ઉત્તરી ગાઝા છોડી રહેલા પેલેસ્ટાઈની કાફલા પર હુમલાની પુષ્ટિ, મૃતકોમાં બાળકો પણ સામેલ

શુક્રવારે મોડી સાંજે ઉત્તરી ગાઝાથી બહાર નીકળતા એક પેલેસ્ટાઈની કાફલા પર હુમલો થયાના સમાચાર આવ્યા છે. હુમલાથી સંબંધિત વીડિયો ફૂટેજ સામે આવ્યા અને તેની તપાસ કરતા હવે બીબીસી વેરિફાઈની ટીમે તેની પુષ્ટિ કરી છે.

બીબીસી વેરિફાઈએ જણાવ્યું કે આ હુમલો સલાહ-અલ-દીન રસ્તા પર થયો છે. આ ઉત્તરી ગાઝાથી દક્ષિણ સુધી જતા બે નિકાસી રસ્તામાંથી એક છે, જ્યાંથી સામાન્ય લોકો પસાર થઈ રહ્યા છે.

ઇઝરાયલની સેનાએ ઉત્તરી ગાઝામાં રહેતા સામાન્ય લોકોને સાંજે ચાર વાગ્યા સુધી વિસ્તાર ખાલી કરવાનું કહ્યું હતું. જે બાદ આ માર્ગો પર ભારે ભીડ જામી છે.

શુક્રવારે કાફલા પર થયેલા હુમલાના મોજુદ ફૂટેજમાં કમસે કમ 12 મૃતદેહ દેખાઈ રહ્યા છે. તેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે. બાળકોમાં કેટલાંકની ઉંમર તો બેથી પાંચ વર્ષની લાગે છે.

ફૂટેજમાં લોકોના જે પડછાયા દેખાઈ રહ્યા છે એનાથી લાગે છે કે સ્થાનિક સમયાનુસાર સાંજે અંદાજે 5.30 કલાકે રેકૉર્ડ કરાયો છે.

તેમાંથી મોટા ભાગના ફ્લૅટબેડ ટ્રક નીચે સૂતેલા જોવા મળ્યા. અન્ય રસ્તા પર આમતેમ વિખરાયેલા છે. તો કેટલાંક ક્ષતિગ્રસ્ત વાહનો પણ નજરે આવી રહ્યાં છે.

પેલેસ્ટાઈની સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ ઘટનામાં 70 લોકો માર્યા ગયા છે અને તેની પાછળ ઇઝરાયલનો હાથ છે. તો ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસનું કહેવું છે તે આ મામલાની તપાસ કરી રહી છે.

હુમલાનું નેતૃત્વ કરી રહેલા કમાન્ડરના મોતનો દાવો

ઇઝરાયલની વાયુસેનાએ કહ્યું કે તેણે ગત શનિવારે દક્ષિણ ઇઝરાયલના વિસ્તારોમાં હમાસના હુમલાનું નેતૃત્વ કરી રહેલા કમાન્ડર અલી કાધીને મારી નાખ્યો છે.

ઇઝરાયલની સેનાએ કહ્યું કે અલી કાધીનું મોત જાસૂસી એજન્સીઓના પ્રયાસો બાદ થયેલા ડ્રોન હુમલાઓમાં થયું છે.

દરમિયાન પેલેસ્ટાઈની ક્ષેત્રના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝામાં મૃતકોની સંખ્યા 2215 પર પહોંચી ગઈ છે. તો ઘાયલોની સંખ્યા હવે 8,714 થઈ ગઈ છે.

'ન સંતાવાની જગ્યા, ન ભાગવાનો રસ્તો'

ઇઝરાયલી સેના તરફથી સતત થતા બૉમ્બમારા વચ્ચે હમાસે પણ શુક્રવારે ઇઝરાયલ પર રૉકેટ છોડ્યાં છે.

