ખાલિસ્તાન વિવાદ : જ્યારે 329 પ્રવાસીઓ સાથેના ઍર ઇન્ડિયાના વિમાનમાં બૉમ્બધડાકાના આરોપીઓને છોડી મુકાયા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, શરણ્યા ઋષિકેશ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અને કૅનેડાના સંબંધોમાં ફાટ રોજબરોજ પહોળી થતી જઈ રહી છે.
બંને દેશોમાં વધતી જતી કડવાશ વચ્ચે વર્ષ 1985માં ઍર ઇન્ડિયા ફ્લાઇટમાં થયેલ ધડાકાની ઘટના ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં છે.
ગત અઠવાડિયે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અલગતાવાદી શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે ભારત પર ગંભીર આરોપ કર્યા હતા. ભારતે કૅનેડાના આરોપોને ખારિજ કર્યા છે.
તે બાદ પહેલાં કૅનેડાએ ભારતના રાજદ્વારીને નિષ્કાસિત કર્યા અને પછી ભારતે કૅનેડાના રાજદ્વારીને નિષ્કાસિત કરી દીધા.
આ ઘટના બાદ ઘણા લોકોએ 38 વર્ષ પહેલાં ઍર ઇન્ડિયા ફ્લાઇટમાં થયેલા ધડાકાની ઘટનાને યાદ કરી હતી. તેને ‘કનિષ્ક વિમાન અકસ્માત’ પણ કહેવાય છે. જે વિમાન અકસ્માતગ્રસ્ત થયું, એ બોઇંગ 747નું નામ ‘કુષાણ વંશના રાજા કનિષ્ક’ના નામ પર રખાયું હતું. આ ધડાકા બાદ ત્યારેય ભારત અને કૅનેડા વચ્ચેનું અંતર વધી ગયું હતું.

1985માં શું થયું હતું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એ તારીખ હતી 23 જૂન, 1985.
ઍર ઇન્ડિયાની ફ્લાઇટ લંડનથી થઈને કૅનેડાથી ભારત જઈ રહી હતી.
એ દરમિયાન આયરિશ હવાઈ વિસ્તારમાં ફ્લાઇટમાં થયેલ બૉમ્બધડાકાને કારણે તમામ 329 મુસાફરોએ જીવ ગુમાવી દીધા હતા. આ ધડાકો સૂટકેસમાં મૂકેલ બૉમ્બના વિસ્ફોટને કારણે થયો હતો. આ સૂટકેસ જે મુસાફરનું હતું, એ ફ્લાઇટમાં સવાર જ નહોતો થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અકસ્માતમાં જીવ ગુમાવનારામાં 268 કૅનેડિયન નાગરિક હતા. મોટા ભાગના ભારતીય મૂળના હતા. એ સિવાય 24 ભારતીયોનાંય મૃત્યુ થયાં હતાં. સમુદ્રમાંથી માત્ર 131 મૃતદેહોને જ કાઢી શકાયા હતા.
જ્યારે આ વિમાન હવામાં હતું, લગભગ એ જ સમયે ટોક્યો ઍરપૉર્ટ પર વધુ એક ધડાકો થયો. આ ધડાકામાં બે બૅગ હૅન્ડલરોએ જીવ ગુમાવ્યા હતા.
તપાસકારોએ બાદમાં જણાવ્યું હતું કે આ બૉમ્બ મારફતે બૅંગ્કોક જઈ રહેલી અન્ય એક ઍર ઇન્ડિયા ફ્લાઇટમાં ધડાકાનું કાવતરું ઘડાયું હતું. પરંતુ બૉમ્બધડાકો સમય પહેલાં જ થઈ ગયો.

હુમલાના જવાબદાર કોણ હતા?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
કૅનેડાના તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે આ ધડાકા માટે શીખ અલગતાવાદી જવાબદાર હતા, જે વર્ષ 1984માં પંજાબના સ્વર્ણમંદિરમાં ઇંદિરા ગાંધી સરકારની સૈન્ય કાર્યવાહીનો બદલો લેવા માગતા હતા.
આ હુમલાના અમુક મહિના બાદ રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ એટલે કે આરસીએમપીએ તલવંદિરસિંહ પરમારની ધરપકડ કરી. પરમાર ઉગ્રવાદી સંગઠન બાબરા ખાલસાના નેતા હતા. આ સંગઠન હવે ભારત અને કૅનેડા એમ બંને દેશોમાં પ્રતિબંધિત છે.
પોલીસે ઘણા પ્રકારનાં હથિયાર, વિસ્ફોટક અને કાવતરાના આરોપમાં ઇન્દ્રજિતસિંહ રિયતની ધરપકડ કરી હતી. ઇન્દ્રજિતસિંહ વીજળીનું કામ કરતા હતા.
ભારતે વર્ષ 1980ના દાયકામાં કૅનેડાથી પરમારના પ્રત્યર્પણની ઘણી કોશિશો કરી પરંતુ સફળતા ન મળી. બાદમાં પરમારને છોડી મુકાયા.
તપાસકર્તાઓએ માન્યું કે પરમાર જ કનિષ્ક વિમાનધડાકાના માસ્ટરમાઇન્ડ હતા. વર્ષ 1991માં પરમારનું ભારતમાં પોલીસના હાથે મૃત્યુ થયું હતું.

અન્ય કોની ધરપકડ થઈ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વર્ષ 2000માં પોલીસે કૅનેડાના ધનિક કારોબારી રિપુદમનસિંહ મલિક, મીલમાં કામ કરતા બ્રિટિશ કોલંબિયાના અજાયબસિંહ બાગરીની સામૂહિક હત્યા અને ષડ્યંત્રના આરોપમાં ધરપકડ કરી હતી.
બે વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ બાદ વર્ષ 2005માં બંનેને તમામ આરોપોથી મુક્ત કરી દેવાયા હતા. જજે કહ્યું – જે મુખ્ય સાક્ષીઓએ આરોપીઓ વિરુદ્ધ જુબાની આપી હતી, તેમનાં નિવેદનોમાં તથ્યાત્મક અને વિશ્વસનીયતા સંબંધિત મુદ્દા હતા.
બીબીસીએ એ સમયે આ મામલાના રિપોર્ટિંગમાં નોંધેલું કે આ નિર્ણયથી પીડિતોના પરિવારો આઘાતમાં હતા અને કોર્ટમાં જ રડી પડેલા.
ઇન્દ્રજિતસિંહ એકલા એવા માણસ હતા, જેમણે વિશ્વના સૌથી ખતરનાક હવાઈ ઉગ્રવાદી હુમલામાં સજા મળેલી. જાપાનમાં થયેલા ધડાકામાં સામેલ હોવા મામલે ઇન્દ્રજિતસિંહને 1991માં બ્રિટનમાં દસ વર્ષની સજા થઈ હતી.
વર્ષ 2003માં કૅનેડાની કોર્ટે ઇન્દ્રજિતસિંહને કનિષ્ક વિમાન દુર્ઘટના મામલેય દોષિત ઠેરવીને વધુ પાંચ વર્ષની સજા કરી હતી.
બાદમાં રિપુદમનસિંહ અને અજાયબસિંહ બાગરીની ટ્રાયલ દરમિયાન ખોટી જુબાની આપવા મામલેય ઇન્દ્રજિતસિંહને વધુ સજા અપાઈ હતી.

આ કેસની તપાસની ટીકા કેમ થયેલી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ધડાકાને લઈને કૅનેડાની એવી ટીકા થતી રહી છે કે ધડાકાને રોકવા માટે તેમણે જરૂરી પગલાં ન લીધાં અને તપાસમાં ગરબડ કરી.
રિપુદમનસિંહ અને અજાયબસિંહ બાગરીની મુક્તિ બાદ પીડિતોના પરિવારોમાં ગુસ્સો હતો. આને લઈને કૅનેડાની સરકારે વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ રચાઈ હતી.
આ તપાસ સમિતિએ વર્ષ 2010માં જણાવ્યું હતું કે સતત એવી મોટી ભૂલો કરાઈ, જેના કારણે કૅનેડાના ઇતિહાસનો આ સૌથી મોટો હુમલો થયો.
તપાસમાં એ વાત પણ સામે આવી કે એક અજ્ઞાત વ્યક્તિએ હુમલો થયાના ઘણા મહિના પહેલાં કૅનેડાની પોલીસને વિમાનમાં બ્લાસ્ટ થવા અંગે ચેતવ્યા હતા.
તપાસમાં એવું પણ સામે આવ્યું કે હુમલાનાં અમુક અઠવાડિયાં પહેલાં કૅનેડાની સિક્રેટ એજન્સીના અધિકારીઓએ પરમાર અને ઇન્દ્રજિતસિંહનો વૅનકૂવરનાં જંગલો સુધી પીછો કર્યો હતો, જ્યાં તેમને મોટા ધડાકાનો અવાજ સંભળાયો હતો. પરંતુ તેમણે આ વાતને એટલું મહત્ત્વ ન આપ્યું.
આ કેસમાં બે શીખ પત્રકારોને સાક્ષી તરીકે રજૂ કરાયા હતા. એ બંનેની લંડન અને કૅનેડામાં વર્ષ 1990માં હત્યા કરી દેવાઈ હતી. આ પૈકી એક પત્રકાર પર અગાઉ પણ હુમલો થયો હતો, જે કારણે તેઓ વ્હીલચેર પર આશ્રિત બની ગયા હતા.

