ભારતીય મહિલા U19 ટીમે વર્લ્ડ ચૅમ્પિયન બની રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં ઇંગ્લૅન્ડને સાત વિકેટ હરાવ્યું

દક્ષિણ આફ્રિકાના પોચેફસ્ટ્રૉમમાં રવિવારે રમાયેલી ફાઇનલ મૅચમાં ભારતીય અંડર-19 ટીમનો ઇંગ્લૅન્ડની મહિલા ટીમ સામે ભવ્ય વિજય થયો હતો.

આ જીત સાથે ભારતીય U19 મહિલા ટીમે ઇતિહાસ રચી દીધો છે.

ભારતીય ટીમ સામે ઇંગ્લૅન્ડની મહિલા ટીમે ફાઇનલ મૅચ જીતવા માટે 69 રનનો મામૂલી પડકાર મૂક્યો હતો.

ઈંગ્લૅન્ડની આખી ટીમ 17.1 ઓવરમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડના ખેલાડીઓ માત્ર 68 રન જ બનાવી શક્યાં હતાં.

ભારતનાં બૅટરોએ 14 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધું હતું.

ભારતનાં કૅપ્ટન શેફાલી વર્માએ ટૉસ જીતીને ઈંગ્લૅન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

ભારતીય બૉલરોએ કૅપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમનાં ટૉપ ઑર્ડરનાં કોઈ પણ બૅટર વિકેટ પર ટકી શક્યાં નહોતાં.

ઈંગ્લૅન્ડની આખી ટીમ 17.1 ઓવરમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી. ઈંગ્લૅન્ડના ખેલાડીઓ માત્ર 68 રન જ બનાવી શક્યાં હતાં.

પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલાં રિયાન મૅકડૉનાલ્ડ ગે (19 રન), સાતમા નંબરે આવેલાં એલેક્સા સ્ટોનહાઉસ (11 રન) અને નંબર દસ પર બેટિંગ કરવા આવેલા સોફિયા (11 રન) તેમજ ત્રીજા નંબરે આવેલાં એન હૉલૅન્ડ (10 રન) માત્ર ડબલ ડિજિટને પાર કરી શક્યાં હતાં.

ભારતની મજબૂત બૉલિંગ

ઇંગ્લૅન્ડની ટીમનાં અન્ય કોઈ ખેલાડી બે આંકડા સુધી પહોંચી શક્યાં નહોતાં. ઇંગ્લિશ ટીમનાં પાંચ ખેલાડીઓ માત્ર 39 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યાં હતાં.

ઇંગ્લૅન્ડની ટીમનાં રિયાન મૅકડૉનાલ્ડ ગેએ સૌથી વધુ 19 રન રન કર્યા હતા.

ઇંગ્લૅન્ડની ટીમનાં સાત ખેલાડીઓ સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થઈ ગયાં હતાં.

ભારત તરફથી ટિટાસ સાધુ, પાર્શ્વી ચોપરા અને અર્ચના દેવીએ બે-બે વિકેટ લીધી હતી.

કૅપ્ટન શેફાલી વર્મા, સોનમ યાદવ અને મન્નત કશ્યપે એક-એક વિકેટ લીધી હતી.

ભારત તરફથી બૉલિંગમાં સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં ટિટાસ સાધુએ 4 ઓવરમાં માત્ર છ રન આપ્યા હતા અને બે વિકેટ ખેરવી હતી.

ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

14 ઓવરમાં લક્ષ્યાંક પાર

ભારત તરફથી રમવા ઊતરેલાં કપ્તાન શેફાલી વર્માએ આક્રમક શરૂઆત કરી હતી. તેમણે એક ચોગ્ગો પણ ફટકાર્યો હતો. પરંતુ તેઓ 11 બૉલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં. આમ કપ્તાનના રૂપમાં ભારતની પહેલી વિકેટ 2.1 ઓવરમાં 16 રન પર પડી હતી.

તેમનો સાથ આપી રહેલાં શ્વેતા શેહરાવત પણ લાંબુ ટકી શક્યાં નહોતાં અને તેઓ પાંચ રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં.

એક તબક્કે ભારતે 20 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્રીજી વિકેટની મહત્ત્વપૂર્ણ 46 રનની ભાગીદારી નોંધાઈ હતી.

ત્રીજી વિકેટ 66 રનના સ્કોર પર અને 24 રનનાં વ્યક્તિગત સ્કોરે ત્રિશાનાં રૂપમાં પડી હતી.

સૌમ્યાએ છેડો સાચવી રાખતા અણનમ 24 રન બનાવ્યાં હતાં અને ભારતે 14 ઓવરમાં લક્ષ્યાંક પાર પાડ્યો હતો.

ઇનામની જાહેરાત

વર્લ્ડકપ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર પણ અભિનંદનનો વરસાદ શરૂ થઈ ગયો હતો. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે પણ ટ્વીટ કરીને સમગ્ર ટીમ અને સમગ્ર સપોર્ટ સ્ટાફને પાંચ કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

 જય શાહે લખ્યું, "ભારતમાં મહિલા ક્રિકેટ લોકપ્રિય થઈ રહી છે અને વર્લ્ડકપની જીતથી મહિલા ક્રિકેટનું કદ અનેકગણું ઊંચું થયું છે. આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે પાંચ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરતાં મને ખુશી થઈ રહી છે." આ ખરેખર નવો કીર્તિમાન સ્થાપિત કરનારું વર્ષ છે."

નોંધનીય છે કે ફાઇનલ મૅચ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવા ઑલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડી નીરજ ચોપડા પણ સ્ટેડિયમમાં હાજર હતા.