હમાસે કહ્યું કે તેણે ઇઝરાયલના સુદૂર ઉત્તર આવેલા શહેર સૈફેડ પર મિસાઇલ છોડી છે.

ઇઝરાયલી સેનાના પ્રવક્તા ડૅનિયલ હૅગારીએ એક્સ પર લખ્યું કે ગાઝાના ઉત્તરી ક્ષેત્ર તરફ લૉન્ચ કરાયેલી મિસાઇલ ઇન્ટરસેપ્ટ કરાઈ છે.

હમાસે તેલ અવિવને પણ નિશાન બનાવ્યું છે અનેત્યાં હવાઈ હુમલાની સાયરન સાંભળવા મળી છે.

હમાસે એ પણ દાવો કર્યો છે કે તેણે દક્ષિણ ઇઝરાયલના અશકેલાન, સેદરાત અને બીરીમાં રૉકેટ છોડ્યાં છે.

ઇઝરાયલે ગાઝા સીમા પર ભારે સંખ્યામાં સેના જમા રાખી છે અને એ ગમે ત્યારે જમીની હુમલો કરવા તૈયાર છે.

24 કલાકમાં ઉત્તરી ગાઝા ખાલી કરવાની ચેતવણી

સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યું કે ઇઝરાયલી સેનાએ જણાવ્યું છે કે તેમણે વાદી ગાઝાના ઉત્તરમાં રહેતા લોકોને 24 કલાકમાં આ વિસ્તાર ખાલી કરવા કહ્યું છે, આ લોકોને દક્ષિણ ગાઝામાં શિફ્ટ થવાનું કહેવામાં આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે ઇઝરાયલના આ પગલાંથી લગભગ 11 લાખ લોકો પ્રભાવિત થશે, જે ગાઝા પટ્ટીમાં રહેતી કુલ વસ્તીનો લગભગ 50 ટકા હિસ્સો છે. પ્રભાવિત વિસ્તારોમાં ગાઝા શહેર પણ સામેલ છે.

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિઝ (આઈડીએફ)એ આ ચેતવણી ગાઝા અને યેરૂસલેમના સમય અનુસાર રાતના લગભગ 11 વાગ્યે આપી હતી.

સંયુક્ત રાષ્ટ્રએ નિવેદનમાં કહ્યું છે કે, "સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે આટલી મોટી સંખ્યામાં એક જ જગ્યાએથી બીજી જગ્યા પર જવાના ગંભીર માનવીય પરિણામ હશે."

ઉત્તરી ગાઝાને 24 કલાકમાં ખાલી કરવાની ઇઝરાયલની ચેતવણી બાદ ગાઝાનિવાસી પોતાનો સામાન લઈને ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે.

ગાઝા સિટીમાં રહેતાં ફરાહ એબો સીડોએ બીબીસી ન્યૂઝ ઑવર પ્રોગ્રામમાં કહ્યું કે તેમને ખબર નથી કે શહેર ખાલી કરવાની ચેતવણી બાદ તેઓ શું કરશે.

તેમણે કહ્યું, "હું એવા લોકોને જોઈ રહી છું, જે પોતાનો સામાન લઈને જઈ રહ્યા છે, પણ અમે ક્યાં જઈએ? આ બહુ નાનું શહેર છે. અહીં જવાનો કોઈ રસ્તો પણ નથી. અમે અમારી જિંદગી બચાવવાની કોશિશ કરી રહ્યાં છીએ."

તેમણે કહ્યું કે "હર રાત તેઓ અમારા પર બૉમ્બ વરસાવે છે, દયા વિના. ત્યાં હવે કશું જ બચ્યું નથી."

ફરાહે કહ્યું, "અમારી રક્ષા કોઈ નથી કરતું, કોઈ મદદ નથી મોકલતું. કોઈ પણ જગ્યા સુરક્ષિત બચી નથી. અહીં મોટી સંખ્યામાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ છે અને કોઈ પણ મદદ કરતું નથી."

