‘સારાં કપડાં પહેરીને કેમ ફરે છે’, બનાસકાંઠામાં દલિત યુવાનને કેમ ‘માર પડ્યો’?

    • લેેખક, પરેશ પઢિયાર
    • પદ, બીબીસી ગુજરાતી માટે, બનાસકાંઠાથી

"જિગર તું સુધરી જજે, તું હમણાંનો બહુ ઊંચામાં ફરે છે, ગમે ત્યારે પતાવી દઈશ. સારાં કપડાં પહેરી, ઇન કરી, ચશ્માં પહેરી તૈયાર થઈને કેમ ફરે છે?"

બનાસકાંઠામાં કથિત રીતે જાતિવાદનો ભોગ બનેલા દલિત યુવાન જિગરના આ શબ્દો છે.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામે રહેતા 21 વર્ષીય દલિત યુવાને પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 30 મેના રોજ મોડી સાંજે કહેવાતા ‘ઉચ્ચ વર્ણ’ના કેટલાક આરોપીઓએ ફરિયાદી અને તેમનાં માતાને માર મારી દુર્વ્યવહાર કર્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના બાદ ફરિયાદી બારોબાર સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયેલા જે બાદ હૉસ્પિટલથી જ પોલીસ ફરિયાદ કરાઈ હતી.

ફરિયાદી યુવાન જિગર કનુભાઈ શેખલિયા કલરકામનો વ્યવસાય કરે છે. તેમણે પોતાની ફરિયાદમાં આરોપ કર્યો હતો કે તેમના ગામના જ સાત લોકોએ તેમને ‘જાતિસૂચક શબ્દો બોલી’ને ‘માર માર્યો’ હતો.

તો સામે પક્ષે દલિત સમાજના લોકો પર પણ છેડતીના આરોપ લાગ્યા છે.

સ્થાનિક પોલીસે આ મામલે સાત લોકો સામે ફરિયાદ કરીને તપાસ શરૂ કરતાં સમગ્ર મામલો સમાચારોમાં છવાયો છે.

આખરે સમગ્ર ઘટનામાં શું અને કેવી રીતે બન્યું, એ જાણવા બીબીસી ગુજરાતીએ કેસના પક્ષકારો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો.

'ગામમાં બહાર નીકળતા બીક લાગે છે'

મોટા ગામના રહેવાસી અને ભોગ બનનાર જિગર શેખલિયાએ કહ્યું કે, "અમે ત્રણ લોકો હતા અને મેં સારાં કપડાં પહેર્યાં હતાં. અમે મંદિર પાસે બેઠા હતા. એ સમયે બે લોકો આવ્યા અને કહ્યું કે અહીં કેમ બેઠા છો. અમે કહ્યું કે અમે જતા રહીએ છીએ. તેમ છતાં એ લોકોએ હાથચાલાકી કરી, મારાં ચશ્માં તોડી નાખ્યાં. જાતિવિષયક શબ્દો બોલ્યા."

જિગર શેખલિયાએ કહ્યું કે, "મને માર માર્યા પછી બીજા દિવસે જાનથી મારવાની ધમકી આપી હતી. સાંજે હું ડેરી પાસે છાશ લેવા ગયો હતો ત્યારે પંદરેક લોકોએ મને પકડીને સુવાડીને ઢોર માર માર્યો હતો. અને હું બેભાન થઈ ગયો હતો."

આ ઘટના બાદ માતાપુત્રને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. દલિત સમાજના લોકો પણ હૉસ્પિટલે દોડી આવ્યા હતા.

ફરિયાદી જિગર સંબંધી ભરતભાઈ શેખલિયાએ કહ્યું કે, “મારા કાકાના છોકરા જિગર અને તેમનાં માતાને માર માર્યો હતો. આથી તેમને પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે."

તેમણે આરોપ લગાવ્યો કે "અવારનવાર રાજપૂત સમાજના લોકો અમને જાતિવિષયક શબ્દો બોલે છે અને અપમાનિત કરે છે. ધમકી આપે છે. અગાઉ પણ અમારા ગામમાં લગ્નમાં પોલીસ પ્રૉટેક્શન સાથે વરઘોડો કાઢ્યો હતો અને તેમ છતાં એ લોકોએ પથ્થરમારો કર્યો હતો."

તો એકતા ભરતભાઈ શેખલિયાએ કહ્યું કે, "મારાં કાકી સાસુ અને દીયરને માર માર્યો છે. અમારા ગામમાં વારંવાર આવું થતું હોય છે. અગાઉ જાનમાં પણ પથ્થરમારો કર્યો હતો. અમને ખેતરમાં કામે જતા પણ બીક લાગે છે. મારી સરકાર સહિત તમામને વિનંતી છે કે અમારા માટે કંઈક કરે. અમને સતત અમારા ઘરના સભ્યોની ચિંતા રહે છે."

પોલીસ ફરિયાદમાં શું છે?

સ્થાનિક પોલીસે આ મામલે એટ્રોસિટી ઍક્ટની કલમ 3(1)(r), 3(1)(s), 3(2)(va) અને ભારતીય દંડ સંહિતાની કલમ 143, 147, 148, 149, 354, 323, 294 (b) અને 506(2) અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.

જિગર શેખલિયાએ બનાસકાંઠાના ગઢ પોલીસસ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ગત 30 મેના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ પોતાના ઘર બહાર વડના ઝાડ નીચે બાકડા પર બેઠા હતા. તે સમયે રાજપૂત સમાજના આઠેક લોકો તેમની પાસે આવ્યા હતા અને ગાળો બોલીને કહ્યું હતું કે, "તું જિગર સુધરી જજે. હમણાંનો તું બહુ ઊંચો ફરે છે."

એ પછી રાત્રે સાડા આઠ વાગ્યે જિગર ગામની દૂધની ડેરીની બાજુમાં આવેલા મંદિર પાસે ઊભા હતા. ત્યારે આ લોકો લાકડીઓ લઈને આવ્યા હતા અને જિગરને "તું સારાં કપડાં પહેરીને તૈયાર થઈને કેમ નીકળે છે?" એમ કહીને માર મારવાનો શરૂ કર્યો હતો.

પોલીસ ફરિયાદ મુજબ ત્યાર પછી આ લોકો જિગરને મારતાં-મારતાં ડેરીની પાછળ લઈ ગયા હતા. આ દરમિયાન જિગરનાં માતા સીતાબહેન તેમને બચાવવા માટે વચ્ચે પડ્યાં હતાં.

આ દરમિયાન જિગરને માર મારનારા લોકોએ સીતાબહેનને પણ માર્યાં હતાં અને તેમનાં કપડાં ફાડી નાખ્યાં હતાં એવો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

'દલિત સમાજના આરોપો ખોટા છે'

આ ઘટના મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

મોટા ગામના રહેવાસી વિક્રમસિંહ રાજપૂત કહે છે કે આ બધા (દલિતો)એ જે આક્ષેપો કર્યા છે એ ખોટા છે. નવાં કપડાં પહેરવાં વગેરે બધું થતું હોય છે. આથી એના પર કોઈ ઝઘડો નથી થયો.

તેમણે આરોપ લગાવ્યો કે, "અમારાં કાકી ખેતરથી આવતાં હતાં ત્યારે દલિત સમાજના ત્રણ લોકો રેલવે નાળા પાસે દારૂ પીને બેઠા હતા અને એ લોકોએ તેમની છેડતી કરી હતી."

તેમણે એ પણ કહ્યું કે આ મામલે તેમણે ફરિયાદ પણ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે સામેના પક્ષે પણ હુમલો કર્યો અને મારી નાખવાની ધમકી આપી હતી.

તો નિવૃત્ત પોલીસ કર્મચારી અને મોટા ગામના રહેવાસી કરસનસિંહ કાળુસિંહ પરમાર પણ દલિત સમાજના આરોપ ફગાવે છે.

તેઓ કહે છે કે, "અમારા ગામ દલિત સમાજનાં 100 જેટલાં ઘર છે. બધા સુખી છે. દરેક વ્યક્તિ પોતાની રીતે જીવી શકે છે. અમારા ગામ એવો કોઈ ભેદભાવ નથી."

મીડિયા અહેવાલ અનુસાર, ગઢ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ. બી. રાજગોરે જણાવ્યું હતું કે હજુ સુધી સાતમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ફરિયાદી દલિત પક્ષનો આરોપ છે કે ફરિયાદ છતાં ‘પોલીસ આ મામલે કોઈ પગલાં નથી લઈ રહી.’

આ મામલે પોલીસનો પક્ષ જાણવા અને પોલીસ તપાસની વિગતો જાણવા માટે બીબીસીએ સંબંધિત પોલીસ અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. પોલીસનો સંપર્ક થતાં તપાસ અંગેની વિગત અહેવાલમાં ઉમેરી દેવાશે.