લક્ષદ્વીપ લાખો પ્રવાસીઓની ભીડ માટે કેટલું તૈયાર?

લક્ષદ્વીપ

ઇમેજ સ્રોત, PMO

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિને તેમની લક્ષદ્વીપ મુલાકાતની ઘણી તસવીરો શેર કરી છે.
    • લેેખક, મેરિલ સેબેસ્ટિયન
    • પદ, બીબીસી ન્યુઝ, કોચિન

આ મહિનાની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસે વિવાદનો એવો મધપૂડો છંછેડ્યો કે જેની કોઈને અપેક્ષા નથી. આ વિવાદને કારણે ભારત અને તેના પાડોશી દેશ વચ્ચે ખટાશ પડી ગઈ. આ ઉપરાંત આ વિવાદે ભારતના એક નાનકડા ટાપુ વિશે પ્રવાસીઓની રુચિ પણ વધારી દીધી છે. જો કે, પર્યાવરણવિદો અને સ્થાનિક લોકો આ વિશે ચિંતિત છે.

માલદીવની ઉત્તરમાં અરબ સાગરમાં સ્થિત લક્ષદ્વીપ પર પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલીય વિકાસની યોજનાઓની ઘોષણા કરી હતી. વડા પ્રધાને સ્નોર્કલિંગ અને લક્ષદ્વીપનાં સમુદ્રી તટો પર પોતાની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

માલદીવનાં ત્રણ ડિપ્ટી મંત્રીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી. આ ટિપ્પણીઓને કારણે વિવાદ થયો અને ભારતમાં સોશિયલ મીડિયા પર આ વાતનો સખત વિરોધ થયો.

કેટલાક લોકોએ એ વાત પર જોર આપ્યું કે માલદીવના વિકલ્પ રૂપે લક્ષદ્વીપ એક સુંદર પ્રવાસનસ્થળ બની શકે છે.

પરિણામે ગૂગલ પર જેના વિશે ભાગ્યે જ સર્ચ કરવામાં આવે છે તેવા લક્ષદ્વીપ વિશે લોકોએ એટલી જાણકારી એકઠી કરવાનું શરૂ કર્યું કે ગયા અઠવાડિયે તે સૌથી વધુ સર્ચ થતી જગ્યાઓમાં સામેલ થઈ ગયું.

ભારતની સૌથી મોટી ઑનલાઈન ટ્રાવેલ કંપની મેક માય ટ્રીપે ક્હ્યું કે મોદીના પ્રવાસ પછી તેમની વેબસાઈટ પર લક્ષદ્વીપ વિશે સર્ચ કરનાર લોકોની સંખ્યામાં 3400 ટકાનો વધારો થયો.

પોતાની વિવાદાસ્પદ નીતિઓને કારણે સ્થાનિક લોકો જેનો વિરોધ કરી રહ્યા હતા એવા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે લોકોની આ દ્વીપમાં વધતી રુચિને આવકારી છે.

શું લક્ષદ્વીપ માલદીવને ટક્કર આપી શકે?

માલદીવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માલદીવ મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે.

તાતા સમૂહે ઘોષણા કરી કે તેઓ લક્ષદ્વીપના બે દ્વીપ પર 2026 સુધીમાં વિશ્વસ્તરીય રિસૉર્ટ બનાવશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ દ્વીપ સમૂહમાં કુલ 36 દ્વીપો છે પરંતુ માત્ર દસ જ દ્વીપ લોકો વસવાટ કરે છે. લક્ષદ્વીપ જનારી એક માત્ર ઍરલાઇન કંપની હવે પહેલાં કરતા વધારે ફલાઇટો શરૂ કરી છે અને નજીકના ભવિષ્યમાં અન્ય ઍરલાઇન કંપનીઓ પણ પોતાની સેવાઓ લક્ષદ્વીપમાં શરૂ કરવા જઈ રહી છે.

જોકે નિષ્ણાતોનું માનવું છે કે પોતાનાં સુંદર દરિયાકાંઠા અને દ્વીપો અને સાફ વાદળી પાણી માટે લોકપ્રિય લક્ષદ્વીપને માલદીવની જેમ એક મોટા પર્યટક સ્થળમાં પરિવર્તિત કરી શકાય નહીં. કારણ કે લક્ષદ્વીપનો આકાર નાનો છે અને અહીંની ઇકોલૉજી (પરિસ્થિતિવિજ્ઞાન) પણ નાજુક છે. કેટલાય સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ એક જવાબદાર પ્રવાસન વ્યવસ્થા ઇચ્છે છે, જેમાં તેમનો પણ હિસ્સો હોય. તેમની ઇચ્છા છે કે અહીં મોટી વિકાસની યોજનાઓ ન આવે જે અહીંના લોકોની જિંદગી બદલી નાખે.

એક સરકારી વેબસાઇટ પ્રમાણે, લક્ષદ્વીપના લોકોનો મુખ્ય રોજગાર માછીમારી, નારિયેળની ખેતી અને નારિયેળના રેશાવાળાં છોતરાંનો સામાન બનાવાનો છે. આ વેબસાઇટ પ્રવાસનને લક્ષદ્વીપનો ઊભરતો ઉદ્યોગ ગણાવી રહી છે.

લક્ષદ્વીપ જવા વધારાની ફલાઇટ શરૂ થતાં પહેલાં ત્યાં પહોંચવાના માત્ર બે જ રસ્તા હતા. ઍલાયંસ ઍર તરફથી ચાલતી 72 સીટવાળી ફ્લાઇટ, જે રોજ કેરળના કોચીથી લક્ષદ્વીપના અગાટ્ટી આઇલેન્ડ જનારી એકમાત્ર ફ્લાઇટ છે. આ ઉપરાંત કોચીથી જહાજ દ્વારા લક્ષદ્વીપ ચાર દિવસમાં પહોંચી શકાય છે.

લક્ષદ્વીપમાં પ્રવેશ મેળવવા માટે વહીવટીતંત્ર પાસેથી મંજૂરી લેવી પડે છે.

લક્ષદ્વીપના 70 હજાર લોકોનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર એનસીપીના સાંસદ પીપી મોહમ્મદ ફૈઝલ કહે છે કે "પરિવહન, રહેવાની વ્યવસ્થા અને આધારભૂત સુવિધાઓ સૌથી મોટી સમસ્યાઓ છે."

તેમને ઉમેર્યું, "વડા પ્રધાન જે બંગારામ દ્વીપ પર રોકાયા હતા. તે દ્વીપ પર પ્રવાસીઓને રહેવા માટે માત્ર 36 રૂમો છે."

હાલના સમયમાં આ દ્વીપ પર મોટા ભાગના પ્રવાસીઓ જહાજો દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

પ્રવાસીઓ દિવસે જહાજોથી દ્વીપ પર જાય છે અને રાત થતાની સાથે પોતપોતાનાં જહાજો પર પાછાં આવી જાય છે.

જો કે માલદીવમાં પ્રવાસીઓના રહેવા માટે રિસૉર્ટ, હોટલ અને ગેસ્ટ હાઉસ સહિત અનેક વિકલ્પો છે.

મોહમ્મદ ફૈઝલ કહે છે કે જે માલદીવ પાસે છે તે લક્ષદ્વીપમાં દરિયાકાંઠો, અંડર વૉટર સ્પૉર્ટસ થકી પ્રાપ્ત કરી શકાય છે. જો કે મૂળભૂત સુવિધાના મામલામાં અમારે ઘણી મહેનત કરવાની જરૂર છે.

તેમને ઉમેર્યું કે કોઈ પણ પ્રકારનાં વિકાસકાર્યો કરતા પહેલાં તંત્રે અહીં રહેતા સામાન્ય લોકો વચ્ચેના મતભેદોને દૂર કરવા જરૂરી છે.

લક્ષદ્વીપના વહીવટકર્તાઓથી ત્યાંના રહેવાસી નારાજ કેમ છે?

લક્ષદ્વીપ

ઇમેજ સ્રોત, Getty Images

લક્ષદ્વીપની 96 ટકા વસ્તી મુસ્લિમ છે. ભારતીય જનતા પક્ષના નેતા રહેલા પ્રફુલ્લ પટેલને 2021માં લક્ષદ્વીપના પ્રશાસક બનાવ્યા પછી ત્યાં તણાવની સ્થિતિ છે.

પ્રફુલ્લ પટેલે અહીંની શાળાઓમાં પીરસાતા ભોજનમાંથી મીટ હટાવવાનો અને દ્વીપ પર પ્રશાસનના નિયંત્રણને મજબૂતી આપતા કાયદાનો પ્રસ્તાવ લાવવા જેવા કેટલાક વિવાદિત નિર્ણયો લીધા.

બીબીસીએ પ્રફુલ્લ પટેલના કાર્યાલય, લક્ષદ્વીપના કલેકટર અને ત્યાંના પ્રવાસન વિભાગને કેટલાક પ્રશ્નો ઇ-મેલ થકી પૂછ્યા, પરંતુ અમને હજુ સુધી તેમનો જવાબ નથી મળ્યો.

કેટલાક સાક્ષાત્કારોમાં પ્રફુલ્લ પટેલે પોતાની નીતિઓનો બચાવ કરતા કહ્યું કે તેમનો એક માત્ર ઉદ્દેશ્ય લક્ષદ્વીપનો વિકાસ હતો.

અગાટ્ટી દ્વીપ પર ટ્રાવેલ એજન્સી ચલાવનાર અલ્તાફ હુસૈને કહ્યું કે વડા પ્રધાન મોદીના પ્રવાસ પછી ભાવી પ્રવાસીઓ તરફથી કરવામાં આવેલી પૂછપરછ પહેલા કરતાં 30-40 ટકા વધી ગઈ.

ભવિષ્યમાં અગાટ્ટી પર પોતાનો રિસોર્ટ બનાવવાની ઇચ્છા રાખનાર હુસૈન કહે છે કે અહીંના સ્થાનિક લોકોને રોજગાર મળવો જોઈએ અને તે મોટા કારોબારીઓના હાથમાં ન જવો જોઈએ.

તેમને ઉમેર્યું, "આ પરિયોજનાઓ આવવાના કારણે અમને કદાચ નાની-મોટી નોકરીઓ મળી જશે પરંતુ અમારે એવી નોકરીઓ નથી જોતી. અમારે આ પરિયોજનાઓમાં માલિકીનો હક્ક જોઈએ છે. અમે માત્ર યોગદાન દેનારા શ્રમિક નથી બનવા માગતા."

ધ્યેય કેવી રીતે પ્રાપ્ત થશે?

મોહમ્મદ ફૈઝલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલ પણ સ્વીકારે છે કે ત્યાં હજુ પણ સુવિધાઓનો અભાવ છે

નિષ્ણાતોનું કહેવું છે કે લક્ષદ્વીપમાં કોઈ પણ પ્રકારના વિકાસ માટે રોજગારીને લગતી ચિંતાઓ અને જળવાયુ પરિવર્તનના ભય વચ્ચે સંતુલન જાળવવું પડશે.

મરીન બાયોલૉજીસ્ટ અને કોરલ રીફ ઇકોલૉજિસ્ટ રોહન આર્થર 1996થી આ દ્વીપો પર સંશોધન કરી રહ્યા છે. તેમને કહ્યું, "લક્ષદ્વીપનાં દ્વીપોના લાંબા સમય સુધી ટકી રહેવા માટે અહીંના કોરલ રીફ, લગૂન અને તટો જેવાં છે તેવાં રહે."

આ વસ્તુઓ દ્વીપના ઇકોલૉજિક મૂળભૂત ઢાંચા માટે મહત્ત્વપૂર્ણ છે જે આ નાના ટાપુઓને મજબૂતી પ્રદાન કરે છે.

જો કે રોહન આર્થરનું કહેવું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં હિંદ મહાસાગરનો આ હિસ્સો વિનાશકારી હીટવેવની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. આનો સંબંધ અલ-નીનો સાથે છે જેના કારણે કોરલ રીફની સ્થિતિ પર ચોક્કસ અસર થઈ છે.

આ વર્ષે અલ-નીનોની અસર વધવાની આશંકા છે. આ વિશે વાત કરતા રોહન આર્થર કહે છે કે લક્ષદ્વીપના કોરલ રીફ પર અલ-નીનો કેવી અસર થશે તે કહેવું મુશ્કેલ છે.

તેમને ઉમેર્યું, "અનિયોજિત અને ટુકડાઓમાં કરવામાં આવેલો વિકાસ જે જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને ન કરવામાં આવે તો તે લક્ષદ્વીપમાં રહેવા લાયક સ્થિતિ બગડશે."

તો પછી અહીં ટકાઉ પ્રવાસન કેવી રીતે સંભવ થઈ શકશે?

નિષ્ણાતો અને સ્થાનિક લોકોનું માનવું છે કે લક્ઝરી પ્રવાસનથી કાર્બન ફૂટપ્રિંટ અસામાન્ચ રૂપે વધશે. આ દ્વીપસમૂહને એવા મૉડલની જરૂર છે જે આ જગ્યાની નાજુક પરિસ્થિતિવિજ્ઞાન અને અહીંના લોકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખે.

એનસીપીના સાંસદ ફૈઝલ કહે છે કે વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરેલા જસ્ટિસ રવીન્દ્રન પંચની તરફથી આપવામાં આવેલો પ્લાન પહેલાંથી જ હાજર છે.

પ્રફુલ્લ પટેલ કહે છે કે આ પ્લાન લાગુ થઈ ચૂક્યો છે પરંતુ ફૈઝલ આ વાતનો ઇન્કાર કરતા કહે છે કે વહીવટીતંત્રે કોર્ટ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું ભાગ્યે જ ક્યારેય પાલન કર્યું હશે.

સ્થાનિક ચૂંટાયેલા સરકારી એકમો સાથે પરામર્શ કરીને જૂના મૅનેજમૅન્ટ પ્લાન હેઠળ કોઈ પણ વિકાસ પ્રોજેક્ટના અમલીકરણની ભલામણ કરે છે. આ પ્લાન લગૂન, કોરલ અને અન્ય ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે રેતીના ખનન પર પ્રતિબંધ, અને જ્યાં લોકો રહેતા નથી તેવા વિસ્તારોમાં પ્રવાસન પ્રોજેક્ટ્સને વિકસાવવા માટે સૂચિત કરે છે.

પ્રવાસીઓએ પણ અહીં વધારે જવાબદારી સાથે આવવાની જરૂર છે.

આર્થર એક રૂપરેખા આપે છે જેમાં લક્ષદ્વીપની મુલાકાતે આવેલા પ્રવાસીઓ તેના ઊંડા સાંસ્કૃતિક ઇતિહાસને સમજે. પ્રવાસીઓ સ્થાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ ખોરાક જમે અને સ્થાનિક માર્ગદર્શકો અને ડાઇવર્સ પાસેથી રીફ વિશે શીખે છે.

આર્થર કહે છે કે એવા પ્રવાસનસ્થળની કલ્પના કરવી ભાગ્યે જ સંભવ છે જે સ્થાનિક અર્થવ્યવ્સથાને ન માત્ર આગળ જ વધારે પણ તેની સંભાળ પણ રાખે અને પ્રવાસીઓને ગામડાનું જીવન જીવવાનો આનંદ મળે.