ઇઝરાયલી સેનાએ શું કહ્યું?

13ઑક્ટોબરના ઇઝરાયલી સેનાએ ગાઝામાં રહેતા લોકો માટે નિવેદન બહાર પાડ્યું. સેનાએ ગાઝાના રહેવાસીઓને સીધું કહ્યું છે કે તેઓ ગાઝાના પૂર્વી ભાગને છોડીને દક્ષિણ તરફ જતા રહે.

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિઝે કહ્યું કે, "આવનારા દિવસોમાં સેના ગાઝા શહેરમાં પોતાની કાર્યવાહી ચલાવશે, સાથે જ તેઓ પ્રયત્ન પણ કરશે કે સામાન્ય લોકો આ કારણે પ્રભાવિત ન થાય."

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ લોકોની સુરક્ષા માટે જ છે. નિવેદન મુજબ, "આ તમારી સુરક્ષા માટે છે. તમે લોકો પાછા ગાઝા શહેર ત્યારે જ આવજો જ્યારે તેની પરવાનગી આપતું નિવેદન આવશે. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ ઇઝરાયલની સુરક્ષા ફેન્સિંગ તરફ ન જાય."

આઈડીએફનું કહેવું છે કે હમાસના લડવૈયા શહેરની નીચેની સુરંગોમાં અને રહેઠાણની ઇમારતોમાં ગાઝાના નિર્દોષ લોકો વચ્ચે છૂપાયેલા છે.

આઈડીએફ અનુસાર, "ગાઝા શહેરના સામાન્ય નાગરિકો, પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે ગાઝાના દક્ષિણ વિસ્તાર તરફ જતા રહે અને હમાસના આતંકવાદીઓથી પોતાને દૂર રાખે. હમાસના આતંકવાદી માનવ ઢાલના રૂપમાં લોકોનો ઉપયોગ કરે છે."

ઇઝરાયલી સેનાના અધિકારીઓએ ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રના ટીમ લીડર્સના આદેશની માહિતી આપી છે.

એ મુજબ, આમાં ઉત્તરી ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રનાં બધાં ઠેકાણા સામેલ છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓ, સ્કૂલ, હૉસ્પિટલ અને ક્લિનિક જેવા સંયુક્ત રાષ્ટ્રની સેવાઓને પણ આ વિસ્તાર છોડવાનું કહેવામાં આવ્યું છે.

શુક્રવારના આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. બંધ બારણા પાછલ થનારી આ બેઠકમાં સુરક્ષા પરિષદના બધા સભ્યો- અમેરિકા, બ્રિટન, ચીન અને ફ્રાન્સના સામેલ થવાની આશા છે.

મધ્ય-પૂર્વ માટે બીબીસી સંવાદદાતા ટૉમ બૅટમૅન કહે છે કે આનો અર્થ છે કે દરેક કલાકે 40 હજાર લોકો ઉત્તરથી દક્ષિણ તરફ જશે, આ લગભગ અશક્ય છે.

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને ઇન્ટરનેશનલ રેડ ક્રૉસનો કાફલો ગાઝા શહેરથી દક્ષિણ તરફ જતા જોઈ શકાય છે. બની શકે કે અહીંથી નીકળવાની તૈયારી હોય.

આ વિસ્તાર ઘણી સઘન વસ્તી ધરાવે છે, અહીં બાળકો, વૃદ્ધો, પહેલાં જ ઇઝરાયલના હુમલાને કારણે હૉસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધી ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, પેલેસ્ટાઇનના લોકોને આ યુદ્ધને કારણે વિસ્થાપિત થું પડ્યું છે.

ગાઝા પર ઇઝરાયલના હુમલામાં 450 બાળકોનાં મોતનો દાવો, અત્યાર સુધીમાં શું થયું?

ગુરુવારે પેલેસ્ટાઇન અધિકારીઓનું કહ્યું હતું કે ઇઝરાયલના બૉમ્બમારામાં અત્યાર સુધીમાં 1417 લોકોનાં મોત થયાં છે, જેમાં 447 બાળકો છે.

પેલેસ્ટાઇન ક્ષેત્રના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 6,268 લોકો ઘાયલ થયા છે.

નોંધનીય છે કે ગત શનિવારે હમાસના ઉગ્રવાદીઓએ ગાઝા પટ્ટીની આસપાસ ઇઝરાયલના લોકો પર કરેલા ઘાતકી હુમલા બાદ શરૂ થયેલું યુદ્ધ ગુરુવારેય સમાન તીવ્રતા સાથે ચાલુ રહ્યું હતું.

ગાઝા પટ્ટી પર હમાસનાં ઠેકાણાં પર કાર્યવાહીની સાથોસાથ હવે ઇઝરાયલે સીરિયા સામેય મોરચો માંડ્યાના અહેવાલ છે.

ઇઝરાયલે સીરિયાના પાટનગર દમિશ્ક અને અલેપ્પો શહેરનાં હવાઈમથકોને નિશાન બનાવ્યાં છે.

ઇઝરાયલે પોતાની કાર્યવાહીના ભાગરૂપે ગાઝા પટ્ટીમાં ભોજન, પાણી અને વીજળીની સપ્લાય બંધ કરી દીધી હતી.

દરમિયાન ઇઝરાયલના પ્રવાસે ગયેલા અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ન્યૂઝ કૉન્ફરન્સ કરીને કહેલું કે અમેરિકા હંમેશાં ઇઝરાયલની મદદ કરવા હાજર છે.

તેમણે ‘બાળકોનાં મૃત્યુ નિપજાવ્યાં’નોય મુદ્દો ઉઠાવ્યો.

ઇઝરાયલના સેનાપ્રમુખે પોતાના નિવેદનમાં હમાસના હુમલાની તપાસની વાત કરી હતી.

‘અમે હુમલા હૅન્ડલ ન કરી શક્યા’

ઇઝરાયલના સેનાપ્રમુખ હેરલી હલેવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “આઇડીએફ દેશ અને નાગરિકોની સુરક્ષા માટે જવાબદાર છે અને શનિવારે ગાઝા પટ્ટી સાથે જોડાયેલા વિસ્તારોમાં જે કાંઈ થયું, તેને અમે હૅન્ડલ ન કરી શક્યા.”

તેમણે કહ્યું, “અમે જાણકારી ભેગી કરીશું, તપાસ કરીશું પરંતુ અત્યારનો સમય યુદ્ધનો છે.”

જ્યારે તેમને હમાસે બંધક બનાવાયેલા લોકો અંગે પ્રશ્ન પુછાયો તો તેમણે કહ્યું કે તેમને પરત લાવવાની દરેક સંભવ કોશિશ કરાશે.

ઇઝરાયલના ઊર્જામંત્રી ઇઝરાયલ કાટજે કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયલના બંધકોને મુક્ત નહીં કરાય ત્યાં સુધી ગાઝાની ઘેરાબંધી ખતમ નહીં થાય, અને ત્યાં પાણી, વીજળીની સપ્લાય શરૂ નહીં કરાય.

ગાઝામાં ઇઝરાયલે થળ અભિયાન કેમ ન શરૂ કર્યું?

નોંધનીય છે કે હજુ સુધી ગાઝામાં ઇઝરાયલના થળ અભિયાન અંગે અત્યાર સુધી કોઈ રાજકીય નિર્ણય નથી થઈ શક્યો.

ઇઝરાયલ-ગાઝા સીમા પાસેના વિસ્તારમાં ભારે સંખ્યામાં ઇઝરાયલી સૈનિકોની હાજરી છે. પરંતુ આજે સવારે ઇઝરાયલી સેનાના એક કર્નલે પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે હજુ સુધી થળ અભિયાનને આગળ વધારવા અંગે કોઈ રાજકીય નિર્ણય નથી થઈ શક્યો.

