IND Vs Pak : ભારતીય ટીમના ખેલાડીઓએ હાથ ન મિલાવ્યાનો વિવાદ શું છે, પાકિસ્તાને શું કહ્યું?

સૂર્ય કુમાર યાદવ, એશિયા કપ, દુબઈ, ઇન્ટરનૅશનલ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પિન બોલરોનો સામનો કરવા માટે ભારત વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે

એશિયા કપની છઠ્ઠી મૅચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવી દીધું હતું. મૅચ બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે હાથ ન મિલાવતા વિવાદ થયો છે.

દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં પાકિસ્તાને ભારત સામે પહેલાં બૅટિંગ કરતા જીત માટે 20 ઓવરમાં 128 રનનું ટાર્ગેટ આપ્યું હતું.

ભારતે આ લક્ષ્યને 15.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું. ભારત માટે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ 37 બૉલમાં 47 રન બનાવીને નૉટ આઉટ રહ્યા.

મૅચ પછી સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેઓ પહલહગામ હુમલાના પીડિતો સાથે ઊભા છે.

આની પહેલાં કુલદીપ યાદવે ચાર ઓવરમાં ત્રણ વિકેટ લઈને પાકિસ્તાનની ઇનિંગ્સને 127 રન પર જ રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, "હું થોડો સમય લેવા માગું છું. અમે પહલગામ હુમલાના પીડિતો સાથે ઊભા છીએ. અમે તેમની સાથે છીએ. અમે આ જીતને અમારી સેનાને સમર્પિત કરીએ છીએ. તેઓ અમને પ્રેરણા આપતા રહેશે."

અભિષેક શર્માની જોરદાર ઇનિંગ્સ

અભિષેક શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

128 રનનો ટાર્ગેટ પૂરો કરવા ઊતરેલા અભિષેક શર્મા અને શુભમન ગિલની જોડીએ ભારતને ઝડપી શરૂઆત આપવાના પ્રયત્ન કર્યા. પરંતુ બીજી ઓવરના છેલ્લા બૉલ પર સઈમ આયૂબે શુભમન ગિલને સ્ટમ્પ આઉટ કર્યા હતા.

જ્યારે ગિલ આઉટ થયા ત્યારે ભારતનો સ્કોર 22 રન હતો. જોકે ત્યાર બાદ પણ અભિષેક શર્માએ ઝડપથી રન બનાવવાનું ચાલુ રાખ્યું. જોકે તેઓ 31 બનાવીને આઉટ થઈ ગયા. તેમણે 13 બૉલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. તેમની વિકેટ પણ સઈમ અયૂબે લીધી હતી.

ત્યાર બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે તિલક વર્મા સાથે મળીને ભારતીય ઇનિંગ્સને આગળ વધારી હતી. પાવર પ્લેના અંત સુધી ભારતે બે વિકેટના નુકસાન પર 61 રન બનાવ્યા હતા.

10 ઓવર પછી સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની જોડીએ 10 ઓવર સુધી ભારતનો સ્કોર બે વિકેટના નુકસાન પર 88 રન પર પહોંચાડ્યો હતો.

જોકે 13મી ઓવરના બીજા બૉલ પર સઈમ અયૂબે તિલક વર્માને બોલ્ડ કરી દીધા. તિલક વર્માએ 31 બૉલમાં 31 રન બનાવ્યા.

જોકે ત્યાર બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે શિવમ દુબે સાથે મળીને ભારતની ઇનિંગ્સને આગળ વધારી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 34 રનની નૉટ આઉટ પાર્ટનરશિપ થઈ.

સૂર્યકુમાર યાદવ 47 રન બનાવીને નૉટ આઉટ રહ્યા, જ્યારે શિવમ દુબે 10 રન બનાવ્યા.

પાકિસ્તાન માટે સઈમ અયૂબે ત્રણેય વિકેટ લીધી હતી.

પાકિસ્તાનની નબળી શરૂઆત

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આની પહેલાં ટૉસ જીતીને પાકિસ્તાને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પાકિસ્તાનના ઓપનર સઈમ અયૂબ હાર્દિક પંડ્યાની પહેલી ઓવરના પહેલા બૉલ પર જ આઉટ થઈ ગયા જોકે હાર્દિક પંડ્યાએ આની પહેલાં વાઇડ બૉલ ફેંક્યો હતો.

પંડ્યાએ પહેલી ઓવરમાં વિકેટ ખેરવી ત્યાર બાદ જસપ્રીત બુમરાહે પણ વિકેટ લેવાનો ક્રમ ચાલુ રાખ્યો. બીજી ઓવરના બીજા બૉલમાં બુમરાહે મોહમ્મદ હારિસની વિકેટ લીધી હતી.

પાકિસ્તાને 1.2 ઓવરમાં છ રન પર જ બે વિકેટ ગુમાવી દીધી. ત્યાર બાદ ફરહાને ફખર સાથે મળીને પાકિસ્તાનની ઇનિંગ્સ સંભાળી. પણ પાવર પ્લેસના અંત સુધી પાકિસ્તાને બે વિકેટ ગુમાવીને 42 રન બનાવ્યા હતા

આઠમી ઓવરના ચોથા બૉલ પર અક્ષર પટેલે ફખર જમાનને આઉટ કરી દીધા અને પાકિસ્તાને 45 રનના સ્કોર પર જ ત્રણ વિકેટ ગુમાવી દીધી.

10મી ઓવરના છેલ્લા બૉલ પર અક્ષર પટેલે પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગાને આઉટ કરી દીધા. તેમણે 12 બૉલમાં માત્ર ત્રણ રન બનાવ્યા અને પાકિસ્તાનનો સ્કોર 10 ઓવર પછી ચાર વિકેટના નુકસાન પર 49 રન સુધી પહોંડ્યો હતો.

13મી ઓવરના ચોથા બૉલ પર કુલદીપ યાદવે હસન નવાઝને આઉટ કર્યા અને આ જ ઓવરના પાંચમા બૉલ પર તેમણે મોહમ્મદ નવાઝને શૂન્ય રન પર આઉટ કરી દીધા.

13 ઓવર સુધી પાકિસ્તાનનો સ્કોર છ વિકેટ ગુમાવીને 65 રન પર પહોંચ્યો હતો.

ઓપનર સાહિબજાદા ફરહાન 16 ઓવર સુધી રમતા રહ્યા. પરંતુ 17મી ઓવરના પહેલા બૉલ પર કુલદીપ યાદવે તેમની વિકેટ લીધી. તેમણે 44 બૉલ પર 40 રન બનાવ્યા.

પાકિસ્તાનનો સ્કોર 100 સુધી પહોંચે એ પહેલાં વરુણ ચક્રવર્તીએ ફહીમ અશરફને આઉટ કરી દીધા. 19મી ઓવરના છેલ્લા બૉલ પર જ્યારે પાકિસ્તાનનો સ્કોર 111 રન હતો ત્યારે જસપ્રીત બુમરાહે સુફિયાન મકીમને બોલ્ડ કરીને પાકિસ્તાનની નવમી વિકેટ ખેરવી લીધી.

જોકે શાહીન શાહ આફરીદીએ ચાર છગ્ગા ફટકારીને 16 બૉલ પર 33 રન બનાવ્યા અને નૉટ આઉટ રહ્યા તથા પાકિસ્તાનનો સ્કોર 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 127 રન સુધી પહોંચાડ્યો.

કુલદીપ યાદવની ત્રણ વિકેટ ઉપરાંત અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે બે-બે વિકેટ લીધી. ત્યારે વરુણ ચક્રવર્તી અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી.

સ્પિનરોને માત આપી

પાકિસ્તાન એક એવી ટીમ છે જે તેની ઝડપી બૉલિંગ માટે જાણીતી છે. પાકિસ્તાને ઇમરાન ખાનથી શરૂ થયેલી ફાસ્ટ બૉલરોની પરંપરા સફળતાપૂર્વક ચાલુ રાખી, જેમ કે અકરમ, વકાર અને શોએબ. પરંતુ આ મૅચમાં ચિત્ર અલગ હતું.

આ મૅચમાં પાકિસ્તાને ફક્ત એક જ ઝડપી બૉલર મેદાનમાં ઊતાર્યા હતા. તેઓ શાહીન શાહ આફ્રિદી હતા.

પરંતુ, સ્પિન બૉલરોનો સામનો કરવા માટે ભારત વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે. જોકે, એવું લાગે છે કે સ્પિનરોની ફોજ સાથે મેદાનમાં ઊતરેલી પાકિસ્તાનની ટીમે આ વાતને અવગણી છે.

ભારતની ત્રણેય વિકેટ સ્પિનર સઈમ અયૂબે લીધી હતી, તેઓ ફૂલટાઇમ બૉલર નથી પણ ઑલરાઉન્ડર છે.

જોકે, આ મૅચમાં ભારતીય બૉલરોએ પાકિસ્તાનના અન્ય સ્પિનરોને પાછળ છોડી દીધા હતા.

બીજી તરફ, ભારતીય ટીમના સ્પિનરોએ મૅચ પર પ્રભુત્વ જમાવ્યું. બુમરાહ અને પંડ્યાએ શરૂઆતમાં જ પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકી દીધું. પછી ભારતીય સ્પિનરોએ પણ પાકિસ્તાની બૅટ્સમૅનોને માથું ઊંચકવા દીધું નહીં.

કુલદીપે 3 વિકેટ, અક્ષરે 2 વિકેટ અને વરુણ ચક્રવર્તીએ 1 વિકેટ લીધી.

મહત્ત્વનું છે કે, પાકિસ્તાનના બૅટ્સમૅન પણ સ્પિન સામે સારી બેટિંગ કરે છે. જોકે, તેઓ ભારત સામે તેમની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યા નહીં.

ભારતીય બૉલરો પર દબાણ લાવવાનો પ્રયાસ

રવિવારે રમાયેલી આ મૅચમાં પાકિસ્તાનની ટીમ બધી જ રીતે નબળી સાબિત થઈ હતી. પરંતુ બૅટ્સમૅનોની નિષ્ફળતા પણ મહત્ત્વપૂર્ણ હતી.

જોકે, સલમાન આગાએ જેમના દમ પર ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, તે પાકિસ્તાનની બૅટ્સમૅન પર કંઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યા.

ઓપનર ફરહાનના 40 રન અને નીચલા ક્રમના બૅટ્સમૅન શાહીન શાહ આફ્રિદીના 33 રન સિવાય, કોઈ પણ બૅટ્સમૅન પોતાનું સ્થાન જાળવી શક્યા નહીં.

રસપ્રદ વાત એ છે કે, ભારતીય બોલરો પર દબાણ લાવવાના પ્રયાસમાં પણ કેટલાક પાકિસ્તાની બૅટ્સમૅન આઉટ થયા હતા.

કુલદીપની ઓવરમાં કુલદીપનો કૅચ છૂટી ગયા પછી, હસન નવાઝ આગામી બૉલ પર હિટ રમવાના પ્રયાસમાં આઉટ થયા. વિકેટો પડતી રહી હોવાથી પાકિસ્તાન રિકવર થઈ શક્યું નહીં.

બીજી તરફ, ભારતીય બૅટ્સમૅનોએ પોતાના ખાસ અંદાજમાં બતાવી દીધું કે પહેલા બૉલથી જ મૅચ તેમના હાથમાં છે.

ભારતીય ટીમનું સંતુલન

ભારતીય ક્રિકેટ ટીમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ટીમે તમામ પડકારો પર કાબુ મેળવીને જીત કેવી રીતે મેળવી શકાય એ બતાવી દીધું હતું.

બેટિંગ હોય કે બૉલિંગ, ભારતીય ટીમ આ શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી બંને મૅચોમાં ખૂબ જ સંતુલિત રહી છે.

ભારતે પહેલી મૅચ પણ UAE સામે મોટા માર્જિનથી જીતી હતી, જેમને આંતરરાષ્ટ્રીય મૅચોમાં બહુ ઓછો અનુભવ છે.

ત્યાર બાદ, એવું જોવા મળ્યું કે ભારતીય ટીમે પાકિસ્તાન સામે તમામ પાસાઓમાં સારું પ્રદર્શન કર્યું.

બોલિંગ લાઇન-અપમાં ત્રણ સ્પિનરો અને બેટિંગ લાઇન-અપમાં આઠમા નંબર સુધીના વિકલ્પોનો સમાવેશ થતાં, એવી ચર્ચા ઊઠી કે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં જીતની દાવેદાર છે.

ભારતીય ટીમના સંતુલનનું બીજું એક ઉદાહરણ મિડલ ઑર્ડરમાં જોવા મળ્યું. ઓપનર શરૂઆતમાં આઉટ થયા પછી, કૅપ્ટન સૂર્યકુમાર બેટિંગ કરવા આવ્યા પરંતુ તે સમજી ગયા કે ટીમ માટે અત્યારે શું અનિવાર્ય છે.

તેનાથી બીજી બાજુ નવા આવેલા તિલક વર્માને તક મળી અને તેણે સારી બેટિંગ કરી. સૂર્યા અને તિલક એ બતાવ્યું કે મધ્યમ ક્રમે કેવી રીતે સંયમ સાથે રમવું જોઈએ.

ભારતીય ટીમમાં સંતુલનનો આ અભાવ પાકિસ્તાની ટીમના પ્રદર્શનમાં પ્રતિબિંબિત થયો.

હકીકતમાં, ભારત અને પાકિસ્તાન બંને ટીમોમાં મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ હતા. બંને ટીમોના ખેલાડીઓ પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ અનુભવ નહોતો.

આનાથી ભારત-પાકિસ્તાન મૅચનું દબાણ વધ્યું. જોકે, ભારતીય ટીમે આ બધા પડકારો પર કાબૂ મેળવીને અને સફળતા કેવી રીતે મેળવવી તે બતાવી દીધું.

ખેલાડીઓએ હાથ મિલાવ્યા નહીં

વિરાટ કોહલી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફેબ્રુઆરી 2025માં એક મૅચ પછી વિરાટ કોહલી હારિસ રૌફને ગળે લગાવે છે.

અગાઉ, ભારતીય ઇનિંગ્સની 15મા ઓવરના પાંચમા બૉલ પર સૂર્યકુમાર યાદવે વિજયી છગ્ગો ફટકાર્યા પછી, તેઓ ક્રીઝ પર રહેલા શિવમ દુબે સાથે સીધા ડ્રેસિંગ રૂમમાં ગયા.

સામાન્ય રીતે, ક્રિકેટ મૅચ જીત્યા પછી વિરોધી ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની પરંપરા હોય છે. પરંતુ તેમણે મેદાન પર હાજર પાકિસ્તાની ક્રિકેટરો સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

કોઈ પણ પાકિસ્તાની ક્રિકેટર ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવા આગળ આવ્યો ન હતો.

ભારતીય ટીમના બાકીના ક્રિકેટરો પણ ડ્રેસિંગ રૂમમાં જ રહ્યા અને મૅચ સમાપ્ત થયા પછી મેદાનમાં ન આવવાનું પસંદ કર્યું હતું.

જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર ટૉસ દરમિયાન પણ દેખાઈ રહી હતી.

જ્યારે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટૉસ જીતવા બદલ અભિનંદન આપવા માટે પાકિસ્તાની કૅપ્ટન સલમાન અલી આગાની સાથે હાથ મિલાવ્યા ન હતા.

ચાહકો માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચની રાહ જોતા નહોતા, પરંતુ તેને લઈને એક અલગ પ્રકારનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.

પરંતુ આ વખતે, પહેલગામ હુમલાને કારણે, મૅચ પહેલાં સંપૂર્ણ બહિષ્કાર ઝુંબેશ ચાલી રહી હતી.

કૉંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોએ પાકિસ્તાન સાથે રમવાના બીસીસીઆઈના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

કદાચ બંને દેશો વચ્ચેના તણાવની અસર એ હતી કે મૉસ્ટ ઑફ ખાલી ખુરશીઓ પણ જોવા મળતી હતી.

ભારત-પાકિસ્તાન મેચની બધી ટિકિટો મહિનાઓ અગાઉથી બુક થઈ જતી હતી.

કુલ 35.5 ઓવર સુધી રમાયેલી આ મેચ દરમિયાન એક પણ ક્ષણ એવી નહોતી જ્યારે બંને દેશોના ક્રિકેટરોએ મેદાન પર એકબીજા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હોય.

પાકિસ્તાનનો વિરોધ

ટૉસ, કેપ્ટન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty

ઇમેજ કૅપ્શન, ટૉસ સમયે પણ બંને દેશોના કેપ્ટનોએ હાથ મિલાવ્યા ન હતા.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના મૅનેજર નવીદ અકરમ ચીમાએ કહ્યું કે, 'ભારતીય ખેલાડીઓ હાથ ન મિલાવવો એ ખેલ ભાવનાની વિરુદ્ધ છે.'

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમના આ વર્તનના વિરોધમાં પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગા મૅચના સમાપન સમારોહમાં હાજર રહ્યા ન હતા.

આ દરમિયાન, પાકિસ્તાનના કોચ માઇક હેસને પાકિસ્તાની ટીમની પ્રતિક્રિયાને સ્વાભાવિક ગણાવી હતી.

પૂર્વ ક્રિકેટરોએ શું કહ્યું?

મૅચ ચાલી રહી હતી ત્યારે, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર ટેલિવિઝન પર ડિબેટમાં સામેલ થયા હતા.

મૅચ સમાપ્ત થયા પછી તેમની પહેલી પ્રતિક્રિયા હતી, "હું અવાચક છું. આ ખૂબ જ હૃદયદ્રાવક છે અને મને ખબર નથી કે શું કહેવું. ભારતને સલામ."

તેમણે કહ્યું , "તમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે પણ આ ક્રિકેટ મૅચ છે, તેમાં રાજકારણ ન લાવવું જોઈએ. તમારે હાથ મિલાવવા જોઈએ... થોડું સૌજન્ય બતાવવું જોઈએ. ઝઘડા થાય છે... ઘરોમાં થાય છે પણ એનો અર્થ એ નથી કે આપણે હાથ ન મિલાવવા જોઈએ."

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ સામે ભારતમાં વિરોધી પક્ષો અને સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહેલા બહિષ્કાર અભિયાન પર શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની ચેનલ સમા ટીવી પર કહ્યું , "ક્રિકેટને ક્રિકેટ જ રહેવા દો, ક્રિકેટ આખી દુનિયામાં જોવામાં આવે છે અને લોકો તેને પસંદ કરે છે. રમતી વખતે, તમે તમારા દેશના રાજદૂત છો... ક્રિકેટ બંધ ન થવું જોઈએ."

પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોએ શું કહ્યું?

પાકિસ્તાન, ક્રિકેટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોમા મેચના પરિણામોને લઈને મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે

આમિર અલી નામના એક ક્રિકેટ ચાહકે PCBની ટીકા કરી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "એવું લાગે છે કે PCBની એકમાત્ર ટકાઉ વ્યૂહરચના અપમાનના ચક્રને ચાલુ રાખવાની છે. તેઓ ખેલાડીઓ અને કોચ બદલી શકે છે પરંતુ અપમાન ચાલુ રહે છે."

એક યુઝરે ઍક્સ પર ગુસ્સાથી લખ્યું, "અમારી સાથે યુદ્ધ લડવું વધુ સારું છે. અમે ક્રિકેટ રમતા નથી."

બીજા એક યુઝરે ઝુનૈજે ઍક્સ પર લખ્યું, "પાકિસ્તાન ક્રિકેટમાં જ આ શક્ય છે કે ઓપનિંગ બોલર તેની ટીમ માટે સારો બૅટ્સમૅન સાબિત થાય જ્યારે ઓપનિંગ બૅટ્સમૅન તેની ટીમ માટે શ્રેષ્ઠ બોલર સાબિત થાય."

મૅચ પછી હાથ ન મિલાવવા અંગે, બીજા એક યુઝરે સાદિક આફ્રિદીએ લખ્યું , "ભારતે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો અને તેમના ડ્રેસિંગ રૂમના દરવાજા બંધ કરી દીધા. આવી પરિસ્થિતિ રમતમાં ક્યારેય જોવા મળી નથી."

પાકિસ્તાની ટીમના પ્રદર્શનની સરખામણી કરતી વખતે, ઘણા યુઝર્સે ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમને પણ યાદ કર્યા. ઘણા લોકોએ કહ્યું, "તમારા ગયા પછી મને તમારી યાદ આવે છે." લોકોએ બાબર આઝમની તસવીરો પણ શેર કરી.

કેટલાક લોકોને 2021 T20 વર્લ્ડ કપ મૅચ પછીની એ ક્ષણ પણ યાદ આવી કે જ્યારે મોહમ્મદ રિઝવાનને વિરાટ કોહલીએ ગળે લગાવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન