You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : પોલીસે 'બિહારી' વેશ ધારણ કર્યો અને છેક બિહાર જઈને દબોચી લીધો હત્યાનો આરોપી
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી માટે
અમદાવાદની એક વ્યક્તિની હત્યા કરીને એના મૃતદેહને દીપડો ફાડી ખાય એ માટે ઉદયપુરના જંગલમાં ફેંકી દેવાયો હતો. જોકે, દીપડો મૃતદેહ સુધી પહોંચે એ પહેલાં જ પોલીસ પહોંચી ગઈ હોવાનો અને આ મામલે આરોપીને પકડી પાડવાનો દાવો અમદાવાદ પોલીસે કર્યો છે.
પોલીસે આ મામલે આરોપીને છેક બિહાર જઈને પકડી પાડ્યો છે અને આ સમગ્ર ઑપરેશન પાર પાડવા માટે પોલીસે ખુદ બિહારી કૉન્ટ્રેક્ટરનો વેશ પણ ધારણ કર્યો હતો.
આ અંગે વાત કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. ચૈતન્ય માંડલિક કહે છે કે, "એક ચાલુ કારમાં કરાયેલું કૉલ રેકૉર્ડિંગ અમે જોયું તો એ કારમાં મૃતક બેઠો હતો અને એ કાર એના ધંધાકીય હરીફની હતી.”
“કારમાં મૃતક સાથે બેઠેલા અન્ય ત્રણ શખ્સો અમદાવાદથી રાજસ્થાન તરફ જતા રહ્યા હતા. એ તમામ ગુમ હતા. એટલે અમારી શંકા સાચી ઠરી કે મૃતકના હરીફે જ એને ગુમ કર્યો છે અને એના આધારે તપાસ હાથ ધરી તો દીપડો ફાડી ખાય એ માટે જંગલમાં ફેંકી દેવાયેલો મૃતદેહ પણ મળી આવ્યો."
પાર્ટીમાં ગયા પછી સુરેશ પાછો ન આવ્યો
ઘટનાની વિગત એવી છે કે અમદાવાદના નરોડામાં રહેતા અને લેબર કૉન્ટ્રેક્ટર તરીકે કામ કરતા સુરેશ મહાજનને એક મોટી ખાનગી કંપનીમાં કૉન્ટ્રેક્ટ મળ્યો હતો.
મૂળ બિહારી એવા સુરેશ બિહારથી મજૂરો લાવતા હતા અને અમદાવાદની ખાનગી કંપનીઓમાં મજૂરોને પૂરા પાડતા હતા.
સુરેશ મહાજનનો બિઝનેસ જામવા લાગ્યો હતો અને સારી કમાણી થતાં એના હરીફો પણ ઊભા થવા લાગ્યા હતા.
ડી.સી.પી. માંડલિક આ કેસની તપાસ અંગે વાત કરતાં જણાવે છે, "ક્રાઇમ બ્રાન્ચને જ્યારે આ કેસ સોંપાયો ત્યારે એકદમ 'બ્લાઇન્ડ' હતો. અમને કોઈ પગેરું મળતું નહોતું. જોકે, આ દરમિયાન સુરેશના ભાઈ પ્રકાશ મહાજને અમને એક વીડિયો રેકૉર્ડિંગ બતાવ્યું અને એના આધારે અમે એક બાદ એક કડીઓ ગોઠવવા લાગ્યા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“પ્રકાશના જણાવ્યા અનુસાર રણજિત કુશવાહા નામનો અન્ય એક લેબર કૉન્ટ્રેક્ટર એના ભાઈ (મૃતક સુરેશ મહાજન)નો હરીફ હતો અને મૃતકને જ્યારે એક મોટો કૉન્ટ્રેક્ટ મળ્યો હતો, ત્યારે એ બે દિવસમાં ચાર વખત એના ઘરે એને મળવા ગયો હતો. આ રણજિતે જ 21 એપ્રિલે પોતાના ફાર્મહાઉસ પર પાર્ટી રાખી હતી અને એમાં મૃતકને આમંત્રણ પાઠવ્યું હતું."
તેમણે ઉમેર્યું હતું કે, "એ પાર્ટીમાં ગયા બાદ સુરેશ પરત ફર્યો નહોતો અને એમની પત્ની જ્યોત્સનાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિના ગુમ થવા અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી. એ જ રાતે પ્રકાશે રણજિતને વીડિયો કૉલ કરીને પોતાના ભાઈ સાથે વાત કરાવવા જણાવ્યું હતું.
રણજિતે જ્યારે વીડિયો કૉલ ઉપાડ્યો, ત્યારે એ ગાડીમાં બીજા કેટલાક લોકો સાથે બેઠો હતો અને એણે સુરેશ એની સાથે ન હોવાની વાત કરી હતી. જોકે, એ ગાડીના અંધારા ખૂણે સુરેશ બેઠેલો જોવા મળ્યો હતો. વળી એ ગાડી જે વ્યક્તિ ચલાવી રહી હતી એનું નામ અરવિંદ મહંતો હતું અને અરવિંદ ક્યારેક સુરેશ સાથે જ કામ કરતો હતો. જોકે, રણજિતે એને વધારે પૈસા આપીને પોતાની સાથે કામ કરવા રાખી લીધો હતો."
પોલીસને સુરેશની હત્યા કરી દેવાઈ હોવાની ટીપ મળી
પોલીસે આ વીડિયો કૉલના આધારે રણજિતના ફોનનું લૉકેશન ટ્રેસ કરવાનું શરૂ કર્યું તો એના આધારે એ કાર ગુજરાતથી રાજસ્થાનના ઉદયપુર થઈને લખનૌના રસ્તે બિહાર ગઈ હતી.
માંડલિક ઉમેરે છે, "ફોન બંધ હોવાથી અમને ટેકનિકલ સર્વેલન્સમાં કંઈ મળે એવું નહોતું એટલે અમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો અને એવામાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પી.એસ.આઈ.) વી.આર. ગોહિલને ટીપ મળી હતી કે સુરેશ મહાજનની હત્યા કરી દેવાઈ છે."
આ કેસને લીડ કરનાર પી.એસ.આઈ. ગોહિલ જણાવે છે, "અમે હ્યુમન ઇન્ટેલિજન્સ કામ લગાડ્યું. અમારા સાથી નાગરાજસિંહ બિહારી મજૂરો સાથે ભળી ગયા અને કેટલાક લેબર કૉન્ટ્રેક્ટરોની અમે અલગઅલગ રીતે પૂછપરછ કરી. કેટલાક મજૂરો પાસેથી અમને જાણવા મળ્યું કે સુરેશની હત્યા કરી દેવાઈ છે.
“આ દરમિયાન અરવિંદ મહતોના માણસોએ બિહારી મજૂરોને સુરેશ પરત નહીં આવે એવું કહ્યું હતું અને સાથે જ રણજિત શેઠ માટે કામ કરવા જણાવ્યું હતું. આ ટીપના આધારે અમે બિહારના આસ્થાવાં, જુમાઈ, અગહરા જેવાં ગામોમાં જવાનું નક્કી કર્યું. અમે નક્કી કર્યું કે કોઈ કારનો ઉપયોગ ના કરવો, સારી હોટલમાં ના રોકાવું અને સ્થાનિક પહેરવેશ ધારણ કરીને લેબર કૉન્ટ્રેક્ટર તરીકે મજૂરો શોધવા આવ્યા હોવાની વાત કરવી."
બિહારના અસ્થાવાંમાંથી હજારો લોકો મજૂરી માટે દેશભરમાં જાય છે
ડી.સી.પી. માંડલિકના જણાવ્યા અનુસાર સુરેશ બિહારના અસ્થાવાંમાંથી મજૂરો લાવતા અને એમની પાસે મજૂરોની સારી એવી સંખ્યા રહેતી.
અસ્થાવાં અંગે વાત કરતા સ્થાનિક પત્રકાર શ્રીકાંત પત્યૂષે જણાવે છે કે, "અસ્થાવાં ગરીબ ગામ છે અને અહીં મુખ્યત્વે ડાંગરની ખેતી થાય છે. પુરુષો મોટા ભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવાં રાજ્યોમાં જઈને મજૂરી કરે છે. ગામમાં મગધી બોલી બોલવામાં આવે છે. બીજાં રાજ્યોમાંથી પણ લેબર કૉન્ટ્રેક્ટરો અહીં આવીને મજૂરો લઈ જાય છે. "
"અમારી ટીમમાંથી એક જણે ધોતી અને સાદાં કપડાં પહેર્યાં અને સાથે જ ગમછો પણ ઓઢ્યો. ત્રણ દિવસ બિહારમાં રહ્યા. મજૂરો જોઈતા હોવાની વાત કરતા કરતા ઇલેક્ટ્રિક રિક્ષામાં અરવિંદ મહંતોના ઘરે પહોંચ્યા અને એને દબોચી લીધો.
“એની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રણજિતના કહેવાથી સુરેશને રાજસ્થાન તરફ લઈ જવામાં આવ્યો હતો અને રસ્તામાં એને ખૂબ દારૂ પિવડાવાયો હતો. આ દરમિયાન રણજિતના એક સાથીએ સુરેશના માથા પર હથોડીના ઘા માર્યા અને રણજિતે એનું ગળું દાબી દીધું. એ બાદ ઉદયપુરથી 24 કિલોમિટર દૂર એક નાળામાં એના મૃતદેહને ફેંકી દેવાયો.”
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “આ જગ્યા પર દીપડા અને અન્ય જંગલી જનાવરોનો ત્રાસ હોવાથી મૃતદેહને જંગલી પ્રાણીઓ ફાડી ખાય એવું અપરાધીઓ ઇચ્છતા હતા. અમે સુરેશનો મૃતદેહ પણ મેળવી લીધો છે અને મૃતકના ભાઈએ એની ઓળખ પણ કરી લીધી. આ મામલે રણજિત અને એના સાથીઓ સૂરજ પાસવાન તથા અનુજ પ્રસાદને પણ ટૂંક સમયમાં પકડી પાડીશું."
“ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં બિહાર- ઓડિશાના મજૂરોની ભારે ખપત ”
લેબર કૉન્ટ્રેક્ટરનું કામ કરતા અને અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા કૈલાશ પટેલ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં બિહાર, ઓડિશાના મજૂરોની ભારે ખપત રહે છે. મોટા ભાગના મજૂરો સાતસોથી આઠસો રૂપિયાની મજૂરી મળતી હોય છે. મોટા ભાગે તેઓ એકબીજા સાથે રહેવાનું પસંદ કરે છે. સુરેશનો ભાઈ પણ લેબર કૉન્ટ્રેક્ટનું કામ કરે છે અને તેઓ મૂળ બિહારના હોવાથી બિહારી મજૂરોને તેમની સાથે વધારે ફાવે છે.”
“વળી, એકબીજાના પરિચયને લીધે તેમને પગાર ઉપરાંત ઉપાડ પણ સરળતાથી મળી જતો હોય છે એટલે આ લોકો કામ છોડીને સરળતાથી જતા નથી. સુરેશ મહાજન પાસે 180 મજૂરો હતા, એ રીતે એ મહિને તમામ ખર્ચા બાદ કરતાં ત્રણથી ચાર લાખ રૂપિયા કમાતો હશે. "
ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. ચૈતન્ય માંડલિક પણ જણાવે છે, "સુરેશ પાસે વધારે મજૂરો હતા અને એ રીતે વધારે પૈસા કમાવા લાગ્યો હતો. એના મજૂરો એને છોડીને બીજા કોઈ કૉન્ટ્રેક્ટર પાસે જતા નહોતા એટલે એની હત્યા કરી દેવાઈ હોવાનો આ મામલો છે."