એશિયા કપ: પાકિસ્તાનના મોહસિન નકવી પાસેથી ભારત ટ્રૉફી નહીં લે, આ નિર્ણય કોનો હતો, કેવી રીતે લેવાયો આ ફેંસલો?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું.
પરંતુ વિજય પછી તરત જ જે બન્યું તે ક્રિકેટના મેદાન પર પહેલાં ક્યારેય ન જોવા મળે તેવું બન્યું.
ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાનના ગૃહમંત્રી, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ છે, તેમની પાસેથી ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
બીસીસીઆઈના સચિવ દેવજિત સૈકિયાએ બાદમાં કહ્યું કે ખેલાડીઓએ આ નિર્ણય પહેલાંથી જ લઈ લીધો હતો.
મૅચમાં ભારતે પાકિસ્તાનના 147 રનના લક્ષ્યાંકને 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો.
તિલક વર્માએ અણનમ 69 રન અને શિવમ દુબેએ 33 રન કર્યા હતા.
પરંતુ ભારતના વિજય કરતાં વધુ ચર્ચા એ વાતની થઈ કે ભારતીય ખેલાડીઓ ટ્રૉફી સ્વીકારવા માટે સ્ટેજ પર પહોંચ્યા ન હતા.
મૅચ પછી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
વિજય પછી તરત જ થતો ઇનામ વિતરણ સમારોહ લગભગ એક કલાક મોડો શરૂ થયો. પ્રસારણ દરમિયાન, ન્યૂઝીલૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સિમોન ડૌલે જાહેરાત કરી કે ભારતીય ટીમ પુરસ્કાર સમારોહમાં ભાગ લેશે નહીં અને ટ્રૉફી સ્વીકારશે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પછી, બીસીસીઆઈ સચિવ દેવજિત સૈકિયાએ પુષ્ટિ આપી કે ભારતીય ખેલાડીઓએ એસીસી પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રૉફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
આ કારણોસર વિજેતા ટીમ સ્ટેજ પર આવી ન હતી અને કૅપ્ટનને ટ્રૉફી આપવામાં આવી ન હતી.
તિલક વર્મા (મેન ઑફ ધ મૅચ), અભિષેક શર્મા (મેન ઑફ ધ ટુર્નામેન્ટ), અને કુલદીપ યાદવ (એમવીપી) તેમના વ્યક્તિગત પુરસ્કારો લેવા માટે સ્ટેજ પર પહોંચ્યા હતા, પરંતુ તેમણે મોહસિન નકવી તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સ અનુસાર , મોહસિન નકવી સ્ટેજ પર હાજર એકમાત્ર વ્યક્તિ હતી જેમણે ભારતીય ખેલાડીઓ માટે તાળીઓ પણ ન પાડી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર , એસીસી અને સ્ટેડિયમ મૅનેજમેન્ટ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે વિજેતા ટીમને કોણ ટ્રૉફી આપશે.
અહેવાલ મુજબ, સમારોહ અચાનક બંધ કરી દેવામાં આવ્યો અને આયોજકો ટ્રૉફીને ડ્રેસિંગ રૂમમાં લઈ ગયા હતા.
ભારત ટ્રૉફી જીતી શક્યું નહીં, પરંતુ મેદાન પરના ખેલાડીઓએ પોતાની શૈલીમાં વિજયની ઉજવણી કરી.
ફાઇનલના એક દિવસ પહેલાં, મોહસિન નકવીએ એક નિવેદનમાં કહ્યું હતું કે , "હું એક શાનદાર ફાઇનલ જોવા માટે ઉત્સાહિત છું અને વિજેતા ટીમને ટ્રૉફી સોંપવા માટે આતુર છું."
પીએમ મોદીની પોસ્ટ, મોહસિન નકવીનો જવાબ

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
ભારતની જીત બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ટીમને અભિનંદન પાઠવ્યાં. તેમણે પોતાની પોસ્ટમાં 'ઑપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કર્યો.
વડા પ્રધાને લખ્યું, "રમતગમતના મેદાન પર ઑપરેશન સિંદૂર. પરિણામ એક જ છે - ભારત જીત્યું. આપણા ક્રિકેટરોને અભિનંદન."
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામેની લશ્કરી કાર્યવાહીને 'ઑપરેશન સિંદૂર' નામ આપ્યું હતું.
એસીસી પ્રમુખ મોહસિન નકવીએ વડા પ્રધાનની પોસ્ટનો જવાબ આપ્યો. તેમણે મોદીની પોસ્ટને પર પ્રતિક્રિયા આપતા ઍક્સ પર લખ્યું, "જો યુદ્ધ તમારા ગૌરવનું માપદંડ છે, તો ઇતિહાસે પાકિસ્તાનના હાથે ભારતની શરમજનક હાર પહેલાંથી જ નોંધી લીધી છે, અને કોઈ પણ ક્રિકેટ મૅચ તે હકીકતને બદલી શકતી નથી. યુદ્ધને રમતમાં લઈ આવવું ખેંચવું નિરાશાજનક છે અને ખેલ ભાવનાનું અપમાન છે."
દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર લખ્યું, "શાનદાર વિજય. આપણા ખેલાડીઓની જબરદસ્ત ઊર્જાએ ફરી એકવાર વિરોધીઓને પરાજિત કરી દીધા છે."
તેમણે કહ્યું, "મેદાન ગમે તે હોય, ભારતનો વિજય નિશ્ચિત છે."
ટ્રૉફી ન લેવાનો નિર્ણય કોનો હતો?

ઇમેજ સ્રોત, Surjeet Yadav/MB Media/Getty Images
ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રૉફી ન સ્વીકારવાના નિર્ણય અંગે પત્રકાર પરિષદમાં કહ્યું કે તેમણે આ પહેલાં ક્યારેય આવું કંઈ જોયું નથી. તેમણે તેને ટીમનો સામૂહિક નિર્ણય ગણાવ્યો.
દરમિયાન, BCCI સચિવ દેવજિત સૈકિયાએ ANI સાથે વાત કરતા સ્પષ્ટપણે કહ્યું કે ભારતીય ટીમે પાકિસ્તાની નેતા અને ACC પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રૉફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે અને ICC કૉન્ફરન્સમાં આ અંગે સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવશે.
સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેમણે ક્યારેય એવું નથી જોયું કે ચેમ્પિયન ટીમને ટ્રૉફી ન મળી હોય.
તેમણે કહ્યું, "એ પણ એક ટ્રૉફી છે જે સખત મહેનતથી જીતી હતી. મારું માનવું છે કે અમે તેના લાયક હતા. હું વધુ કંઈ કહી શકતો નથી, મેં મારી વાત સ્પષ્ટ કરી દીધી છે. જો તમે મને ટ્રૉફી વિશે પૂછો છો, તો મારી ટ્રૉફીઝ મારા ડ્રેસિંગ રૂમમાં છે. મારી સાથેના બધા 14 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ જ સાચી ટ્રૉફી છે."
જ્યારે એક પત્રકારે પૂછ્યું કે મોહસિન નકવી પાસેથી ટ્રૉફી ન સ્વીકારવાનો નિર્ણય સત્તાવાર હતો કે નહીં, ત્યારે સૂર્યકુમાર યાદવે કહ્યું, "અમે આ નિર્ણય મેદાન પર જ લીધો હતો, કોઈએ અમને આવું કરવાનું કહ્યું ન હતું. જ્યારે તમે આખી ટુર્નામેન્ટ દરમિયાન આટલું સારું રમો છો અને જીતો છો, ત્યારે શું તમે ટ્રૉફીને ડિઝર્વ કરો છો કે નહીં? તમે જ મને કહો?"
'અમને ભારતીય ટીમ પર ખૂબ ગર્વ છે'
દેવજિત સૈકિયાએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું હતું કે, "અમે એસીસી પ્રમુખ પાસેથી એશિયા કપ 2025 ની ટ્રૉફી સ્વીકારવાનો નિર્ણય લીધો નથી. તેઓ પાકિસ્તાનના અગ્રણી નેતાઓમાંના એક છે. તેથી જ અમે તેમની પાસેથી તે નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો. પરંતુ આનો અર્થ એ નથી કે ટ્રૉફી અને મેડલ તેમની પાસે રહેશે. અમને આશા છે કે તે શક્ય તેટલી વહેલી તકે ભારત પરત કરવામાં આવશે. નવેમ્બરમાં દુબઈમાં ICC કૉન્ફરન્સ છે. આગામી કૉન્ફરન્સમાં, અમે ACC પ્રમુખની કાર્યવાહી સામે સખત વિરોધ નોંધાવીશું."
તેમણે વધુમાં કહ્યું, "બીસીસીઆઈ ખૂબ જ ખુશ છે અને ફાઇનલમાં પાકિસ્તાનને હરાવવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપે છે. પાકિસ્તાન સામેની ત્રણેય મૅચ એકતરફી રહી હતી, અને અમને અમારી ટીમ પર ખૂબ ગર્વ છે."
"આપણાં સશસ્ત્ર દળોએ સરહદી વિસ્તારમાં પણ આવું જ કર્યું છે. હવે, દુબઈમાં પણ એવું જ થયું છે. અમે ભારતીય ટીમને 21 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાનું નક્કી કર્યું છે. આ ઇનામ ખેલાડીઓ અને સહયોગી સ્ટાફમાં વહેંચવામાં આવશે."
પાકિસ્તાનના કૅપ્ટને શું કહ્યું?
મૅચ બાદ પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાએ ટ્રૉફી વિવાદ અને ટીમ ઇન્ડિયાને લઈને સવાલ કરાયા.
તેમને પૂછવામાં આવ્યું કે આ સમગ્ર વિવાદ વચ્ચે તેમને પ્રદર્શનની વાત દબાઈ જશે તો તેમણે કહ્યું કે, "અમારી ટીકા તો થાય જ છે. જે લોકો ક્રિકેટને સમજે છે તેઓ ક્રિકેટની જ વાત કરે છે. બાકી બધું સેકેન્ડરી છે. અમને ખબર છે કે આ ટુર્નામેન્ટમાં અમારી બૅટિંગ એવી નહોતી રહી જેવી હોવી જોઈતી હતી અને કેટલીક બાબતોમાં સુધાર કરવાનો છે. અમે તેની પર જ ધ્યાન આપીએ છીએ. બાકી વાતો પર અમે ધ્યાન નથી આપતા."
હૅન્ડશેક અને સ્પોર્ટ્સમૅન સ્પિરિટ પર પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું કે, "આ ટુર્નામેન્ટમાં જે બન્યું તે ખૂબ જ નિરાશાજનક છે. તેઓ (ભારત) માને છે કે હાથ ન મિલાવીને તેઓ અમારું અપમાન કરી રહ્યા છે, પણ ના, તેઓ ક્રિકેટનું અપમાન કરી રહ્યા છે."
તેમણે દાવો કર્યો, "ટુર્નામેન્ટની શરૂઆત નિમિત્તે અમે પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે તેમણે મારો હાથ મિલાવ્યો."
સલમાનનો દાવો છે કે ભારતીય કૅપ્ટને તેમની સાથે ટુર્નામેન્ટની શરૂઆતમાં પ્રેસ કૉન્ફરન્સ અથવા રેફરી મીટિંગ દરમિયાન હૅન્ડશેક કર્યો હતો, પરંતુ જ્યારે મેદાન પર બધાની સામે વારો આવ્યો તો આવું ન કર્યું.
તેમના અનુસાર, "મને લાગે છે કે તેઓ બસ તેમના ઇન્સ્ટ્રક્શનનું અનુસરણ કરી રહ્યા હતા જે તેમને મળ્યા હતા. આવું હોય તો ઠીક છે."
ભારતીય ટીમ સામે સતત હાર પર પૂછાયેલા સવાલ પર તેમને માન્યું કે ટીમનું પ્રદર્શન સારું નથી રહ્યું, પણ તેમણે આને એક દૌર (એરા) સાથ જોડ્યું. તેમણે કહ્યું હતું કે, "અમને ખબર છે કે અમે તેમની વિરુદ્ધ ક્રિકેટ નથી રમી રહ્યા.પરંતુ જો તમે ઓવર ઑલ જુઓ તો અમે અત્યારે પણ તેમનાથી આગળ છીએ. હાલ તેમનો દૌર ચાલી રહ્યો છે. જેમ 90ના દાયકામાં તેમને હરાવતા હતા, એવી જ રીતે આજે તેમનો દૌર છે, અને તેઓ અમને હરાવી રહ્યા છે. પરંતુ બહુ જલદી તમે જોશો કો અમે પણ તેમને હરાવવાનું શરૂ કરી દઈશું."

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું હતું કે, "આ શ્રેણીમાં ભારતીય ટીમે જે રીતે વર્તન કર્યું છે તે નિરાશાજનક છે. ભારતીય ટીમનો હાથ મિલાવવાનો ઇનકાર અમારા માટે અપમાનજનક નથી, તે ક્રિકેટનું અપમાન છે. અમે ટ્રૉફી સાથે ટીમનો ફોટો ખેંચાવીને અમારી ફરજ બજાવી."
સલમાન આગાએ સૂર્યકુમાર યાદવ પર આરોપ લગાવ્યો કે જેમણે શ્રેણી શરૂ થતાં પહેલાં તેમની સાથે વ્યક્તિગત રીતે હાથ મિલાવ્યો હતો, તેમણે કૅમેરા સામે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું કે તેમણે બહારથી આવેલા આદેશ પર આ રીતે કામ કર્યું હતું. જ્યારેે, સૂર્યકુમારે કહ્યું કે નકવી પાસેથી ટ્રૉફી ન લેવી એ ટીમનો નિર્ણય હતો અને કહ્યું કે કોઈએ તેમને આ રીતે વર્તવાની સૂચના આપી ન હતી.
પહેલાંની મૅચોમાં પણ ભારતે હાથ નહોતા મિલાવ્યા

ઇમેજ સ્રોત, FADEL SENNA/AFP via Getty Images
ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2025માં કુલ ત્રણ વખત સામસામે આવ્યાં હતાં. પહેલી બે મૅચોમાં ભારત સરળતાથી જીતી ગયું હતું.
પરંતુ આ મૅચમાં પણ મેદાનની બહાર ઘણો તણાવ જોવા મળ્યો.
શરૂઆતની મૅચથી જ ભારતીય ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. એ મૅચમાં જીત બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પણ કહ્યું હતું કે આ જીત તેમણે પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને સમર્પિત કરી છે.
પહેલી ગ્રૂપ મૅચમાં જ્યારે ભારતની જીત થઈ ત્યારે ટૉસના સમયે પણ બંને કૅપ્ટનોએ હૅન્ડ શેક નહોતો કર્યો. ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મૅચ રેફરી ઍન્ડી પાઇક્રૉફ્ટને હટાવવાની માંગ કરી હતી.
પીસીબીના ચૅરમૅન મોહસિન નકવીએ ઍક્સ પર લખ્યું હતું કે, "મૅચ રેફરીએ આઈસીસી કોડ ઑફ કન્ડક્ટ અને સ્પિરિટ ઑફ ક્રિકેટને લઈને એમસીસી લૉ કૉલેજનું જે ઉલ્લંઘન કર્યું છે, તેને લઈને પીસીબીએ આઈસીસીને ફરિયાદ કરી છે."
હૅન્ડ શેક ન કરવા પર ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પોસ્ટ મૅચ પ્રેસ કૉનફરન્સમાં કહ્યું હતું કે, "કેટલીક વસ્તુઓ ખેલભાવના કરના પણ મોટી હોય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