સેના ગમે એ કટોકટીની સ્થિતિ સામે ઝઝૂમવા માટે યોજના ઘડી રહી છે, કારણ કે લેબનનમાંથીય હુમલાનો ખતરો છે.

ઇઝરાયલમાં બુધવારે યુદ્ધ મંત્રીમંડળનું ગઠન કરાયું. તેમાં બંધકોનાં ભાગ્ય અંગે વિચાર કરાઈ રહ્યો છે.

એક દક્ષિણપંથી મંત્રીએ કહ્યું કે, “હવે સમય પાકી ગયો છે કે કઠોર વલણ અખત્યાર કરાય.”

આ નિવેદનને એવી રીતે જોવામાં આવી રહ્યું છે કે ઘણા એવા વલણના સમર્થનમાંય છે કે જેથી તેઓ (બંધક) ફૅક્ટર ન બને. તેમજ ઘણા લોકોનું કહેવું છે કે બંધકોને છોડાવવા માટે ઇઝરાયલે દરેક સંભવ પ્રયાસ કરવા જોઈએ.

ઇઝરાયલ-હમાસ સંઘર્ષ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગાઝા ચાલી રહેલા સંઘર્ષને જોતાં માનવીય કૉરિડૉર બનાવવાની અપીલ કરી હતી.

નોંધનીય છે કે સતત હુમલા બાદ ઘણા લોકો ગાઝાથી બહાર નીકળવાની કોશિશમાં છે, પરંતુ ઇઝરાયલે ગાઝાની નાકાબંધી કર દીધી છે. ત્યાં ભોજન-પાણીના સામાન અને વીજળીનો પુરવઠો પણ અટકાવી દેવાયો છે.

આ દરમિયાન હમાસના રાજકીય શાખાના પ્રમુખ ઇસ્માઇલ હાનિયાએ કહ્યું હતું કે, “દુશ્મન કેદીઓ વિશે જાણકારી માટે અમારો સંપર્ક કરનાર તમામને અમે કહી દીધું છે કે આ ફાઇલ લડાઈ ખતમ થતા પહેલાં નહીં ખૂલે.”

દક્ષિણ ઇઝરાયલ સામે હમાસનાં શનિવારે સવારે શરૂ થયેલા આક્રમણના ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન પ્રદેશમાં પણ વિનાશક પરિણામો આવી રહ્યા છે. ત્યાં વીસ લાખથી વધુ લોકો અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે.

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યૉવ ગેલેન્ટે સોમવારે કહ્યું હતું, "અમે ગાઝા પર સંપૂર્ણ નાકાબંધી કરી રહ્યા છીએ. ત્યાં હવે વીજળી, ખોરાક, પાણી, ગેસ બધું બંધ કરી દેવામાં આવશે."

"અમે જાનવરો સામે લડી રહ્યા છીએ અને એટલે અમે એ મુજબ જ વર્તીશું." ગેલન્ટે કહ્યું.

અગાઉ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે થયેલા હુમલા બાદ ચેતવણી આપતાં કહ્યું હતું કે, “ઇઝરાયલ હમાસ સામે જોરદાર પ્રતિકાર કરશે.”

'હુમલાને 9/11ના અમેરિકા પર થયેલા હુમલા સાથે સરખાવ્યો'

ઇઝરાયલી સેનાના બે સિનિયર સભ્યોએ પેલેસ્ટાઇને કરેલા હુમલાને 9/11ના અમેરિકા પર થયેલા હુમલા સાથે સરખાવ્યો છે.

સૈન્યના પ્રવક્તા મેજર નિર દિનારે કહ્યું, “આ અમારું 9/11 છે, તેમણે અમને ઊંઘતા ઝડપી લીધા.”

