You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ડોનેશિયામાં ભયાનક ભૂકંપમાં 160થી વધુનાં મૃત્યુ, સેંકડો ઈજાગ્રસ્ત
ઇન્ડોનેશિયાના જાવા દ્વીપ પર આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 162 લોકોનાં મૃત્યુ થયાં છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ માહિતી સ્થાનિક ગવર્નર રિદવાન કામિલે આપી હતી.
યુએસ જિયોલૉજિકલ સરવેના ડેટા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાવાના પશ્ચિમમાં સ્થિત સિયાંજુરમાં 10 કિલોમિટરની ઊંડાઈમાં સ્થિત છે.
ઈજાગ્રસ્ત લોકોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને કેટલાકની સારવાર બહાર જ ચાલી રહી છે.
બચાવકર્તાઓ રાત્રે પણ લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે.
અહેવાલો પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર રાજધાની જાકાર્તાથી 100 કિલોમીટર દૂર સિયાંજુરમાં છે.
જ્યાં ભૂકંપ આવ્યો તે ગીચ વસ્તીવાળો વિસ્તાર છે અને ભૂસ્ખલનનો પણ ખતરો રહે છે. આ વિસ્તારમાં નબળાં બાંધકામવાળા મકાનો તૂટી પડ્યાં હતાં.
મૃતકોની સંખ્યા અંગે અલગઅલગ રિપોર્ટ આવી રહ્યા છે અને રાહતકાર્ય ચાલી રહ્યું હોવાને કારણે મૃતકોનો સાચો આંકડો જાણવો હજુ મુશ્કેલ છે.
આની પહેલાં 13 હજાર લોકોને ખસેડવા પડ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી અને 2,200 મકાનોને નુકસાન થયાં હોવાનું પણ સરકારી તંત્રે જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનવામાં આવી રહ્યું છે કે અનેક લોકો હજી ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાં દબાયેલા હોઈ શકે છે. તેમને બચાવવા માટે રાહતકર્મીઓ બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે તે ભૂસ્ખલનથી પ્રભાવિત ક્ષેત્ર છે અને અહીં મકાનોનું બાંધકામ પણ નબળું છે. ભૂકંપના ઝટકાથી આ મકાનો ધરાશાયી થઈ ગયાં હશે.
'મોટા ભાગના ઘાયલોને ફેક્ચર થયાં છે'
ગવર્નર રિદવાદ કામિલે જણાવ્યું કે ભૂકંપ પ્રભાવિત કેટલાક વિસ્તારોનો ભૂસ્ખલનને કારણે સંપર્ક તૂટી ગયો છે. ત્યાં અનેક લોકો કાટમાળમાં દબાયેલા હોઈ શકે છે.
આ પહેલાં સિયાંજુર શહેરના પ્રશાસનના પ્રમુખ હર્મન સુહેરમાને કહ્યું હતું કે ઇમારતોના કાટમાળમાંથી બહાર કઢાયેલા મોટા ભાગના લોકોને ફેક્ચર થયાં છે.
હર્મન સુહેરમાને સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે ગામડાંમાંથી સતત ઍમ્બુલન્સ હૉસ્પિટલમાં આવી રહી છે. ગામડાંમાં હજી પણ અનેક પરિવારો ફસાયેલા છે.
નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ જણાવ્યું કે સિયાંજુર શહેરની અનેક ઇમારતો પડી ગઈ છે. જેમાં એક હૉસ્પિટલ અને એક મદરેસાની હૉસ્ટેલ પણ સામેલ છે.
સિયાંજુર શહેરથી 100 કિલોમિટર દૂર આવેલા જાકાર્તા શહેરમાં પણ ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા. જાકાર્તામાં સુરક્ષા માટે ઊંચી ઇમારતોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
'પગ નીચેની જમીન સરવા લાગી...'
બચાવકાર્ય કરી રહેલી એજન્સીએ જણાવ્યું કે ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 1:21 મિનિટે આવ્યો હતો. એ સમયે લોકો ઑફિસમાં કામ કરી રહ્યા હતા, જેમાંથી અનેક લોકો બહાર નીકળી ગયા હતા.
ઑફિસમાંથી બહાર નીકળેલી એક વ્યક્તિ વકીલ માયાદિતા વાલુયોએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું, "હું એ સમયે કામ કરી રહી હતી. મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકવા લાગી છે. મેં કોશિશ કરી કે કંઈ ના કરું, પરંતુ ભૂકંપના આંચકા સતત મજબૂત થતા ગયા અને થોડીવાર માટે આ બધું ચાલ્યું."
અહમદ રિદવાન નામના એક કર્મચારીએ સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું, "અમને જાકાર્તામાં ભૂકંપની ટેવ પડી ગઈ હતી પરંતુ આ વખતે લોકો બહુ નર્વસ હતા. એટલા માટે અમે ડરી ગયા."
ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવવો એક સામાન્ય ઘટના ગણવામાં આવે છે. પ્રશાંતક્ષેત્રની ભૂગર્ભીય ગતિવિધિઓ અનુસાર તે 'રિંગ ઑફ ફાયર'ની ઠીક ઉપર બેઠેલો દેશ છે.
વર્ષ 2018માં ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીની ઘટના બની હતી. જેમાં બે હજારથી વધારે લોકોનાં મોત થયાં હતાં.