You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૂરનના 15 બૉલમાં 50 રન અને બે ભૂલને લીધે કોહલીની ટીમ છેલ્લા બૉલે મૅચ હારી ગઈ
ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રવિવારે રમાયેલી મૅચની અંતિમ ઓવરમાં પડેલા પાંચ છગ્ગાએ જે રીતે મૅચને રોમાંચક બનાવી હતી, કંઈક એવી જ રસપ્રદ મૅચ સોમવારે પણ જોવા મળી.
રૉયલ ચેલેન્જર્સ બૅંગલોર અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાયેલી મૅચનો રોમાંચ અંતિમ બૉલ સુધી રહ્યો અને છેલ્લા બૉલે મૅચ લખનઉના નામે થઈ.
મૅચની અંતિમ ઓવરમાં લખનઉએ પાંચ રન બનાવવાના હતા અને તેમની પાસે ત્રણ વિકેટ હતી. સામે હર્ષલ પટેલ બૉલિંગ કરી રહ્યા હતા.
પહેલા બૉલે જયદેવ ઉનડકટે એક રન લીધો અને માર્ક વુડ સ્ટ્રાઇક પર આવ્યા.
બીજા બૉલે હર્ષલે માર્ક વુડને ક્લીન બોલ્ડ કર્યા. આ પટેલની 100મી આઈપીએલ મૅચ હતી.
એ પછી રમવા આવેલા રવિ બિશ્નોઈએ બે બૉલમાં ત્રણ રન બનાવીને સ્કોરને બરાબર કરી દીધો. પાંચમા બૉલે જયદેવ ઉનડકટનો મુશ્કેલ લાગતો કૅચ ડુપ્લેસીએ પકડી લીધો.
હવે, લખનઉ પાસે જીતવા માટે અંતિમ બૉલ પર એક રન બનાવવાનો હતો અને તેમની પાસે માત્ર એક વિકેટ બચી હતી.
છેલ્લા બૉલ પર હર્ષલ નૉન સ્ટ્રાઇકર બૅટ્સમૅનને આઉટ કરી શકતા હતા, પરંતુ માંકડિંગ આઉટ કરવાથી ચૂકી ગયા. નૉન-સ્ટ્રાઇકર બૅટ્સમૅન રવિ બિશ્નોઈ ક્રીસની બહાર નીકળી ગયા હતા, પરંતુ હર્ષલ પટેલ બૉલ સ્ટમ્પને અડકાવી શક્યા નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ફરીથી બૉલ નાખવાનો હતો અને આ વખતે આવેશ ખાનના બૅટ અને બૉલનો સંગમ ન થયો. વિકેટકીપર દિનેશ કાર્તિક બૉલને ઠીક રીતે પકડી ન શક્યા અને રવિ બિશ્નોઈ રન લેવામાં સફળ રહ્યા.
દિનેશ કાર્તિકની આ વિકેટકીપિંગને લઈને પણ સોશિયલ મીડિયા પર તેમની ઘણી ટીકા થઈ. લોકોએ મહેન્દ્રસિંહ ધોની સાથે તેમની સરખામણી કરીને ધોનીને વધુ યોગ્ય ગણાવ્યા.
છેલ્લા બૉલના રોમાંચને જો છોડી દઈએ તો તેના ઘણા સમય પહેલાં નિકોલસ પૂરને લખનઉને જીતના દરવાજા સુધી પહોંચાડી દીધું હતું.
નિકોલસની બેટિંગ પર ચર્ચા કરતા પહેલાં ઇમ્પૅક્ટ ખેલાડી આયુષ બડોનીના પણ વખાણ કરવા જોઈએ. જેમણે 24 બૉલ પર 30 રન બનાવીને ટીમને જીતમાં ફાળો આપ્યો.
તેઓ આઉટ પણ રસપ્રદ રીતે થયા. પૉર્નેલના બૉલ પર તેમણે છગ્ગો લગાવીને બંને ટીમોનો સ્કોર એકસરખો કરી દીધો હતો. પરંતુ છગ્ગો ફટકાર્યા બાદ તેમનું બૅટ સ્ટમ્પ્સને અડી ગયું અને તેઓ હિટ વિકેટનો શિકાર બન્યા.
એટલે કે બૉલ અને બૅટ્સમૅન એક સાથે બહાર જતા રહ્યા.
પૂરનનું ધમાકેદાર પ્રદર્શન
વેસ્ટ ઇન્ડિઝના લૅફ્ટ હૅન્ડેડ વિકેટકીપર બૅટ્સમૅન નિકોલસ પૂરન જ્યારે ક્રીસ પર ઊતર્યાં ત્યારે લખનઉની ઇનિંગની 11મી ઓવર ચાલી રહી હતી અને ટીમ 99 રન સુધી પહોંચતા સુધીમાં ચાર વિકેટ ગુમાવી ચૂકી હતી.
પૂરન છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવ્યા હતા અને મૅચ એક રીતે બૅંગલોર તરફી હતી. જોકે, પૂરન કંઈક અલગ મિજાજ સાથે જ મેદાનમાં ઊતર્યા હતા. બીજા જ બૉલ પર તેમણે જોરદાર છગ્ગો ફટકાર્યો.
સામેના છેડે તેમનો સાથ આપી રહેલા લોકેશ રાહુલ 18 રન બનાવીને આઉટ થયા બાદ પૂરન પર દબાણ વધી ગયું. જેને ઘટાડવા માટે તેમણે કર્ણ શર્માના સતત બે બૉલ પર બે છગ્ગા ફટકાર્યા.
ત્યાર પછી હર્ષલ પટેલની ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો. વેન પૉર્નેલના બૉલ પર છગ્ગો મારીને માત્ર 15 બૉલમાં પોતાની હાફ સૅન્ચ્યુરી પૂર્ણ કરી. શરૂઆતના પાંચ બૉલમાં માત્ર દસ રન ફટકારનારા પૂરને બાકીના 40 રન એ પછીના 10 બૉલમાં માર્યા.
તેઓ આઈપીએલની સૌથી ઝડપી હાફ સૅન્ચ્યુરી બનાવવામાં એક બૉલથી ચૂકી ગયા હતા પરંતુ લખનઉને મૅચમાં ટકાવી રાખવા માટે તેમણે 19 બૉલમાં 62 રન બનાવ્યા. ચાર ચોગ્ગા અને સાત છગ્ગા સાથે તેમણે કોહલી, મૅક્સવેલ અને ફાફ ડુપ્લેસીની ચમકને ફિક્કી કરી નાખી.
કેજીએફની ઇનિંગ નિષ્ફળ
બેંગલોર તરફથી મોહમ્મદ સિરાજ અને વેન પૉર્નેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી પરંતુ પૉર્નેલ મોંઘા સાબિત થયા. તેમણે ચાર ઓવરમાં 41 રન આપ્યા. જ્યારે હર્ષલ પટેલ અને કર્ણ શર્માએ ચાર ઓવરોની બૉલિંગમાં 12ની ઍવરેજથી રન બનાવ્યા હતા.
સિરાજને બીજી તરફથી સાથ ન મળ્યો અને આ જ કારણથી લખનઉ સામે વિરાટ કોહલી, ગ્લૅન મૅક્સવેલ અને ફાફ ડુપ્લેસી (કેજીએફ)ની ઇનિંગ્સ નિષ્ફળ ગઈ.
વિરાટ કોહલીએ 44 બૉલ પર ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 61 રન ફટકાર્યા. આ સાથે જે તેઓ આઈપીએલમાં તમામ પ્રતિસ્પર્ધી ટીમો વિરુદ્ધ અર્ધશતક ફટકારનારા એક માત્ર બૅટ્સમૅન બની ગયા છે.
જ્યારે કૅપ્ટન ફાફ ડુપ્લેસીએ પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા વડે 46 બૉલ પર અણનમ 79 રન બનાવ્યા. પાંચ પૈકી એક છગ્ગો 115 મીટર લાંબો હતો. જે સ્ટેડિયમ બહાર જતો રહ્યો હતો.
એક સમયે ડુપ્લેસી 31 બૉલ પર 33 રન બનાવીને રમી રહ્યા હતા. એ પછીના 15 બૉલ પર તેમણે 46 રન બનાવ્યા હતા.
19મી ઓવરના પાંચમા બૉલ પર આઉટ થયેલા ગ્લૅન મૅક્સવેલે 29 બૉલ પર ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા.
જોકે, આ ત્રણેય બૅટ્સમૅનોનો સ્ટ્રાઇક રેટ સ્ટોઇનિસ અને પૂરનની સામે ટૂંકો પડ્યો.
બેંગલોરની ટીમનો જુસ્સો વધારવા માટે અનુષ્કા શર્મા પણ સ્ટૅન્ડમાં હાજર હતાં અને મૅચમાં આવેલા ઉતાર-ચઢાવની અસર તેમના ચહેરા પર પણ જોવા મળતી હતી.