રશિયા વાગનર ગ્રૂપ : યુક્રેનમાં પુતીન માટે લડનાર એ 'પ્રાઇવેટ આર્મી' જેણે રશિયન સૈન્ય સામે જ 'મોરચો માંડ્યો'

યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયાના સૈન્ય સામે રશિયન ભાડૂતી સૈનિકોના ગ્રૂપે દેશમાં જ મોરચો ખોલીને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન માટે મુશ્કેલી ઊભી કરી છે.

રશિયન ભાડૂતી સૈનિકોના જૂથ વાગનર ગ્રૂપના પ્રમુખ યેવગેની પ્રિગોઝિને કહ્યું છે કે તેઓ ‘રશિયાના લશ્કર નેતૃત્વને ઉખાડીને જ જંપશે.’

તેના થોડા કલાક પહેલાં જ રશિયાએ તેની પર ‘સૈનિક વિદ્રોહ’નો આરોપ લગાવ્યો હતો.

યેવગેની પ્રિગોઝિને કહ્યું છે કે વાગનર ગ્રૂપના લડવૈયાઓ યુક્રેનની સરહદ પાર કરીને રશિયાના રૉસ્તોવ-ઑન-ડૉન શહેરમાં ઘૂસ્યા છે.

આ દરમિયાન રશિયાથી મળી રહેલી માહિતી મુજબ, યેવગેની પ્રિગોઝિને રૉસ્તોવ-ઑન-ડૉન શહેરમાં રશિયાની સેનાના દક્ષિણ મુખ્યાલય પર નિયંત્રણ કરી લીધું છે.

એક વીડિયોમાં યેવગેની પ્રિગોઝિન મુખ્યાલયમાં પ્રવેશ કરતા અને ત્યાં હાજર સૈનિક કમાન્ડરો સાથે હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે.

એક વીડિયોમાં યેવગેની પ્રિગોઝિને કહ્યું છે કે, જો રશિયાના સંરક્ષણમંત્રી સર્ગેઈ શોઇગૂ અને જનરલ વાલેરી ગારાસિમોવ તેમને મળવા નહીં આવે તો તેઓ મૉસ્કો તરફ આગળ વધશે.

યેવગેની પ્રિગોઝિને કહ્યું છે કે, "અમે અહીં પહોંચી ગયા છીએ. અમે સેના પ્રમુખ અને શોઇગૂને મળવા માગીએ છીએ. જ્યાં સુધી તેઓ આવશે નહીં, ત્યાં સુધી અમે અહીં જ રહીશું. રોસ્તૉવ શહેરને ઘેરી લઈશું અને ત્યારબાદ મૉસ્કો તરફ વધી જઈશું."

આ દરમિયાન મૉસ્કોને દક્ષિણ પ્રાંત સાથે જોડનારો મહત્ત્વપૂર્ણ હાઇવે એમ4 બંધ કરી દીધો છે. લીપેત્સ્ક પ્રાંતના ગવર્નરે તેમની પુષ્ટિ કરી છે. એમ4 હાઇવે જ રોસ્તૉવ અને મૉસ્કોને જોડે છે.

યેવગેની પ્રિગોઝિને કહ્યું છે કે તેમના માર્ગમાં જે પણ કોઈ આવશે તેમના લડવૈયાઓ તેમનો નાશ કરી દેશે.

સાથે પ્રાંતીય ગવર્નરે નાગરિકોને કહ્યું છે કે, તેઓ શાંત રહે અને ઘરની અંદર રહે. સમાચાર એજન્સી રૉયટર્સે રોસ્તૉવના રસ્તા પર તહેનાત વાગનર સમૂહના લડવૈયાઓની તસવીરો જારી કરી છે.

આ દરમિયાન યેવગેની પ્રિગોઝિને દાવો કર્યો છે કે તેમના લડવૈયાઓએ ‘કાફલામાં સામેલ નાગરિકો પર હુમલો કરનારા’ રશિયાના એક હેલિકૉપ્ટરને તોડી પાડ્યું છે.

જોકે તેમણે ઘટનાસ્થળની માહિતી આપી નથી અને તેમના દાવાની તાત્કાલિક પુષ્ટિ કરવી મુશ્કેલ છે.

વાગનર સમૂહ ખાનગી લડવૈયાઓની એક સેના છે, જે યુક્રેન યુદ્ધમાં રશિયન સેના સાથે મળીને લડી રહી છે.

યુદ્ધમાં લડાઈની પદ્ધતિને લઈને વાગનર સમૂહ અને રશિયન સેના વચ્ચે તણાવ વધી રહ્યો હતો. આ દરમિયાન યેવગેની પ્રિગોઝિન રશિયાના સૈન્ય કમાન્ડરો પ્રત્યે વધુ આક્રામક થતા જઈ રહ્યા હતા.

શુક્રવારે 62 વર્ષીય યેવગેની પ્રિગોઝિને રશિયાની સેના પર તેમના લડવૈયાઓને નિશાનો બનાવતા મિસાઇલ હુમલો કરવાના આરોપ લગાવ્યા હતા. જોકે તેમણે તેમના પુરાવા રજૂ નથી કર્યા.

સાથે રશિયાના અધિકારીઓએ આ આરોપો ફગાવી દેતા કહ્યું છે કે તેમને ‘ગેરકાયદે પ્રવૃત્તિઓ’ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ.

યેવગેની પ્રિગોઝિને કહ્યું છે કે રશિયાના સૈન્ય નેતૃત્વ પર પ્રભુત્વ ધરાવતા ‘દુષ્ટ’ને રોકવું જરૂરી છે.

તેમણે કહ્યું કે તેઓ તેમના ન્યાય માટે આગળ વધશે.

વાગનર - રશિયાની પ્રાઇવેટ આર્મી વાગનર સમૂહ

એવું માનવામાં આવે છે કે યુક્રેનમાં વાગનર ગ્રૂપ સાથે હજારો ભાડૂતી સૈનિક યુક્રેનમાં રશિયા માટે લડી રહ્યા છે.

તાજેતરમાં જ વાગનર ગ્રૂપના સૈનિકોએ બખમુત શહેર યુક્રેન સેના પાસેથી લેવા માટે લાંબુ યુદ્ધ કર્યું અને રશિયાની પ્રગતિમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

વાગનર ગ્રૂપ પોતાને એક ‘ખાનગી મિલિટ્રી કંપની’ ગણાવે છે, પરંતુ હવે રશિયાની સરકાર આ ગ્રૂપ પર લગામ લગાવવા માટે પગલાં લઈ રહી હોય તેવું લાગે છે, કારણ કે તેમના ચીફ યેવગેની પ્રિગોઝિને રાષ્ટ્રપતિ પુનિત વિરુદ્ધ બગાવત કર્યો હોવાનો દાવો કર્યો છે.

વાગનર ગ્રૂપની ઓળખ સૌપ્રથમ 2014માં થઈ હતી, જ્યારે તેઓ યુક્રેનમાં રશિયન સમર્થક અલગતાવાદી તાકતોનું સમર્થન કરી રહ્યું હતું.

એ સમયે આ એક સીક્રેટ ગ્રૂપ હતું, જે મોટા ભાગે આફ્રિકા અને મધ્યપૂર્વમાં સક્રિય હતું અને એવું માનવામાં આવે છે કે એ સમયે આ ગ્રૂપમાં માત્ર પાંચ હજાર લડવૈયા સામેલ હતા, પરંતુ તેમાં મોટા ભાગના રશિયન સ્પેશિયલ ફોર્સના સૈનિક હતા.

વાગનર ગ્રૂપના લડવૈયાઓને કેટલા રૂપિયા મળે છે?

ધીમે-ધીમે ગ્રૂપમાં લડવૈયાઓની સંખ્યા વધતી ગઈ. બ્રિટનના રક્ષામંત્રાલયે જાન્યુઆરીમાં કહ્યું હતું કે, વાગનર ગ્રૂપ પાસે યૂક્રેનમાં લગભગ 50 હજાર લડવૈયા છે, જે રશિયા તરફથી લડી રહ્યા છે.

મંત્રાલયે કહ્યું છે કે સંગઠને 2002માં મોટાપાયે ભરતી કરી કારણ કે રશિયાને તેમની સેનામાં લોકોને ભરતી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

સાથે અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષાપરિષદે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે યુક્રેનમાં લડી રહેલા વાગનર ગ્રૂપના લગભગ 80 ટકા લડવૈયાઓને જેલમાંથી કાઢીને ભરતી કરવામાં આવ્યા હતા.

વાગનર ગ્રૂપના એક પૂર્વ સૈનિકે બીબીસીને કહ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધ પહેલાં આ ગ્રૂપમાં સામેલ થનારા લોકો નાનાં-નાનાં ગામડામાંથી આવતા હતા. આ ગામોમાં સારા પગારની નોકરી મળવી મુશ્કેલ હતી, તેથી તેઓ આ ગ્રૂપમાં સામેલ થઈ જતા હતા.

વાગનર ગ્રૂપમાં કામ કરતા લોકોને 1500 ડૉલર (લગભગ 1.22 લાખ રૂપિયા) વેતન મળતું હતું. જો કોઈ સૈનિક યુદ્ધના મેદાનમાં લડવા જાય તો તેમને 2000 ડૉલર (1.6 લાખ રૂપિયા) મળતા હતા.

જોકે રશિયામાં ભાડૂતીના સૈનિકો પર પ્રતિબંધ છે, વાગનર ગ્રૂપે 2022માં એક કંપની તરીકે પોતાને રજિસ્ટર કરી હતી અને સેન્ટ પીટર્સબર્ગમાં એક નવી ઑફિસ ખોલી હતી.

રૉયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટ થિંક ટૅન્કના ડૉ. સૅમુઅલ રમાની કહે છે કે વાગનર ગ્રૂપ રશિયન શહેરોમાં હોર્ડિંગ લગાવીને ખુલ્લેઆમ ભરતી કરી રહ્યું છે અને રશિયન મીડિયામાં તેને એક દેશભક્ત સંગઠન માટે પ્રસારિત કરવામાં આવે છે.

યુક્રેનમાં વાગનર ગ્રૂપ

જ્યારે રશિયાએ પૂર્વ યુક્રેમમાં બખમુત શહેર પર કબ્જો કર્યો હતો, ત્યારે વાગનર ગ્રૂપે તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

યુક્રેનના સૈનિકોનું કહેવું છે કે વાગનર ગ્રૂપના લડાકુઓને મોટી સંખ્યામાં ખુલ્લા મેદાનમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં તેમાના ઘણા લોકો માર્યા ગયા હતા.

શરૂઆતમાં રશિયાના રક્ષામંત્રાલયે વાગનર ગ્રૂપને લડાઈમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો, જોકે ત્યારબાદ સાહસી અને નિસ્વાર્થ ભૂમિકા નિભાવવા માટે તેમના ભાડૂતી સૈનિકોનાં વખાણ કર્યાં હતાં.

પુતિન અને રશિયન સેનાની પરિસ્થિતિ પર નજર

ટેલિગ્રામ પર પોસ્ટ થયેલા એક ઑડિયો સંદેશમાં પ્રિગોઝિને કહ્યું છે કે, “જે લોકોએ અમારા લડવૈયાઓને માર્યા છે અને યુક્રેન યુદ્ધમાં હજારો સૈનિકોના મૃત્યુનું કારણ બન્યા છે, તેમને સજા આપવામાં આવશે.”

પ્રિગોઝિને કહ્યું છે કે, “હું તમને વિરોધ કરવાની ના પાડું છું. જે પણ આપણો વિરોધ કરશે તેને ખતરો ગણવામાં આવશે અને તેનો નાશ કરવામાં આવશે. રસ્તામાં આવનારા તમામ નાયિકો અને વિમાનો માટે પણ આજ સંદેશ છે.”

પ્રિગોઝિને એ પણ કહ્યું છે કે આ લશ્કરી બળવો નહીં, પરંતુ ન્યાયની લડાઈ છે.

તેમણે કહ્યું છે કે, “રાષ્ટ્રપતિ કાર્યાલય, સરકાર, પોલીસ અને રશિયન ગાર્ડ પહેલાંની જેમ જ કામ કરતા રહેશે. આ લશ્કરી બળવો નથી, પરંતુ ન્યાયની લડાઈ છે. અમારી પ્રવૃત્તિઓ સૈનિકોના માર્ગમાં દખલ નહીં કરે.”

સાથે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તાએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ આ ઘટનાક્રમની પળે-પળની માહિતી લઈ રહ્યા છે.

આ દરમિયાન શુક્રવાર રાતથી જ રાજધાની મૉસ્કોમાં સુરક્ષાની તૈયારી સખત કરી દેવામાં આવી હતી. સરકારી કાર્યાલયો અને પરિવહન કેન્દ્રો પર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

લીપેત્સ્ક પ્રાંતના ગવર્નરે નાગરિકોને દક્ષિણ તરફ મુસાફરી ન કરવાની અપીલ કરી છે.

લીપેત્સક યુક્રેન સીમાથી લગભગ 280 કિલોમિટર અને રોસ્તૉવથી 500 કિલિમીટર ઉત્તરમાં છે.

શુક્રવારે મોડીરાત્રે કરવામાં આવેલા એક ટ્વીટમાં રશિયન સેનાએ કહ્યું હતું કે, પરિસ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ.

અમેરિકાએ કહ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અમેરિકાના સહયોગી દેશ સાથે તેની પર ચર્ચા કરશે.

આ દરમિયાન જનરલ સુરોવાઇકિને એક સંદેશમાં પ્રિગોઝિનને તેમના કાફલાને અટકાવવા અને અડ્ડા પર પરત જવાની અપીલ કરી છે.

જનરલ સુરોવાઇકિન યુક્રેનમાં રશિયન સૈન્યદળોના ઉપપ્રમુખ છે અને તેઓ પૂર્વમાં પ્રિગોઝિનના વખાણ કરી ચૂક્યા છે.

જનરલ સુરોવાઇકિને કહ્યું છે કે, “અમારું લોહી એક જ છે, અમે લાડાકુ છીએ. તમારા અને અમારા દેશ માટે મુશ્કેલીના સમયમાં દુશ્મનના હાથની કઠપૂતળી ન બનવું જોઈએ.”

રશિયાની સરકારી મીડિયા અનુસાર, રશિયન સંઘીય તપાસ એજન્સી એફએસબીએ પ્રિગોઝિન વિરુદ્ધ એક તપાસ શરૂ કરી છે અને તેમની પર રશિયા વિરુદ્ધ હથિયારબંધ વિદ્રોહનું આહ્વાન કરવાના આરોપ લગાવ્યા છે. પ્રિગોઝિન પર રશિયામાં લશ્કરી બળવો કરવાનો પણ આરોપ છે.

એફએસબીએ વાગનર જૂથના લડાકુઓને કહ્યું છે કે તેઓ પ્રિગોઝિનનો આદેશ માને નહીં અને તેમને પકડવા માટેના પગલાં લે.

રશિયન રક્ષા મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે કે સોશિયલ મીડિયા પર વાગનર સમૂહના લડવૈયાઓ પર રશિયાના હુમલાની જે પણ માહિતી પ્રિગોઝિને ફેલાવી છે, તે તમામ નકલી છે.

આ પહેલાં મે મહિનામાં પ્રિગોઝિને લડાકુઓની લાશો વચ્ચે ઊભા રહીને એક વીડિયો જારી કર્યો હતો અને રશિયન સંરક્ષણમંત્રી અને લશ્કરી કમાન્ડરોની ટીકા કરતા કહ્યું હતું કે તેમણે વાગનર જૂથના લડવૈયાઓને પૂરતાં હથિયારો આપ્યાં નથી.

શુક્રવારે તેમણે દાવો કર્યો કે યુક્રેનમાં યુદ્ધ તે માટે શરૂ કરવામાં આવ્યું હતું કે શોઇગુને માર્શલ બનાવી શકાય.