મહેસાણા : વીસનગરની દલિત યુવતીની ક્રૂર હત્યા-બળાત્કારના કેસમાં પોલીસને હાથ લાગેલો એ સુરાગ જેના કારણે આરોપી પકડાયો

ગત ગુરુવારે મહેસાણાના વીસનગર તાલુકામાં એક ખેતરમાંથી દલિત યુવતીનો મૃતદેહ મળી આવ્યા બાદ સોમવારે સ્થાનિક પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યાનો દાવો કર્યો હતો.

પોલીસે આ મામલે એક રિક્ષાચાલકની પૂછપરછ બાદ અટકાયત કરી અને ‘હત્યારાને પકડી લીધો’ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપીએ હત્યા પહેલાં યુવતીને ‘ક્રૂર માર મારી’ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર 26 વર્ષીય યુવતીનો ‘કપડાં વગરની સ્થિતિમાં રહેલ મૃતદેહ’ મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યાનુસાર બળાત્કાર બાદ આરોપીએ કથિતપણે તેમનું ‘ગળું દબાવીને હત્યા કરી’ હતી.

મૃતકના સંબંધીઓ અનુસાર તેઓ ‘ઘરનાં એકલાં કમાનાર હતાં. તેઓ તેમના માનસિકપણે બીમાર પિતા અને નાનાં ભાઈ-બહેનનો એક માત્ર આશરો હતાં.’

ઘટના અંગે માહિતી આપતાં ડીવાય. એસ. પી. ડી. એમ. ચૌહાણે અગાઉ કહ્યું હતું કે, “ઘટનાસ્થળે એક મજૂરને આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેમણે પોલીસને જાણ કરી હતી.”

“યુવતી વાલમ ગામે તેમના મામાના ઘરે રહેતાં અને મહેસાણાના એક મૉલમાં એક વર્ષથી નોકરી કરતાં હતાં.”

યુવતીના સંબંધીઓએ દાવો કર્યો હતો કે તેઓ બે દિવસથી ગુમ હતાં.

ઘટનાને લઈને ન્યાયની માગ સાથે ગુજરાતના કૉંગ્રેસી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ પરિવાર સાથે પ્રશાસન સામે મોરચો માંડ્યો હતો.

તેમણે આરોપ કર્યો હતો કે ‘જો તેમણે (પોલીસ અને પ્રશાસન) જલદી યોગ્ય પગલાં ભર્યાં હોત તો યુવતીનો જીવ બચી શક્યો હોત.’

નોંધનીય છે કે પરિવારે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ, અસારવા ખાતે ધરણાં પણ કર્યાં હતાં.

અને ‘દીકરીનો હત્યારો ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.’

આ સમગ્ર ઘટનાની તપાસ માટે ગાંધીનગર રેન્જ આઇ. જી. દ્વારા મહેસાણા જિલ્લાના પોલીસ અધીક્ષક અચલ ત્યાગીના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી.

વીસનગર ડીવાય. એસ. પી. ડી. એમ. ચૌહાણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

આરોપીની ‘ભૂલ’ જેણે પોલીસને આપ્યું પગેરું

આરોપી સુધી પહોંચવા માટે પોલીસે અપનાવેલી વ્યૂહરચના અને ઘટના અંગેની માહિતી આપવા માટે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ પત્રકારપરિષદ કરી હતી.

વીસનગરના પુદગામ ખાતે રહેતા રિક્ષાચાલક આરોપીએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો એ વિશે પોલીસે માહિતી આપી હતી.

પોલીસે આપેલી જાણકારી અનુસાર 25 એપ્રિલની સાંજે યુવતીને આરોપીએ કથિતપણે મહેસાણા સિવિલ ખાતેથી પોતાની રિક્ષામાં બેસાડ્યાં હતાં.

પોલીસના જણાવ્યાનુસાર આરોપી એ આ કૃત્ય ‘આયોજનપૂર્વક’ કર્યું હતું.

પોલીસ અધિકારી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, “ઘટનાના દિવસે આરોપીએ માત્ર યુવતીને જ પોતાની રિક્ષામાં બેસાડી અને બેસણા ગામ પાસે સૂમસામ જગ્યાએ લઈ જઈને યુવતી સાથે બળજબરી કરીને તેનાં જ કપડાં વડે ગળું દબાવીને હત્યા કરી હતી.”

પોલીસે આ મામલે જાહેર કરેલી પ્રેસ રિલીઝ અનુસાર ‘આરોપીએ યુવતી બૂમો પાડતી હોઈ તેનું મોઢું દબાવી, તેને ગડદાપાટુનો માર માર્યો હતો.’

પોલીસ અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું કે, “પોલીસે આરોપી સુધી પહોંચવા માટે હાથ ધરેલી પૂછપરછમાં એક રિક્ષાચાલક પાછલા બે દિવસથી દેખાયો ન હોવાની વાત સામે આવી હતી.”

“આ વાત સામે આવતાં જ અમે એ શખ્સની માહિતી મેળવીને તેને એલસીબી ઑફિસે લાવી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો.”

પોલીસે આપેલી જાણકારી અનુસાર આરોપીએ પોતાના બચાવ માટે કથિતપણે પ્રયુક્તિઓ પણ કરી હતી.

આરોપીએ કથિતપણે પોતાની રિક્ષા પર રહેલ સ્ટિકરને પોતાની ઓળખ છુપાવવા માટે દૂર કરી દીધું હતું.

પોલીસના દાવા પ્રમાણે આરોપી ઘટનાના બે દિવસ સુધી બહાર નીકળ્યા નહોતા.

પોલીસે જણાવ્યાનુસાર આ હકીકતને આધારે જ પોલીસ આ વ્યક્તિની ઓળખ કરી શકી હતી.

ઉપરાંત આરોપીએ કથિતપણે પોતાનો ‘ગુનો છુપાવવા માટે પોલીસ હત્યામાં પોતાની કોઈ સંડોવણી ન હોવાની વાત કરી અલગ-અલગ કહાણીઓ બનાવી હતી.’

‘પરંતુ આખરે તેણે સત્ય કબૂલી લીધું હતું.’

પોલીસે ‘કબૂલાત’ને આધારે ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન, પંચનામું કરીને આરોપીની અટકાયત કરી હતી.

પોલીસ સમગ્ર ઘટના બાદ આરોપી સુધી કેવી રીતે પહોંચી એ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “આ ઘટના અંગે પોલીસને માહિતી મળતાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી આસપાસના 150 કરતાં વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી, દસથી વધુ સ્થળના સેલ આઇ. ડી. મેળવવામાં આવ્યાં તેમજ આરોપી સુધી પહોંચવા માટે 100 કરતાં વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી. ઉપરાંત હજાર કરતાં વધુ વાહનોની મૂવમૅન્ટ ચેક કરાઈ હતી.”

પોલીસના જણાવ્યાનુસાર આ મામલામાં અન્ય કોઈ વ્યક્તિએ આરોપી સાથે સામેલ છે કે કેમ એ અંગે તપાસ ચાલી રહી છે.

  • થોડા દિવસ પહેલાં મહેસાણાના વીસનગર ખાતેથી દલિત યુવતીનો મૃતદેહ ‘કપડાં વગરની સ્થિતિ’માં મળી આવતાં સમગ્ર મામલો સમાચારોમાં છવાઈ ગયો હતો
  • સ્થાનિક પોલીસે તાજેતરમાં આ હત્યા મામલે આરોપીની અટકાયત કરી ગુનાનો ભેદ ઉકેલી લેવાયો હોવાનો દાવો કર્યો હતો
  • પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપીએ યુવતીની કથિતપણે હત્યા કર્યા પહેલાં તેમને ‘ગડદાપાટુનો માર’ મારી અને ‘બળાત્કાર ગુજાર્યો’ હતો
  • પોલીસના દાવા પ્રમાણે આરોપીએ કથિતપણે ‘યુવતીની તેનાં જ કપડાં વડે ગળું દબાવી’ હત્યા કરી હતી
  • આરોપીએ કથિતપણે યુવતીનો મોબાઇલ ઘટનાસ્થળેથી દૂર ફેંકી દીધો હતો
  • જોકે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ થઈ રહ્યા છે

પોલીસની કાર્યવાહી સામે સવાલ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલમાં અમદાવાદના બાવળા ખાતે રહેતા મૃતકના અંકલે આ ઘટનાને ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ગણાવ્યો હતો.

અંકલે ઘટના અંગે વાત કરતાં કહ્યું હતું કે, “તે બે દિવસથી ગુમ હતી, અમે તેને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ નીવડ્યા, પોલીસ પણ તેને શોધી ન શકી. અંતે બેસણા ગામ પાસેથી આવી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો.”

ઘટના અંગે માહિતી આપતાં વીસનગરના ડીવાય. એસ. પી. ચૌહાણે કહ્યું હતું કે, “યુવતી વાલમથી દરરોજ મહેસાણા જતી-આવતી હતી. પરંતુ ગત મંગળવારે તે ઘરે પરત ન ફરી અને સંબંધીઓએ જણાવ્યું કે તેનો ફોન પણ સ્વીચ ઑફ થઈ ગયો હતો.”

સંબંધીઓ આ બાદ મહેસાણા પોલીસ પાસે પહોંચ્યા.

ચૌહાણના જણાવ્યાનુસાર તે બાદ મહેસાણા 'એ' ડિવિઝન અને વીસનગર તાલુકા પોલીસ સ્ટેશને આ મામલે સમાંતર તપાસ કરવાનું શરૂ કરી દીધું.

જ્યારે ગુરુવારે સવારે મૃતદેહ મળી આવ્યા ત્યારે પોલીસે અજાણી વ્યક્તિ સામે હત્યાની ફરિયાદ નોંધી હતી.

ચૌહાણે અખબારને આગળ માહિતી આપતાં કહ્યું હતું કે, “પોલીસે ગુનાના સ્થળે ફોરેન્સિક પરીક્ષણ હાથ ધર્યાં હતાં.”

પોલીસે આપેલી માહિતી અનુસાર ઘટનાસ્થળથી 500 મીટર દૂર મૃતક યુવતીનાં કપડાં અને બૅગ મળી આવ્યાં હતાં.

નોંધનીય છે કે અગાઉ મૃત્યુ પામનાર યુવતીના અંકલ અને પરિવારજનોએ ‘ગુનેગારને પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માગણીને લઈને’ મૃતદેહ સ્વીકાર્યો નહોતો. તેમજ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે ધરણાં કર્યાં હતાં.

કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ પરિવારજનોને ન્યાય અપાવવાની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “આ કેસ ચલાવવા માટે સ્પેશિયલ કોર્ટનું ગઠન થવું જોઈએ અને મૃતક યુવતીના પરિવાજનોને ગુજરાન ચલાવવા માટે ત્રણ એકર જમીન મળવી જોઈએ.”