એશિયા કપમાં'નો હૅન્ડશેક પછી ટ્રૉફી વિવાદ': ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો પર શું રાજકારણ હાવી થઈ રહ્યું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, એશિયા કપ, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ભારતીય ટીમે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો
    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

'અલ્લાહ કરે કે આવતી વખતે ભારત અને પાકિસ્તાનની મૅચ જુદાં જુદાં મેદાન પર ન થાય.'

પાકિસ્તાન ચૅનલ એઆરવાયમાં એક પૅનલ ડિસ્કશન દરમિયાન ક્રિકેટ પત્રકાર શાહિદ હસની આ ટિપ્પણી જણાવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મૅચમાં તણાવ પેદા કરનારા ઘટનાક્રમ ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે.

પહેલાં 'નો હૅન્ડશેક', મેદાન પર ઉશ્કેરણીજનક ઇશારા, આક્રમક નિવેદન, ટૉસ માટે બબ્બે પ્રેઝન્ટરનું હાજર હોવું અને બાદમાં વિજેતા ટીમનો ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર.

દુબઈમાં રમાયેલા ટી20 એશિયા કપમાં ભારતે ક્રિકેટની રમતમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી અને ચૅમ્પિયન બની, પરંતુ ફરી એક વાર 'રમત પર રાજકારણ' હાવી થતું દેખાયું.

સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં રમી રહેલી ટીમ ઇન્ડિયાએ લગભગ એક કલાકના વિલંબ બાદ થયેલી પ્રેઝેન્ટેશન સૅરિમનીમાં એશિયા કપની ટ્રૉફી લેવાની ના પાડી દીધી. ઇનકારનું કારણ એ હતું કે આ ટ્રૉફી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવી આપવાના હતા. મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચૅરમૅન છે અને પાકિસ્તાનના આંતરિક મંત્રી પણ.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, એશિયા કપ, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ દેવજિત સૈકિયાએ એએનઆઈને કહ્યું, "અમે નક્કી કર્યું કે એસીસીના ચૅરમૅન પાસેથી ટ્રૉફી નહીં સ્વીકારીએ, પરંતુ એનો અર્થ એ નહોતો કે આ વ્યક્તિ (નકવી) મેડલ્સ સાથે ટ્રૉફી પણ પોતાની સાથે લઈ જાય. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને અમે આશા કરીએ છીએ કે ટ્રૉફી અને મેડલ્સ શક્ય એટલાં જલદી ભારતને પરત કરાશે."

સૈકિયાએ કહ્યું, "નવેમ્બરમાં દુબઈ ખાતે આઈસીસી કૉન્ફરન્સ થશે. એસીસી ચૅરપર્સને જે કર્યું, તેના વિરુદ્ધમાં અમે આઇસીસી કૉન્ફરન્સમાં ગંભીર અને તીવ્ર પ્રતિરોધ વ્યક્ત કરીશું."

પ્રેઝેન્ટેશન સૅરિમનીમાં શું થયું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, એશિયા કપ, રાજકારણ

ઇમેજ સ્રોત, RIZWAN TABASSUM/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનની એક વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનના પ્રશંસકોની પ્રતિક્રિયા

ફાઇનલ મુકાબલો દુબઈના સ્થાનિક સમય પ્રમાણે રાત્રે સાડા છ વાગ્યે ખતમ થઈ ગયો હતો, પરંતુ પ્રેઝેન્ટેશન સૅરિમની માટે લોકોએ અડધી રાત સુધી રાહ જોવી પડી. શરૂઆતમાં એ સ્પષ્ટ નહોતું કે આખરે આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે. જોકે, એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે ભારતીય ટીમ નકવીના હાથે ટ્રૉફી નથી લેવા માગતી.

શનિવારે એસીસીની વેબસાઇટ પર જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું હતું કે નકવી વિજેતા ટીમને પોતાના હાથથી ટ્રૉફી આપવા માગે છે.

પ્રેઝેન્ટેશન સૅરિમની શરૂ થતાં, કુલદીપ યાદવ, અભિષેક વર્માએ સ્ટેજ પર પોતપોતાના ઍવૉર્ડ લીધા. પાકિસ્તાનના કપ્તાન સલમાન આગાએ ઉપવિજેતાનો ચેક લીધો અને એ બાદ સૅરિમની સમાપ્ત થઈ ગઈ.

બ્રૉડકાસ્ટર પ્રેઝેન્ટર સાઇમન ડૂલે સૅરિમનીમાં જાહેરાત કરી, "એશિયન ક્રિકેટ કાઉન્સિલે મને જણાવ્યું છે કે ભારતીય ટીમ આજે રાત્રે પોતાના ઍવૉર્ડ્સ નથી લઈ રહી... આ સાથે જ પોસ્ટ મૅચ પ્રેઝેન્ટેશન સમાપ્ત થાય છે."

બંને દેશોના ક્રિકેટ સંબંધો અને રાજકારણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, એશિયા કપ, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ત્રણેય મુકાબલામાં ભારતની જીત થઈ હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક સમયે ક્રિકેટને ભારત અને પાકિસ્તાન વચ્ચે 'કૂટનીતિ માટેનો મંચ' માનવામાં આવતો હતો. પરંતુ નકવીના હાથથી ટ્રૉફી લેવાના ભારતીય ક્રિકેટરોના ઇનકાર સાથે જ બંને પાડોશીઓના ક્રિકેટને લગતા સંબંધો નીચલા સ્તર પર પહોંચી ગયા છે.

ભારતની જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ટીમને અભિનંદન પાઠવ્યાં. તેમણે પોતાની પોસ્ટમાં 'ઑપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કર્યો.

વડા પ્રધાને લખ્યું, "રમતના મેદાન પર ઑપરેશન સિંદૂર. પરિણામ એ જ છે - ભારત જીતે છે. અમારા ક્રિકેટ ખેલાડીઓને અભિનંદન."

ભારતે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને 'ઑપરેશન સિંદૂર' નામ આપ્યું હતું.

વડા પ્રધાનની આ પોસ્ટ પર એસીસી અધ્યક્ષ મોહસિન નકવીએ પણ એક્સ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે મોદીની પોસ્ટનો જવાબ આપતાં લખ્યું કે, "જો યુદ્ધ તમારા ગર્વનો માપદંડ છે, તો ઇતિહાસ પહેલાંથી જ ભારતને પાકિસ્તાનના હાથે મળેલી શરમજનક હારને નોંધી ચૂક્યો છે અને કોઈ ક્રિકેટ મૅચ એ સત્યને ન બદલી શકે. યુદ્ધને રમતમાં ઢસડવું એ નિરાશા અને ખેલદિલીનું અપમાન છે."

વડા પ્રધાન મોદીના નિવેદન અંગે રાજકીય દળો સિવાય સોશિયલ મીડિયામાં સામાન્ય લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે.

શિવસેના (યૂબીટી) સાંસદ સંજય રાઉતે લખ્યું, "15 દિવસ પહેલાં સિરીઝીની શરૂઆતમાં પાકિસ્તાનના મંત્રી મોહસિન નકવી સાથે હાથ પણ મિલાવ્યો હતો, ફોટો પણ પડાવ્યો હતો. હાલ આ લોકો દેશને નાટક બતાવી રહ્યા છે. જો આટલી જ રાષ્ટ્રભક્તિ તમારા ખૂનમાં હતી તો પાકિસ્તાન સાથે મેદાનમાં ઊતરવું જ નહોતું જોઈતું, ઉપરથી નીચે સુધી ડ્રામા જ ડ્રામા."

જનતા દળ યુનાઇડેટના નેતા કેસી ત્યાગીએ સંજય રાઉતના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું, "સંજય રાઉત પણ કૉંગ્રેસ પાર્ટીની જાળમાં ફસાતા જઈ રહ્યા છે. પીસીબી અધ્યક્ષ પાસેથી પુરસ્કાર ન સ્વીકારવું એ ભારતીય ગૌરવ અને સન્માનનું પ્રતીક છે."

સોશિયલ મીડિયા પર એક યૂઝર આશીષ ગુપ્તાએ લખ્યું, "ક્રિકેટની સરખામણી ઑપરેશન સિંદૂર સાથે કરવી, જેમાં આપણા સૈનિકોએ પોતાનાં જીવનનું બલિદાન આપ્યું, અત્યંત અપમાનજનક છે. આ માત્ર અસંવેદનશીલતા નહીં, બલકે એક રાજકીય નારા માટે તેમના બલિદાનને ઓછું આંકવા જેવી વાત છે."

ગર્વિત સેઠીએ લખ્યું, "ખૂન અને પાણી એક સાથે ન વહી શકે, પરંતુ ક્રિકેટ રમી શકાય. ખૂબ સારું મોદીજી."

તેમજ કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઍક્સ પર લખ્યું, "શાનદાર જીત, આપણા ખેલાડીઓની જબરદસ્ત ઊર્જાએ ફરી એક વાર વિરોધીઓને ધ્વસ્ત કરી દીધા."

શું હવે 'પ્રતિદ્વંદ્વિતા' નથી રહી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, એશિયા કપ, રાજકારણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં સુપર 4 મુકાબલા બાદ થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ટીમ ઇન્ડિયાના કપ્તાન સૂર્યકુમાર યાદવે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે કોઈ પ્રતિદ્વંદ્વિતા બાકી નથી રહી. અને આ વિશે હવે સવાલ કરવાનુંય બંધ કરી દેવું જોઈએ.

તેમણે કહ્યું, "તમારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રતિદ્વંદ્વિતા અંગે સવાલ કરવાનું જ બંધ કરી દેવું જોઈએ. કારણ કે મારા ખ્યાલમાં જો બે ટીમો 15-20 મૅચ રમે છે, અને તેમાં કોઈ ટીમ 7-8થી આગળ ચાલી રહી હોય તો તેને સારી ક્રિકેટ રમ્યા હોવાનું ગણાવી શકો. પરંતુ 13-0 કે 10-1 (મને આંકડા વિશે ખ્યાલ નથી) હોય તો એ પ્રતિદ્વંદ્વિતા નથી."

પરંતુ શું ખરેખર પ્રતિદ્વંદ્વિતા નથી? ઓછામાં ઓછી એશિયા કપની ફાઇનલ મૅચ જોઈને તો એવું ન લાગ્યું.

દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું હતું. જ્યારે જ્યારે પાકિસ્તાન કે ભારતની ઇનિંગ દરમિયાન છગ્ગો કે ચોગ્ગો લાગતો કે કોઈ વિકેટ પડતી ત્યારે સામેની ટીમના ડ્રેસિંગ રૂમમાં નિરાશાએ બતાવ્યું કે 'પ્રતિદ્વંદ્વિતા' કાયમ છે. 'પ્રતિદ્વંદ્વિતા' છે કારણ કે ટી20 ઇન્ટરનૅશનલની રેન્કિંગમાં ભારતથી પાકિસ્તાન ઘણું પાછળ છે, તેમ છતાં 148 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે વિશ્વની નંબર વન એવી ભારતીય ટીમ દબાણમાં હોય એવું દેખાયું.

એ વાત સાચી છે કે ભારતે ગ્રૂપ મૅચ અને સુપર-4 મુકાબલામાં પાકિસ્તાનને સરળતાથી હરાવી દીધું હતું. પરંતુ પાકિસ્તાને ફાઇનલમાં પહેલાં બેટિંગ કરીને જોરદાર શરૂઆત કરી અને બાદમાં બૉલિંગમાં પણ ભારતને પ્રારંભિક આંચકા આપીને ભારતીય પ્રશંસકોને ભલે થોડી વાર માટે પણ ચૂપ કરાવી દીધા. આ જોઈને લાગ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ એ જ 'પ્રતિદ્વંદ્વિતા' કાયમ છે.

દુબઈમાં શું બદલાયું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, એશિયા કપ, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન ભારત વિરુદ્ધ રમાયેલી સુપર ફોર મૅચમાં અર્ધ સદી નોંધાવ્યા બાદ ઉજવણી કરતા, તેમના આ ઍક્શન પર ભારતમાં ઘણો વિવાદ પણ થયો હતો

એવું નથી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ બાદ બંને દેશોની ટીમો પહેલી વાર ક્રિકેટ ટીમના મેદાન પર હતી. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન બંને દેશો વચ્ચેની સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ હતી. પરંતુ એ સમયે પણ બંને દેશો વચ્ચે ક્રિકેટ રમાઈ હતી.

પહેલાં વર્લ્ડકપ અને બાદમાં ઑસ્ટ્રેલિમાં થયેલી ટ્રાઇ સિરીઝ. એ સમયે પણ પ્રદર્શનો થયાં હતાં, પરંતુ ત્યારે રાજકારણ પર રમત ભારે પડી હતી. ખેલાડીઓએ હાથ મિલાવયા હતા, હજારોની સંખ્યામાં લોકો મૅચ જોવા સ્ટેડિયમમાં પણ પહોંચ્યા હતા અને ક્રિકેટ પ્રશાસક પડદાની પાછળ જ રહ્યા હતા.

પરંતુ દુબઈમાં આ બધું પાછળ છૂટી ગયું. ત્યાં ખેલાડીઓના દરેક ઇશારા કે મૌનના રાજકીય અર્થ કાઢવામાં આવ્યા. તેમને રાષ્ટ્રનાં સન્માન કે અપમાન તરીકે જોવામાં આવ્યાં.

બંને ટીમોના ખેલાડીઓ બેટ-બૉલ વડે તો એકબીજા સામે ટકરાયા, ઇશારામાં પણ એકબીજાને જવાબ આપવામાં પાછળ ન રહ્યા. હારિસ રઉફનો પ્લેન તોડી પાડવાના ઇશારો જોવા મળ્યો તો ફાઇનલમાં જસપ્રીત બુમરાહે પણ રઉફને આઉટ કર્યા બાદ કંઈક આવું જ કર્યું.

ખાસ વાત એ રહી કે બંને દેશોનાં મીડિયા પણ એકબીજા સાથે ટકરાતાં દેખાયાં. ભારતીય પ્રશંસકોએ જ્યાં રઉફના 'ઇશારા'ને ખોટો ઠેરવ્યો, તો પાકિસ્તાની પ્રશંસકોએ તેમને શાબાશી આપી. પરંતુ બાદમાં જે લોકોને રઉફનો ઇશારો ખોટો લાગ્યો, તેઓ બુમરાહના ઇશારાની પ્રશંસા કરતા દેખાયા.

માત્ર ક્રિકેટ જ કેમ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, એશિયા કપ, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ક્રિકેટની દુનિયામાંથી બહાર નજર કરીને જોતાં આ બધી વાતો દ્વિમુખી માપદંડ હોવાનું ખબર પડે છે. મે મહિનામાં 'ઑપરેશન સિંદૂર' બાદ જૂન 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમો એશિયન સ્ક્વેશ ડબલ્સ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સામસામે હતી.

સપ્ટેમ્બરમાં બંને દેશોની અંડર-17 ફૂટબૉલ ટીમોએ પણ સૈફ ચૅમ્પિયનશિપમાં એકબીજા સામે મૅચ રમી. આ ગેઇમ કોઈ પણ જાતના શોરબકોર વગર રમાઈ. કોઈ રાજકીય દળ ન તો કોઈ નિવેદન આપ્યું અને ના બહિષ્કારનું આહ્વાન કર્યં. સોશિયલ મીડિયા પણ મૌન જ રહ્યું. કોઈ નેતાએ ના તો મીમ્સ પોસ્ટ કર્યા ના ગેઇમને બૅન કરવાની માગ કરી. સ્પષ્ટ છે કે સ્ક્વેશ અને ફૂટબૉલ જેવી રમતો એવો પૉલિટિકલ માઇલેજ નથી આપતી જેટલો ક્રિકેટમાં મળે છે.

સપ્ટેમ્બરમાં ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં જેવલિન થ્રો ઇવેન્ટની ફાઇનલ યોજાઈ. તેમાં ભારતના નીરજ ચોપડા, સચીન યાદવે ભાગ લીધો, જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમ પણ ઍક્શનમાં જોવા મળ્યા.

રમતગમત પત્રકાર હેમંત રસ્તોગી કહે છે કે એક સારી એવી ટુર્નામેન્ટ પોતાના પ્રદર્શન કરતાં વધુ વિવાદોને કારણે ચર્ચામાં રહી. હેમંત કહે છે કે, "એશિયા કપની ફાઇનલ દબાણ હેઠળ રમાયેલી તિલક વર્માની શાનદાર ઇનિંગ માટે લોકોની સ્મૃતિમાં અંકિત થવી જોઈએ, પરંતુ તેને કદાચ એ પ્રેઝેન્ટેશન સૅરિમનીમાં વિલંબ, ઇશારા અને નિવેદનો માટે વધુ યાદ કરાશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન