You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 800થી વધુ મોત, 2000થી વઘુ ઘાયલ, મરણાંક વધવાની આશંકા
પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપમાં 800થી વધુ લોકોનાં મોત થયાં અને 2,000થી વધુ ઘાયલ છે. જે પ્રકારના અહેવાલો મળી રહ્યા છે, તેને જોતાં મરણાંક તથા ઘાયલોની સંખ્યા વધી શકે છે. 12 હજાર લોકોને ભૂકંપની સીધી અસર પહોંચી છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના પાંચમા સૌથી મોટા શહેર જલાલાબાદથી 27 કિલોમીટર દૂર સપાટીથી લગભગ 10 કિલોમીટર નીચે હતું. મધ્યરાત્રિએ આવેલા આ ભૂકંપને કારણે માટી અને પથ્થરથી બનેલાં ઘરો ધરાશાયી થયાં.
ભૂકંપના આંચકા લગભગ 400 કિલોમીટર દૂર પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સુધી અનુભવાયા હતા. ભૂકંપથી દૂરના પર્વતીય વિસ્તારો પ્રભાવિત થયા હતા, જ્યાં મોબાઇલ સિગ્નલ કવરેજ મર્યાદિત છે અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ છે.
ઘાયલોને કાટમાળમાંથી બચાવાઈ રહ્યા છે અને હેલિકૉપ્ટર દ્વારા સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે અને બચી ગયેલા લોકોની શોધ ચાલુ છે.
આ આફત એવા સમયે આવી છે જ્યારે અફઘાનિસ્તાન પહેલાથી જ માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યું છે. એક તરફ, આંતરરાષ્ટ્રીય સહાયમાં ભારે ઘટાડો થયો છે અને બીજી તરફ, પડોશી દેશોમાંથી મોટી સંખ્યામાં લોકોને પાછા મોકલાઈ રહ્યા છે.
મહિલાઓ કરતાં પહેલાં પુરુષોને સારવારની આશંકા
રવિવારે મોડીરાત્રે ભૂકંપ આવ્યો હતો, એ સમયે લોકો ઘરોમાં ઊંઘેલા હતા. એટલે તેઓ કાટમાળમાં ફસાઈ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે અનેક ગામડાં કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને ભયાવહ ભાસે છે. છતાં બચાવકર્મીઓ 'અનેક લોકો'ને કાટમાળમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા છે.
તાલિબાન સરકાર દ્વારા વાહનવ્યવહારથી કપાઈ ગયેલા છેવાડાના વિસ્તારો સુધી પહોંચવા માટે હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં સામાન્યતઃ જેમ-જેમ છેવાડાના વિસ્તારો સુધી પહોંચ વધે છે, તેમ મૃતકોની સંખ્યા વધતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સંવાદદાતા યોગિત લિમયેનાં કહેવા પ્રમાણે, 'અફઘાનિસ્તાનના છેવાડાના વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે એટલે ત્યાં બચાવકર્મીઓને પહોંચવામાં તથા રાહત સામગ્રી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.'
ભૂકંપના એક કલાક બાદથી જ ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલોમાં ખસેડવાનો ક્રમ શરૂ થઈ ગયો હતો. કાટમાળમાંથી બહાર કઢાયેલા લોકોને પણ સારવાર અર્થે હૉસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.
એવી પણ આશંકા છે કે પહેલાં અફઘાન પુરુષોને સારવાર આપવામાં આવશે, એ પછી મહિલાઓની ઉપર ધ્યાન આપવામાં આવશે.
જોકે, ટ્રમ્પ સરકારે યુએસએઇડના ફંડિંગમાં મૂકેલા કાપની અસર અહીં જોવા મળી રહી છે અને હૉસ્પિટલો સારવાર પૂરી પાડવામાં સંઘર્ષ કરી રહી છે. યુનિસેફની સ્થાનિક ટુકડીઓ સજ્જ છે અને જે-તે વિસ્તારના વહીવટીતંત્ર સાથે મળીને રાહતસામગ્રી પહોંચાડવા માટે પ્રયાસરત છે.
ભૂકંપગ્રસ્તોને રાહત મળી રહે તે માટે તાલિબાનના વડા પ્રધાન એક અબજ અફઘાનીની (લગભગ એક કરોડ આઠ લાખ પાઉન્ડ) ફાળવણી કરી છે તથા જરૂર પડ્યે વધુ ફાળવણી કરવાની વાત કરી છે.
આ સિવાય તાલિબાની વડા પ્રધાને એક કમિટીનું ગઠન કર્યું છે, જે ભૂકંપપીડિતોની મદદ માટે કામ કરશે.
મોટા પાયે વિનાશનો ભય
અગાઉ અફઘાનિસ્તાનના પ્રસારણકાર 'રેડિયો ટેલિવિઝન અફઘાનિસ્તાન' (RTA)એ મૃત્યુઆંક લગભગ 500 બતાવ્યો હતો.
રાજધાની કાબુલમાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ ટીમો દૂરનાં ગામડાં સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
આ વિસ્તાર પહેલાં પણ ઘણી વખત ભૂકંપ અને પૂરથી પ્રભાવિત થયો છે.
આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા શરાફત ઝમાને રૉઇટર્સને જણાવ્યું કે "કેટલાક ક્લિનિક્સના ડેટા મુજબ 400થી વધુ ઘાયલ અને ડઝનેક મૃતકો દેખાય છે."
તેમણે ચેતવણી આપી હતી કે આ સંખ્યા વધુ વધી શકે છે.
રૉઇટર્સ ટેલિવિઝન તસવીરોમાં ઘાયલોને બહાર કાઢતાં હેલિકૉપ્ટર અને ઘાયલોને ઍમ્બ્યુલન્સમાં લઈ જવાતા સૈનિકો અને ડૉક્ટરોને મદદ કરતા સ્થાનિક લોકો જોઈ શકાય છે.
રૉઇટર્સે આરોગ્ય મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે કુનાર પ્રાંતના ત્રણ ગામ સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને અન્ય ઘણાં ગામોને પણ ભારે નુકસાન થયું છે.
કુનાર પ્રાંતના માહિતી વડા નજીબુલ્લાહ હનીફે રૉઇટર્સને જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલોમાં મૃતકોની સંખ્યા 250 અને ઘાયલોની સંખ્યા 500 હોવાનું જણાવાયું છે, પરંતુ આ આંકડો વધી શકે છે.
ભૂકંપને કારણે એક જ ગામના 30 લોકોનાં મોત
અધિકારીઓએ જણાવ્યું કે શરૂઆતના રિપોર્ટમાં એક જ ગામના 30 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.
બચાવકર્મી પાકિસ્તાનના ખૈબર પખ્તૂન સીમા સાથે જોડાયેલા લોકોને શોધી રહ્યા છે.
તાલિબાનના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યુ, "અત્યાર સુધી કોઈ પણ વિદેશી સરકારે રાહત અને બચાવ કામગીરીની વાત રજૂ કરી નથી."
અફઘાનિસ્તાન હંમેશાં જીવલેણ ભૂકંપોની ઝપટે આવે છે. ખાસ કરીને હિંદુકુશ પર્વત હારમાળામાં જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજામાં ભળે છે.
ઑક્ટોબર 2023માં દેશના પશ્ચિમ પ્રાંત હેરાતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં લગભગ 1500 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ પહેલાં વર્ષ 2022માં પણ ભયાનક ભૂકંપ આવ્યો હતો.
બીબીસીનાં વિજ્ઞાન સંવાદદાતા જ્યૉર્જિના રન્નાર્ડના કહેવા પ્રમાણે, "આ ભૂકંપ ખૂબ જ 'છીછરો' હતો, જેના કારણે તે ભારે ઘાતક નીવડ્યો છે."
આ બતાવે છે કે કુદરતી આપત્તિના મામલે દુનિયાના સૌથી ગરીબ દેશમાં સામેલ અફઘાનિસ્તાન કેટલો અસુરક્ષિત છે.
આખી હૉસ્પિટલ ઘાયલોથી ભરાઈ ગઈ
ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત કુનાર પ્રાંતથી સતત નુકસાનના સમાચારો આવી રહ્યા છે.
કુનારની રાજધાની અસદાબાદના સ્થાનિક હૉસ્પિટલના ચીફ ડૉ. મુલાદાદ આખી રાત સૂઈ શક્યા નથી. પોતાના સ્ટાફનું માર્ગદર્શન કરતા તેઓ સતત ઘાયલોની સારવારમાં રોકાયેલા રહ્યા હતા.
એમનું કહેવું છે કે હૉસ્પિટલમાં દર પાંચ મિનિટમાં એક પીડિત ભરતી થઈ રહ્યો છે અને આખી હૉસ્પિટલ ઘાયલોથી ભરાઈ ગઈ છે.
એમના કહેવા પ્રમાણે કેટલાક કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 188 ઘાયલોને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે. પલંગ ઓછા પડવાને કારણે ઘણા પીડિતોને જમીન પર સુવાડવા પડ્યા છે.
ડૉ. મુલાદાદે સ્થિતિની ગંભીરતા જોતા હૉસ્પિટલમાં ઇમરજન્સીની ઘોષણા કરી છે. અંદાજે 250 ઘાયલોને બાજુના નંગરહાર પ્રાંતની મુખ્ય હૉસ્પિટલમાંથી લાવવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધી ચાર મૃતદેહ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ડૉ. મુલાદાદે જણાવ્યું કે ઘણા મૃતદેહો સ્થાનિક ક્લિનિકોમાં પણ લાવવામાં આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન