શરીર અને આત્મા બન્નેને શુદ્ધ કરતી અને જિંદગીનો આનંદદાયી અનુભવ કરાવતી પરંપરા

ઇમેજ સ્રોત, T Tuul
- લેેખક, હિલેરી મિલાન
- પદ, બીબીસી ટ્રાવેલ
એસ્ટોનિયાના ગ્રામીણ લોકો દ્વારા તેમનાં દર્દ અને પીડાના નિવારણ માટે સ્મૉક સૉનાનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. આ સ્મૉક સૉના (ફિનિશ ઢબનો બાષ્પભવન રૂમ) એક આત્મિક અનુભવ હોય છે, જે મનને સાફ કરે છે અને આત્માને શુદ્ધ કરે છે.
એસ્ટોનિયામાં માર્ચની બપોરે અસાધારણ તકડો છે, પરંતુ હું સ્મૉક સૉનાના એક અંધારિયા ખૂણામાં એક બૅન્ચ પર સંપૂર્ણપણે નગ્નાવસ્થામાં સૂતી છું. મારા પગ લાકડાના કાંટાવાળા બીમ પર છે અને મારું મસ્તક વિહ્ત પર છે. વિહ્ત એટલે કે ઓકના વૃક્ષની પાતળી ડાળીઓનું એક નાનું બંડલ ત્વચાના મૃત કોષોને દૂર કરવા અને લોહીનું પરિભ્રમણ વધારવા મારા ખુલ્લા શરીર પર મારવા માટે છે, પરંતુ થોડી ક્ષણ માટે તે મારું ઓશિકું છે. સુકાયેલાં પાંદડાં પાણીમાં પલાળ્યાં પછી હળવાં બની જાય છે. તેની માટીની સુગંધ અને ધુમાડાથી મારાં નસકોરાં ભરાઈ જાય છે. હવામાં ભેજ છે અને મારા શરીર પર પરસેવાનાં ટીપાં છે.
મૂસ્કા સ્મૉક સૉનાના માલિક એડા વીરોજા પણ નગ્ન છે. તેઓ ઈંટના ચૂલા પરના ઢગલાબંધ ગરમ પથ્થરો પર પાણી છાંટી રહ્યાં છે.
"હું ખેતરમાંનો પવન છું...મેં તને સંભાળી રાખી છે, સંભાળી રાખી છે," તેઓ લોરી ગાતા હોય તેમ ગાઈ રહ્યાં છે. શબ્દો હવામાં ફરકી રહ્યા છે, પથ્થરોમાંથી વરાળ નીકળી રહી છે.
સ્મૉક સૉના પરંપરા શું છે?

ઇમેજ સ્રોત, Silver Gutmann
મૂસ્કા એસ્ટોનિયાના દક્ષિણ-પૂર્વ ખૂણામાં આવેલું છે. તે રશિયન સરહદથી લગભગ 20 કિલોમીટર દૂર છે. તે વાના વોરોમા અથવા ઑલ્ડ વોરોમાનો એક હિસ્સો છે. તેમાં હાલના વોરુ અને પોલ્વા પરગણા ઉપરાંત ટાર્ટુ અને વાલ્ગા કાઉન્ટીના કેટલાક ભાગનો પણ સમાવેશ થાય છે. રોલિંગ હિલ્સનો આ દૂરસ્થ પ્રદેશ એસ્ટોનિયન જેવી જ ફિન્નો-યુગ્નિક ભાષા વોરો બોલતા લગભગ 70,000 લોકોનું પૈતૃક ઘર છે.
વીરોજાએ છેલ્લા આઠ કલાક સૉના તૈયાર કરવામાં વિતાવ્યા છે. છ કલાકની હીટિંગ પ્રોસેસ દરમિયાન ચૂલામાં લાકડાં સળગાવ્યાં હતાં. સ્મૉક સૉનામાં ચીમની નથી હોતી. તેથી સ્ટીમ રૂમ ધુમાડાથી ભરેલો હોય છે. ગરમ હવા છત સુધી પહોંચે છે અને નીચે પૂરતી હવા છોડી દે છે, જે આગ ચાલુ રાખવા માટે પૂરતી હોય છે.
રૂમનું તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ ગયા પછી તેમણે છતમાંની એક નાનકડી બારી ખોલી હતી, જેથી અમે અંદર જઈએ તે પહેલાં સૉનામાં હવાની અવરજવર થઈ શકે.
સૉના ઉત્તર યુરોપમાં એક અથવા બીજા સ્વરૂપે હજારો વર્ષથી અસ્તિવમાં છે. એસ્ટોનિયામાં પ્રાચીન નિવાસસ્થાન નાના ચીમની વિનાના માળખાં હતાં. તેમાં ખૂણામાં એક સ્ટૉવ હતો. તેનો અર્થ એ કે ઘરનો ઉપયોગ સૉના તરીકે પણ થઈ શકે છે. 1980ના દાયકામાં ઉત્તર એસ્ટોનિયામાં ખોદકામ દરમિયાન બારમી અને તેરમી સદી વચ્ચે સહેતુક બનાવવામાં આવેલા સૌનાનો પ્રથમ પુરાતત્ત્વીય પુરાવો 1241માં મળ્યો હતો, જે સંભવતઃ એસ્ટોનિયન શબ્દ 'સૉન'ના પહેલા લેખિત ઉલ્લેખનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તરીય ધર્મયુદ્ધ પછી જર્મન સંસ્કૃતિએ વાણિજ્ય તથા ધર્મમાં પગદંડો જમાવી દીધો હતો અને બાલ્ટિક જર્મનોએ મોટા ભાગના સ્થાનિક લોકોને એસ્ટોનિયામાં સમાવી લીધા હતા. એસ્ટોનિયન પ્રદેશ પરનું નિયંત્રણ ડેન્સથી સ્વીડ્સ અને આખરે રશિયન સામ્રાજ્યના હાથમાં ગયું હતું. મધ્ય યુગ દરમિયાન શ્રીમંત નગરજનો માટે ધુમાડાવિહોણા ચૂલા (ચીમની સાથેના ચૂલા) અને કેટલાંક શહેરી સ્નાનગૃહોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
સ્મૉક સૉના પરંપરાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Veeroja
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, 2023માં પ્રકાશિત પુસ્તક 'સૉનાઃ હિસ્ટરી, કલ્ચર, હેલ્થ એન્ડ કન્સ્ટ્રક્શન'માં જણાવ્યા અનુસાર, હેન્સેટિક નગરો અને વેપાર માર્ગોથી દૂર આવેલા દક્ષિણ એસ્ટોનિયામાં સૉના કલ્ચર સહિતની સ્થાનિક સંસ્કૃતિને 700 વર્ષ સુધી ટાઇમ કૅપ્સ્યુલમાં સીલ કરી દેવામાં આવી હતી.
ખેડૂતોના જીવનમાં સદીઓ સુધી બહુ ઓછો સુધારો થયો હતો અને દક્ષિણ એસ્ટોનિયામાં 1920ના દાયકા સુધી મોટા ભાગે ચીમની વિનાના સૉનાનું નિર્માણ થતું રહ્યું હતું.
1991માં સોવિયેત સંઘના એસ્ટોનિયા પરના કબજાનો અંત આવ્યો પછી વીરોજાએ એસ્ટોનિયા તથા યુરોપના પ્રવાસ કર્યો હતો. તેમને તરત સમજાઈ ગયું હતું કે વધતા શહેરીકરણ અને ઇલેક્ટ્રિક હીટરના આગમનને કારણે સૌનાની પ્રથામાં મોટો ફેરફાર થયો છે.
જોકે, વોરોમાના સ્મૉક સૉનામાં એવું કશુંક જાળવી રાખવામાં આવ્યું છે, જે અન્યોએ લાંબા સમય પહેલાં ગુમાવી દીધું હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. એ પછી તેમને અહેસાસ થયો હતો કે તેમની પાસે લોકો સાથે શેર કરવા જેવું કંઈક વિશેષ છે.
વીરોજાએ વોરોમાની સ્મૉક સૉના પરંપરાને યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ કરવાની પહેલનું 2009થી નેતૃત્વ કર્યું હતું અને 2014માં તેને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવવામાં આવ્યા હતા. તેમાં સ્મૉક સૉના બિલ્ડિંગ, તેનું નિર્માણ તથા સમારકામ, સૉનામાં સ્મૉકિંગ મીટ, ઉત્સવો તેમજ ઉપચાર સંબંધી વિધિઓ તથા વિહ્ટ બનાવવાનો સમાવેશ થાય છે.
એના હિંટ્સ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'સ્મૉક સૉના સિસ્ટરહૂડ'ની ગયા વર્ષે રજૂઆત સાથે સ્મૉક સૉનાએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ક્ષેત્રે પણ પગરણ કર્યાં હતાં. વોરુ કાઉન્ટીની રાજધાની વોરુના મૂળ વતની એના હિંટ્સે મહિલાઓના એક જૂથ સાથે મૂસ્કા સહિતના દક્ષિણ એસ્ટોનિયાના અનેક સ્મૉક સૉનાની મુલાકાતોનું સાત વર્ષ સુધી દસ્તાવેજીકરણ કર્યું હતું.
ફિલ્મમાં સ્મૉક સૉના એક કબૂલાતનામા જેવું છે. મહિલાઓ મોકળાશથી વાત કરે છે. તેઓ હસે છે, રડે છે, ગીતો ગાય છે અને મૌનમાં અવકાશ જાળવી રાખે છે. હિંડ્સ કહે છે તેમ સ્મૉક સૉના એક પાત્ર "બ્રહ્માંડનું ગર્ભાશય" બની જાય છે, જે ધારણ અને ઉપચાર કરવા માટે છે.
સ્મૉક સૉનાની પ્રક્રિયા કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Tõnu Runnel
એસ્ટોનિયામાં લગભગ નવ વર્ષ દરમિયાન મેં શક્ય તેટલા વધુ સૌનાની મુલાકાત લીધી હતી, પરંતુ સ્મૉક સૉનામાં ક્યારેય ગઈ ન હતી. મને ગરમી કે નગ્નતાની જરાય ચિંતા ન હતી. પ્રસ્વેદયુક્ત સત્રોની વચ્ચે ઠંડી ડૂબકી મારવાનો વિચાર પણ આનંદદાયક હતો, પણ એ સ્મૉક સૉનાનો "આત્મા" હતો, જેણે મને થોડી ગભરામણનો અનુભવ કરાવ્યો હતો.
મેં મૂસ્કાના પ્રવાસની તૈયારી બાબતે હિંટ્સ સાથે વીડિયો કોલ પર વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે સૉના અને ખાસ કરીને સ્મૉક સૉનામાં જવું તે એક આધ્યાત્મિક અભ્યાસ જેવું હોઈ શકે છે.
હિંટ્સે કહ્યું હતું, "તે કાયમ ઉપચારાત્મક હોય છે. ગરમીની સાથે શારીરિક ગંદકી અંદરથી બહારની સપાટી પર આવવા લાગે છે. તમને ગરમીથી પરસેવા થાય છે. તેને ધોવા માટે પાણી હોય છે. દાદી હંમેશાં કહેતાં કે સ્મૉક સૉનામાં તમે તમારા શરીરને જ નહીં, પરંતુ આત્માને પણ સ્વચ્છ કરો છો."
મૂસ્કામાં મેં મારા શરીર પર રાખ ચોળી હતી, પરસેવો પાડ્યો હતો અને પછી મારા શરીરને બરફથી અડધા ઢંકાયેલા તળાવમાં સાફ કર્યું હતું. ફરી પાછી સૉનામાં આવી હતી. ત્યાં મેં મારી આખા જાતને, પગથી માથા સુધી મધમાં ઝબોળી હતી. વિહ્ટ વડે ફટકાર્યું હતું અને તળાવમાં સ્નાન કર્યું હતું. વધુ એક વખત સૉનામાં પાછાં ફર્યાં બાદ હું ઊંઘી સૂઈ ગઈ હતી, જેથી વીરોજા મારી પીઠ પર વિહ્ટના ફટકા મારી શકે.
પરસેવાનાં સત્રો વચ્ચે લાકડીથી સળગતા ચૂલાની સામે આરામદાયક વિશ્રામકક્ષમાં આરામ કર્યો હતો. વીરોજાએ વોરોમાના સ્મૉક સૉનાની પરંપરાની વાતો કરી હતી, જ્યારે હું ગરમ ચા અને બહારનાં વૃક્ષોમાંથી કાપવામાં આવેલા ઠંડા મેપલના રસની ચૂસ્કી લેતી હતી. મેં એકેય વખત મારા ફોન સામે નજર કરી ન હતી એટલે મને સમયનું કોઈ ભાન રહ્યું ન હતું.
એસ્ટોનિયાના લોકો સૉનામાં જવાને ભૂતકાળમાં માઇન્ડફૂલનેસ(જાગૃત ધ્યાન)નો અભ્યાસ નહીં ગણતા હોય, પરંતુ તે શારીરિક શ્રમવાળા એક સપ્તાહ પછી આરામ કરવાની અને સામાજિક મેળાપની એક તક જરૂર હતું. પૈસાદાર જમીનદારો તથા જાગીરદારોનો ઇલાજ કરતા ચિકિત્સકો સુધી દક્ષિણ એસ્ટોનિયાના ખેડૂતોની પહોંચ ન હતી. તેથી તેઓ તેમની પીડાના ઇલાજ માટે સૌના ભણી વળ્યા હતા.
આજકાલ મોટા ભાગના લોકો બીમાર પડે ત્યારે ડૉક્ટર પાસે જાય છે, તેમ છતાં હિંટ્સની માફક વીરોજા પણ માને છે કે સૌનાનો ઉપયોગ આધુનિક સમાજની આધ્યાત્મિક બીમારીઓના ઇલાજ માટે કરી શકાય છે. હીટ થૅરપીથી રક્તસંચાર અને પ્રતિરક્ષા પ્રણાલી બહેતર બનવા જેવા શારીરિક લાભ થતા હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે, પરંતુ મૂસ્કામાં સૉનાનો અનુભવ માનસિક લાભ પર કેન્દ્રિત છે.
આ વિધિ એક સમયે સામાન્ય પ્રથા હતી, પરંતુ મૂસ્કાના મુલાકાતીઓને ગૂઝ વિંગના ફટકા મારવામાં આવશે નહીં અને દુષ્ટ શાપ હટાવવા ફર્ન નામની અપુષ્પ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેમ છતાં સૉનાના અભિવાદન અને આભારની વિધિ યથાવત્ છે. મૂળ મુદ્દો સૉનામાં જતા લોકોને ધીમા પડવા માટેની મોકળાશ આપવાનો છે.
દાખલા તરીકે, શરીર પર રાખ ચોળવી તે ત્વચાને સાફ કરવાની ઉત્તમ રીત હોવાની સાથે તે મનને શારીરિક સંવેદનાઓ સાથે પણ જોડે છે.
વીરોજાએ કહ્યું હતું, "અગાઉ ક્યારેય સૉનામાં ન ગયા હોય, પરંતુ યોગ અથવા ધ્યાન કરતા હોય તેવા લોકોને સૉનામાં ઘર જેવો અનુભવ થાય છે. અમે સ્મૉક સૉનામાં જે કરીએ છીએ તેમાં કોઈને આરામ મળે અને ગમે તો સ્મૉક સૉનાનો યોગ સંસ્કૃતિ જેટલો જ વ્યાપક પ્રસાર થાય."
યુનેસ્કો દ્વારા પ્રદાન કરવામાં આવેલા સાંસ્કૃતિક દરજ્જા અને હિંટ્સની ફિલ્મની લોકપ્રિયતાને કારણે એસ્ટોનિયાના લોકો તેમના મૂળ ભણી પાછા ફર્યા છે. આ પ્રાચીન સંસ્કૃતિની આર્થિક બાજુને પારખીને તેઓ સ્મૉક સૉનાનો ઉપયોગ ધીમા પડવા અને પરિવાર તથા પ્રકૃતિ સાથે પુનઃ જોડાવા માટે કરી રહ્યા છે.
હાલ 36 વર્ષના એન્ટિ કોન્સાપે તેઓ કિશોર વયના હતા ત્યારે તેમના મોટા ભાઈ સાથે સૉનામાં બે વર્ષ વિતાવ્યા હતા, જ્યારે તેમનાં માતા-પિતા પારિવારિક મકાનના નિર્માણનું કામ કરતા હતા. એ વર્ષોને એકલવાયા અને અંધકારમય ગણાવતા હોવા છતાં કોન્સાપે સૉના પ્રત્યેનો પ્રેમ ક્યારેય ગુમાવ્યો નથી. તેઓ સૈન્યમાં કામ કરતા હતા ત્યારે પણ સાપ્તાહિક સૉનાએ તેમને તાણ સામે જરૂરી રાહત આપી હતી.
ગયા વર્ષે તેમણે એક સ્મૉક સૉનાને તોડવાથી બચાવ્યું હતું અને વોરુની દક્ષિણે બિર્ચનાં વૃક્ષો વચ્ચે સૉનાનું નિર્માણ કરવાનું કામ એક બિલ્ડરને સોંપ્યું હતું. સ્મૉક સૉના તેમના માટે લાગણીનો પ્રોજેક્ટ છે. તેમને આશા છે કે તેઓ તેને એસ્ટોનિયાના પ્રવાસીઓ સાથે શૅર કરી શકશે.
મેં કૉન્સેપને સવાલ કર્યો હતો કે સ્મૉક સૉનાના માલિક હોવાથી તમે ભૂતકાળ સાથે વધુ જોડાણ અનુભવો છો? હા, એવું જ છે, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું, "હું પોતે બહુ ધાર્મિક નથી, પણ મને લાગે છે કે સૉના એક સારી જગ્યા છે, જ્યાં તમે આત્માઓ સાથે વાત કરી શકો છો. તમે જૂના સમય અને ત્યાં રહેતાં દાદા-દાદીઓ તથા લોકો વિશે વિચારો છો. એ જૂના આત્માઓ સાથે જોડાવા માટેનું સ્થાન છે."
મૂસ્કા ખાતે સૉનાના અંધકારમાં હું આત્માઓ સાથે વાત કરતી નથી. મને તેમનામાં વિશ્વાસ નથી અને હું કરીશ તો તેઓ હું જ્યાંની છું તે અમેરિકામાં પાછા આવશે, અહીં એસ્ટોનિયામાં નહીં, પરંતુ હું એસ્ટોનિયામાં છું. વીરોજા અંગ્રેજીમાં મૃદુ સ્વરે કહે છે, "તમે સંપૂર્ણ છો, તમે પૂરતા છો." હું બધી બીમારીમાંથી સાજી થઈ ગઈ છું કે કેમ તેની મે ખબર નથી, પરંતુ આ સ્થળે હું સંપૂર્ણતાનો અનુભવ કરું છું અને તે પૂરતું છે.












