You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી-શી-પુતિન એકસાથે : ભારત ખરેખર અમેરિકા સિવાયના વિકલ્પો શોધી રહ્યું છે?
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી હિન્દી માટે
ચીનના તિયાનજિનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ છે. ગત વર્ષની કઝાન મુલાકાતની સરખામણીએ આ વખતે બન્ને નેતાઓ વચ્ચે વધારે ઉષ્મા જોવા મળી છે. શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન દરમિયાન થયેલી આ મુલાકાતને ઐતિહાસિક ભલે ન કહી શકાય, પરંતુ તેનું ખાસ મહત્ત્વ છે.
ભારત અને ચીન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વૉર તથા એકતરફી નિર્ણયોનો સામનો કરી રહ્યા છે ત્યારે બન્ને નેતાઓ મળ્યા છે. આ મુલાકાતને સંબંધને સંતુલિત કરવાનો સતર્ક પ્રયાસ ગણવામાં આવી રહી છે.
સંયુક્ત નિવેદનમાં, ભારત અને ચીનને 'હરીફ'ને બદલે 'વિકાસમાં ભાગીદાર' તરીકે વર્ણવવામાં આવ્યા છે. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે મતભેદોને વિવાદોમાં પરિવર્તિત કરવા જોઈએ નહીં.
2020ની ગલવાન અથડામણથી સર્જાયેલા તણાવની વચ્ચે સ્થિરતા અને વિશ્વાસનો સંકેત આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.
બંને નેતાઓએ વેપાર અને સરહદ વ્યવસ્થાપન વિશે ચર્ચા કરી હતી એટલું જ નહીં, પણ બહુધ્રુવીય એશિયા અને બહુધ્રુવીય વિશ્વનું વ્યાપક વિઝન પણ રજૂ કર્યું છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે માત્ર અમેરિકાને વિશ્વનું નેતા ગણી શકાય નહીં.
ટ્રમ્પનો પ્રભાવ
શિખર પરિષદની પશ્ચાદભૂની અવગણના કરવાનું મુશ્કેલ હતું.
ટ્રમ્પના ટેરિફ યુદ્ધે ભારતને મર્યાદિત વિકલ્પોમાં માર્ગ શોધવા મજબૂર કર્યું છે.
રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડઑઇલ ખરીદવાની સજા તરીકે ભારત પર વધારાના ટેરિફને અમેરિકાએ યોગ્ય ગણાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાસ્તવમાં આ પગલું ભારતને એવા યુરેશિયન મંચો તરફ વધુ ઝડપથી લઈ જઈ રહ્યું છે, જ્યાં અમેરિકાની કોઈ હાજરી જ નથી.
ઇન્ડિયાના યુનિવર્સિટીના પ્રોફેસર સુમિત ગાંગુલી ભારતીય વિદેશનીતિના નિષ્ણાત છે. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "હા. ચીન અને રશિયા સાથે કામ કરવાની ઇચ્છાનો સંકેત ભારત આપી રહ્યું છે."
"ટ્રમ્પની નીતિઓને કારણે ભારત-અમેરિકા સંબંધ લગભગ ખરાબ થઈ રહ્યો છે તેવા સમયે આ વ્યૂહરચના સમજી શકાય તેવી છે. જોકે, તેનો લાભ ટૂંકા ગાળા માટે જ થઈ શકે છે."
અલબત્ત, ભાષા જાણીજોઈને ખૂબ જ જટિલ રાખવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કરાવ્યું હતું કે પ્રગતિ માટે સીમા પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે. આ વાત દોસ્તીના સંકેત સાથે એક ચેતવણી જેવી પણ હતી.
સીમા પર શાંતિ અને વાતચીત ચાલુ રાખવાની વાતો એવી રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી કે જાણે આ નાનાં-મોટાં પગલાં પણ મોટી પ્રગતિ હોય.
આર્થિક મોરચે ખાધ ઘટાડવા અને વેપાર વધારવાની વાતો આશાસ્પદ હતી. તેમાં કોઈ નક્કર વાત ન હતી, પરંતુ ભારતની ચિંતાનું ધ્યાન રાખવામાં આવે તો, તે ચીન સાથે હોય તો પણ, ભારત વેપાર કરવા તૈયાર છે, એવો રાજકીય સંદેશ તેમાં ચોક્કસપણે હતો.
'વ્યૂહાત્મક સ્વાયતતા'નો ઉલ્લેખ કરીને અને 'ત્રીજા દેશના દૃષ્ટિકોણ'ને નકારી કાઢીને ભારતે અમેરિકાને સ્પષ્ટ જણાવી દીધું છે કે ચીન સાથેના નવી દિલ્હીના સંબંધોને તે વૉશિંગ્ટનના દબાણ હેઠળ નક્કી કરશે નહીં.
દિલ્હીની સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટમાં ચીન સંબંધી બાબતોના નિષ્ણાત પ્રોફેસર ફૈસલ અહમદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "ભારત અને ચીન દ્વિપક્ષીય સ્તરે તેમજ એસસીઓના મંચ પર મજબૂતીથી કામ કરે એ સમય હવે આવી ગયો છે. તિનજિયાનમાં થયેલી મોદી-શીની મુલાકાત તેનું ઉદાહરણ પ્રસ્તુત કરે છે."
પ્રોફેસર અહમદ માને છે કે આ વાતચીત પારસ્પરિક વિશ્વાસને મજબૂત કરી શકે છે.
તેમણે કહ્યું, "મોદી-શી વચ્ચેની બેઠક બન્ને દેશો વચ્ચેના વિશ્વાસના અભાવને દૂર કરવાની દિશામાં એક મોટું પગલું છે. બીજી તરફ એસસીઓના સ્તરે પણ તિયાનજિન બેઠકે ક્ષેત્રીય બાબતોમાં તાલમેલ વધાર્યો છે. તેમાં આંતરરાષ્ટ્રીય ગુનાઓનો સામનો, સંપર્કો વધારવા અને લોકો વચ્ચેના સંબંધને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે."
દૃષ્ટિકોણ અને પરિણામ
કૂટનીતિમાં તસવીરો ઘણી વાર વાસ્તવિક પરિણામ જેટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે.
તિયાનજિનમાં વડા પ્રધાન મોદી, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન એક મંચ પર જોવા મળ્યા એ તસવીર માત્ર એસસીઓ હૉલ સુધી સીમિત રહેવા માટે ન હતી.
ભારત માટે એ સમય બહુ જ મહત્ત્વનો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ મોટા ભાગની ભારતીય નિકાસ પર 50 ટકા સુધી ટેરિફ લાદ્યો હતો.
એક અમેરિકન ફેડરલ અપીલ્સ કોર્ટે ટેરિફને "કાયદા વિરુદ્ધના" ગણાવીને અમાન્ય ઠેરવ્યા હતા. જોકે, મામલો સુપ્રીમ કોર્ટમાં જશે ત્યાં સુધી આ ટેરિફનો અમલ ચાલુ રહેશે.
આ પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીનું શી જિનપિંગ અને પુતિન સાથે એક મંચ પર દેખાવાનું ગંભીર પ્રતીકાત્મક મહત્ત્વ છે. શી જિનપિંગ અને પુતિન પણ અમેરિકન પ્રતિબંધો તથા દબાણના નિશાન પર છે.
પ્રોફેસર ફૈસલ એ ક્ષણને માત્ર એક તસવીર કરતાં બહુ વધારે માને છે.
તેમનું કહેવું છે કે ટ્રમ્પનો ટેરિફ બહુ અવ્યવહારુ છે અને તિયાનજિનમાં મોદી-શી-પુતિનનું એક મંચ પર આવવું અમેરિકાને એ જવાબ છે કે ત્રણેય મળીને તેની દબાણવાળી નીતિઓનો મજબૂતીથી સામનો કરી શકે છે.
વડા પ્રધાન મોદી સાત વર્ષ બાદ ચીન પહોચ્યા હતા. તેમનો કાર્યક્રમ વધુ એક ક્ષેત્રીય બેઠકમાં સામેલ થવા પૂરતો મર્યાદિત ન હતો.
શી જિનપિંગ સાથેની દ્વિપક્ષીય મુલાકાતે સંબંધને સંતુલિત કરવાની તક આપી છે ત્યારે એસસીઓ બેઠકે ભારતને એ દેખાડવાનો મંચ આપ્યો છે કે તેની પાસે અમેરિકા સિવાય પણ ભાગીદાર તથા અન્ય માર્ગો ઉપલબ્ધ છે.
ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે એક લેખમાં લખ્યું છે, "ચીનમાં એસસીઓ સંમેલનમાં મોદીની ભાગીદારીને કોઈ વ્યૂહાત્મક પરિવર્તનને બદલે રાજદ્વારી સંતુલનના એક મોટા પ્રયાસ તરીકે જોવી જોઈએ."
એસસીઓનું મહત્ત્વ
એસસીઓને અમેરિકામાં તાનાશાહ દેશોનો સમૂહ કહીને નકારી કાઢવામાં આવે છે, પરંતુ ભારત અને તેના અન્ય સભ્યદેશો એ વાત સાથે સહમત નથી.
ભારત માટે તેનું મહત્ત્વ બીજા સંદર્ભોમાં પણ છે. ભારત માટે એસસીઓ એક એવો મંચ છે જ્યાં રશિયા, ચીન, મધ્ય એશિયાઈ દેશો અને હવે ઈરાન પણ એક ટેબલ પર બેસે છે.
ચીને આ શિખર પરિષદનો ઉપયોગ ભારતને એવો સંદેશો આપવા માટે કર્યો હતો કે ભારતે તેને "હરીફ" નહીં, પરંતુ એક "ભાગીદાર" ગણવું જોઈએ.
ભારત માટે આ બેઠક એ વાતની પરીક્ષા હતી કે દરેક વખતે થતી સ્થિરતાની વાતો હકીકતમાં વધારે વિશ્વાસપાત્ર સંબંધમાં પરિવર્તિત થઈ શકે કે કેમ.
દિલ્હીમાં લોકો વાસ્તવિકતાને સમજે છે. સીમા વિવાદનું નિરાકરણ હજુ થયું નથી અને ચીન સાથેની ભારતની 99 અબજ ડૉલરની વેપાર ખાધ રાજકીય શૂળ બની રહી છે. તેમ છતાં, વાટાઘાટ ભલે ગમે તેટલી મુશ્કેલ હોય, તેને જરૂરી માનવામાં આવે છે.
વિશ્લેષક હેપીમોન જેકબ કહે છે, "બીજો રસ્તો પણ શું છે? ભારત માટે ચીન સાથે કામ પાર પાડવાનું આગામી દાયકાઓ સુધી સૌથી મોટો વ્યૂહાત્મક પડકાર બની રહેશે."
છ દેશો વડે નાની શરૂઆત કરનાર એસસીઓ હવે દસ સભ્યદેશો, બે નિરીક્ષકો અને 14 ડાયલૉગ પાર્ટનર્સ સાથેનો સમૂહ બની ગયું છે.
કોઈ પણ ક્ષેત્રીય સંગઠનની સરખામણીએ એસસીઓ આજે સૌથી મોટા ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલું છે અને વિશ્વની સૌથી મોટી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
હૉંગકૉંગના વરિષ્ઠ વિશ્વેષક હેનરી લીનું કહેવું છે કે "એસસીઓમાં જે વૈવિધ્ય છે તે વખાણવા જેવું છે. તેમાં અલગ-અલગ ઇતિહાસ, સંસ્કૃતિઓ, રાજકીય વ્યવસ્થા અને વિકાસના સ્તર સામેલ છે."
તેઓ કહે છે, "તેમ છતાં એસસીઓએ સહકારની એક વ્યવસ્થા રચી છે, જે તેના સભ્યદેશોની જરૂરિયાતો અને વર્તમાન પરિસ્થિતિને દર્શાવે છે."
તેમના કહેવા મુજબ, એસસીઓ દુનિયાને દેખાડી રહ્યું છે કે અલગ-અલગ દેશ મળીને કેવી રીતે કામ કરી શકે. હજુ તે પૂર્ણ થયું નથી, પરંતુ એ સાબિત કરી રહ્યું છે કે દેશો એકસાથે આવે તો પારસ્પરિક સહકારની સ્થિતિને મજબૂત કરી શકાય છે.
રશિયાની ભૂમિકા
આ સમીકરણમાં રશિયાની ભૂમિકા પણ બહુ મહત્ત્વની છે. ભારત રશિયાના રસ્તા ક્રૂડઑઇલનું સૌથી મોટું ખરીદાર બની ગયું છે. આવું કરીને ભારતે તેના નાગરિકોને મોંઘવારીથી બચાવ્યા છે.
રાષ્ટ્રપતિ પુતિન આ વર્ષે ભારતની યાત્રાએ આવશે, તેવા સમાચાર પણ છે. તેનાથી બંને દેશ વચ્ચેના સંબંધ વધારે મજબૂત થશે.
ભારત માટે રશિયા માત્ર ક્રૂડઑઇલ અને શસ્ત્રો પૂરો પાડતો દેશ જ નથી. તે સ્વાયત્તતાનું પ્રતીક પણ છે. એ તે વાતનો પુરાવો પણ છે કે નરેન્દ્ર મોદી સરકાર અમેરિકા સામે નતમસ્તક થયા વિના પણ પોતાના સંબંધમાં સંતુલન સાધી શકે છે.
જોકે, પ્રોફેસર ગાંગુલી ચેતવણી આપતાં કહે છે, "રશિયા એક નબળી થતી શક્તિ છે અને તેની ભૌતિક તથા રાજદ્વારી ક્ષમતા મર્યાદિત છે."
તેઓ ઉમેરે છે, "યુક્રેન પર આક્રમણને કારણે રશિયાએ ઘરેલુ સ્તરે પણ દીર્ઘકાલીન સમસ્યાઓનો સામનો કરવો પડશે. યુદ્ધમાં તેના દસ લાખથી વધારે લોકો માર્યા ગયા છે અને રશિયા હવે ઉચ્ચ ટેકનોલૉજી, શસ્ત્રોના પૂર્જાઓ અને ઑઇલના વેચાણ પર ખૂબ નિર્ભર છે."
તેમના મતાનુસાર, ભારતનું રશિયાની નજીક જવું કોઈ રોમાન્સ નહીં, પરંતુ જરૂરિયાત છે. તે એક એવો સહારો છે, જે અમેરિકા સાથેના અનિશ્ચિત સંબંધ સમયે ભારતને પોતાની રીતે આગળ વધવાની મોકળાશ આપે છે.
ભૂતપૂર્વ ભારતીય રાજદૂત જતીન્દ્રનાથ મિશ્રાએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં વધારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, "આ એક ખરાબ વિકલ્પ છે, પરંતુ સૌથી સારો વિકલ્પ આ જ છે."
અમેરિકા સિવાયની પણ દુનિયા છે?
એસસીઓ શિખર પરિષદમાં સામેલ થવા માટેની નરેન્દ્ર મોદીની યાત્રા અને પુતિનની પ્રસ્તાવિત દિલ્હી યાત્રા અમેરિકાના પ્રભાવની આગળની વ્યવસ્થાની શરૂઆત છે?
આવું નથી. નરેન્દ્ર મોદી, વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગનું એકસાથે દેખાવું નિશ્ચિત રીતે વિકલ્પ પ્રસ્તુત કરે છે. તેમ છતાં સંરક્ષણ, ટેકનોલૉજી અને રોકાણનાં ક્ષેત્રોમાં ભારત અમેરિકા પર ખૂબ નિર્ભર છે.
ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે ભારતની વ્યૂહરચનાનું કેન્દ્ર હજુ પણ ક્વાડ છે, પરંતુ જે બદલાઈ રહ્યો છે તે સ્વર છે.
નરેન્દ્ર મોદી પહેલાંથી વધારે સંતુલન સાધી રહ્યા છે અને કોઈ ખાંચામાં મર્યાદિત રહેવાનો ઇનકાર કરી રહ્યા છે. પ્રોફેસર અહમદ જણાવે છે કે જે ગતિ મળી છે તેને બરબાદ કરવી ન જોઈએ.
પ્રોફેસર અહમદ કહે છે, "દ્વિપક્ષીય સંબંધને વ્યૂહાત્મક દિશા આપવા માટે નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક શિખર સંમેલન પ્રણાલી ફરી શરૂ થાય તે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન