You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના પડોશી રાજ્યના એક શહેરમાં ફેલાયેલી એ દુર્લભ બીમારી જેને કારણે મોટા ભાગના દર્દીઓ વૅન્ટિલેટર પર છે, શું છે લક્ષણો?
દુર્લભ બીમારી ગણવામાં આવતા ગુલિયન બારી સિન્ડ્રોમના કેસ અચાનક વધવા લાગ્યા છે. મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં આ બીમારીના લગભગ 24 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
તેમાંથી પાંચ દર્દી પૂણે શહેરના છે અને બાકીના પિંપરી ચિંચવાડ તથા બીજા ભાગમાંથી આવ્યા છે.
ગુલિયન બારી સિન્ડ્રોમ એક ઑટૉઇમ્યૂન ડિસઑર્ડર છે. કોરોના વાઇરસને મારવા માટે દર્દીની રોગપ્રતિકારક સિસ્ટમ આકસ્મિક રીતે આજુબાજુની નર્વસ સિસ્ટમ પર પણ હુમલો કરી દે છે.
આ નર્વસ સિસ્ટમ મગજથી લઈને કરોડરજ્જુ અને શરીરના અલગઅલગ ભાગ સુધી ફેલાયેલી હોય છે. તેની પર આ હુમલાથી શરીરના અવયવોના કામકાજને અસર થાય છે.
હાલમાં પૂણેની અલગઅલગ હૉસ્પિટલોમાં તમામ દર્દી સારવાર હેઠળ છે. બીમારીનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી.
આ દરમિયાન 8 શંકાસ્પદ દર્દીઓના સૅમ્પલને પરીક્ષણ માટે આઇસીએમઆર-એનઆઇવીને મોકલવામાં આવ્યા છે.
શહેરમાં ફેલાતા આ દુર્લભ રોગની સ્થિતિ પર નજર રાખવા માટે પૂણે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને એનજીઓ (પાથ)ની ભાગીદારીથી એક ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રોગનાં પ્રાથમિક પ્રથમ લક્ષણોમાં નબળાઈ આવવી અને અંગોમાં કળતર થવી, ખોરાક ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થવી, વગેરે સામેલ છે.
દર્દીઓ વિશે માહિતી આપતા પૂણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી વૈશાલી જાધવે જણાવ્યું હતું કે, "આ દર્દીઓ પુણે શહેર અને જિલ્લાના વિવિધ ભાગોમાં મળી આવ્યા છે. આમાંના મોટા ભાગના દર્દીઓ આઇસીયુમાં સારવાર હેઠળ છે. વિવિધ હૉસ્પિટલોના દર્દીઓ એક જ જગ્યાએથી આવતા નથી, તેથી ચોક્કસ કારણો નક્કી કરી શકાતાં નથી, આ માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી રહી છે અને અભ્યાસ કરાઈ રહ્યો છે."
આ દરમિયાન મ્યુનિસિપલ હેલ્થ ઑફિસર ડૉ. નીના બોરાડેએ જણાવ્યું કે, "દર્દીઓના સૅમ્પલ એનઆઈવીમાં મોકલવામાં આવ્યા છે. આ રોગ અન્ય કોઈ બીમારીની સાથે થાય છે અને તેથી આ રોગને સેકન્ડરી અથવા ગૌણ રોગ કહેવામાં આવે છે."
આ બીમારી માટે બૅક્ટેરિયલ ચેપ, વાઇરલ ઇન્ફેક્શન, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો વગેરેને જવાબદાર ગણવામાં આવે છે.
આ બીમારી 12થી 30 વર્ષની વયના લોકોને અસર કરે છે. તેના અંગે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ અંગે તમામ નિષ્ણાતોની એક સમિતિ બનાવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, "અમે આ તમામ સંભવિત દર્દીઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને તેમની સામે પગલાં લઈશું. હાલમાં આ રોગ વિશે ગભરાવાનું કોઈ કારણ નથી. આ કોઈ ચેપી રોગ નથી. કોઈ અલગ સારવારની જરૂર નથી."
"આ બીમારીમાં દર્દીને સામાન્ય સારવાર જ આપવામાં આવે છે. આ એક એવો રોગ છે જેનો જલદી ઈલાજ કરી શકાય છે. નાના બાળકોને અપાતી રસીથી પણ આ રોગ થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો પણ આ રોગ થઈ શકે. તેથી નાગરિકોએ આ સિન્ડ્રોમથી ગભરાવાનું કોઈ કારણ નથી," તેમ ડૉ. નીના બોરાડે જણાવ્યું છે.
ગુલિયન બારી સિન્ડ્રોમ એક પ્રકારનો ન્યુરોલૉજીકલ ડિસઑર્ડર છે જેનાથી સ્નાયુઓમાં નબળાઈ આવી જવી, સ્નાયુઓ સંવેદના ગુમાવી બેસે એવું થાય છે.
તેમાં શરૂઆતમાં હાથમાં કળતર, નબળાઈ અનુભવવી વગેરે સામાન્ય લક્ષણો જોવાં મળે છે.
મોટા ભાગના લોકો આ રોગમાંથી સાજા થાય છે, પરંતુ રિકવરીમાં કેટલો સમય લાગશે તેનો આધાર દર્દીની રોગપ્રતિકારક શક્તિ પર રહેલો છે.
ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. અજિત તાંબોલકરે બીબીસી મરાઠીને જણાવ્યું કે, "આ રોગ વિશે ગભરાવાનું કોઈ કારણ નથી."
ડૉ. તામ્બોલકરે જણાવ્યું કે, "અમારી પાસે આવેલા દર્દીને 5 દિવસથી ઝાડા-ઊલટીની સમસ્યા હતી. તેમણે હાથપગ સુન્ન થઈ જવાની ફરિયાદ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ નબળાઈને કારણે ઊભા થઈ શકતા નથી. આ રોગમાં નબળાઈ અતિશય વધી જાય છે. 30 ટકા લોકો રોગનાં ગંભીર લક્ષણોનો અનુભવ કરે છે, જોકે, તેઓ સાજા થઈ જાય છે."
ડૉ. તાંબોલકરે કહ્યું કે, "આ બીમારી જ્યારે અમેરિકામાં આવી ત્યારે દૂષિત પાણીને તેના કારણ તરીકે ઓળખાવાયું હતું. સામાન્ય રીતે ગંદકી કે દૂષિત પાણી આ રોગનું કારણ હોઈ શકે છે. સમયસર સારવાર કરવામાં આવે તો તેની ગંભીરતા ઘટાડી શકાય છે. તમને કોઈ લક્ષણો દેખાય તો તરત વહેલી તકે ડૉક્ટર પાસે જાવ. તેમાં ગભરાવાનું પણ કોઈ કારણ નથી."
ગુલિયન બારી સિન્ડ્રોમ (જીબીએસ) બીમારીમાંથી સાજા થનારા નીલેશ અભંગે બીબીસી મરાઠીને પોતાનો અનુભવ વર્ણવ્યો હતો.
નીલેશ અભંગે જણાવ્યું કે, "19 જાન્યુઆરી, 2019ના રોજ મને ગુલિયન બારી સિન્ડ્રોમ (જીબીએસ) હોવાનું નિદાન થયું હતું. 19 જાન્યુઆરીએ સવારે મને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યો અને 30 મેના રોજ વૅન્ટિલેટર હઠાવાયું. આઇસીયુમાં મેં સાડા ચાર મહિના પસાર કર્યા. ગરદનથી પગનાં તળિયાં સુધી મારું આખું શરીર લકવાગ્રસ્ત હતું. આ ઉપરાંત મારાં ફેફસાં સાવ નબળાં હતાં તેથી મને વૅન્ટિલેટર પર રાખવો પડ્યો. જોકે, આજે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું અને મને જે લકવો હતો તે પણ ફિઝિયોથૅરપીને કારણે ઠીક થઈ ગયો છે."
"આ સમયગાળા દરમિયાન દર્દી અને તેનાં સગાં-સંબંધી ઘણા માનસિક તણાવમાંથી પસાર થાય છે. આવા અચાનક સંકટના કારણે દર્દીઓ અને સંબંધીઓ ખૂબ ડરી જાય છે. જોકે, દર્દીને યોગ્ય સારવાર મળે અને તેની માનસિક સ્થિતિ મજબૂત હોય તો કોઈ પણ સાજા થઈ શકે છે. હું આ રોગમાંથી સંપૂર્ણપણે સાજો થઈ શકું છું અને મારા અંગત અનુભવ પરથી કહી શકું છું. મેં જીબીએસમાંથી સાજા થયા પછી ઘણા દર્દીઓ અને સંબંધીઓને કાઉન્સેલિંગ કર્યું છે. મેં જે દર્દીઓને સલાહ આપી છે તેમને સ્વસ્થ જીવન જીવતા જોયા છે."
"તેથી હાલમાં આ બીમારીના 22થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. દર્દીઓ કે તેમના સંબંધીઓને મારું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી. વૅન્ટિલેટર પર હોય તેવા દર્દીઓ માટે જોખમ હોય છે એ વાત સાચી. પરંતુ મેં છેલ્લાં પાંચ વર્ષમાં એવા ઘણા દર્દી જોયા છે જેઓ જીબીએસના કારણે વૅન્ટિલેટર પર હોય અને પછી સાજા થઈ ગયા હોય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન