You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઘિબલી શું છે જે તમારી તસવીરને કાર્ટૂનમાં બદલી નાખે છે?
- લેેખક, અમૃતા પ્રસાદ
- પદ, બીબીસી તમિલ
છેલ્લા કેટલાક દિવસોથી તમે સોશિયલ મીડિયા પર આ પ્રકારના સેંકડો કાર્ટૂન જોયા હશે.
સોશિયલ મીડિયા યૂઝર્સ આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ ચેટબૉટનો ઉપયોગ કરીને પોતાની તસ્વીરોને કાર્ટૂનમાં બદલીને પોસ્ટ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘિબલી આર્ટ નામનો ટ્રેન્ડ દાવાનળની જેમ ફેલાયો છે.
ઘિબલી શું છે? કોણે ઘિબલી આર્ટ બનાવવાની શરૂઆત કરી? ઇન્ટરનેટ પર ઘિબલી આર્ટ કેમ લોકપ્રિય થઈ રહ્યા છે?
ઘિબલી શું છે?
ઘિબલી સ્ટુડિયો નામની ઍનિમેશન ફિલ્મ નિર્માણ કંપનીની સ્થાપના 1985માં જાપાનમાં દિગ્દર્શકો હયાઓ મિયાઝાકી અને ઈસાઓ તાકાહાટા તથા પ્રોડ્યુસર તોશિયો સુઝુકીએ કરી હતી.
આ કંપનીની અનોખી કલાકૃતિઓને ઘિબલી ફિલ્મ કહેવામાં આવે છે.
ઘિબલી સ્ટુડિયોમાં બનેલી ફિલ્મોમાં જાપાની લોકોનું દૈનિક જીવન ધબકતું જોવા મળતું હતું. આ ફિલ્મોએ સિનેમાને એક અલગ ઊંચાઈ આપી.
આ ફિલ્મોમાં ઉપયોગમાં લેવાતા રંગોએ કહાનીની ભાવના અને પાત્રોની ભાવનાને વ્યક્ત કરી. જેનાથી ઘિબલી ફિલ્મો દર્શકોના વિશાળ સમૂહ સુધી પહોંચવામાં સફળ બની શકી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માય નેબર ટોડોરો, પ્રિન્સેસ મોનોનેકે અને સ્પિરિટેડ અવે સ્ટુડિયો ઘિબલીની કેટલીક પ્રસિદ્ધ ઍનિમેશન ફિલ્મો છે.
ઘિબલી પદ્ધતિનો ઍનિમેશન ફિલ્મો પર વ્યાપક પ્રભાવ પડ્યો છે. કેટલાય ઍનિમેશન ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ પોતાના કામમાં ઘિબલી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ફિલ્મો, ટેલી એડ અને શૉર્ટ ફિલ્મો ઘિબલી શૈલીમાં બનાવવામાં આવી.
અત્યારે ઘિબલી ટ્રેન્ડ લોકપ્રિય કેમ છે?
જે ઘિબલી પદ્ધતિ 40 વર્ષોથી પ્રચલિત છે એ અચાનક કેમ લોકપ્રિય બની રહી છે. આનું કારણ ચૅટજીપીટી છે.
ચૅટજીપીટી ચૅટબૉટમાં એક નવું અપડેટ (gpt-4o) પ્રસ્તુત કર્યું છે. આ માધ્યમથી યૂઝર્સ ફોટો અપલોડ કરી શકે છે અને તેને ઍનિમેટેડ શૈલીમાં બદલી શકે છે.
સોશિયલ મીડિયા યૂઝર્સ ઉપરાંત સચીન તેંડુલર જેવી હસ્તીઓ પણ ઘિબલી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.
કેટલીક કંપનીઓ ઍડ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે.
આ નવું અપડેટ સંચાલન કરવામાં સરળ અને યૂઝર્સ માટે સુવિધાજનક હોવાથી ઘિબલી ટ્રેન્ડ આટલો લોકપ્રિય થયો છે.
વર્તમાન સમસ્યા શું છે?
જેમ-જેમ કૃત્રિમ બુદ્ધિમતા દ્વારા નિર્મિત ઘિબલી તસ્વીરો સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે એમ લોકો તેનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે.
