બલૂચિસ્તાન: 'અમે કરગર્યા, પરંતુ હુમલાખોરોએ કહ્યું કે પાછું વળીને જોયું તો ઠાર મારી દઈશું' – ટ્રેનના મુસાફરોની આપવીતી

પાકિસ્તાની સૈન્યએ મંગળવારે બલૂચિસ્તાનમાં બળવાખોરો દ્વારા હાઈજેક કરવામાં આવેલી ટ્રેન જાફર ઍક્સપ્રેસના 300 પ્રવાસીઓને ઉગારી લીધા હોવાનો દાવો કર્યો છે. સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુસાફરોને બચાવી લેવા માટે હાથ ધરાયેલા ઑપરેશનમાં 33 બળવાખોરોને ઠાર કરવામાં આવ્યા છે.
આર્મીના જણાવ્યા પ્રમાણે, તેના ઑપરેશન પહેલાં જ બલૂચ લિબરેશન આર્મીએ 21 યાત્રીઓ અને ચાર સૈનિકોને માર્યા હતા. જોકે, બીબીસી આ અહેવાલની સ્વતંત્ર પુષ્ટિ કરી શક્યું નથી.
હુમલાખોરોથી બચીને નાસી છૂટવામાં સફળ રહેલા કેટલાક રેલવે પ્રવાસીઓએ બીબીસીને ટ્રેનની અંદર બનેલી ભયાવહ હકીકતો વર્ણવી હતી.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ લિબરેશન આર્મીના હુમલાખોરોએ મંગળવારે બપોરે ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર ઍક્સપ્રેસના પ્રવાસીઓને બાનમાં લીધા હતા.
પાકિસ્તાન સૈન્યના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, ટ્રેનમાં આશરે 440 યાત્રિક સવાર હતા. બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

બુધવારે સાંજે પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓને બચાવી લેવાનું ઑપરેશન સમાપ્ત થઈ ગયું છે. ઑપરેશન દરમિયાન તમામ પૅસેન્જરોને ઉગારી લેવાયા હોવાનો સૈન્યએ દાવો કર્યો હતો.
જોકે, તેની સાથે જ પ્રવક્તાએ કહ્યું હતું કે, ઑપરેશન હાથ ધરાયું, તે પહેલાં જ 21 પ્રવાસીઓ માર્યા ગયા હતા.
પ્રવક્તાએ કેટલાક લોકો હજુ પણ બળવાખોરો પાસે હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેનાને ટાંકતા બીબીસી ઉર્દૂ તેના અહેવાલમાં લખે છે, ટ્રેનમાંથી નાસી છૂટેલા બળવાખોરો કેટલાક લોકોને બંધક બનાવીને નજીકના પર્વતીય વિસ્તારમાં લઈ ગયા હોવાની શક્યતા છે. સેના હજુ હુમલાખોરોથી બચવા માટે નાસી જઈને નજીકના વિસ્તારોમાં છુપાઈ ગયેલા પ્રવાસીઓને શોધી રહી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર ઍક્સપ્રેસમાં આશરે 100 સુરક્ષાકર્મીઓ તહેનાત હતા.
ટ્રેન પરના હુમલાની જવાબદારી સ્વીકારનાર બલૂચ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે, જો સરકાર બલૂચ રાજકીય કેદીઓને 48 કલાકની અંદર મુક્ત નહીં કરે, તો તે તમામ બંધકોને મારી નાખશે.
'તેઓ લશ્કરના જવાનોના આઈ-કાર્ડ તપાસીને તેમને મારી નાખતા હતા'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટ્રેનમાં સવાર એક વૃદ્ધ પ્રવાસીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું, "અચાનક જ વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી હતી. જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાખોરો લોકોને નીચે ઊતરવા જણાવી રહ્યા હતા અને કહેતા હતા કે, 'જો નીચે નહીં ઊતરો, તો જીવ ગુમાવશો.' તેમણે મહિલાઓ અને વૃદ્ધોને અલગ કર્યા."
"અમે જેમ-તેમ કરીને ત્યાંથી નાસી છૂટ્યા અને સાડા ત્રણ કલાક સુધી સતત ચાલતા રહીને સલામત સ્થળે પહોંચ્યા."
કેટલાક લોકોના જણાવ્યા પ્રમાણે, હુમલાખોરો ટ્રેનમાં સવાર લશ્કરના જવાનોનાં આઈ-કાર્ડ તપાસીને તેમને મારી નાખ્યા હતા.
ટ્રેનમાં મુસાફરી ખેડી રહેલા મહેબૂબ હુસૈને બીબીસીને વિગતો આપતાં કહ્યું હતું, "હુમલાખોરોએ પહેલાં સિંધી, પંજાબી, બલૂચ અને પશ્તો પૅસેન્જરોને અલગ કર્યા. એ પછી સૈન્ય અને સુરક્ષા દળોના જવાનોને અલગ તારવ્યા. તેઓ લશ્કરના જવાનોનાં આઈ-કાર્ડ ચેક કરીને તેમને ઠાર કર્યા હતા. મારી સામે જ એક વ્યક્તિને ગોળી ધરબી દેવાઈ. તેની પાંચ પુત્રીઓ પણ તેની સાથે હતી. મારી નજર સામે આ હત્યા થઈ. હું જાણે સૂધબૂધ જ ગુમાવી બેઠો હતો."
તે વ્યક્તિ આગળ કહે છે, "અમે ભાગી રહ્યા હતા, ત્યારે પાછળથી સતત ફાયરિંગ થઈ રહ્યું હતું. અઢી કિલોમીટર જેટલું દોડ્યા પછી અમે સલામત સ્થળે પહોંચ્યા. ભૂખ-તરસથી અમારી હાલત ખરાબ થઈ ગઈ હતી. પાંચ વ્યક્તિઓએ એક-એક ખજૂર ખાઈને સમય વિતાવ્યો હતો."
'મારી નજર સામે મારા કાકાના છોકરાને મારી નાખ્યો'
સૈન્યમાં કામ કરી ચૂકેલા અલ્લાહદિત્તા જેમ-તેમ કરીને ત્યાંથી ભાગી જઈને ક્વેટા પહોંચ્યા હતા.
અલ્લાહદિત્તા કહે છે, "મારા પિતરાઈ ભાઈને મારી નજર સામે રહેંસી નાખવામાં આવ્યો."
નૂર મોહમ્મદ અને તેમનાં પત્ની પણ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં. નૂર મોહમ્મદનાં પત્ની પોતાની આપવીતી વર્ણવતા કહ્યું, "હું ખૂબ ડરી ગઈ હતી અને પરસેવાથી લથબથ થઈ ગઈ હતી. મારી સામે જ બે વ્યક્તિ બેભાન થઈને ઢળી પડી. હથિયારબંધ લોકો બળજબરીથી દરવાજો ખોલીને અંદર ધસી આવ્યા અને 'બહાર નહીં નીકળો, તો જાનથી જશો' એમ કહ્યું."
નૂર મોહમ્મદનાં પત્નીએ વધુમાં જણાવ્યું, "અમે હુમલાખોરોને આવું ન કરવા આજીજી કરી રહ્યાં હતાં. તેમણે અમને ટ્રેનમાંથી નીચે ઊતરવા જણાવ્યું. હુમલાખોરોએ અમને નીચે ઉતાર્યાં અને કહ્યું કે 'પાછળ જોયાં વિના સીધાં ચાલતાં રહો અને પાછળ જોશો તો ગોળી મારી દઈશું.' યેન-કેન પ્રકારે અમે ત્યાંથી નાસી છૂટ્યા અને એક કલાક સુધી ચાલ્યા પછી સૈન્ય હાજર હતું, એવા સ્થળે પહોંચ્યાં. અલ્લાહની મહેરબાની કે અમે બચી ગયાં."
જાફર ઍક્સપ્રેસના ચાલક અમજદ યાસીનને પણ ભાગી છૂટવામાં સફળતા મળી. તેમના ભાઈ આમીર યાસીને બીબીસીને માહિતી આપી કે, અમજદે પરિવારજનોને ફોન કરીને જણાવ્યું છે કે, તે જલ્દી ઘરે પાછો ફરશે.
ટ્રેનમાં મુસાફરી ખેડી રહેલા એક રેલવે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, હુમલાખોરોએ લોકોને જૂથોમાં વહેંચી દીધા પછી સૈન્યના જવાનોના હાથ બાંધી દીધા હતા. શરૂઆતમાં જવાનોએ ફાયરિંગ કર્યું, પણ ગોળીઓ ખતમ થઈ જતાં હુમલાખોરોએ તેમને બંધક બનાવી દીધા.
'તમે કઈ ભાષા બોલો છો?'

અગાઉ, રેલવે પોલીસ અધિકારીએ બીબીસીના સંવાદદાતા મલિક મુદસ્સિરને જણાવ્યું કે, હુમલાખોરોને સવાલ કરી રહ્યા હતા, "હા ભાઈ, તમારી જ્ઞાતિ કઈ છે? તમારી ભાષા કઈ છે?" હું સરાયકી છું, તું અહીં જ રહે, હું સિંધી છું, તું અહીં જ રહે. એ જ રીતે પંજાબી, પઠાણ, બલૂચ,... તેઓ સૌને એક પછી એક અલગ કરતા ગયા, આ રીતે તેમણે ઘણાં જૂથ બનાવ્યાં હતાં."
પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, બળવાખોરો બલૂચ ભાષામાં સૂચનાઓ આપી રહ્યા હતા, "અમે સરકાર સમક્ષ માગણી મૂકી છે અને જો અમારી માગણી તેઓ નહીં સંતોષે, તો અમે કોઈને નહીં છોડીએ, અમે આખી ટ્રેનને આગ લગાવી દઈશું."
"એક તબક્કે બળવાખોરોએ કહ્યું કે, યુનિફૉર્મમાં હોય, તેમને પણ મારી નાખો, ત્યારે અમે કહ્યું કે, અમે બલૂચ છીએ. તેમણે અમને પૂછ્યું, તમે શા માટે કામ કરો છો? પછી ખબર નહીં કેમ, તેમણે અમને છોડી દીધા. આ ઘટનાક્રમ રાતના 10 વાગ્યા સુધી ચાલતો રહ્યો અને પછી તેમણે કહ્યું કે, જે જ્યાં હોય, ત્યાં જ રહે, ખસવાનો પ્રયત્ન ન કરે," એમ અધિકારીએ જણાવ્યું હતું.
200 કરતાં વધુ કૉફિન ક્વેટા રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવી રહ્યાં હોય, એવી તસવીરો બુધવારે સામે આવી હતી. જેના કારણે મરણાંક અંગે અટકળો શરૂ થઈ હતી.
રૅસ્ક્યૂ ઑપરેશન સફળ રહ્યું - પાકિસ્તાની સૈન્યનો દાવો

ઇમેજ સ્રોત, Reuters
પાકિસ્તાની સેનાએ રેલવે યાત્રીઓને બચાવવાનું ઑપરેશન સફળતાપૂર્વક પાર પડ્યાનો દાવો કરીને કહ્યું છે કે, સુરક્ષા દળોની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ છે અને આ ઑપરેશનમાં તમામ બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે.
બીબીસી ઉર્દૂ અનુસાર, આઈએસસપીઆરના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો.
પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, ઑપરેશન દરમિયાન કોઈ પ્રવાસીનું મોત નીપજ્યું ન હતું.
જોકે, તેમણે કહ્યું છે કે, ઑપરેશન શરૂ થયું, તે પૂર્વે બળવાખોરોએ 21 લોકોને મારી નાખ્યા હતા.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અટ્ટા તરારે જણાવ્યું છે કે, બચાવ અભિયાન 36 કલાક ચાલ્યું હતું.
સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, પાકિસ્તાની સેનાએ ભારે કાર્યદક્ષતા અને સતર્કતા દાખવીને સમગ્ર ઑપરેશન પાર પાડ્યું હતું, જેના કારણે કોઈ બંધકને નુકસાન પહોંચ્યું ન હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