લૅફ્ટેનન્ટ કર્નલ જોનાથન કોનરિકસે હમાસે કરેલા હુમલાને અમેરિકા પર 9/11 ના રોજ થયેલા મોટ હુમલા સાથે સરખાવ્યો હતો.

તેમણે કહ્યું કે, “આ 9/11નો પણ હુમલો છે અને પર્લ હાર્બર પણ છે. બંને ઘટનાઓ ભેગી કરવામાં આવે તેવો આ હુમલો છે.”

“ઇઝરાયલી ઇતિહાસમાં આ સૌથી કાળો દિવસ છે. એક જ દિવસમાં દુશ્મનોના હુમલાથી ઇઝરાયલી નાગરિકો આટલા બહોળા પ્રમાણમાં મૃત્યુ પામ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.”

યુનાઇટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે 1 લાખ 23 હજારથી વધુ લોકોને આ યુદ્ધને કારણે સ્થળાંતરિત થવું પડ્યું છે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવ કેમ છે?

  • પહેલા વિશ્વયુદ્ધ પછી મધ્ય પૂર્વમાં ઑટોમન સામ્રાજ્યના અંત થયા પછી આ વિસ્તાર બ્રિટિશરોના કબજામાં ગયો.
  • અહીં મોટા ભાગે યહૂદી અને અરબ સમુદાયના લોકો રહે છે. બંનેમાં તણાવ વધ્યા પછી બ્રિટિશ શાસકોએ અહીં યહૂદીઓ માટે પેલેસ્ટાઇનમાં ‘અલગ જમીન’ બનાવવાની વાત કરી.
  • યહૂદી આ વિસ્તારને પોતાના પૂર્વજોની ભૂમિ માને છે. તેના પર અરબ સમુદાય પણ પોતાનો દાવો કરે છે. પરિણામ એ આવ્યું કે બંને વચ્ચે તણાવ વધવા લાગ્યો.
  • 1947માં સંયુક્ત રાષ્ટ્રએ પેલેસ્ટાઇનને બે ભાગમાં વિભાજિત કરવાના નિર્ણય પર મહોર મારી. એક ભાગ યહૂદીઓનો બીજો અરબ સમુદાયનો.
  • અરબ વિરોધ વચ્ચે 14 મે 1948ના રોજ યહૂદી નેતાઓએ ઇઝરાયલ રાષ્ટ્રના ગઠનની જાહેરાત કરી અને બ્રિટિશરો અહીંથી ચાલ્યા ગયા.
  • તેના તુરંત બાદ પ્રથમ ઇઝરાયલ-અરબ યુદ્ધ થયું જેના કારણે સાડા સાત લાખ પેલેસ્ટાઇનવાસીઓ બેઘર થઈ ગયા.
  • આ યુદ્ધ પછી સમગ્ર ક્ષેત્રને 3 ભાગમાં વિભાજિત કરાયો – ઇઝરાયલ, વેસ્ટબૅન્ક (જોર્ડન નદીનો પશ્ચિમ કિનારો) અને ગાઝા પટ્ટી.
  • પેલેસ્ટાઇનની વસ્તી ગાઝા પટ્ટી અને વેસ્ટ બૅન્કમાં રહે છે. લગભગ 25 માઇલ લાંબી અને 6 માઇલ પહોડી ગઝા પટ્ટી 22 લાખ લોકોની વસ્તી ધરાવે છે. વસ્તીના દૃષ્ટિએ આ દુનિયાનો સૌથી ગીચ વિસ્તાર છે.
  • ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ હજુ સુધી ચાલુ છે. ઇઝરાયલનું લક્ષ્ય વિશ્વના મંચ પર યહૂદી રાષ્ટ્ર તરીકે માન્યતા મેળવવાનું છે. જ્યારે પેલેસ્ટાઇન આનો વિરોધ કરી રહ્યું છે.