ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, ભારતે ટેરિફ ઝીરો કરવા રજૂઆત કરી – ન્યૂઝ અપડેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારતે અમેરિકાના સામાનો ઉપર આયાતજકાત ઘટાડીને ઝીરો કરી દેવાની રજૂઆત કરી છે, પરંતુ હવે તેમાં મોડું થઈ ગયું છે.

ટ્રમ્પે કહ્યું છે કે ભારતે વર્ષો પહેલાં આ કામ કરવું જોઈતું હતું. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ભારત-અમેરિકા વેપારને 'એકતરફી આફત' ગણાવી હતી.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર લખ્યું, "આપણે ભારત સાથે બહુ થોડો વેપાર કરીએ છીએ અને બહુ થોડા લોકો આ વાત સમજે છે, પરંતુ તેઓ (ભારત) આપણી સાથે મોટાપાયે વેપાર કરે છે."

"બીજા શબ્દોમાં કહીએ તો ભારત આપણને ઘણો સામાન વેચે છે. આપણે તેના સૌથી મોટા ક્લાયન્ટ છીએ, પણ આપણે તેને બહુ થોડો સામાન વેચીએ છીએ. અત્યારસુધી આ એકતરફી સંબંધ રહ્યો છે અને દાયકાઓથી બધું આમ જ રહ્યું છે."

તેમણે લખ્યું, "આપણા વેપારીઓ હજુ સુધી ભારતમાં સામાન વેચી નથી શકતા. એટલે જ ભારતે અત્યાર સુધી અન્ય દેશોની સરખામણીમાં આપણી ઉપર સૌથી વધુ ટેરિફ લાદ્યો છે. જે એકતરફી આપદા જેવો છે."

"ભારત સૌથી વધુ ક્રૂડઑઇલ તથા હથિયારો રશિયા પાસેથી ખરીદે છે. અમેરિકા પાસેથી બહુ ઓછી ખરીદી કરે છે. હવે તેમણે ટેરિફને ઘટાડીને ઝીરો કરી દેવાની રજૂઆત કરી છે, પરંતુ હવે તેમાં મોડું થઈ ગયું છે. તેમણે આ કામ બહુ પહેલાં કરી લેવું જોઈતું હતું."

ભારતે ભૂકંપપીડિત અફઘાનિસ્તાનને મદદ મોકલવાની શરૂ કરી, વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં મરણાંક 800 થઈ ગયો છે, જ્યારે બે હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું:

"આ દુઃખની ઘડીએ અમારી સંવેદનાઓ તથા પ્રાર્થના પીડિત પરિવારોની સાથે છે. અમે ઘાયલ લોકો જલ્દી સાજા થઈ જાય એના માટે કામના કરીએ છીએ."

"ભારત અસરગ્રસ્તોને તમામ પ્રકારની માનવીય મદદ તથા રાહત પહોંચાડવા માટે તૈયાર છે."

ભારતે ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને મદદ મોકલવાની ચાલુ કરી દીધી છે.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઍક્સ પોસ્ટમાં લખ્યું, "આજે મારી વાત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે થઈ હતી. ભૂકંપમાં અનેક જીવ ગયા છે, જેના પ્રત્યે અમને દુઃખ છે."

તેમણે જણાવ્યું કે ભારતે એક હજાર ફૅમિલી ટેન્ટ કાબૂલ મોકલ્યા છે.

આ સિવાય 15 ટન ખાદ્યસામગ્રી કુનાર મોકલવામાં આવી છે. ભારત મંગળવારે વધુ કેટલીક રાહતસામગ્રી અફઘાનિસ્તાન મોકલશે.

જયશંકરે લખ્યું, "અમે ઘાયલો જલ્દી સાજા થઈ જાય એ માટે કામના કરીએ છીએ. અફઘાનિસ્તાનના કપરા સમયમાં ભારત તેની સાથે ઊભું છે."

એસસીઓમાં પહલગામ હુમલાને વખોડી કઢાયો, પાકિસ્તાનમાં 'આતંકવાદી' હુમલા અંગે શું કહેવાયું?

શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની (એસસીઓ) બેઠકમાં પહલગામ હુમલાની ટીકા કરવામાં આવી છે.

એસસીઓ સભ્યોના સંયુક્ત નિવેદનમાં, "સભ્ય દેશો તમામ સ્વરૂપે આતંકવાદની ટીકા કરે છે."

તેમણે ભાર દઈને કહ્યું કે "આતંકવાદ સામેની લડાઈમાં બેવડા માપદંડ અસ્વીકાર્ય છે તથા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરવામાં આવી કે આતંકવાદની સામે સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ કામ કરવું જોઈએ."

"સભ્યદેશોએ એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ ઉપર સર્વસહમતિથી વ્યાપક કન્વેન્શન અપનાવવું જરૂરી છે."

નિવેદનમાં જણાવવામાં કહેવામાં આવ્યું, "સભ્યદેશોએ 22 એપ્રિલ, 2025ના રોજ પહલગામ ખાતેના આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે."

જાફર એક્સપ્રેસ

આ સાથે જ એસસીઓના સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ઉપર થયેલા હુમલાની પણ ટીકા કરવામાં આવી.

નિવેદનમાં જણાવવામાં આવ્યું, "સભ્યદેશોએ 11 માર્ચના જાફર એક્સપ્રેસ તથા 21 મેના ખુજદારમાં થયેલા આતંકવાદી હુમલાની પણ ટીકા કરી. સભ્યદેશોનું કહેવું હતું કે આ પ્રકારના હુમલાના આરોપીઓ, આયોજકો તથા તેમના સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ."

"સભ્યદેશોએ આતંકવાદ, ભાગલાવાદી તથા અતિવાદીઓ સામે પોતાની દૃઢ પ્રતિબદ્ધતા દોહરાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારનાં જૂથોનો લાભ લેવો કે તેમનો પોતાના હિતમાં ઉપયોગ કરવો અસ્વીકાર્ય છે. સાથે જ તેમનું માનવું છે કે આતંકવાદ તથા અતિવાદને પહોંચી વળવામાં સાર્વભૌમ દેશો તથા તેમની સંસ્થાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે."

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 600થી વધુ લોકોનાં મોત, 1300થી વધુ ઘાયલ

પાકિસ્તાન સરહદ નજીક પૂર્વ અફઘાનિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તાલિબાનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 610 થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1,300થી વધુ લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 115થી વધુ ઘાયલોને નાંગરહાર અને કુનાર પ્રાંતની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

યુએસ જિયોલૉજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપ રવિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો. ઓછામાં ઓછા ત્રણ આંચકા ફરી આવ્યા, જેની તીવ્રતા 4.5થી 5.2 સુધીની હતી.

સમાચાર એજન્સી એએફપી અનુસાર, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ (લગભગ 200 કિલોમીટર દૂર) અને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (લગભગ 400 કિલોમીટર દૂર) સુધી થોડી સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપથી પ્રભાવિત પ્રાંતો દૂરના અને મુશ્કેલ પર્વતીય પ્રદેશમાં છે અને ત્યાંનાં ઘરો સામાન્ય રીતે ભૂકંપ પ્રતિરોધક ન હોવાથી મૃત્યુઆંક વધી શકવાનું અનુમાન છે.

તાલિબાન સરકારી અધિકારીઓએ રાહત સંસ્થાઓને દૂરના અને પર્વતીય વિસ્તારોમાં બચાવ કામગીરીમાં મદદ કરવા અપીલ કરી છે.

કુનાર પ્રાંતના પોલીસવડાએ બીબીસીને જણાવ્યા પ્રમાણે ભૂકંપને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે આ વિસ્તારના રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

તેમના કહેવા પ્રમાણે બચાવ કામગીરી ફક્ત હવાઈ માર્ગે જ હાથ ધરી શકાય એમ છે.

તાલિબાન અધિકારીઓ કહે છે કે તેમની પાસે મર્યાદિત સંસાધનો છે અને તેઓ હેલિકૉપ્ટર માટે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસેથી મદદ માગી રહ્યા છે.

હમાસના પ્રવક્તા અબુ ઉબૈદાનું ગાઝામાં હવાઈ હુમલામાં માર્યા ગયાનો ઇઝરાયલનો દાવો

ઇઝરાયલે જણાવ્યું કે ગાઝામાં સશસ્ત્ર વિંગના પ્રવક્તા અબુ ઉબૈદાનું ગાઝામાં હવાઈ હુમલામાં મૃત્યુ થયું છે.

ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયલ કાત્ઝે ઍક્સ પરની એક પોસ્ટમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ દળો (આઈડીએફ) અને ઇઝરાયલની નૅશનલ સિક્યૉરિટી એજન્સી શિન બેતને આ સિદ્ધિ માટે અભિનંદન આપ્યાં છે.

જોકે, હમાસે હજુ સુધી ઉબૈદાના મૃત્યુની પુષ્ટિ કરી નથી.

પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથે અગાઉ કહ્યું હતું કે રહેણાક મકાન પર ઇઝરાયલી હવાઈ હુમલામાં ડઝનબંધ નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા હતા.

સ્થાનિક પત્રકારોએ જણાવ્યું હતું કે ગાઝા શહેરના ગીચ વસ્તીવાળા અલ-રિમલ વિસ્તારમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા અને બાળકો સહિત 20 લોકો ઘાયલ થયા હતા.

કાત્ઝે રવિવારે ચેતવણી આપી હતી કે ગાઝામાં આ અભિયાન પૂરજોશમાં હોવાથી ઉબૈદાની સાથે સામેલ એમના અન્ય ભાગીદારો પણ નિશાન બનાવવામાં આવશે.

આ ચેતવણી ગાઝા શહેરને કંટ્રોલ કરવાની ઇઝરાયલી યોજનાનો સંકેત હોવાનું માનવામાં આવે છે.

આઈડીએફ અને શિન બેતે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે "શિન બેત અને આઈડીએફના ગુપ્તચર નિર્દેશાલય દ્વારા એકત્રિત કરવામાં આવેલી પૂર્વ માહિતીને કારણે આ ઑપરેશન શક્ય બન્યું હતું, જેણે તેમના (અબુ ઉબૈદા)ના છુપા સ્થાનને ઓળખી કાઢ્યું હતું."

ઉલ્લેખનીય છે કે તારીખ 7 ઑક્ટોબર, 2023ના રોજ દક્ષિણ ઇઝરાયલ પરના ઘાતક હુમલા પહેલાં હમાસના લશ્કરી પાંખના કેટલાક વરિષ્ઠ સભ્યોમાં અબુ ઉબૈદાની પણ હાજરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન