બૉમ્બે ટૉકીઝ : એ સ્ટુડિયો, જ્યાં ફિલ્મોનાં શૂટિંગ માટે રાજા-મહારાજાઓએ મહેલો, હાથી-ઘોડા આપી દીધા

    • લેેખક, યાસિર ઉસ્માન
    • પદ, ફિલ્મ ઇતિહાસકાર, બીબીસી માટે

બ્લૉકબસ્ટર… સ્ટાર… મસાલા ફિલ્મ… આ બધા શબ્દ આજે ફિલ્મો સાથે સંકળાયેલા કોઈ પણ ઉલ્લેખમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. આજની કહાણી એ ફિલ્મ સ્ટુડિયોની છે જ્યાંથી તેની શરૂઆત થઈ. જ્યાંથી ખરા અર્થમાં પહેલી મસાલા, બ્લૉકબસ્ટર હિન્દી ફિલ્મ અને પહેલા મોટા સ્ટાર મળ્યા.

સ્ટુડિયો, જેનું નામ હતું, બૉમ્બે ટૉકીઝ. એ બૉમ્બે ટૉકીઝ, જેણે માત્ર 1930 અને 1940ના દાયકાની જ કેટલીક સૌથી મોટી હિન્દી ફિલ્મો ન બનાવી, બલકે, અશોકકુમાર, દિલીપકુમાર અને મધુબાલા જેવા સ્ટાર્સની કરિયરે પણ અહીંથી ઉડાન ભરી.

આગામી વર્ષોમાં જે પ્રકારની કૉમર્શિયલ ફિલ્મોથી હિન્દી સિનેમાની ઓળખ ઊભી થઈ, એ ફિલ્મોનાં ફૉર્મેટ—ગીત, ડ્રામા, રોમાન્સ અને મોટા સંઘર્ષ—એટલે કે એ ફૉર્મ્યુલા જે આજ સુધી બૉલીવૂડ બ્લૉકબસ્ટર્સનો ભાગ છે, તેનો પાયો પણ આ જ બૉમ્બે ટૉકીઝમાં નંખાયો હતો.

એક બીજું ખાસ પાસું, જેની વાત ઓછી થાય છે તે એ કે, 1934માં શરૂ થયેલો બૉમ્બે ટૉકીઝ દેશનો પહેલો કૉર્પોરેટ ફિલ્મ સ્ટુડિયો હતો. તે એક ખૂબ સંગઠિત અને આત્મનિર્ભર સ્ટુડિયો હતો, જેમાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સ હતા. આ સ્ટુડિયોના કાયદેસર શૅર ઇસ્યૂ કરવામાં આવ્યા. નફો થયો તો ડિવિડન્ડ અને બૉનસ સુધ્ધાં આપવામાં આવ્યું. આ સ્ટુડિયો સ્ટૉક એક્સ્ચેન્જમાં પણ લિસ્ટેડ હતો.

બૉમ્બે ટૉકીઝની કહાણી શું છે?

બૉમ્બે ટૉકીઝ જે વ્યક્તિના સપનાનું પરિણામ હતો, તેમનું નામ છે હિમાંશુ રાય. રાય એક અમીર બંગાળી પરિવારમાં જન્મ્યા હતા. એવો પરિવાર જેમની પાસે તે સમયે એક ખાનગી થિયેટર પણ હતું. કહાણી શરૂ થાય છે લંડનથી.

કલકત્તાથી કાયદાની ડિગ્રી મેળવી લીધા પછી વકીલ બનવા માટે હિમાંશુ રાય લંડન પહોંચ્યા હતા. પરંતુ, ત્યાં તેમને થિયેટરનો ચસ્કો લાગી ગયો. તેઓ નાટકોમાં અભિનય કરવા લાગ્યા અને લંડનના મશહૂર વેસ્ટએન્ડમાં પણ કામ કર્યું. અહીં તેમની મુલાકાત નાટ્યકાર નિરંજન પાલ સાથે થઈ.

નિરંજન જાણીતા સ્વતંત્રતાસેનાની બિપિનચંદ્ર પાલના પુત્ર હતા અને લંડનમાં થિયેટરની દુનિયામાં સારું નામ કમાઈ રહ્યા હતા. ખેર! નિરંજન પાલે હિમાંશુ રાયને પોતાના નાટક 'ધ ગૉડેસ'ના હીરો બનાવી દીધા.

ત્યાર પછી, 1922માં હિમાંશુએ ભણવાનું છોડી દીધું અને બૅરિસ્ટર બનવાના બદલે એક થિયેટર ગ્રૂપ બનાવી નાખ્યું. તેનું નામ 'ધ ઇન્ડિયન પ્લેયર્સ' રાખ્યું અને બ્રિટનમાં જુદી જુદી જગ્યાએ શો કર્યા.

હિમાંશુ રાય પડદા પર આવ્યા

હિમાંશુ રાય ફિલ્મો બનાવવા ઇચ્છતા હતા. તે સમયની યુરોપીય ફિલ્મોમાં સંસ્થાનવાદી માનસિકતા હેઠળ ભારતીયોને એક વિચિત્ર સ્ટીરિઓટાઇપ રૂપે બતાવવામાં આવતા હતા.

હિમાંશુ રાય ઇચ્છતા હતા કે તેઓ ભારતીય સમાજની સચ્ચાઈને બતાવનારી એક નવી સિનેમાની ભાષા બનાવે, જે પૂર્ણ રૂપે ભારતીય હોય પરંતુ તેમાં આધુનિકતાની છાપ હોય અને તકનીકની રીતે યુરોપીય ફિલ્મોની સાથે ઊભી રહી શકે.

આ ઇરાદા સાથે તેમણે મૂગી ફિલ્મ 'ધ લાઇટ ઑફ એશિયા' (હિન્દી નામ 'પ્રેમ સંન્યાસ') બનાવવાનો નિર્ણય કર્યો, જે ગૌતમ બુદ્ધની કહાણી પર આધારિત હતી.

તેની સ્ક્રિપ્ટ નિરંજન પાલે લખી હતી. 1924માં તેઓ પાલની સાથે જર્મનીના મ્યૂનિખ ગયા, જ્યાં તેમણે એમેલ્કા સ્ટુડિયોઝને પોતાની સાથે ફિલ્મ કો-પ્રોડ્યૂસ કરવા માટે મનાવી લીધો.

નક્કી થયું કે, ટેક્‌નિકલ ક્રૂ અને સાધનો એમેલ્કાનાં હશે, જ્યારે બજેટ, ભારતીય કલાકારો અને લોકેશનની વ્યવસ્થા હિમાંશુ રાયે કરવાની રહેશે.

હિમાંશુ અને નિરંજને થોડાક જ મહિનામાં મુંબઈમાંથી પૈસા એકઠા કરી લીધા. ગૌતમ બુદ્ધની ભૂમિકા ખુદ હિમાંશુ રાયે ભજવી અને જર્મન ફિલ્મકાર ફ્રૅંઝ ઑસ્ટેનની સાથે ફિલ્મનું સહ-દિગ્દર્શન પણ સંભાળ્યું.

રાજાઓએ પોતાના હાથી, ઘોડા અને કિલ્લા આપ્યા

1925માં રિલીઝ થયેલી તે પહેલી ભારતીય ફિલ્મ હતી જેને આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવામાં આવી. તેણે પહેલી વખત ગૌતમ બુદ્ધની કહાણીને પશ્ચિમી દર્શકો સુધી પહોંચાડી – એ દર્શક, જેમને રાય પ્રભાવિત કરવા માગતા હતા.

ત્યાર પછી, રાયે જર્મનીના પ્રખ્યાત યુએઇએ એ સ્ટુડિયોની સાથે મળીને તાજમહલ પર આધારિત પ્રેમકહાણી 'શીરાઝ' (1928) અને મહાભારતના એક પ્રસંગ પર 'એ થ્રો ઑફ ડાઇસ' (1929) ફિલ્મો બનાવી.

ત્રણે ફિલ્મોનું દિગ્દર્શન જર્મન ડાયરેક્ટર ફ્રૅંઝ ઑસ્ટેને કર્યું અને હીરો હિમાંશુ રાય જ હતા. આ ફિલ્મોનું મોટા ભાગનું આઉટડોર શૂટિંગ ભારતમાં જ થયું હતું. રાયની વિનંતીથી અનેક રાજાઓએ પોતાના મહેલ, કિલ્લા, હાથી-ઘોડા, એટલે સુધી કે એક્સ્ટ્રા તરીકે જનતાને પણ શૂટિંગ માટે ઉપલબ્ધ કરાવ્યાં.

આ અનોખા શૂટિંગને યાદ કરતાં દિગ્દર્શક ફ્રૅંઝ ઑસ્ટેને પોતાની ડાયરીમાં લખ્યું, "પૂજારીઓ અને ભિખારીઓની ભૂમિકા એવા લોકો ભજવતા હતા, જેઓ વાસ્તવિક જીવનમાં એ જ કામ કરતા હતા. બીજા દિવસે મારે એક એવા માણસની જરૂર હતી, જેનું ફિલ્મમાં મૃત્યુ થાય છે. મારા આસિસ્ટન્ટ ડાયરેક્ટર એક એવા માણસને લઈ આવ્યા જેઓ ખૂબ મુશ્કેલીથી શ્વાસ લઈ શકતા હતા. હું ખૂબ જ ગભરાઈ ગયો, પરંતુ તે વ્યક્તિ પોતે બોલ્યા કે, કોઈ પણ સંજોગમાં તેઓ કાલ સુધી મરી જશે અને પછી શૂટિંગ બિલકુલ સાચું લાગશે. એ વ્યક્તિ એ સીનના શૂટિંગના બે દિવસ પછી મરી ગયા."

શૂટિંગ પછી ફિલ્મોના નૅગેટિવ જર્મની લઈ જઈને પ્રોસેસ અને ઍડિટ કરવામાં આવ્યા. ભારતીય સંસ્કૃતિને વિદેશી દૃષ્ટિએ બતાવતી આ ફિલ્મો બ્રિટન અને જર્મનીમાં ખૂબ ચર્ચિત રહી, પરંતુ, ભારતમાં ન ચાલી, જેનાથી રાય નિરાશ થયા.

જોકે, ત્રીજી ફિલ્મ 'એ થ્રો ઑફ ડાઇસ' (હિન્દી નામ 'પ્રપંચ પાશ')ના નિર્માણ દરમિયાન મહત્ત્વની ઘટનાઓ બની, જેનાથી રાયનાં જીવન અને કરિયરનો માર્ગ બદલાઈ ગયો.

દેવિકા રાની સાથે મુલાકાત

લંડનના એક આર્ટ સ્ટુડિયોમાં કામ કરતાં ફૅબ્રિક ડિઝાઇનર દેવિકા રાની સાથે હિમાંશુ રાયની મુલાકાત થઈ. પશ્ચિમી શૈલીમાં ઢળેલાં દેવિકા રવીન્દ્રનાથ ટાગોરના પરિવાર સાથે સંબંધ ધરાવતાં હતાં, પરંતુ નવ વર્ષની ઉંમરથી જ તેઓ ઇંગ્લૅન્ડમાં રહેતાં હતાં.

બિન્દાસ, બેબાક અને ગ્લૅમરસ દેવિકા પહેલી નજરે જ હિમાંશુને ગમી ગયાં અને હિમાંશુએ તેમને 'એ થ્રો ઑફ ડાઇસ'ના સેટ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા માટે બોલાવી લીધાં.

હિમાંશુ પહેલાંથી જ પરિણીત હતા અને મૅરી હૅનલિન નામનાં તેમનાં જર્મન પત્ની હતાં, જેઓ એક અભિનેત્રી અને ડાન્સર હતાં, પરંતુ આ ફિલ્મમાં કામ કરતાં કરતાં હિમાંશુ અને દેવિકાને પ્રેમ થયો અને 1929માં બંનેએ લગ્ન કરી લીધાં.

દેવિકા ઉંમરમાં હિમાંશુ કરતાં લગભગ 15 વર્ષ નાનાં હતાં. આ જ ફિલ્મના નિર્માણ દરમિયાન હિમાંશુના અંગત જીવનની સાથોસાથ ફિલ્મોની દુનિયામાં પણ એક મોટી ઘટના બની ચૂકી હતી. હૉલીવૂડમાં દુનિયાની પહેલી બોલતી ફિલ્મ 'ધ જૅઝ સિંગર' રિલીઝ થઈ ગઈ હતી.

'કર્મા' અને કિસિંગ સીન

બોલતી ફિલ્મોનો દૌર આવી ચૂક્યો હતો. હિમાંશુ રાયે પોતાની પછીની ફિલ્મ 'કર્મા'ને બે ભાષા (હિન્દી અને અંગ્રેજી)માં બનાવવાનો નિર્ણય કર્યો. યુરોપમાં નામ કમાઈ ચૂકેલા રાયની ફિલ્મોને હજુ સુધી ભારતમાં સફળતા નહોતી મળી.

તેઓ 'કર્મા' દ્વારા બૉમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એ બતાવવા માગતા હતા કે, ભારતીય કહાણી પર બનેલી ફિલ્મ પણ હૉલીવૂડના સ્તરની હોઈ શકે છે.

'કર્મા'માં હીરોઇન તરીકે ગ્લૅમરસ દેવિકા રાનીને લેવામાં આવ્યાં. જોકે, દેવિકાની આ પહેલી ફિલ્મ હીરો તરીકે હિમાંશુ રાયની છેલ્લી ફિલ્મ સાબિત થઈ.

આ ફિલ્મમાં બંને પડોશી રાજ્યના શાસકોના રોલમાં હતાં, જેમને એકબીજાં સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં બંનેનો ખૂબ જ ચર્ચિત અને હવે સિનેમાના ઇતિહાસમાં નોંધાઈ ચૂકેલો કિસિંગ સીન પણ હતો.

આ 'કિસ' સીનને હંમેશાં હિન્દી ફિલ્મોનું પહેલું 'લિપલૉક' અને હિન્દી ફિલ્મોનો 'સૌથી લાંબો કિસ સીન' ગણવામાં આવે છે, પરંતુ આ બંને વાતો ખોટી છે. તે સમયે ભારત પર અંગ્રેજોનું શાસન હતું અને તે સમયગાળાની કેટલીક બીજી ફિલ્મોમાં પણ કિસ સીન હતા.

કર્માનું મોટા ભાગનું શૂટિંગ ભારતમાં થયું, પરંતુ, તેને પૂર્ણ થવામાં બે વર્ષ કરતાં વધુ સમય લાગ્યો. કારણ હતું તેના નિર્માણ દરમિયાન આવેલું ગ્રેટ ડિપ્રેશન, જેના લીધે આખી દુનિયામાં આર્થિક સંકટ આવ્યું હતું.

આખરે, મે 1933માં 'કર્મા' ફિલ્મના અંગ્રેજી વર્ઝનનું પ્રીમિયર લંડનમાં થયું. ફિલ્મ વધુ ચાલી તો નહીં, પરંતુ, દેવીકા રાનીની સુંદરતા અને તેમના અંગ્રેજી ઉચ્ચારોની ખૂબ પ્રશંસા થઈ.

પછી, આ જ વર્ષે નાઝી પાર્ટી સત્તામાં આવ્યા પછી હિમાંશુ રાયના જર્મનીમાં બનેલા ફિલ્મી નેટવર્ક પર અસર થઈ. તેમણે નિર્ણય કરી લીધો કે આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માણના બદલે હવે તેઓ ભારતના ઘરેલુ ફિલ્મ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

1933ના અંતમાં, હિમાંશુ રાય અને દેવિકા રાની ભારત પાછાં ફર્યાં. તેઓ પોતાની સાથે ફિલ્મ 'કર્મા'નું હિન્દી વર્ઝન પણ લેતાં આવ્યાં. 27 જાન્યુઆરી 1934એ 'કર્મા' મુંબઈમાં રિલીઝ થઈ અને ફ્લૉપ થઈ ગઈ.

હૉલીવૂડ સ્ટાઇલના 'બૉમ્બે ટૉકીઝ'ની સ્થાપના

અત્યાર સુધી પુણેમાં પ્રભાત ફિલ્મ કંપની અને કલકત્તામાં ન્યૂ થિયેટર્સ જેવા સ્ટુડિયો શરૂ થઈ ચૂક્યા હતા. રાયનું સપનું હતું કે તેઓ મુંબઈમાં હૉલીવૂડ જેવો મોટો સ્ટુડિયો બનાવે, જે ફિલ્મ ઉદ્યોગનું ખરું કેન્દ્ર બની શકે.

ફિલ્મોના ફંડિંગની સમસ્યા હંમેશાં રહેતી હતી. મોટા ભાગના પૈસા પારંપરિક શાહુકારો પાસેથી લેવામાં આવતા હતા. તેમની શરતો આકરી રહેતી હતી અને તેઓ ફિલ્મ વ્યવસાયને સમજતા પણ નહોતા.

રાયનું માનવું હતું કે, ફિલ્મ નિર્માણને એક સંગઠિત અને વ્યાવસાયિક રૂપ આપવામાં આવે, જેનાથી પૈસા ભેગા કરવા માટે વધુ વિશ્વાસપાત્ર અને ઔપચારિક રીતોનો ઉપયોગ થાય.

વાત માત્ર પૈસાની નહોતી; તેઓ ફિલ્મ ઉદ્યોગને ક્રીએટિવ બિઝનેસ તરીકે સમાજમાં એક સન્માનજનક દરજ્જો અપાવવા માગતા હતા.

આ જ ઝનૂન સાથે સ્ટુડિયો માટે જમીન શોધવાની શરૂઆત થઈ. તેમની આ શોધ પૂરી થઈ મુંબઈના બહારના વિસ્તાર મલાડમાં. મુંબઈના મોટા બિઝનેસમૅન રાજનારાયણ દુબેએ નાણાં રોક્યાં.

સાઉન્ડપ્રૂફ શૂટિંગ ફ્લૉર, ઍડિટિંગ રૂમ્સ અને પ્રિવ્યૂ થિયેટર ધરાવતો મૉડર્ન સ્ટુડિયો બનીને તૈયાર થયો, જેને નામ આપવામાં આવ્યું બૉમ્બે ટૉકીઝ લિમિટેડ.

નિરંજન પાલ પણ ફાઉન્ડિંગ ટીમનો મહત્ત્વનો ભાગ હતા.

દેશનો સૌથી આધુનિક ફિલ્મ સ્ટુડિયો બનાવવાના સપના પર કામ કરતા રહીને બૉમ્બે ટૉકીઝે જર્મનીથી આધુનિક ઉપકરણો ખરીદ્યાં અને જર્મન તથા બ્રિટિશ પ્રોફેશનલ્સને પોતાની સાથે જોડી લીધા, જેમાં સિનેમૅટોગાફર જોસેફ વીર્શિંગ, આર્ટ ડાયરેક્ટર કાર્લ વૉન સ્પ્રેટ્ટી અને દિગ્દર્શક ફ્રૅંઝ ઑસ્ટેન સામેલ હતા.

હૉલીવુડની જેમ, હિમાંશુ અને દેવિકા ક્રીએટિવ કામ પર ધ્યાન આપતાં હતાં, જ્યારે ફાઇનાન્સ અને બિઝનેસ સંભાળવા માટે અલગ ટીમ હતી, જેની ‌‌જવાબદારી રાજનારાયણ દુબેની હતી.

નક્કી કરવામાં આવ્યું કે, બૉમ્બે ટૉકીઝની ફિલ્મોમાં હીરોઇન દેવિકા રાની જ રહેશે; પરંતુ, પહેલી જ ફિલ્મમાં સ્કૅન્ડલ થઈ ગયું.

'જવાની કી હવા'

બૉમ્બે ટૉકીઝની પહેલી ફિલ્મ એક થ્રિલર મર્ડર-મિસ્ટ્રી હતી. નામ હતું 'જવાની કી હવા'. ફિલ્મના હીરો ખૂબ જ હૅન્ડસમ નજમુલ હસન હતા, જેમને ખુદ હિમાંશુ રાયે જ પસંદ કર્યા હતા.

લેખક ભાઈચંદ પટેલે પોતાના પુસ્તક 'ટૉપ 20: સુપરસ્ટાર્સ ઑફ ઇન્ડિયન સિનેમા'માં લખ્યું છે, "હસન ઊંચા અને આકર્ષક વ્યક્તિત્વવાળા નવયુવાન હતા અને લખનઉના નવાબી ખાનદાન સાથે સંબંધ ધરાવતા હતા. બૉમ્બે ટૉકીઝે તેમની સાથે ઘણી ફિલ્મ માટે કરાર કર્યો હતો."

સ્ટુડિયો સ્થાપવાના ઝનૂનમાં હિમાંશુ રાય દરેક સમયે કામમાં વ્યસ્ત રહેવા લાગ્યા હતા. બીજી તરફ, સ્ટુડિયોમાં અફવા ફેલાઈ ગઈ હતી કે, તેમનાં યુવા પત્ની દેવિકાનો અફેર ચાલી રહ્યો છે.

ભાઈચંદ પટેલે લખ્યું છે, "નિરંજન પાલનો આરોપ છે કે, ફિલ્મ 'જવાની કી હવા'ના શૂટિંગ દરમિયાન દેવિકા પોતાના સહ-કલાકારની નજીક આવી ગયાં હતાં."

મુંબઈથી ગાયબ થયેલાં દેવિકા–નજમુલ કલકત્તામાં મળ્યાં

1935માં રિલીઝ થયેલી 'જવાની કી હવા' અને દેવિકા–નજમુલની જોડી હિટ રહી. આ જ જોડીની સાથે પછીની ફિલ્મ 'જીવન નૈયા'નું શૂટિંગ પણ શરૂ કરી દેવાયું હતું.

પરંતુ, શૂટિંગ દરમિયાન અચાનક દેવિકા અને નજમુલ અદૃશ્ય થઈ ગયાં. જ્યારે એવી ખબર પડી કે દેવિકા નજમુલ હસન સાથે કલકત્તામાં છે, ત્યારે સ્કૅન્ડલ થઈ ગયું.

આખરે, બંને કલકત્તાની ગ્રાન્ટ હોટલમાંથી મળ્યાં. દેવિકા સ્ટુડિયોનાં મોટાં હીરોઇન હતાં. રાયના નિકટના સહયોગી શશાધર મુખરજી કોઈક રીતે દેવિકાને મનાવીને પાછાં લઈ આવ્યા.

પરંતુ, ત્યાર પછી રાય અને દેવિકા બંનેનો સંબંધ પહેલાં જેવો ન રહ્યો. નજમુલ હસનને નોકરીમાંથી કાઢી મૂકીને, તેમની સાથે શૂટ કરવામાં આવેલી રીલ્સ નષ્ટ કરી દેવામાં આવી. અને, 'જીવન નૈયા' માટે એક નવા હીરોની શોધ શરૂ થઈ.

'કિસ્મત'થી મળ્યા હિન્દી સિનેમાના પહેલા 'સ્ટાર'

બૉમ્બે ટૉકીઝના લૅબ ટેકનિશિયન કુમુદલાલ કુંજીલાલ ગાંગુલીના નસીબ અચાનક બદલાઈ ગયું, જ્યારે હિમાંશુ રાયે તેમને હીરો બનાવવાનો નિર્ણય કર્યો.

કુમુદલાલ કુંજીલાલ ગાંગુલીનું ફિલ્મી નામ અશોકકુમાર રાખવામાં આવ્યું. આ નિર્ણય કેટલો ઐતિહાસિક હતો તેનો અંદાજ આગામી વર્ષોમાં થયો, જ્યારે અશોકકુમાર હિન્દી સિનેમાના પહેલા 'સ્ટાર' બન્યા.

1936માં જ આવેલી 'જીવન નૈયા' ચાલી, પરંતુ, પછીની ફિલ્મ 'અછૂત કન્યા' તો સફળતાના શિખરે પહોંચી. દલિત છોકરી અને એક બ્રાહ્મણ છોકરાની દુઃખદ પ્રેમકહાણીએ અશોકકુમારને હીરો તરીકે સ્થાપી દીધા.

દેવિકા–અશોકની જોડીએ સાથે અનેક ફિલ્મો કરી, પરંતુ, 'અછૂત કન્યા'ને તેમની સૌથી વધુ યાદગાર ફિલ્મ માનવામાં આવે છે.

બૉમ્બે ટૉકીઝે દર વર્ષે લગભગ ત્રણ ફિલ્મો બનાવવાનું પ્લાનિંગ કર્યું. લગભગ 400 લોકોનો સ્ટાફ અને ઉત્તમ તકનીકી ઉપકરણો સાથે તે વર્ષોવર્ષ હિટ ફિલ્મો બનાવતો રહ્યો.

અન્ય ભારતીય સ્ટુડિયોની સરખામણીએ તેમની ફિલ્મો તકનીકી રીતે ઉમદા રહેતી હતી. તેમાં એક ખાસ ચમક રહેતી હતી, જે હૉલીવૂડના એમજીએમ સ્ટુડિયોની ફિલ્મોની યાદ અપાવતી હતી.

સ્ક્રીન પર દેવિકા રાનીને એવી રીતે દર્શાવવામાં આવતાં હતાં, જે રીતે હૉલીવૂડનાં મશહૂર અભિનેત્રી ગ્રેટા ગાર્બોને દર્શાવાતાં હતાં.

બૉમ્બે ટૉકીઝને મોટા ઝાટકા લાગ્યા

1939માં બૉમ્બે ટૉકીઝને અચાનક ઝટકો લાગ્યો. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી બ્રિટિશ સરકારે જર્મન ટેકનિશિયનોની સાથોસાથ જોસેફ વીર્શિંગ અને સ્ટુડિયો માટે 16 ફિલ્મોનું દિગ્દર્શન કરનાર ફ્રૅંઝ ઑસ્ટેનને પણ પાછા બોલાવી લીધા.

અંગ્રેજોએ ઘણા જર્મન સ્ટાફની ધરપકડ કરીને તેમને એક કૅમ્પમાં કેદ કરી લીધા હતા. જે સ્ટુડિયોની ફિલ્મો ઉમદા તકનીક માટે જાણીતી હતી, એ તકનીકી ગુણવત્તાને ખૂબ ખરાબ રીતે અસર થઈ.

નવી ટીમ ઊભી કરવાના અને સતત ફિલ્મ બનાવવાના તણાવના લીધે હિમાંશુ રાયની નર્વસ સિસ્ટમ બ્રેકડાઉન થઈ ગઈ. 16 મે 1940એ લગભગ 48 વર્ષની ઉંમરે હિમાંશુ રાયનું નિધન થયું.

હિમાંશુના મૃત્યુએ દેવિકાને અંદરથી ઝંઝેડી નાખ્યાં, પરંતુ સ્ટુડિયોને સંભાળવાનો હતો. બૉમ્બે ટૉકીઝની કમાન હવે 'ધ ફર્સ્ટ લેડી ઑફ ઇન્ડિયન સિનેમા' દેવિકા રાનીને સોંપવામાં આવી.

હિન્દી સિનેમાનું ટ્રેન્ડસેટર

એ જમાનાના ભારતમાં એક મહિલા દ્વારા ફિલ્મ સ્ટુડિયો સંભાળવાની એક સાહસિક શરૂઆત હતી. પરંતુ, હિમાંશુ રાયના અવસાન પછી સ્ટુડિયોમાં બે જૂથ પડી ગયાં હતાં અને સત્તા માટેનો સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. દેવિકા આ બધું સહન કરતાં રહીને પોતાનાં કામને વળગી રહ્યાં અને 'વસંત' અને 'કિસ્મત' જેવી ખૂબ જ હિટ ફિલ્મો પ્રોડ્યૂસ કરી.

દેવિકાના સમયમાં બૉમ્બે ટૉકીઝની સૌથી મોટી હિટ અને ભારતની પહેલી 'બ્લૉકબસ્ટર' ફિલ્મ 'કિસ્મત' (1943) બની. જ્ઞાન મુખરજી દિગ્દર્શિત આ ફિલ્મ કલકત્તાના રૉક્સી સિનેમામાં ત્રણ વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલી હતી. આ ફિલ્મે બૉલીવૂડના ઘણા નવા ટ્રેન્ડ સેટ કર્યા.

પહેલી વાર કોઈ હિન્દી ફિલ્મમાં મુખ્ય પાત્ર (અશોકકુમાર)ને ચોર અને ઍન્ટિ-હીરો તરીકે દર્શાવવામાં આવ્યા. તેની સાથે જ 'કિસ્મત' એવી આરંભિક ફિલ્મોમાંની એક હતી, જેમાં 'લૉસ્ટ ઍન્ડ ફાઉંડ' (ગુમાવવું અને ફરી મેળવવું)વાળી કહાણી હતી.

જેમાં હીરો બાળપણમાં પોતાનાં માતાપિતાથી છૂટો પડી જાય છે, અને અંતમાં તેમને ફરી મળી જાય છે. ત્યાર પછી આ ફૉર્મ્યુલા દાયકાઓ સુધી અનેક હિન્દી ફિલ્મોમાં અપનાવવામાં આવી.

આ ફિલ્મના એક ગીત 'દૂર હટો અય દુનિયાવાલોં હિન્દુસ્તાન હમારા હૈ'ને આજ સુધી યાદ કરવામાં આવે છે.

અશોકકુમારે દેવિકા રાની સામે વિદ્રોહ કર્યો

આ જ વર્ષે દેવિકા રાનીએ પોતાની છેલ્લી ફિલ્મ 'હમારી બાત' (1943)માં અભિનય કર્યો. તેમાં નવા અભિનેતા રાજ કપૂરે પણ એક નાનું પાત્ર ભજવ્યું હતું.

બૉમ્બે ટૉકીઝે માત્ર અશોકકુમાર જ નહીં, અને સ્ટુડિયો હેડ તરીકે દેવિકા રાનીએ હિન્દી સિનેમાને દિલીપકુમાર અને મધુબાલા જેવા બેજોડ સ્ટાર્સ પણ આપ્યા. પરંતુ મુશ્કેલીઓ વધતી ગઈ.

ઘણી બાબતો લઈને અશોકકુમારે જ્ઞાન મુખરજી અને શશાધર મુખરજીની સાથે મળીને દેવિકા રાની વિરુદ્ધ બળવો કર્યો. પછી બૉમ્બે ટૉકીઝને છોડીને 'ફિલ્મીસ્તાન' નામનો એક નવો સ્ટુડિયો શરૂ કર્યો.

દેવિકા આ બધી સમસ્યામાંથી બહાર ન નીકળી શક્યાં. 1945માં દેવિકા રાનીએ બૉમ્બે ટૉકીઝના પોતાના શૅર વેચી નાખ્યા અને રશિયન પેઇન્ટર સ્વેતોસ્લાવ રોએરિખ સાથે લગ્ન કરી લીધાં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને તેઓ બૅંગલોર જતાં રહ્યાં.

દેવિકા રાનીને ભારતના સિનેમાનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યાં. 9 માર્ચ 1994એ બૅંગલોરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

બૉમ્બે ટૉકીઝનો અંત

દેવિકાએ સ્ટુડિયો છોડ્યા પછી અશોકકુમાર અને કેટલાક જૂના લોકો બૉમ્બે ટૉકીઝમાં પાછા આવ્યા હતા. ત્યાર પછી 'મજબૂર' (1948), 'જિદ્દી' (1948) અને 'મહલ' (1949) જેવી સફળ ફિલ્મો પણ બનાવી, પરંતુ, સ્ટુડિયો પોતાની જૂની પ્રતિષ્ઠા અને ગૌરવ પાછાં ન મેળવી શક્યો.

1954ની ફિલ્મ 'બાદબાન' બૉમ્બે ટૉકીઝની અંતિમ ફિલ્મ સાબિત થઈ. 2023માં બનેલી પ્રાઇમ વીડિયોની સફળ સીરીઝ 'જુબિલી'ની કહાણીના ઘણા ભાગ બૉમ્બે ટૉકીઝના ઇતિહાસથી પ્રેરિત હતા.

પોતાની 20 વર્ષની સફરમાં બૉમ્બે ટૉકીઝે 40 ફિલ્મોનું નિર્માણ કર્યું અને અનેક મોટા સ્ટાર બનાવ્યા.

આ બધાથી ઉપર, જે તકનીકી કૌશલ અને કહાણી કહેવાની ફિલ્મી શૈલીનો પાયો આ સ્ટુડિયોએ નાખ્યો, તે આજે પણ આપણી ફિલ્મોના આત્માનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.