રશિયા એ યુક્રેન પર કરેલા બૉમ્બમારામાં તૂટ્યો ડૅમ, હજારોના જીવ જોખમમાં

રશિયા એ યુક્રેન પર કરેલા બૉમ્બમારામાં તૂટ્યો ડૅમ, હજારોના જીવ જોખમમાં

આ દૃશ્યો યુક્રેનના દક્ષિણમાં આવેલા ખેરસન પ્રાંતના છે, જ્યાંની નિપ્રો નદી પરના મુખ્ય હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટના બાંધને બૉમ્બથી ઊડાવી દેવાયું છે. યુક્રેનની સેનાએ આ હુમલા માટે રશિયા પર આરોપ લગાવ્યો છે.

16 હજાર જેટલા લોકોના જીવ જોખમમાં છે. હજારો ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને 8 જેટલાં ગામોમાં પાણી ભરાઈ જતાં તેમને ખાલી કરાવાઈ રહ્યાં છે અને લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે.

સ્થાનિક અહેવાલો પ્રમાણે બહુ જલદી પાણીનું સ્તર ખતરાની સપાટી પર પહોંચી જશે, આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ઇમર્જન્સી મિટિંગ બોલાવી રશિયાને સર્વત્ર બેદખલ કરી દેવાની દરખાસ્ત કરી છે.

આ ડૅમ જે શહેરમાં છે તે કખોવ્કા શહેર હાલ રશિયાના કબજામાં છે.

ખેરસનના ક્ષેત્રીય પ્રમુખ ઑલેક્ઝાન્ડરે આ ઘટના માટે રશિયા પર આતંકના વધુ એક બનાવને અંજામ આપવાનો આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં તેમણે ચેતવણી આપી છે કે પાંચ કલાકની અંદર નદીનું જળસ્તર ગંભીર થઈ જશે.

હાલ જે તસવીરો મોજૂદ છે તેમાં તેજ ગતિ સાથે પાણી યુદ્ધ ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યું છે...

રશિયાનું કહેવું છે કે આ વિનાશ માટે યુક્રેન ખુદ જવાબદાર છે, જોકે રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે બૉમ્બ દ્વારા કરાયેલા હુમલામાં પ્લાન્ટના ઉપરના ભાગને નુકસાન પહોંચ્યું હતું ડૅમને નહીં.