અન્વી કામદાર : સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતી વખતે ખીણમાં પડતાં મોત, પ્રવાસ દરમિયાન દુર્ઘટનાઓથી કેવી રીતે બચી શકાય?

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં કુંભે ધોધની પાસે પોતાના મિત્રો સાથે ફરવાં ગયેલાં અન્વી કામદાર નામના એક મહિલાનું ખીણમાં પડવાથી મૃત્યુ થયું હતું.
મુંબઈમાં રહેતાં અન્વી કામદાર મહારાષ્ટ્રના રાયગઢમાં આવેલા કુંભે ધોધ પાસે ફરવાં ગયાં હતાં. અન્વી ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે ધોધની નજીક ગયાં હતાં.
આ દરમિયાન તેઓ 300 ફૂટ ઊંડી ખાઈમાં લપસી ગયાં અને તેમનું મોત નીપજ્યું. અન્વી કામદાર એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતાં, જેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે લાખથી વધારે ફૉલોઅર હતાં.
સોશિયલ મીડિયા પર કુંભે ધોધનો વીડિયો વાઇરલ થયા પછી 16 જુલાઈ મંગળવારે અન્વી પોતાના મિત્રો સાથે ફરવાં માટે ત્યાં ગયાં હતાં.
મનગાંવના વરિષ્ઠ પોલીસ અધિકારી નિવૃત્તિ બોરાડેએ આપેલી માહિતી પ્રમાણે, 16 જુલાઈના રોજ સવારે નવ વાગ્યે આસપાસ રસ્તો લપસણો હોવાને કારણે અન્વીનો પગ લપસી ગયો અને તેઓ ખીણમાં પડી ગયાં.
થોડાક દિવસો પહેલાં લોનાવાલા ભૂંસી ડૅમ પાસે પણ એક દુર્ઘટના થઈ હતી, જેમાં એક પરિવારના ઘણા લોકો તણાઈ ગયા હતા.
વર્ષ 2023માં લોનાવાલા પાસ આવેલા લોહાગઢ કિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. કિલ્લા પર ભારે ભીડ હોવાને કારણે પર્યટકો લગભગ ચાર કલાક સુધી મુખ્ય ગેટ પાસે ફસાઈ ગયા હતા.
પર્યટકો પાસે ચાલવાની જગ્યા ન હોવાથી લગભગ ચાર કલાકો એક જ સ્થળ પર ઊભા રહેવા મજબૂર હતા. સદ્ભાગ્યની વાત એ છે કે ભારે વરસાદમાં પણ નાસભાગ થઈ ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરસાદની સિઝનમાં આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે.

સાવચેતી રાખવાની સલાહ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પર્યટન પર જતી વખતે આનંદ લેવાની સાથે-સાથે કેટલીક સાવચેતીઓ રાખવી પણ જરૂરી છે.
આ વિશે બીબીસી મરાઠીએ બચાવ વિશેષજ્ઞો, પર્યટન સ્થળોની પાસે રહેનાર લોકો અને પર્યટકો સાથે વાત કરી હતી.
વિશેષજ્ઞો પાસેથી સુરક્ષા માટે કેવી સાવચેતી રાખવી જોઈએ તેના વિશે જાણકારી મેળવી હતી. પ્રવાસની યોજના બનાવતી વખતે સમય અને પર્યટન સ્થળ નક્કી કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
નિષ્ણાતોએ જણાવ્યું કે પ્રવાસ પર નીકળતા પહેલાં એ જરૂર વિચારો કે ફરવા માટે કયા સ્થળે જઈ રહ્યા છો. જે સ્થળોએ પહોંચવું સરળ છે તેવી જગ્યાઓ પર રજાને કારણે ભારે ભીડ એકઠી થઈ જાય છે.
મહારાષ્ટ્ર પર્વતારોહક બચાવ સંકલન કેન્દ્ર સાથે જોડાયેલા ઓંકાર ઓક કહે છે કે દુર્ગમ સ્થળો પર જતા પહેલાં ત્યાં પહોંચવુ સરળ છે કે નહીં અને ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા છે કે નહીં એ વિશે વિચારવું જોઈએ.
ઓંકાર ઓકે જણાવ્યું, "લોહાગઢમાં જે થયું તે કોઈ એકલી દુર્ઘટના નથી. રજાના દિવસોમાં જે જગ્યાઓ પર પહોંચવુ સરળ છે ત્યાં ભારે ભીડ હોય છે. કેટલીક જગ્યાઓ પર તો ભારે જામ લાગી જાય છે."
ઓંકારના મત પ્રમાણે, ચોમાસા દરમિયાન વધારે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. કોઈ પણ અનુભવ દુર્ગમ સ્થળો પર જવું પણ જોખમી પુરવાર થઈ શકે છે.
ઓકે કહ્યું, "તમે જે સ્થળ પર ફરવા જવા માટે જવાની યોજના બનાવી રહ્યા છો તે વિશે રિસર્ચ કરવી જોઈએ જેથી કરીને જરૂર પ્રમાણે તૈયારીઓ કરી શકાય."
તેમણે કહ્યું કે ફરવા જવાની યોજના બનાવતી વખતે પોતાના કોઈ મિત્ર અને સંબંધીઓને જરૂર જાણ કરો, કોઈને પણ જાણ કર્યા વગર ફરવા ન જાઓ.
હકીકતમાં તમે ક્યાં ફરવા જાઓ છો તે વિશે પોતાના પરિવારને જરૂર જણાવવું જોઈએ. જો આ વાત શક્ય ન હોય તો તમને એ વાત વિશે અંદાજો હોવો જોઇએ કે તમે ક્યાં અને કોની સાથે જઈ રહ્યા છો. તે પછી મિત્ર, સંબંધી કે પાડોશી હોય.
ઓંકાર ઓકે કહ્યું, "તમારે તમારા ઘર અથવા મિત્રોને એ પણ જણાવવું જોઈએ કે જો તમે તેમની સાથે 24-48 કલાકોની અંદર સંપર્ક ન કરી શકે તો તે સ્થાનિક બચાવ દળ કે પોલીસનો સંપર્ક કરે. આ સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."
જાણકારો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારોની એક મહત્ત્વપૂર્ણ સલાહ એ છે કે સેલ્ફી, રીલ અથવા તસવીરો લેતી વખતે સુરક્ષાની અવગણના ન કરો.
મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં દેવકુંડ ધોધ એક સુંદર પર્યટન સ્થળ છે. જોકે, દુર્ઘટના પછી ત્યાં પર્યટન ઠપ્પ થઈ ગયું છે.
સ્થાનિક લોકોએ પર્યટકોની સુરક્ષા અને પ્રાકૃતિક સુંદરતાને બચાવી રાખવા માટે છેલ્લાં વર્ષોમાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યાંના રહેવાસીઓ છેલ્લાં સાત વર્ષોથી લોકો માટે ગાઇડ અને ગાર્ડ તરીકે કામ કરી રહ્યા છે.
સ્થાનિક રહેવાસી અર્જુન મ્હામુનકરે કહ્યું કે ધોધ અને ખીણ જેવી જગ્યાઓ પર સેલ્ફી અથવા રીલ બનાવવી ન જોઈએ.
તેમણે કહ્યું, "અમે પર્યટકો માટે ગાઇડની સુવિધા શરૂ કરી તેને સાત વર્ષ થયાં. અમે રસ્તો બતાવવાથી માંડીને દરેક વાતનું ધ્યાન રાખીએ છીએ. સાંજ પછી કોઈ પણ વ્યક્તિને ખીણ પાસે જવાની પરવાનગી નથી."
"ધોધ પાસે દોરડાઓ લગાડવામાં આવ્યા છે જેથી કરીને લોકો તેનો આનંદ સુરક્ષિત રહીને માણી શકે. આ સાથે જ અમે કોઈને પણ દારૂ પીવાની પરવાનગી આપતા નથી."
અર્જુન મ્હામુનકરે જણાવ્યું કે અતિભારે વરસાદ થાય ત્યારે દેવકુંડને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવે છે.
મહારાષ્ટ્ર પર્યટન વિકાસ નિગમે પણ પર્યટકોની સુરક્ષા માટે કેટલીક અપીલ કરી છે.
વિકાસ નિગમે કહ્યું, "વરસાદ દરમિયાન હરતી-ફરતી વખતે ખતરનાક સ્થળોથી બચવા માટે સરકારના દિશાનિર્દેશોનું પાલન કરવું જરૂરી છે."
મહારાષ્ટ્ર પર્યટન વિકાસ નિગમમાં પ્રાદેશિક મેનેજર દીપક હરનેએ કહ્યું, "નિગમ એ વાત પર જોર આપે છે કે જીવ જોખમમાં નાખીને સેલ્ફી લેતા બચવું જોઈએ. આ ઉપરાંત લપસણા ધોધ પાસે કે અજાણ્યાં જંગલોમાં જવાનું ટાળવું જોઈએ. નિગમ તરફથી પર્યટકોને આ બાબતે દિશા-નિર્દેશ આપવામાં આવે છે."
ટ્રેકિંગ માટે વિશેષ માર્ગદર્શિકા

ઇમેજ સ્રોત, ALEX OGLE/AFP VIA GETTY IMAGES
જે લોકો વરસાદની સિઝનમાં ટ્રેકિંગનો આનંદ લેવા માંગે છે તેના માટે ઑલ મહારાષ્ટ્ર કલાઇમ્બિંગ ફૅડરેશને કેટલીક મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી છે.
આ માર્ગદર્શિકા મુજબ, "હાલમાં દર વર્ષે ચોમાસા દરમિયાન સહ્યાદ્રિ પર્વત શ્રંખલાથી લઇને ગડકોટના કિલ્લા સુધી ટ્રેકિંગ માટે જતા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. કેટલાંક સ્થળો પર ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે, જેમાંથી કેટલીક દુર્ઘટનાઓ માનવીય ભૂલને કારણે ઘટી છે."
ઑલ મહારાષ્ટ્ર કલાઇમ્બિંગ ફૅડરેશનના અધ્યક્ષ ઉમેશ ઝિરપેએ કહ્યું, "યાત્રાને સુરક્ષિત કરવા માટે કેટલીક વાતોનું પાલન કરવું જોઈએ."
પર્વતારોહીઓ માટે કલાઇમ્બિંગ ફૅડરેશનેની વિશેષ સલાહો
- જાણીતા અને અનુભવી સમૂહ સાથે ટ્રેક પર જાઓ
- ટ્રેકમાં લોકોની સંખ્યા લિમિટેડ રાખો, ટ્રેકિંગ ગ્રૂપ પાસે પ્રાથમિક સારવાર માટે સામગ્રી ઉપલબ્ધ હોવી જોઈએ
- ટ્રેકિંગની જગ્યા અને ટ્રેકિંગ કરનાર લોકોની જાણકારી પરિવાર અને મિત્રોને આપો
- ટ્રેકિંગ કરતી વખતે પ્રથમ અને અંતિમ વ્યક્તિની વચ્ચે લાઇનમાં ચાલો
- પોતાની સાથે એક સારી ટૉર્ચ રાખો, શક્ય હોય તો સ્થાનિક ગાઇડને સાથે લઈ જાઓ
- ટ્રેક પર જતા પહેલાં હવામાનની આગાહી ચોક્ક્સ તપાસો
- ચોમાસા દરમિયાન ધુમ્મસને કારણે ખોવાઈ જવાની સંભાવનાઓ રહે છે, ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી.
- કિલ્લાના પ્રાચીન દરવાજાઓ અને ખંડેરો પર ન ચઢો, ઢિલ્લા પથ્થરો દુર્ઘટનાનું કારણ બની શકે છે.
- પોતાની સાથે એક લાકડી રાખો જેથી કરીને ચઢવું, ઉતરવું અને ચાલવું સરળ રહેશે.
- શેવાળવાળા વિસ્તારો અને સીડીઓ પર સાવચેતીથી ચાલવું
- મોબાઇલનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખો જેથી કરીને ઇમરજન્સીમાં તેનો ઉપયોગ કરી શકાય
આ ઉપરાંત વરસાદી નદી અથવા નાળાઓમાં પાણીનું વહેણ અચાનક વધવાનો ભય રહે છે. આ કારણે નદી અને નાળાઓમાં પ્રવેશ કરવાનું ટાળવું જોઈએ.
ધોધની નીચે પણ ઊભું ન રહેવું જોઈએ કારણ કે ઉપરથી પથ્થરો પડવાની શક્યતાઓ પણ છે. પાણીના ઊંડાણની જાણકારી ન હોય તો નહેર અને ડેમમાં ન ઊતરવું જોઈએ.