કૅનેડાના એજન્ટે શું જણાવ્યું હતું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વર્ષ 200માં કૅનેડાની ગુપ્તચર એજન્સીના ભૂતપૂર્વ અધિકારીએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે તેમણે શીખ સંદિગ્ધોની 150 કલાકની ટેલિફોન રેકૉર્ડિંગ ટેપ પોલીસને સોંપવાને સ્થાને નષ્ટ કરી દીધી હતી.
આ ભૂતપૂર્વ અધિકારીએ કહેલું કે આનાથી બાતમીદારની ઓળખ સામે આવવાનો ખતરો હતો.
વર્ષ 2010માં તપાસ રિપોર્ટ જાહેર થયા બાદ કૅનેડાના તત્કાલીન વડા પ્રધાન સ્ટીફન હાર્પરે પીડિત પરિવારોની સાર્વજનિક માફીની પેશકશ કરી હતી.
તેમણે કહેલું, “પીડિત પરિવારના જે સવાલોના જવાબ મળવા જોઈતા હતા, જે સાંત્વના આપવાની જરૂર હતી, તેનો વર્ષો સુધી કરાયો.”
વર્ષ 2016માં ઇન્દ્રજિતસિંહને કૅનેડાની જેલમાંથી છોડી મુકાયા. બીજા જ વર્ષે તેમને ગમે ત્યાં રહેવાનીય પરવાનગી આપી દેવાઈ.
આ નિર્ણયની ભારે ટીકા થયેલી.
ગત વર્ષે રિપુદમનસિંહનીય જાહેરમાં હત્યા કરી દેવાઈ હતી. પોલીસે આ આ હત્યા મામલે બે લોકોની ધરપકડ કરી હતી. જોકે, હત્યાનું કારણ સામે નહોતું આવી શક્યું.

ભારતમાં કેવી પ્રતિક્રિયા જોવા મળી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એ વર્ષે ઍર ઇન્ડિયાના કનિષ્ક વિમાન દુર્ઘટનાને 38 વર્ષ પૂરાં થયાં છે.
કૅનેડાની એક સંસ્થાના રિપોર્ટમાં કહેવાયું છે કે દસમાંથી નવ કૅનેડિયન લોકોને કાં તો આ હુમલા વિશે બિલકુલ ખ્યાલ નથી કાં તો તેની ખૂબ જ સીમિત જાણકારી છે.
આ ધડાકામાં ભારતીયો પર ઘેરી અસર થઈ હતી. જોકે આ ધડાકામાં મૃત્યુ પામનારા મોટા ભાગના લોકો કૅનેડાના નાગરિક હતા પરંતુ ઘણા લોકો ભારતીય મૂળના હતા અને અમુકના પરિવારોય ભારતમાં રહેતા હતા.
ભારતમાં એવું મનાય છે કે આ અકસ્માત બાદ પીડિત પરિવારો સાથે ન્યાય નથી થયો.
વર્ષ 2006માં કૅનેડાના વકીલ રિચર્જ કાંસે ભારતની મુલાકાત લીધી હતી અને અમુક પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી.
તેમણે બીબીસીને જણાવ્યું કે આ પરિવારોને લાગે છે કે તેમને ન્યાયિક પ્રક્રિયામાં સામેલ નથી કરાયા. સાથે જ આ પરિવારોએ કેસમાં પકડાયેલા લોકોને છોડી મૂકવા મામલેય સવાલ ઉઠાવ્યા હતા.
ધડાકાના શિકાર ઍર ઇન્ડિયા ફ્લાઇટના કો-પાઇલટનાં પત્ની અમરજિત ભિંડરે એ સમયે બીબીસીને કહેલું કે – બ્લાસ્ટના પીડિત ભારતીય પરિવારોની ઉપેક્ષા કરાઈ હતી.
વર્ષોથી આ પીડિત પરિવારો ગુસ્સામાં છે.
સુશીલા ગુપ્તા 12 વર્ષના હતા, ત્યારે આ બ્લાસ્ટમાં તેમનાં માતાનું મૃત્યુ નીપજ્યું હતું.
સુશીલા ગુપ્તા કહે છે કે, “હું આજેય એવા લોકોને મળું છું જેઓ કોઈ ને કોઈ પ્રકારે ધડાકાથી પ્રભાવિત થયા હતા. આ ખૂબ જ આશ્ચર્યજનક વાત છે કે આ ધડાકાથી કેટલા મોટા પાયે કૅનેડાના લોકો પ્રભાવિત થયા છે.”














