You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભારતીય લોકોના ભોગે બ્રાહ્મણો નફો કરી રહ્યા છે' - ટ્રમ્પના સલાહકારે આવું કેમ કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવા મામલે ફરી એક વખત નિવેદન આપ્યું છે. નવારોનું કહેવું છે કે ભારતીય લોકોના ભોગે બ્રાહ્મણ નફો કમાઈ રહ્યા છે તથા તેને અટકાવવાની જરૂર છે.
નવારોએ ફૉક્સ ન્યૂઝ સન્ડેને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદી મહાન નેતા છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, છતાં ભારતના નેતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને કેમ સહકાર આપી રહ્યા છે, એ સમજાતું નથી."
નવારોએ કહ્યું, "હું તો એટલું જ કહેવા માગીશ કે ભારતીય લોકો મહેરબાની કરીને સમજો કે શું થઈ રહ્યું છે. ભારતીય લોકોના ભોગે બ્રાહ્મણો નફો કમાઈ રહ્યા છે. આપણે આ બધું અટકાવવું રહ્યું."
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર તથા ટેરિફ નીતિઓને કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તિરાડ આવી છે. એ પછી છેલ્લા કેટલાક દિવસોથી નવારો સતત ભારત ઉપર નિશાન સાધી રહ્યા છે.
ટ્રમ્પે ભારતની ઉપર 25 ટકાનો રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. એ પછી રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવા મામલે વધુ 25 ટકાનો ટેરિફ લાદ્યો છે. ભારતે આ ટેરિફને 'અયોગ્ય તથા અવ્યવહારુ' ઠેરવ્યો છે. ભારતનું કહેવું છે કે 'સસ્તું ક્રૂડઑઇલ' મળશે, ત્યાંથી મેળવવાનું ચાલુ રાખશે.
નવારોએ ચીન અંગે શું કહ્યું?
નવારોને પૂછવામાં આવ્યું કે શું માત્ર ભારત ઉપર વધારાનો ટેરિફને લાદીને પુતિન ઉપર 'કાબૂ' મેળવી શકાશે, કારણ કે ચીન પણ રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદે છે.
તેના જવાબમાં નવારોએ કહ્યું, "બરાબર છે, એક વાત સ્પષ્ટ છે કે હાલમાં ભારત ઉપર 50 ટકા ટેરિફ છે, પરંતુ ચીન ઉપર 50 ટકા કરતાં થોડો વધારે ટેરિફ છે. ત્યારે સવાલ એ છે કે પોતાને નુકસાન પહોંચાડ્યા વગર ટેરિફને હજુ કેટલો વધારવો જોઈએ?"
નવારોના કહેવા પ્રમાણે, ફેબ્રુઆરી-2022માં પુતિને યુક્રેન ઉપર આક્રમણ કર્યું, એ પહેલાં રશિયા પાસેથી ભારત ક્રૂડઑઇલ નહોતું ખરીદતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવારોએ કહ્યું, "એ પછી શું થયું? ખેર, રશિયાની રિફાઇનરીઓ ભારતમાં પ્રવેશી ગઈ અને મોટી ઑઇલ કંપનીઓ સાથે ગઠબંધન કરી લીધું. પુતિન દ્વારા મોદીને ક્રૂડઑઇલ ઉપર છૂટ આપવામાં આવે છે."
"જેને તેઓ રિફાઇન કરે છે અને તેને યુરોપ, આફ્રિકા તથા એશિયામાં ભારે પ્રિમિયમથી વેચે છે અને ખૂબ પૈસા કમાય છે."
તેમણે કહ્યું, "આમાં ખોટું શું છે? વાસ્તવમાં તેનાથી 'રશિયન યુદ્ધ મશીન'ને બળ મળે છે. રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદીનો બચાવ કરતા ભારત કહે છે કે તેની ઊર્જાખરીદી એ રાષ્ટ્રીયહિતથી પ્રેરિત છે."
"યુક્રેન ઉપર આક્રમણ બાદ પશ્ચિમી દેશોએ રશિયન ક્રૂડઑઇલ ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. એ પછી રશિયા ભારતનું અગ્રણી ઊર્જા આપૂર્તિકર્તા બની ગયું છે."
નવારોના કહેવા પ્રમાણે, "તેનાથી યુક્રેનના લોકોને નુકસાન પહોંચે છે. અને કરદાતા તરીકે આપણે જે કરવાનું છે કે આપણે તેમને વધુ પૈસા મોકલવા પડે, જેથી કરીને યુક્રેન પોતાની સુરક્ષા કરી શકે. આ સિવાય ભારત ટેરિફનું 'મહારાજા' છે, એટલે 50 ટકા ટેરિફમાંથી બીજા 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે."
નવારોએ દાવો કર્યો, "વિશ્વમાં સૌથા વધુ ટેરિફ એજ (ભારત) લાદે છે. એટલે તેઓ આપણને અનેક ચીજોની નિકાસ કરે છે અને આપણને તેમને વેચવા નથી દેતું. તો કોને નુકસાન થાય? અમેરિકાના મજૂરો, અમેરિકાના કરદાતા તથા રશિયન ડ્રોનહુમલામાં મૃત્યુ પામનારા યુક્રેનના લોકોને."
પીટર નવારો અગાઉ પણ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ભારત તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વલણની ટીકા કરી ચૂક્યા છે. આ પહેલાં તેમણે યુક્રેન સંઘર્ષને 'મોદીનું યુદ્ધ' કહી ચૂક્યા છે.
'મોદીનું યુદ્ધ છે'
ગત બુધવારે અમેરિકાના ટેરિફના નવા દર લાગુ થયાના અમુક કલાકો બાદ પીટર નવારોએ ભારત ઉપર શાબ્દિક આક્રમણ કર્યું હતું.
નવારોએ બ્લૂમબર્ગ ટીવી સાથેની વાતચીતમાં એટલે સુધી કહી દીધું હતું કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ એ વાસ્તવમાં 'મોદીનું યુદ્ધ' છે.
નવારોએ કહ્યું હતું, "ભારત જે કંઈ કરી રહ્યું છે, તેનાથી બધા અમેરિકનોએ નુકસાન વેઠવું પડે છે. વપરાશકર્તા અને વેપારી બધા નુકસાનમાં છે તથા આને કારણે મજૂરોને પણ નુકસાન જાય છે, કારણ કે ભારતના ઊંચા ટેરિફને કારણે આપણી નોકરીઓ, કારખાના, કમાણી તથા વધુ સારા પગારની તકો ઘટી જાય છે. જેના કારણે ટૅક્સ ભરનારાઓને નુકસાન થાય છે, કારણ કે આપણે 'મોદીનાં યુદ્ધ' માટે પૈસા આપવા પડે છે."
જ્યારે બ્લૂમબર્ગે તેમને પૂછ્યું કે શું તેઓ 'પુતિનનું યુદ્ધ' એમ કહેવા માગતા હતા, ત્યારે નવારોએ કહ્યું, "હું 'મોદીનાં યુદ્ધ' વિશે જ વાત કરી રહ્યો છું, અમુક અંશે શાંતિનો માર્ગ ભારત થઈને જ પસાર થાય છે."
પીટર નવારોએ ઇન્ટરવ્યૂમાં વધુમાં કહ્યું, "મને જે વાત સૌથી વધુ કનડે છે, તે એ છે કે ભારતીયો આ મુદ્દે ખૂબ જ અહંકારી છે. તેઓ કહે છે, 'અરે, અમારા ટેરિફ વધુ નથી. અરે, તે અમારી સંપ્રભુતા છે. અમે જ્યાંથી અને જેની પાસેથી ઇચ્છીએ તેની પાસેથી ક્રૂડઑઇલ ખરીદી શકીએ છીએ.' તમે વિશ્વની સૌથી મોટી લોકશાહી છો, ઠીક છે, તો એવી વર્તણૂંક કરો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન