You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા માટે વાગનર ગ્રૂપ કેમ મહત્ત્વનું? પાંચ પૉઇન્ટમાં સમજો
રશિયાની પ્રાઇવેટ આર્મી વાગનર ગ્રૂપના પ્રમુખે રવિવારે પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. શનિવારે તેમણે કહ્યું હતું કે તેમણે રશિયાના દક્ષિણમાં આવેલા શહેર રોસ્તોવ-ઑન-ડૉનમાં ‘તમામ સૈન્ય અડ્ડાઓ’ પર કબજો કરી લીધો છે.
યેવગેની પ્રિગોઝિનની ઘોષણાને રાષ્ટ્રપતિ પુતિને ‘પીઠમાં છરો ભોંકવા’ સમાન ગણાવી હતી અને રશિયા સાથે ‘છેતરપિંડી’ કરનારાઓને સજા આપવાની વાત કરી હતી.
મૉસ્કો તરફ મોરચો માંડવા નીકળેલા પ્રિગોઝિનનું કહેવું હતું કે, તેમનો ઉદ્દેશ ‘સૈન્યવિદ્રોહ નહીં પણ ન્યાય માટે મોરચો માંડવાનો છે’ અને રશિયન સેનાના ઉચ્ચ નેતૃત્વ સાથેની તેમની લાંબા સમય સુધી ચાલેલી તેમની લડાઈમાં નાટકીય બદલાવ આવ્યા બાદ આવું થયું છે.
વાગનર ગ્રૂપ ભાડાના સૈનિકોની એક પ્રાઇવેટ આર્મી છે, જે યુક્રેનમાં રશિયન સેના સાથે ખભેખભા મેળવીને લડી રહી છે. એક અંદાજ મુજબ ત્યાં વાગનર ગ્રૂપના હજારો સૈનિકો હાજર છે.
યુક્રેન સેનાના હાથે બાખમૂત શહેરને કબજે કરવા માટેના લાંબા અને ખર્ચાળ યુદ્ધમાં ગ્રૂપે ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ ગ્રૂપ પોતાને એક ‘પ્રાઇવેટ મિલિટરી કંપની’ કહે છે, પરંતુ રશિયન સરકારે તાજેતરમાં એવાં પગલાં લીધાં છે, જે જૂથ પર નિયંત્રણ મૂકવા માટે લેવાયાં હોય એ રીતે જોવામાં આવે છે.
23 જૂને પ્રિગોઝિને કહ્યું કે, યૂક્રેનમાં યુદ્ધ માટે રશિયાનો તર્ક જૂઠો હતો અને એ સંરક્ષણમંત્રી સર્ગેઈ શોઇગૂ માટે પોતાને પ્રમોટ કરવાનું એક બહાનું હતું.
વાગનર ગ્રૂપ રશિયા માટે કેટલું મહત્ત્વનું છે, તેને સાત પોઇન્ટ્સમાં સમજો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1. વાગનર ગ્રૂપ શું છે અને તેના માટે કોણ લડી રહ્યું છે?
વાગનર ગ્રૂપ ( સત્તાવાર રીતે પીએમસી વાગનર તરીકે ઓળખાય છે) ની ઓળખ પહેલીવાર 2014માં પૂર્વ યૂક્રેનમાં રશિયા તરફી અલગતાવાદીઓને મદદ કરવા માટે કરવામાં આવી હતી.
એ સમયે આ એક ગુપ્ત સંગઠન હતું અને તે મોટા ભાગે આફ્રિકા અને મધ્ય-પૂર્વમાં સક્રિય હતું અને માનવામાં આવે છે કે તેમની પાસે પાંચ હજાર સૈનિકો હતા, જેમાંથી મોટા ભાગના રશિયાની ચુનંદા રેજિમૅન્ટ અને સ્પેશિયલ ફોર્સના રિટાયર્ડ સૈનિકો હતા. ત્યારથી તેનું કદ ઘણું વધી ગયું છે.
જાન્યુઆરીમાં બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, “યુક્રેનમાં વાગનર અંદાજે 50,000 સૈનિકોને નિયંત્રિત કરે છે અને યુક્રેન સામે રશિયાના યુદ્ધમાં એક મહત્ત્વનું સંગઠન બની ગયું છે.”
મંત્રાલય અનુસાર આ સંગઠને 2022માં મોટી સંખ્યામાં લોકોની ભરતી કરવાનું શરૂ કર્યું હતું, કારણ કે નિયમિત સેનામાં ભરતી માટે લોકોને શોધવાનું રશિયા માટે મુશ્કેલ બની ગયું હતું.
આ વર્ષની શરૂઆતમાં અમેરિકી નેશનલ સિક્યૉરિટી કાઉન્સિલે કહ્યું હતું કે 80 ટકા વાગનર લડાકુઓને જેલમાંથી લાવવામાં આવ્યા હતા.
જોકે રશિયામાં ભાડૂતી સૈનિકોને રોજગારી આપવી ગેરકાયદેસર હોવા છતાં વાગનર ગ્રૂપે 2022માં પોતાની કંપની તરીકે રજિસ્ટર્ડ કરાવી અને સેન્ટ પીટર્સબર્ગમાં તેમનું નવું મુખ્યાલય ખોલ્યું છે.
'રૉયલ યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ' થિંક ટૅન્ક સાથે જોડાયેલા ડૉ. સૅમ્યુઅલ રમાનીનું કહેવું છે કે, “તે રશિયન શહેરોમાં ખુલ્લેઆમ ભરતી કરે છે અને તેના પ્રચાર માટે પોસ્ટર અને બૅનર લગાવવામાં આવ્યાં છે અને રશિયન મીડિયામાં તેને દેશભક્ત સંસ્થા તરીકે ગણવામાં આવે છે.”
2. વાગનર ગ્રૂપ યુક્રેનમાં શું કરી રહ્યું છે?
પૂર્વ યુક્રેનના બખમૂત શહેર પર રશિયાનો કબજો કરવામાં વાગનર ગ્રૂપની સૌથી મહત્ત્વની ભૂમિકા રહી હતી.
યૂક્રેનની સેનાનું કહેવું છે કે તેમના લડાકુઓને મોટી સંખ્યામાં હુમલો કરવા મોકલવામાં આવ્યા હતા, જેમાં મોટા ભાગના માર્યા ગયા હતા.
શરૂઆતમાં સંરક્ષણ મંત્રાલયે એવો ઉલ્લેખ કર્યો નહોતો કે વાગનર ગ્રૂપ લડાઈમાં સામેલ હતું. જોકે પાછળથી તેમણે તેમના લડાકુઓની ‘બહાદુર અને નિ:સ્વાર્થ’ ભૂમિકાની પ્રશંસા કરી હતી.
3. વાગનર ગ્રૂપની શરૂઆત કેવી રીતે થઈ?
વાગનર ગ્રૂપ વિશે બીબીસીની તપાસ મુજબ, શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, તેમા એક પૂર્વ રશિયન આર્મી ઓફિસર દિમિત્રી યૂટ્કિન સામેલ છે.
તેઓ ચેચેન્યામાં રશિયન યુદ્ધ લડેલા નિવૃત્ત સૈનિક અને વાગનરના પ્રથમ ફિલ્ડ કમાન્ડર હોવાનું માનવામાં આવે છે અને તેમણે તેમના ભૂતપૂર્વ રેડિયો કૉલ સાઇન પર ગ્રૂપનું નામ રાખ્યું હતું.
આ ગ્રૂપનું નેતૃત્વ હાલમાં યેવગેની પ્રિગોઝિન કરી રહ્યા છે, જે એક ધનવાન બિઝનેસમૅન છે અને ‘પુતિનના શેફ’તરીકે જાણીતા છે, કારણ કે તેઓ ક્રૅમિલનનું કેટરિંગ સંભાળતા હતા.
કિંગ્સ કૉલેજ લંડનમાં સંઘર્ષ અને સુરક્ષા વિષયના પ્રોફેસર ટ્રેસી જર્મનનું કહેવું છે કે, “વાગનર ગ્રૂપનું પહેલું ઑપરેશન 2014માં ક્રાઇમિયાને રશિયામાં ભેળવી દેવા માટેની લશ્કરી મદદ કરવાનું હતું.”
યુક્રેન પરના હુમલાના થોડાં અઠવાડિયાં પહેલાં એવું સમજાયું હતું કે વાગનરે જ યુક્રેનનો ધ્વજ લગાવીને હુમલા કર્યા હતા, જેથી ક્રૅમલિનને હુમલાનું બહાનું મળી જાય.
4. વાગનરની કેવી રીતે રશિયાના લશ્કરી કમાન્ડરો સાથે અથડામણ થઈ?
તાજેતરમાં પ્રિગોઝિને વારંવાર સંરક્ષણ મંત્રી શોઇગૂ અને યુક્રેનમાં સેનાના વડા વેલેરી ગેરાસિમો પર ‘અક્ષમતા અને યુક્રેનમાં તહેનાત વાગનર યુનિટને ઇરાદાપૂર્વક ઓછાં હથિયારો પૂરાં પડવાનો’ આરોપ મૂક્યો છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનમાં વૉલેન્ટિયર તરીકે જોડાયેલા લડાકુઓને જૂનના અંત સુધીમાં તેમની સાથે કરાર કરવા પડશે.
જોકે આ જાહેરાતમાં વાગનર ગ્રૂપના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ આ પગલાંને જૂથ પર સરકારી નિયંત્રણ સ્થાપિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યું હતું.
પ્રિગોઝિને ગુસ્સામાં એક નિવેદન જારી કર્યું હતું કે તેમના લડાકુઓ આ કરારનો બહિષ્કાર કરશે.
5. વાગનર ગ્રૂપ બીજે ક્યાં સક્રિય છે?
વર્ષ 2015થી વાગનર ગ્રૂપના લડાકુઓ સીરિયામાં સરકાર તરફી સુરક્ષા દળો અને તેલના કૂવાઓની રક્ષા કરવા માટે કામ કરે છે.
વાગનર ગ્રૂપના લડાકુઓ લીબિયામાં પણ છે, જ્યાં તેઓ જનરલ ખલીફા હફતારને વફાદાર સુરક્ષા દળોને મદદ કરી રહ્યા છે.
સૅન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (સીએઆર)એ હીરાની ખાણોની રક્ષા માટે વાગનર ગ્રૂપને આમંત્રણ આપ્યું છે અને માનવામાં આવે છે કે તે સુદાનમાં સોનાની ખાણની રક્ષા કરે છે.
પશ્ચિમ આફ્રિકામાં માલીની સરકાર ઇસ્લામિક ઉગ્રવાદી ગ્રૂપ સામે વાગનર ગ્રૂપનો ઉપયોગ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે પ્રિગોઝિન વાગનર ગ્રૂપની આ કાર્યવાહીઓમાંથી પૈસા કમાઈ રહ્યા છે.
અમેરિકન નાણાકીય વિભાગનું કહેવું છે કે તેઓ તેમની હાજરીનો ઉપયોગ તેમની પોતાની ખાણ કંપનીઓને વધુ સમૃદ્ધ બનાવવા માટે કરે છે અને વિભાગે તેમના પર પ્રતિબંધ લાદી દીધો છે.
વાગનર ગ્રૂપ પર કયા કથિત ગુનાના આરોપો છે?
જાન્યુઆરીમાં એક પૂર્વ કમાન્ડરે વાગનર ગ્રૂપ છોડ્યા બાદ નોર્વેમાં આશ્રય માગ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમણે યુક્રેનમાં યુદ્ધ ગુનાઓ પોતાની નજરે જોયા છે.
યુક્રેનિયન વકીલોએ વાગનર ગ્રૂપના ત્રણ લડાકુઓ પર એપ્રિલ 2021માં કિએવ પાસે નાગરિકોને ત્રાસ આપવાનો અને નિયમિત દળોની સાથે મારવાનો આરોપ મૂક્યો હતો.
જર્મનીની ગુપ્તચર એજન્સીનું કહેવું છે કે વાગનર લડાકુઓએ જ માર્ચ 2022માં બુચામાં નાગરિકોની સામુહિક હત્યા કરી હશે.
સંયુક્ત રાષ્ટ્ર અને ફ્રાન્સની સરકાર દ્વારા વાગનર ગ્રૂપના સભ્યો પર સૅન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં નાગરિકો સામે બળાત્કાર અને લૂંટનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
વર્ષ 2020માં અમેરિકી સેનાએ વાગનર લડાકુઓ પર લીબિયાની રાજધાની ટ્રિપોલીની અંદર અને બહાર બારુદી સુરંગો અને આઈઈડી ગોઠવવાનો આરોપ મૂક્યો હતો.