You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુતિન ફોટો પડાવતી વખતે ચારેબાજુ ઍક્ટરોને ઊભા રાખે છે?
- લેેખક, જેક હૉરટન, ઍડમ રૉબિન્સન અને પૉલ મેયર્સ
- પદ, બીબીસી રિયાલિટી અને બીબીસી મૉનિટરીંગ
સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટો પર આ વાતની સતત ચર્ચા થઈ રહી છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નવા વર્ષના સંબોધન દરમિયાન પોતાની આસપાસ ઍક્ટરોને ઊભા રાખ્યા હતા.
કહેવામાં આવે છે કે પહેલાં પણ તેઓ પોતાના સંબોધન દરમિયાન કંઈક આવું જ કરી ચૂક્યા છે. પણ તેના કોઈ પુરાવા છે?
અમે તેનું સત્ય જાણવા માટે ચહેરો ઓળખવામાં વપરાતા સૉફ્ટવેરની મદદ લીધી.
રશિયન રાષ્ટ્રપતિ અગાઉ પણ કેટલાક કાર્યક્રમોમાં એવા લોકોથી ઘેરાયેલા જોવા મળ્યા, જે અસલી લાગતા ન હતા.
બીબીસીની રશિયન સેવાની 2020ની તપાસથી જાણવા મળ્યું કે તેમના પહેલાંના કેટલાક કાર્યક્રમો વિશે પણ એવો દાવો કરવામાં આવતો હતો કે રશિયન રાષ્ટ્રપતિ ચાલતાં-ચાલતાં સામાન્ય લોકો સાથે વાત કરી રહ્યા છે. પણ તેમાંથી મોટાભાગના લોકો સ્થાનિક અધિકારી હતા.
સોનેરી વાળવાળાં મહિલા
ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ સાથે 'ધ સન' અને 'ડેઇલી મેલ' દ્વારા કહેવામાં આવ્યું છે કે પુતિનના ઘણા કાર્યક્રમોમાં એક સોનેરી વાળવાળાં મહિલા અલગ-અલગ પાત્રમાં જોવા મળ્યાં હતાં.
આ મહિલા 2016માં એક 'ફિશિંગ ટ્રિપ' અને 2017માં એક 'ચર્ચ સર્વિસ'માં સામેલ હતાં. બંનેમાં પુતિને ભાગ લીધો હતો.
એક યુક્રેનિયન ન્યૂઝ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મહિલા ફેડરલ ગાર્ડ્સ સર્વિસ (એફએસઓ)નાં સભ્ય હોઈ શકે છે. આ ફોર્સ પર રશિયાના શીર્ષ નેતાઓની સુરક્ષાની જવાબદારી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે 2016 અને 2017માં નવા વર્ષ દરમિયાન પુતિન સાથે હાજર મહિલાનો ચહેરો ઓળખવા માટે ફેશિયલ રૅકગ્નિશન સોફ્ટવૅરની મદદ લીધી હતી. પણ મૅચિંગ રિઝલ્ટ ઘણું ઓછું હતું. પ્રથમ કાર્યક્રમનું 29 ટકા અને બીજા કાર્યક્રમનું 28 ટકા.
બ્રૅડફર્ડ યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર વિઝ્યુઅલ કૉમ્પ્યુટિંગના ડાયરૅક્ટર પ્રોફેસર હસન ઉગૈલ જણાવે છે, "જ્યારે આપ આ સોફ્ટવૅર દ્વારા ચહેરામાં સામ્યતા શોધવાનો પ્રયાસ કરો છો તો 75 ટકા કે તેનાથી વધુ સ્કોર હોવો જોઈએ. ત્યારે જ કહી શકાય કે ચહેરા એકસરખા છે."
બાદમાં અમે 2016 અને 2017ના કાર્યક્રમોની તસવીરોની તુલના કરી. તેનો સ્કોર 99.1 ટકા હતો. એ મજબૂત સંકેત હતો કે બંને તસવીરોમાંનાં મહિલા એક જ છે.
રશિયન મીડિયામાં આ મહિલાની ઓળખ લારિસા સરગુખિના તરીકે કરવામાં આવે છે. જે બે કાર્યક્રમોમાં તેઓ જોવા મળ્યાં છે એ નોવગોરોદ વિસ્તારમાં યોજાયા હતા. તેઓ સ્થાનિક પાર્લમેન્ટમાં યુનાઇટેડ રશિયા પાર્ટીનાં સાંસદ છે. આ પાર્ટી વ્લાદિમીર પુતિનની સમર્થક છે.
જ્યારે અમે 2016માં એક બોટ પર લેવામાં આવેલી તસવીરને તેમની પાર્ટીની સત્તાવાર વેબસાઇટ પર લગાવેલી તસવીર સાથે મેળવી તો પરિણામ 99.8 મળ્યું. સરગુખિનાનું નામ નોવગોરોદમાં માછલીઓનો વેપાર કરનારી એક કંપનીનાં સ્થાપક તરીકે લિસ્ટમાં છે.
જે મહિલા પુતિનના નવા વર્ષના સંબોધનમાં જોવા મળ્યાં, તેમને રશિયન મીડિયા અન્ના સર્જિવના સિદોરેંકો તરીકે ઓળખાવે છે. તેઓ મિલિટરી ડૉક્ટર છે અને તેમની પાસે કૅપ્ટનની રૅન્ક છે.
આ કાર્યક્રમમાં લેવામાં આવેલી તસવીરને 'રશિયન ઇનવેસ્તિયા' અખબાર તરફથી પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયો સાથે મેળવવામાં આવી. તેનો મૅચિંગ સ્કોર 99.5 ટકા હતો. તેમનું નામ પણ યુક્રેનિયન ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા પ્રકાશિત રશિયન મિલિટરી રેજિમૅન્ટના સભ્યોની સૂચિમાં સામેલ છે.
એ માછીમારો
બાદમાં અમે એ તસવીરોની તપાસ કરી જેમાં માછીમારોનો પોશાક પહેરીને એક દળ પુતિન સાથે જોવા મળ્યું હતું. આ તસવીરો 2016ની હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરોમાં જે પુરુષો જોવા મળી રહ્યા છે, તેઓ 2017માં એક 'ચર્ચ સર્વિસ' દરમિયાન હાજર લોકો તરીકે બતાવવામાં આવ્યા હતા.
બોટ અને ચર્ચમાં હાજર લોકોના ચહેરાની તપાસ માટે જ્યારે આ સોફ્ટવૅરનો ઉપયોગ કરવામાં આવ્યો તો તમામ ચાર લોકો માટે મૅચિંગ સ્કોર 99 ટકા સુધી પહોંચ્યો. તેથી તેમને ઓળખવા માટે વધુ તપાસ કરી.
અમને જાણવા મળ્યું કે તમામ નોવગોરોદ વિસ્તારમાં કામ કરી રહ્યા હતા અને તેમાંથી ઓછામાં ઓછા ત્રણ માછીમારો લાગી રહ્યા હતા.
ઍલેક્સી લેશેન્કો (તસવીર-1) પુતિન સાથે દેખાઈ રહેલા માછીમારોના દળના નેતા છે. અમને એ તેમના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પરથી જાણવા મળ્યું. સાથે જ તેમના દળની પણ પ્રોફાઇલ ઇન્ટરનેટ પર પ્રકાશિત કરવામાં આવી હતી.
યેવેગેની લેશેંકો (તસવીર-5) ઍલેક્સીના પુત્ર છે. પ્રોફાઇલમાં તેમને પણ આ દળના સભ્ય ગણાવવામાં આવ્યા છે. ઍલેક્સી અને યેવેગેનીના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પરથી પુષ્ટિ થઈ કે તેઓ પિતા-પુત્ર છે.
પ્રોફાઇલ અનુસાર, આ દળ એક મોટી સ્થાનિક ઍગ્રિકલ્ચર કંપની અવરોખિમસેરવિસમાં સામેલ છે. કંપનીના ડેપ્યુટી ડાયરેક્ટર લારિસા સરગુખિના (તસવીર-3) છે.
સર્ગેઈ ઍલેક્ઝેન્દરોવ (તસવીર-2)નો ઉલ્લેખ રશિયન મીડિયામાં એક માછીમાર તરીકે કરવામાં આવ્યો છે. અમે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોઈ, જેમાં તેઓ એક બોટ પર માછીમારોના પોશાકમાં જોવા મળી રહ્યા છે.
અમને તસવીર-4માં જોવા મળી રહેલાં શખ્સની સોશિયલ મીડિયા પ્રોફાઇલ તો ન મળી પરંતુ અમને એક એવી તસવીર મળી, જે તેનાંથી મૅચ થઈ. તેના પર કોઈકે કૉમન્ટ કરી હતી, "પુતિન સાથે, કેવી રીતે?" તેના પર જવાબ મળ્યો, "નોવોગોરોદમાં કામ દરમિયાન તેઓ ઘણી વખત પુતિનને મળ્યા"
ઓનલાઇન પોસ્ટ કરવામાં આવેલી વધુ એક તસવીરમાં એ દાવો કરવામાં આવ્યો કે આ બે માછીમારો પુતિનને મળ્યા હતા. તેઓ ખુદને સ્તાવરોપોલના ખેડૂત ગણાવે છે. પણ આ લોકોના ચહેરાને બંને માછીમારોના ચહેરા સાથે મૅચ કરવામાં આવ્યા તો સ્કોર આઠ ટકા જ મળ્યો.
આઇસ્ક્રીમ વેચનારાં મહિલા
અન્ય ઘણાં ઉદાહરણ છે જ્યારે ભૂરા વાળ ધરાવતાં મહિલાઓને પુતિનના કાર્યક્રમોમાં સંભવિત ઍક્ટર ગણવામાં આવ્યાં.
તેમાંથી એક મહિલાની આઇસ્ક્રીમ વેચતી બે તસવીરો સામેલ છે. આ બે તસવીરો 2017 અને 2019ની છે. તેમાં એક શો દરમિયાન એક મહિલા પુતિનને આઇસ્ક્રીમ આપતાં જોવા મળે છે.
આ તસવીરો મહિલાની ડાબી બાજુએથી લેવામાં આવી છે અને તેનું રૅઝોલ્યુશન પણ ઓછું છે. જેથી ફેસિયલ રૅકગ્નિશન સોફ્ટવૅરની મદદથી તેમને ઓળખી શકાયાં નહોતાં. જેથી અમે એ વિશે કંઈ કહી શકીએ તેમ નથી.
જો બંને તસવીરોમાં એક જ મહિલા હોય તો એ કોઈ આશ્ચર્યની વાત નથી કારણ કે આ તસવીરો બે વર્ષ પહેલાં એ જ ટેલિવિઝન શોની છે જ્યાં પુતિન ગયા હતા.
લોકોનો દાવો છે કે આઇસક્રીમ વેચનારાં મહિલાએ પુતિન સમક્ષ દાવો કર્યો હતો કે તે ઍરોફ્લોટના સ્ટાફનાં સભ્ય છે. પણ આ મામલે ચહેરો ઓળખવા માટે ફેશિયલ રૅકગ્નિશન સોફ્ટવૅર વિશ્વસનીય માધ્યમ ન બની શક્યું.
મે મહિનાનું એક ઉદાહરણ સામે આવ્યું. જ્યારે લોકોએ દાવો કર્યો કે પુતિને એક હૉસ્પિટલની મુલાકાત દરમિયાન જે ઈજાગ્રસ્ત સૈનિકની મુલાકાત લીધી, તેમની તસવીર પહેલાં એક ફેકટરીમાં લેવામાં આવી હતી.
જોકે, બંને ચહેરાને મૅચ કરવામાં આવ્યા તો સ્કોર માત્ર 25 ટકા જ મળ્યો. એટલે કે બંને ચહેરામાં સમાનતા નથી.