાયેલી હતી.
વર્ષ 2009માં સુધારો કરી આ જમીન નવી શરત હેઠળ મૂકવાને બદલે જૂની શરત હેઠળ મૂકવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જમીનના માલિક તરીકે હીરાભાઈ ડાભીએ પોતે અમદાવાદના સિંગરવા ગામમાં રહેતા હોવાના ખોટા દસ્તાવેજ બનાવી પોતે વલ્લભભાઈ ઝવેરભાઈ હોવાના કાગળ પર પુરાવા ઊભા કર્યા હતા, ત્યાર બાદ એમના જ કૌટુંબિક સગાં ભૂપેન્દ્ર ડાભીને અઢી લાખમાં વેચી હોવાનો દસ્તાવેજ કરી દીધો હતો.
દસ્તાવેજ થયા પછી ભૂપેન્દ્ર ડાભીએ આ જમીન પર બાપ દાદાના સમયથી ખેતી કરી રહેલા ભેમાભાઈ ચૌહાણને પોતે આ જમીન ખરીદી હોવાથી ખેતી કરવા માટે મનાઈ કરી હતી.
ભેમાભાઈ ચૌહાણે તુરંત જ આ જમીન વેચાઈ હોવાની ટ્રસ્ટી દિનશા પટેલને જાણ કરી હતી.
આ દરમિયાન મહેમદાવાદમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ભારત શર્મા પાસે જમીન ભૂપેન્દ્ર ડાભીના નામે કરવાની અરજી આવતા એમને આ મામલો શંકાસ્પદ લાગ્યો હતો, કારણ કે 2009માં આ જમીન નવી શરતમાં દાખલ કરવાને બદલે જૂની શરતમાં રાખવાનો આદેશ અપાયો હતો.
આ જમીન સરદાર વલ્લભભાઈ પટેલના નામે હોવાની જાણકારી મળતાં તારીખ 13 જુલાઈ 2012માં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
જમીન વેચાયાં પછી શું કાર્યવાહી થઈ ?
સરદાર વલ્લભભાઈ પટેલની જમીન વેચાયાની જાણ થતાં પોલીસે સરદાર પટેલ બની ગયેલા હીરાભાઈ ડાભી તથા દેસાઈભાઈ ડાભી અને પ્રતાપ ચૌહાણની તાત્કાલિક ધરપકડ કરી હતી, એટલું જ નહીં પણ તમામ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરી ચાર્જશીટ ફાઇલ કરતા પહેલાં તમામ પુરાવા ફૉરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
પોલીસ તપાસમાં ખબર પડી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલના બનાવટી દસ્તાવેજો બનવનાર ભૂપેન્દ્ર ડાભીના કૌટુંબિક સગાં હતાં અને એ અમદાવાદના સિંગરવામાં નહીં પણ ખેડાના અરાલ ગામમાં રહેતા હતા, આ ઉપરાંત તમામ પુરાવા અસલ જેવા બનાવ્યા હતા અને હીરાભાઈના ડાબા અંગૂઠાની સહી લીધેલી હતી. જે ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પુરાવા તરીકે મોકલવામાં આવી હતી.
પોલીસ અનુસાર 13 ઑક્ટોબર 2012ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે તરત આ કેસની સુનાવણી શરૂ કરી હતી.
કોર્ટમાં કયા પુરાવાઓ રજૂ થયા?
મહેમદાવાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરતાંની સાથે જ કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી.
સરકારી વકીલ કે.એ. સુથારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "આ કેસમાં 61 મજબૂત પુરાવા હતા જેમાં દસ્તાવેજ સાથે ચેડાં થયાના પુરાવા હતા."
"આ ઉપરાંત ગામના સરપંચ, નોટરી અને જમીનના દસ્તાવેજ બનાવનારની ઊલટ તપાસમાં બહાર આવ્યું હતું કે ભૂપેન્દ્ર ડાભીએ પોતે દસ્તાવેજ કરવા માટે સ્ટૅમ્પ વેન્ડર દિનેશ ગોહિલ પાસેથી પાંચ હજારના બે અને એક હજારના ત્રણ એમ પાંચ સ્ટૅમ્પ પેપર પોતાની સહી કરીને લીધાં હતાં જે ફૉરેન્સિક લેબોરેટરીના રિપોર્ટના આધારે પુરવાર થયું હતું."
કે.એ સુથારે વધુમાં જણાવ્યું હતું કે,"આ સ્ટૅમ્પ પેપર પર સરદાર વલ્લભભાઈ પટેલના નામના ખોટા દસ્તાવેજ તો કર્યા હતા પણ દસ્તાવેજ થાય ત્યારે સાક્ષીમાં પણ દેસાઈભાઈ ડાભીએ પોતાનું નામ બદલી શાનાભાઈ ડાભી રાખ્યું હતું."
આ ઉપરાંત ભૂપેન્દ્ર ડાભીએ નરેશ મકવાણા નામના વકીલ પાસે વૃદ્ધ હીરાભાઈને સિંગરવાના ખેડૂત તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. શાનાભાઈ અને પ્રતાપ ચૌહાણે એમાં સાક્ષી તરીકે સહી કરી હતી, પણ આ ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે એમને કહ્યું ન હતું કે આ જમીન સરદાર વલ્લભભાઈ પટેલની છે.
આમ તમામ સાક્ષી અને દસ્તાવેજી પુરાવાના આધારે મહેમદાવાદ કોર્ટના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિશાલ ત્રિવેદીએ ત્રણ આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે, જયારે એક આરોપી હીરાભાઈનું કેસ ચાલુ હતો એ દરમ્યાન મૃત્યુ થયું છે.
ચુકાદો આપતા જજે શું કહ્યું, શું કહે છે આરોપીના વકીલ?
મહેમદાવાદના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિશાલ ત્રિવેદીએ તમામ સાક્ષી અને પુરાવાને જોયા પછી ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "લોક કલ્યાણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલી જમીન આ રીતે કાવતરું કરી વેચી નાખવાનો પ્રયાસ થાય એ ગંભીર બાબત છે માટે એમને સંસ્થાની જમીન પચાવી પાડવા, ગુનાહિત કાવતરું કરવા, એક મંડળી બનાવી છેતરપિંડી કરવા અને વિશ્વાસઘાત કરવા જેવા ચાર ગુનામાં માફ કરી શકાય એમ નથી, માટે એમને પાંચ વર્ષની સખ્ત કેદની સજા કરવામાં આવે છે."
આરોપીના વકીલ ટી.એ.વ્હોરાનો સંપર્ક સાધતા એમને 83 પાનાંના આ ચુકાદાનો સંપૂર્ણ અભ્યાસ કર્યો નહીં હોવાથી કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન