ખેતી : ડુંગળી-બટાટા ગયા વર્ષ જેટલાં જ પાક્યાં હોવા છતાં ગુજરાતના ખેડૂતોને સાવ ઓછા ભાવ કેમ મળી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Nitin Gohil
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી

- ગુજરાતમાં ડુંગળી-બટાટાના ખેડૂતો પોતાના પાકના ઓછા ભાવને લઈને કપરી પરિસ્થિતિમાં મુકાયા છે
- સમગ્ર ગુજરાતમાં ડુંગળી-બટાટાના ખેડૂતોને પોતાના પાકના પડતર કરતાં પણ ઓછા ભાવ મળી રહ્યા હોવાની ફરિયાદ ઊઠી
- ઓછા ભાવને કારણે ખેડૂતો વીઘાદીઠ હજારો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે
- આગામી સમયમાં સરકાર આ મામલે હકારાત્મક પગલું લે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે
- આવકની આશામાં વાવેલો પાક ખેડૂતોને કેમ કરાવી રહ્યું છે લાખોનું નુકસાન?

“ડુંગળીની ખેતી કરતા ખેડૂતો એક વીઘા પર લગભગ 30થી 40 હજાર રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, પરંતુ હાલ બજારમાં ખેડૂતોને એક મણ પર 60-70 રૂપિયા મળી રહ્યા છે. જે હિસાબે વીઘાદીઠ ડુંગળીના પાક પર ખેડૂતને 15થી 20 હજાર રૂપિયા જ મળી રહ્યા છે. આમ, દર વીઘે ડુંગળી પકવતા ખેડૂતોને 20 હજાર રૂપિયા જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.”
ભાવનગરના તણસા ગામના ખેડૂત બ્રિજરાજસિંહ ગોહિલ ડુંગળીના પાકના નીચા ભાવને લઈને ખેડૂતોનું દુ:ખ જણાવતાં આ વાત કહે છે.
સામાન્ય રીતે સારું ચોમાસું અને બમ્પર પાકની આશા રાખતાં ગુજરાતના ખેડૂતો માટે બટાટા અને ડુંગળીનો ‘બમ્પર પાક’ સમસ્યારૂપ બની રહ્યો હોય તેવું ચિત્ર સર્જાઈ રહ્યું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર સમગ્ર ગુજરાતમાં ડુંગળી અને બટાટાના ‘બમ્પર પાકને કારણે ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યા.’
અહેવાલ અનુસાર બટાટાના ખેડૂતોને ગુણવત્તા અનુસાર ત્રણથી દસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ડુંગળીના ખેડૂતોને તેમના પાક માટે છથી નવ રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળી રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ આ ભાવ ઘણા ઓછા છે.
નોંધનીય છે કે ગુજરાતમાં ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ડુંગળીની ખેતી મોટા પ્રમાણમાં થતી હોય છે.
જ્યારે બટાટાની ખેતીની વાત કરીએ તો ગુજરાત બટાટાની ખેતી અને નિકાસ માટે પાછલા બે દાયકાથી ‘હબ બની ગયું છે.’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતીએ પાકના ઓછા ભાવને લઈને ખેડૂતોને ભોગવવી પડી રહેલી હાલાકી અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

‘વાવેતર ક્રમશ: ન થતાં સર્જાઈ કપરી પરિસ્થિતિ’

ઇમેજ સ્રોત, Nitin Gohil
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાવનગરની મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ના ચૅરમૅન ઘનશ્યામ પટેલે મહુવા એપીએમસી ખાતે ડુંગળીના ઓછા ભાવનાં કારણો અંગે વાત કરતાં કહ્યું હતું :
“એવું નથી કે ગત વર્ષ કરતાં વધુ વાવેતર કે ડુંગળીના વધુ પાકના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પરંતુ એકસામટા વાવેતર, પેદાશ અને પાકના માર્કેટ યાર્ડમાં આગમનને કારણે ઓછા ભાવની સ્થિતિ પેદા થઈ છે.”
તેમણે આ સમસ્યા અંગે વધુ વાત કરતાં કહ્યું હતું કે, “આ વર્ષે ડુંગળીનો પાક જે એક મહિનામાં ક્રમશ: માર્કેટ સુધી પહોંચે છે, તે એકસામટા વાવેતર અને માર્કેટ યાર્ડ સુધી પહોંચવાના કારણે પુરવઠો વધતાં ભાવ ગત વર્ષની સરખામણીએ થોડા ઓછા થયા છે.”
ઘનશ્યામ પટેલ ડુંગળીના પાકના ભાવ અંગે વાત કરતાં આગળ કહે છે કે, “અઠવાડિયા પહેલાં ખેડૂતોને મણદીઠ 60થી 100 રૂપિયા મળી રહ્યા હતા, જ્યારે હવે તેમાં સુધારો થઈને મણદીઠ 100થી 200 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે.”
બીબીસી ગુજરાતીના સહયોગી નીતિન ગોહિલ સાથેની વાતચીતમાં ખેડૂતો ડુંગળીના પાક માટે ઓછા ભાવ અંગે ફરિયાદ કરે છે.
ખેડૂતો અનુસાર ડુંગળીના તૈયાર પાક પર તેમને વીઘાદીઠ 20 હજાર રૂપિયાનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
ભાવનગરના ઠળિયા ગામના ખેડૂત હરખાભાઈએ ડુંગળીની ખેતીમાં વહોરવા પડેલા નુકસાન અંગે વાત કરતાં બીબીસી ગુજરાતના સહયોગીને જણાવ્યું હતું :
“મને ડુંગળીના પાકના સાડા ચાર રૂપિયાનો ભાવ મળ્યો છે, તેની સામે અમારે દર વીઘે 50-60 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. આમ વેચાણ બાદ અમને રોકાણમાંથી માત્ર 15 હજાર રૂપિયા મળી રહ્યા છે. જ્યારે બાકીનું બધું નુકસાનમાં જઈ રહ્યું છે. આ પહેલાં તો દર કિલોએ માત્ર સાડા ત્રણ રૂપિયાનો ભાવ મળી રહ્યો હતો. ખેતપેદાશના આવા ભાવોને કારણે ખેડૂતો નિરાશ છે. સરકાર પાસેથી આશા કે તેઓ આ અંગે કંઈક કરશે.”
તેઓ આગળ કહે છે કે, “ખેડૂતે વાવેતર, ટ્રાન્સપૉર્ટેશન, વીજળી, પાણી, બિયારણ અને ખાતર વગેરે માટે ઘણો ખર્ચ કરવો પડે છે, આવી સ્થિતિમાં આટલા ઓછા ભાવમાં ખેડૂત પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે? આ પરિસ્થિતિમાં ખેડૂત અત્યંત દુ:ખી છે.”
આ તો વાત થઈ ડુંગળીની. કંઈક આવી જ પરિસ્થિતિ બટાટા પકવતા ખેડૂતોની પણ હોવાની ફરિયાદ ઊઠી રહી છે.

‘બટાટાની ખેતી એટલે ટોટલ લૉસ’

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ખેડા જિલ્લાના રોજાવાડા ગામના ખેડૂત ઘનશ્યામ ગઢવી આ વખત છ વીઘામાં બટાટાનું વાવેતર કર્યું હતું.
તેઓ બટાટાની ખેતીમાં પોતાને થયેલ અનુભવ વિશે વાત કરતાં કહે છે કે, “આ વખત બટાટાની ખેતી એટલે ટોટલ લૉસ જેવું છે. મેં છ વીઘામાં બટાટાનું વાવેતર કર્યું હતું, જેમાં મારે બે લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે પરંતુ આ બટાટાનો કોઈ લેનાર મળતો નથી. આવી જ પરિસ્થિતિ બટાટા વાવનાર તમામની થઈ છે.”
“1800 મણ બટાટા પાક્યાં છે, બધા કોલ્ડ સ્ટોરેજમાં છે, વેપારીઓને ફોન કર્યા પણ કોઈ લેનાર નથી. આ વખત ભાગ્યમાં નુકસાન જ છે.”
ઘનશ્યામ ગઢવી ગત વર્ષની પરિસ્થિતિ યાદ કરતાં કહે છે કે, “ગત વર્ષે બટાટાના મણદીઠ 210 રૂપિયા ભાવ હતા. પરંતુ આ વખત તો કોઈ લેવાલ જ નથી. રોકાણ એટલું નુકસાન છે.”
તેમને આ બટાટાની ખેતીમાં આ સ્થિતિનાં સંભવિત કારણો વિશે પૂછતાં ગઢવી જણાવે છે કે, “અહીં એવું કહેવાઈ રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં બટાટાનું વધુ વાવેતર થયું હોવાના કારણે ગુજરાતમાં બટાટાના ખેડૂતોની આ સ્થિતિ થઈ છે, પરંતુ આ વાત ગળે ઊતરે તેવી નથી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે ગુજરાતમાં આ વખત બટાટા વધુ પાક્યાં એના કારણે બટાટાનો કોઈ લેનાર નથી, પરંતુ અમને લાગે છે કે આ વખત બટાટા વધુ પાક્યાં તેવું નથી થયું, વાવેતર અને પાક ગત વર્ષ જેટલાં જ છે. તેમ છતાં આ સ્થિતિ થઈ છે.”
ગુજરાત કોલ્ડ સ્ટોરેજ ઍસોસિયેશનના સેક્રેટરી ગણપતલાલ કચ્છવા આ વર્ષે બટાટાના ખેડૂતોને ભોગવવી પડી રહેલી હાલાકી અંગે વાત કરતાં કહે છે કે, “આ વખત બટાટાની ખેતી કરતા ખેડૂતોને ત્રણથી ચાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ મળી રહ્યા છે, જ્યારે તેની સામે ખેડૂતોને બટાટા પકવવામાં પડતર જ પ્રતિ કિલો દસ રૂપિયા જેટલી થતી હોય છે. ગત વર્ષની સરખામણીએ આ વખત ભાવમાં લગભગ 67 ટકાનો ઘટાડો થયો છે. બજારમાં માગ જ નથી. તેથી ખેડૂતો મજબૂર બની ગયા છે.”
તેઓ આગામી સમય વધુ કપરો હોવાની આશંકા વ્યક્ત કરતાં કહે છે કે, “આગામી 25 દિવસ બાદ જ્યારે કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણપણે ભરાઈ જશે ત્યારે તો ખેડૂતોને આ ભાવ પણ મળવાનું મુશ્કેલ થઈ જશે. એ સમયે નાખી દેવાના ભાવે ગૌશાળામાં પાક આપવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં.”
ગણપતલાલ કચ્છવા બટાટાના પાકના ઓછા ભાવ અંગેનાં કારણો વિશે જણાવતાં કહે છે કે, “આ વખત સાનુકૂળ વાતાવરણ અને પરિસ્થિતિઓને કારણે બટાટાનું વાવેતર ગત વર્ષ જેટલું જ થવા છતાં પાકમાં 25 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. તેમજ સામાન્યપણે સમયાંતરે બજારમાં આવતો માલ આ વખત એક સાથે આવી ગયો, જેના કારણે ભાવ ગગડી ગયા, આજના ભાવ જાણે 20 વરસ પહેલાંના ભાવ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જો આવું જ રહ્યું તો આગામી સમય ખૂબ મુશ્કેલભર્યો હોઈ શકે છે.”

સરકાર પાસેથી મળશે રાહત?

ઇમેજ સ્રોત, Getty Images
બટાટાનું વાવેતર કરતાં ખેડૂત ઘનશ્યામ ગઢવી સરકાર પાસેથી ખેડૂતોને નુકસાન ભરપાઈ પેટે રાહત મળશે તેવી પણ કોઈ આશા ન હોવાનું જણાવે છે.
ઘનશ્યામ ગઢવી જણાવે છે કે, “જો સરકાર આ નુકસાન માટે સહાય જાહેર કરે તો પણ તે ઓછી જ પડશે. કારણ કે તમામ ખર્ચ જ્યારે ખેડૂતને માથે પડવાનો હોય ત્યારે થોડી સહાયથી કોઈ ફેર નહીં પડે. રોકાણનો દસમો ભાગ પણ નહીં નીકળી શકે.”
મહુવા એપીએમસીના ચૅરમૅન ઘનશ્યામ પટેલ ડુંગળીના ઓછા ભાવ અંગે સરકાર પાસે રહેલી આશા અંગે વાત કરતાં કહે છે કે, “સરકારને અમે ખેડૂતોની પરિસ્થિતિ અંગે રજૂઆત કરી છે. અમને જાણવા મળ્યું છે કે આગામી સમયમાં આ દિશામાં ખેડૂતો માટે હકારાત્મક પગલું લેવાશે. અન્ય રાજ્યોમાં પેદાશ પહોંચાડવા માટે રોડ મારફતે થતા ખર્ચની સરખામણીમાં રેલવેમાં 50 ટકા જેટલો ઓછો ખર્ચ થાય છે, જો તેમાં વધુ રાહત કરવામાં આવે તો તે લાભ પણ ખેડૂતોને મળશે. આ સિવાય સરકાર જે ખેડૂતની ડુંગળી ઓછા ભાવે વેચાઈ છે તેમને સહાય આપવાની વિચારણા કરી રહી છે.”
ભાવનગર માર્કેટિંગ યાર્ડ ઍસોસિયેશન પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે ખેડૂતેને ડુંગળીના પાકના ઓછા ભાવ મળી રહ્યા હોવા અંગે સરકારને રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “હાલમાં ખેડૂતોને પડતર કરતાં પણ ઓછા ભાવ મળી રહ્યા છે તેને લઈને સરકારને જેમનો માલ ઓછા ભાવે વેચાયો છે તેમને સહાય કરવામાં આવે, તેમજ ગુજરાતની ડુંગળી વિદેશમાં નિકાસ થઈ શકે તે માટેની નિકાસનીતિ ઘડાય તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે અમને સમાચાર મળ્યા છે કે આગામી સમયમાં સરકાર ખેડૂતોના હિતમાં આ માગણીઓને લઈને હકારાત્મક નિર્ણય લેવાની છે.”
ડુંગળી અને બટાટાના ખેડૂતોને મળી રહેલા ઓછા ભાવ મુદ્દે સરકાર આગામી સમયમાં કોઈ રાહતલક્ષી પગલાં લેશે કે કેમ તે અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો ઇ-મેઇલ મારફતે સંપર્ક કર્યો હતો, પરંતુ હજુ સુધી વિભાગ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.














