સુનીતા વિલિયમ્સને પરત લાવવા માટેનું મિશન ફરીથી ટળ્યું, હવે શું થયું?

સુનીતા વિલિયમ્સ. અવકાશયાન, સ્પેસઍક્સ, નાસા, બીબીસી ગુજરાતી, ઇલોન મસ્ક, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સ

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોરની વાપસી ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. તેમના પરત ફરવાનું મિશન નાસા અને સ્પેસઍક્સ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

આ અવકાશયાત્રીઓના પરત ફરવા માટે ફાલ્કન-9 ને અમેરિકાના ફ્લૉરિડાથી લૉન્ચ કરવાનું હતું, પરંતુ તેમાં કેટલીક હાઇડ્રૉલિક સમસ્યા આવી છે, જેના કારણે તેનું લૉન્ચિંગ બુધવારે મુલતવી રાખવું પડ્યું છે.

સ્પેસઍક્સે હજુ સુધી જણાવ્યું નથી કે તેના મશીનમાં રહેલી સમસ્યા ક્યારે દૂર થશે.

ફ્લૉરિડાના કૅપ-કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ફાલ્કન 9નું લૉન્ચિંગ હાઇડ્રૉલિક ગ્રાઉન્ડની તકનીકી સમસ્યાને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. બની શકે કે તેનું લૉન્ચિંગ ફરી વખત ગુરુવારે કરવામાં આવે.

આ મિશનનો ઉદ્દેશ ચાર નવા ક્રૂ સભ્યોને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક લઈ જવાનો હતો અને સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પાછા ફરવાનો માર્ગ મોકળો કરવાનો હતો. બુધવારના આ મિશનના લૉન્ચિંગને કારણે તેઓ રવિવાર સુધીમાં પૃથ્વી પર પરત આવી શક્યા હોત પરંતુ હવે તેમની વાપસી ટળી ગઈ છે. જોકે, ગુરુવારે ફરી આ મિશનનું લૉન્ચિંગ છે કે નહીં તેની કોઈ વિધિવત જાહેરાત સ્પેસએક્સે કરી નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવવા માટેની જવાબદારી એલન મસ્કને સોંપી છે. નાસા અનુસાર જો આ લૉન્ચિંગ સફળ રહ્યું હોત તો તેઓની 19મી કે 20મી માર્ચની આસપાસ પૃથ્વી પર પરત ફરવાની સંભાવના હતી.

તેને ચાર નવા અવકાશયાત્રીઓ સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જવું પડશે અને ત્યાંથી સુનિતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોરને પાછા લાવવા પડશે.

સુનીતા અને બેરી બૂચએ 5 જૂન, 2024 ના રોજ સ્ટારલાઇનર નામના અવકાશયાનમાં ઉડાણ ભરી હતી. તેને આઠ દિવસ પછી પાછા ફરવાનું હતું. પરંતુ, સ્ટારલાઇનર અંતરિક્ષયાનમાં આઈએસએસ નજીક પહોંચ્યા બાદ તેમાં સમસ્યા પેદા થઈ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અવકાશયાત્રીઓને પાછા લાવવાની જવાબદારી ઇલોન મસ્કને સોંપી છે.

અવકાશયાનમાં શું તકલીફો થઈ હતી?

સુનીતા વિલિયમ્સ. અવકાશયાન, સ્પેસઍક્સ, નાસા, બીબીસી ગુજરાતી, ઇલોન મસ્ક, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્યારે સ્ટારલાઇનર અવકાશયાન ISS ની નજીક પહોંચ્યું ત્યારે તેમાં સમસ્યાઓ ઊભી થઈ

જ્યારે સ્ટારલાઇનર અવકાશયાન ISS ની નજીક પહોંચ્યું ત્યારે તેમાં સમસ્યાઓ ઊભી થઈ. અવકાશયાનને માર્ગદર્શન આપતા પાંચ થ્રસ્ટર્સ ફેઇલ થવાને કારણે તકલીફ ઉભી થઈ હતી.

સ્ટારલાઇનર અંતરીક્ષયાન જ્યારે આઇએસએસની નજીક પહોંચ્યું ત્યારે તેમાં સમસ્યા પેદા થઈ હતી. યાનને દિશા આપતા પાંચ થ્રસ્ટર્સ બંધ થઈ ગયાં હતાં. તેમાં હિલિયમ ખાલી થઈ ગયો હતો. જેને લીધે બળતણવાળા ઇંધણ પર યાનને નિર્ભર રહેવું પડ્યું અને બંને અવકાશયાત્રીઓ ત્યાં જ અટકી ગયાં હતાં.

61 વર્ષીય વિલ્મોર અને 58 વર્ષીય સુનીતાને બૉઇંગ સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લઈ જવામાં આવ્યાં હતાં. આ પ્રકારની એ પ્રથમ ફ્લાઇટ હતી જેમાં લોકો સવાર હતા.

નાસા અવકાશયાત્રીઓ નિક હોજ, સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે છેલ્લે 4 માર્ચ, 2025ના રોજ અવકાશમાંથી એક પત્રકારપરિષદ સંબોધી હતી અને પોતાના અવકાશમાંથી પાછા ફરવા વિશે અપડેટ આપી હતી.

સુનીતા વિલિયમ્સે ફરી રેકૉર્ડ બનાવ્યો

સુનીતા વિલિયમ્સ. અવકાશયાન, સ્પેસઍક્સ, નાસા, બીબીસી ગુજરાતી, ઇલોન મસ્ક, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સ નવ મહિનાથી વધુ સમયથી આઈએસએસમાં છે. એ સાથે જ તેઓ સૌથી વધુ સમય સુધી અવકાશમાં સતત રહેનાર પ્રથમ મહિલા બની ગયાં છે

સુનીતા વિલિયમ્સ નવ મહિનાથી વધુ સમયથી આઈએસએસમાં છે. એ સાથે જ તેઓ સૌથી વધુ સમય સુધી અવકાશમાં સતત રહેનાર પ્રથમ મહિલા બની ગયાં છે.

જોકે, સુનીતાનો આ પહેલો રેકૉર્ડ નથી. 2006-07માં તેમની પ્રથમ અવકાશયાત્રામાં 29 કલાક અને 17 મિનિટ તેઓ ચાલ્યાં હતાં.

આ અત્યાર સુધીની સૌથી લાંબી રેકૉર્ડેડ સ્પેસવૉક હતી જે કોઈ મહિલા દ્વારા કરવામાં આવી હતી.

આ પહેલાં આ રેકૉર્ડ અવકાશયાત્રી કેથરિન થૉર્નટનના નામે હતો. તેમણે 21 કલાકથી વધુ સ્પેસવૉક કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.

સુનીતા વિલિયમ્સની આ ત્રીજી અવકાશયાત્રા છે. ત્રણેય પ્રવાસ સહિત તેમણે અત્યાર સુધીમાં નવ વખત સ્પેસવૉક કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે સ્પેસવૉકમાં 62 કલાક અને 6 મિનિટ વિતાવ્યા હતા.

સુનીતા વિલિયમ્સ એક નિવૃત્ત નૅવી હેલિકૉપ્ટર પાઇલટ છે, જ્યારે વિલ્મોર ભૂતપૂર્વ ફાઇટર જેટ પાઇલટ છે. આ પહેલાં પણ વિલ્મોર બે વખત અવકાશની યાત્રા કરી ચૂક્યા છે.

સુનીતા વિલિયમ્સ કોણ છે?

સુનીતા લિન વિલિયમ્સ ભારતીય મૂળનાં બીજાં અમેરિકન અવકાશયાત્રી છે. કલ્પના ચાવલા પછી નાસાએ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનની 'ઍક્સપેડિશન-14'ની ટીમમાં ભારતીય મૂળનાં સુનીતા લીન વિલિયમ્સનો સમાવેશ કર્યો હતો.

સુનીતાનો જન્મ 1965માં અમેરિકાના ઓહાયોમાં થયો હતો. તેમના પિતા ગુજરાતથી આવ્યા હતા અને 1958માં અમેરિકામાં સ્થાયી થયા હતા.

સુનીતાના પિતાનું નામ દીપક પંડ્યા અને માતાનું નામ બોની પંડ્યા છે. સુનીતાના પતિ માઇકલ વિલિયમ્સ પણ પાઇલટ છે અને હવે પોલીસ ઑફિસર તરીકે કામ કરે છે.

નાસાએ 1998માં સુનીતાને અવકાશયાત્રી તરીકે પસંદ કર્યાં હતાં. સ્થાનિક પત્રકાર સલીમ રીઝવીના જણાવ્યા અનુસાર, સુનીતા અમેરિકન નેવલ ઍકેડૅમીની ગ્રૅજ્યુએટ છે તેમજ કુશળ ફાઇટર પાઇલટ પણ છે.

તેમણે 30 અલગ-અલગ પ્રકારના ઍરક્રાફ્ટમાં 2700 કલાકથી વધુ સમયનું ઉડ્ડયન કર્યું છે.

સુનીતા વિલિયમ્સે પ્રથમ નોકરી નૌકાદળનાં એવિએટર તરીકે કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.