ચૅટબૉટ બનાવનારી કંપની ઓપન એઆઈના સીઈઓ સૅમ ઑલ્ટમેને કહ્યું કે, આ કારણે ચૅટબૉટનું કામકાજ વધી ગયું છે.
ત્યાં સુધી કે એમના ઍક્સ-સાઇટ અકાઉન્ટના કવર ઇમેજ તરીકે પણ ઘિબલીની તસ્વીર છે.
સૅમ ઑલ્ટમેને 27 માર્ચના ઍક્સ સાઇટ પર એક પોસ્ટમાં લખ્યું, "આ જોઈને બહુ ખુશી અનુભવાય છે કે લોકો ચૅટજીપીટીમાં આ પ્રકારની તસ્વીરો બનાવી રહ્યા છે. પણ જીપીયૂ (ગ્રાફિક્સ કાર્ડ) ખૂબ ગરમ થઈ રહ્યાં છે અને પિગળી રહ્યાં છે. એટલે અમે આ કાર્યક્ષમતામાં સુધાર લાવવા સુધી કેટલાક પ્રતિબંધો લગાવી રહ્યા છીએ."
આ પછી ચૅટજીપીટીએ મફતમાં ચૅટજીપીટીનો ઉપયોગ કરતા હોય એ લોકો માટે રોજની ત્રણ ઘિબલી ઇમેજ બનાવવાની પરવાનગી આપી છે.
જ્યારે લોકો આનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સૅમ ઑલ્ટમેને ઍક્સ સાઇટ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'મહેરબાની કરીને ઓછી ઇમેજ બનાવો, ઓ વધારે પડતું છે.'
શું આનાથી વ્યક્તિગત અધિકારો અને બૌદ્ધિક સંપતિના અધિકારોનું હનન થાય છે?
ઓપન એઆઈના સીઈઓ સૅમ ઑલ્ટમૅનનું માનવું છે કે એઆઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી કલાકૃતિઓ વાસ્તવિક કલાકારોએ બનાવેલી કૃતિઓ સાથે સ્પર્ધામાં ઊતરશે. 2023થી તેઓ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે એઆઈ ઉપકરણો દ્વારા નિર્મિત કાર્યો પર કોનો અધિકાર છે એ સંબંધે સ્પષ્ટ કાયદાઓ અને નીતિની જરૂરિયાત છે.
એમની ઓપન એઆઈ કંપની ઘણા દેશોમાં મુકદ્દમાઓનો સામનો કરી રહી છે. કેટલીક કંપનીઓ અને કલાકાર ઓપન એઆઈ પર એમની કૉપીરાઇટવાળી છબીઓ, લેખો અને અન્ય કૃતિઓનો પરવાનગી વગર ઉપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.
માર્ચની શરૂઆતમાં હૉલિવૂડના 400થી વધારે અભિનેતાઓ, નિર્દેશકો અને અન્ય સર્જકોએ અમેરિકન સરકારને પત્ર લખીને માંગ કરી હતી કે કૉપીરાઇટ કાયદાઓ એઆઈ પર પણ લાગુ કરવામાં આવે.
એવામાં હવે સ્ટુડિયો ઘિબલીના સંસ્થાપક હયાઓ મિયાઝાકીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં તેમણે કહ્યું, 'એઆઈ માણસની સાચી ભાવનાઓને સમજી શકતું નથી. હું મારા કામમાં આ ટેકનીકનો ક્યારેય ઉપયોગ નહીં કરું. આ માનવજીવનનું અપમાન છે.'
આ હયાઓ મિયાઝાકી કોણ છે?
હયાઓ મિયાઝાકીને જાપાન ઍનિમેશન ઉદ્યોગના જનક માનવામાં આવે છે. એમના દ્વારા બનાવવામાં આવેલી એનિમેશન ફિલ્મોને દુનિયાભરમાં વ્યાપક પ્રશંસા મળી છે.
એમની ફિલ્મોમાં પ્રકૃતિનું મહત્ત્વ, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ અને યુદ્ધની ભયાવહતા જેવા વિષયો પર આધારિત હોય છે.
2003ની ફિલ્મ સ્પિરિટેડ અવે માટે સર્વશ્રેષ્ઠ ઍનિમેશન ફીચર ફિલ્મનો એકૅડેમી પુરસ્કાર અને ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. એમને 2015માં લાઇફટાઇમ એચિવમેન્ટ માટે પણ એકૅડેમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન