આઈપીએલ : 19મી ઓવરનો એ કૅચ જેણે લાખો લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા

આઇપીએલ

ઇમેજ સ્રોત, Getty Images

આઈપીએલની ચાલુ સિઝનમાં રવિવારે ચેન્નાઈના એમ. એ. ચિદંબરમ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ વચ્ચેની મૅચ ગજબ રસાકસીભરી રહી હતી.

અંતિમ ઓવર સુધી ખેંચાયેલ મૅચમાં ચેન્નાઈએ મૂકેલ 201 રનનો ટાર્ગેટ પંજાબ કિંગ્સે ચાર વિકેટ બાકી રહેતાં પ્રાપ્ત કરી લીધો હતો.

પરંતુ આ મૅચમાં બંને ટીમો વચ્ચે જોવા મળેલી રસાકસી કરતાં 19મી ઓવરમાં ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી શાઇક રાશિદે આક્રમક દેખાઈ રહેલા પંજાબ કિંગ્સના બૅટ્સમૅન જિતેશ શર્માનો ઝડપેલ કૅચ વધુ ચર્ચાનો વિષય બન્યો હતો.

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નાઈની ટીમ પંજાબની ટીમ પર દબાણ બનાવવાના તમામ પ્રયાસ કરી રહી હતી, પરંતુ અંતે પંજાબની ટીમ અંતિમ બૉલ સુધી ઝઝૂમીને મૅચ જીતવામાં સફળ રહી હતી.

ગ્રે લાઇન

અદ્ભુત કૅચ બન્યું ચર્ચાનું કેન્દ્ર

ધોનીની અભેદ્ય મનાતી વ્યૂહરચનાને માત આપીને પંજાબની ટીમ આ મૅચ જીતવામાં સફળ રહી હતી.

અત્યંત રસપ્રદ રહેલી આ મૅચમાં જો 19મી ઓવરના એક કૅચના અનુભવને બાદ કરી નાખવામાં આવે તો કદાચ દર્શકો માટે મૅચનો સમગ્રલક્ષી અનુભવ આટલો સમૃદ્ધ ન રહી શક્યો હોત.

એ સમયે પંજાબ કિંગ્સની ટીમનો સ્કોર 185 રને પાંચ વિકેટનો હતો.

જિતેશ શર્માએ દસ બૉલે 21 રન બનાવી લીધા હતા.

પંજાબની ટીમને જીત માટે નવ બૉલમાં 15 રનની જરૂરિયાત હતી.

તુષાર દેશપાંડેની ઓવરના ચોથા બૉલે આક્રમક દેખાઈ રહેલા જિતેશ શર્મા કંઈક એવી રીતે આઉટ થયા કે સમગ્ર મૅચનું કેન્દ્રબિંદુ આ કૅચ બની ગયો.

જિતેશ શર્માએ આ બૉલને બાઉન્ડરી બહાર પહોંચાડવાના ઇરાદે શૉટ ફટકાર્યો હતો. પરંતુ શૉટ થોડો કાચો લાગ્યો અને બૉલ ખૂબ ઊંચાઈ પર પહોંચી ગયો.

તક ભાળી સબ્સ્ટિટ્યૂટ તરીકે તહેનાત ચેન્નાઈના ફિલ્ડર શાઇક રાશિદે પાછળની તરફ દોડવાનું શરૂ કરી બૉલની નીચે પોતાની જાતને ગોઠવી દીધા અને કૅચ ઝડપી લીધો.

પરંતુ એ દરમિયાન જ દુર્ભાગ્યે તેઓ લપસી પડ્યા. અને એવો આભાસ થયો કે કદાચ તેમનો પગ બાઉન્ડરી લાઇનને થોડો અડકી ગયો છે.

આક્રમક દેખાઈ રહેલા જિતેશ શર્માની વિકેટ ચેન્નાઈની જીત માટે જરૂર હતી.

આ સમગ્ર પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય માટે મામલો થર્ડ અમ્પાયર સુધી પહોંચ્યો. અમ્પાયરે થોડી વાર સુધી દર્શકો અને ખેલાડીઓના શ્વાસ અધ્ધર કર્યા બાદ નિર્ણય આપ્યો. જેમાં જિતેશને આઉટ અપાયા અને ચેન્નાઈ માટે જીતની આશા ફરી જાગી.

ગ્રે લાઇન

પંજાબ માટે પાંચમી જીત

પંજાબની ટીમની આ ટુર્નામેન્ટમાં પાંચમી જીત છે અને તેમના ખાતામાં અત્યાર સુધી દસ પૉઇન્ટ આવી ચૂક્યા છે.

પંજાબની ટીમે અંતિમ પાંચ ઓવરમાં 72 રન ફટકારીને આ સમગ મૅચની દિશા બદલી નાખી હતી.

ચેન્નાઈના મેદાન પર કોઈ ટીમે 200 કરતાં વધુ રનના લક્ષ્યનો પીછો કરીને જીત મેળવી હોય એવું પ્રથમ વખત આ મૅચમાં જ બન્યું હતું.

201 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી પંજાબ કિંગ્સની ટીમને અંતિમ ઓવરમાં નવ રનની જરૂરિયાત હતી. અંતિમ ઓવરના પ્રથમ પાંચ બૉલ પર છ રન બન્યા. હવે અંતિમ બૉલે ત્રણ રનની જરૂરિયાત હતી. સ્ટ્રાઇક પર સિંકદર રઝા હતા અને બૉલિંગની કમાન મથીશા પથિરાના પાસે હતી.

પથિરાનાએ સાવ ધીમો બૉલ ફેંકમ્યો જેને સિકંદર રઝાએ ડીપ ફાઇન લેગ તરફ રમી નાખ્યો અને દોડીને ત્રણ રન ભેગા કરી લીધા. રઝા સાત બૉલમાં 13 રન બનાવીને અણનમ રહ્યા. શાહરુખ ખાને ત્રણ બૉલ રમીને અણનમ બે રન બનાવ્યા.

પંજાબના ઓપનર પ્રભસિમરનસિંહ ટીમના ટૉપ સ્કોરર રહ્યા. તેમણે 42 રન બનાવ્યા.

બીબીસી ગુજરાતી

પંજાબ કિંગ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપરકિંગ્સ

પંજાબ કિંગ્સે સીએસકેની ટીમનને ચાર વિકેટથી હરાવી

ચેન્નાઈ સુપરકિંગ્સ – 200/4 (ડેવોન કૉનવે – અણનમ 92 રન, સિકંદર રઝા – 1/31)

પંજાબ કિંગ્સ – 201/6 (પ્રભસિમરનસિંહ-42 રન, તુષાર દેશપાંડે – 3/49)

બીબીસી ગુજરાતી

અંતિમ પાંચ ઓવરનો રોમાંચ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૅચમાં મોટા ભાગે ચેન્નાઈની ટીમનું પલ્લું ભારે દેખાઈ રહ્યું હતું પરંતુ પંજાબની ટીમ પણ સતત વળતી લડત આપી રહી હતી. પરંતુ અંતિમ પાંચ ઓવરમાં પંજાબના બેટરોએ પૂરું જોર લગાવીને મૅચ પર કબજો કરી લીધો.

પંજાબ કિંગ્સને અંતિમ પાંચ ઓવરમાં જીત માટે 72 રનની જરૂરિયાત હતી. ક્રીઝ પર લિયમ લિવિંગસ્ટોન અને સૅમ કરન હતા. બંનેને રન બનાવવામાં મુશ્કેલી પડી રહી હતી.

16મા ઓવરમાં કપ્તાન ધોનીએ તુષાર દેશપાંડેને બૉલ આપ્યો. એવું લાગ્યં કે જાણે લિયમ તેમની રાહ જ જોઈ રહ્યા હતા.

પ્રથમ બે બૉલ પર તેમણે બે છગ્ગા ફટકાર્યા. ત્રીજા બૉલ પર લેગ બાય સ્વરૂપે ચોગ્ગો મળ્યો. ચોથા બૉલ પર લિવિંગસ્ટોને વધુ એક છગ્ગો ફટકાર્યો અને પંજાબની ટીમ માટે આશા જગાવી દીધી.

પરંતુ પાંચમા બૉલે જ લિયમ લિવિંગસ્ટોન બહાર જઈ રહેલા બૉલને હવામાં ઉલાળી દીધો. ઋતુરાજ ગાયકવાડે પણ આ તક ન ગુમાવી અને લિયમે 24 બૉલમાં 40 રન બનાવીને પેવેલિયન પરત ફરવું પડ્યું.

હવે પંજાબને 24 બૉલમાં 48 રનની જરૂરિયાત હતી. લિયમના સ્થાને આવેલા જિતેશ શર્માએ બીજા બૉલે છગ્ગો ફટકારી દીધો. ઓવરના પાંચમા બૉલે સૅમ કરને વધુ એક છગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં કુલ 17 રન બન્યા.

પંજાબને અંતિમ ત્રણ ઓવરમાં 31 રનની જરૂરિયાત હતી. 18મા ઓવરમાં મથીશા પથિરાનાના હાથમાં બૉલ આવ્યો. તેમણે પ્રથમ બેલ જ સૅમર કરનને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યા. તેઓ 29 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા.

પરંતુ શર્માની ઝડપ જળવાઈ રહી. તેમણે ઓવરના ત્રીજા બૉલે ફરી એક વાર ચોગ્ગો ફટકાર્યો.

અંતિમ ઓવરમાં પંજાબને જીત માટે 22 રનની જરૂરિયાત હતી. 19મા ઓવરમાં ધોનીએ તુષાર દેશપાંડે પર ભરોસો કર્યો. પ્રથમ જ બૉલે ચોગ્ગો ફટકારીને શર્માએ દેશપાંડેને દબાણમાં લાવવાની કોશિશ કરી.

ઓવરના ચોથા બૉલે રોમાંચ એ સમયે ચરમ પર પહોંચી ગયો જ્યારે રાશિદે શર્માનો કૅચ છેક બાઉન્ડરી પર પકડ્યો.

અમ્પાયરે ઘણા ઍંગલ તપાસ્યા બાદ શર્માને આઉટ જાહેર કર્યા.

પરંતુ અહીંથી મૅચનું પાસું પલટાયું નહીં.

ઓવરના પાંચમા બૉલે સિકંદર રઝાએ આક્રમણ વલણ દેખાડતાં ચોગ્ગો ફટકાર્યો. દેશપાંડેએ વાઇડ ફેંક્યો તો પંજાબના ખાતામાં વધુ એક રન જોડાઈ ગયો.

બીબીસી ગુજરાતી

પંજાબની સારી શરૂઆત

પંજાબ

ઇમેજ સ્રોત, Getty Images

અંતિમ ઓવરમાં પંજાબને નવ રન બનાવવાના હતા તેમજ તેમના હાથમાં ચાર વિકેટ હતી. અંતિમ ઓવરની જવાબદારી મથીશા પથિરાના પર હતી.

આ પહેલાં પંજાબના કપ્તાન શિખર ધવન (28 રન) અને પ્રભસિમરનસિંહ (42)ની જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 50 રન બનાવ્યા હતા. અથર્વ તાઇડેએ 13 રન બનાવ્યા હતા.

બીબીસી ગુજરાતી

ચેન્નાઈની ઇનિંગ

ચેન્નાઈ

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલાં ચેન્નાઈ સુપરકિંગ્સના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ડેવોન કૉન્વેની અણનમ ઇનિંગના દમે ચેન્નાઈની ટીમ આ નિર્ણય સાચો પણ ઠેરવી શકી.

કૉનવેએ ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને ટીમને સારી શરૂઆત અપાવી. બંનેએ 9.4 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી. ગાયકવાડ 37 રન બનાવીને સિકંદર રઝાનો શિકાર થયો.

ત્રીજા નંબરે આવેલા શિવમ દુબેએ 17 બૉલે 28 રન બનાવ્યા. મોઇન અલી (10 રન) અને રવીન્દ્ર જાડેજા (12 રન) કંઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યા.

પરંતુ માત્ર ચાર બૉલોનો સામનો કરનાર કપ્તાન ધોનીએ કમાલ કરી. તેમણે અણનમ 13 રન બનાવ્યા. તેમણે અંતિમ બે બૉલ પર સૅમ કરનના બે બૉલ પર બે છગ્ગા ફટકાર્યા અને પોતાની ટીમને 200ના સ્કોર સુધી પહોંચાડી દીધી. દુર્ભાગ્યે તેમની ફિનિશિંગ સ્કિલનું પ્રદર્શન ચેન્નાઈને અંતે જીત તો ન જ અપાવી શક્યું.

બીબીસી ગુજરાતી

ધોનીએ શું કહ્યું?

ધોની

ઇમેજ સ્રોત, Getty Images

રસાકસીભરેલી મૅચમાં થયેલી હારની ઝલક કપ્તાન ધોનીના ચહેરા પર પણ જોવા મળી.

ધોનીએ કહ્યું, “મને લાગે છે કે 200નો સ્કોર સારો હતો. પરંતુ અમે બે ઓવરમાં ખરાબ બૉલિંગ કરી.”

ધોનીનો ઇશારો પંજાબની ઇનિંગની 16મી અને 17મી ઓવર તરફ હતો. પંજાબ કિંગ્સે 16મી ઓવરમાં 24 અને 17મી ઓવરમાં 17 રન બનાવ્યા હતા. આમ, બંને ઓવરમાં કુલ 41 રન બન્યા હતા.

રેડ લાઇન
રેડ લાઇન