You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિવાદ: બીજા દિવસે શાળાની બાહર દેખાવો, લોકોએ પૂછ્યું, 'હર્ષ સંઘવી ક્યાં છે?'
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદના ખોખરાવિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ખાતે ગુરુવારે પણ ઉગ્ર અને તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો. અહીં સેંકડોની સંખ્યામાં વાલીઓ અને દેખાવકારો પહોંચ્યા હતા અને શાળાના મૅનેજમેન્ટ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
વાલીઓના આક્રોશને જોતા પોલીસ દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા દેખાવકારોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.
બીજી બાજુ, ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈના કહેવા પ્રમાણે, આ ઘટના માટે માત્ર શાળા કે વાલી ઉપર દોષ ઢોળવાથી નહીં ચાલે, પરંતુ વિદ્યાર્થી શા માટે આવું આચરણ કરે છે તેના માટે સમગ્ર સમાજે ચિંતન કરવાની જરૂર છે.
મંગળવારે સેવન્થ ડે શાળાના વિદ્યાર્થીએ તેના સહપાઠીને તીક્ષણ હથિયારથી ઈજા પહોંચાડી હતી, એ પછી સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.
આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જે હત્યાની તપાસ કરશે તથા શાળાએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે કે કેમ, તેની પણ તપાસ કરશે.
'બે દિવસ થયા, ગૃહ મંત્રી ક્યાં છે?'
શ્વેતાબહેન નામનાં વાલીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'અમે ઇચ્છીએ છીએ કે કાર્યવાહી થાય. અમારે છોકરાઓને શાળાએ કેવી રીતે મોકલવા?'
'આવી ઘટનાઓ શાળામાં બનતી રહી છે, પરંતુ સુલટાવી દેવામાં આવતી હતી, એવું છોકરાઓ હવે કહે છે. એવું લાગે છે કે મારા બાળક સાથે આવું થયું છે. એમના ઉપર શું વીતતું હશે?'
વાલીના કહેવા પ્રમાણે, 'શાળાએ જણાવ્યું છે કે સોમવાર સુધી શૈક્ષણિકકાર્ય બંધ રહેશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારની ઘટનાને પગલે ગુરુવારે શાળાની ફરતે સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ગુરુવારે કેટલાક લોકો દેખાવો કરવા પહોંચ્યા હતા અને સ્કૂલ તથા પ્રિન્સિપાલ વિરુદ્ધ નારેબાજી કરી હતી.
પિંકીબહેન નામનાં અન્ય એક વાલીએ કહ્યું, 'આ (મૃત) છોકરાને ન્યાય મળવો જોઈએ. તે કેટલો તડપી-તડપીને મર્યો છે. એની કોઈ ભૂલ નથી. આ બધું કરવાથી કંઈ નહીં થાય, બસ એને ન્યાય આપો.'
લલિતા બહેન નામનાં વાલીનાં પુત્રી આ શાળામાં ભણે છે. તેમના કહેવા પ્રમાણે, 'શાળાએ બાળકોનાં બૅગ ચેક કરવા જોઈએ. બાળકો ઘણીવાર મારામારી માટેના સાધનો લઈને આવે છે. આ અંગે રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી.'
વિરોધપ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ 'જય શ્રી રામ'ના નારા પણ લગાવ્યા હતા. બાદમાં પોલીસે તેમને સમજાવટથી વિખેરી દીધા હતા.
સરિતા (બદલેલું નામ) નામનાં વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, "મને એના માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. હું બે દિવસથી ભણી નથી શકતી. એ મારા ભાઈ જેવો જ હતો." સરિતાએ મૃતક વિદ્યાર્થી માટે ન્યાયની માગણી કરી હતી.
બીબીસી સાથેની વાતચીત દરમિયાન કેટલાક વિદ્યાર્થી તથા વાલીઓએ શાળાના સ્ટાફ તથા મૅનેજમેન્ટ ઉપર ઈજાગ્રસ્ત બાળકને સારવાર અપાવવા મુદ્દે ઢીલ દાખવવાનો આરોપ મૂક્યો હતો.
સુરેશસિંહ રાજપૂત નામના દેખાવકારે કહ્યું હતું, "હર્ષ સંઘવી (ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી) કહે છે કે 'કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો.' મારે એમને પૂછવું છે કે બે દિવસ થઈ ગયા, એમનો કાયદો શું કરી રહ્યો છે?"
"અહીં બે દિવસથી પબ્લિક રસ્તા ઉપર ન્યાયની ભીખ માગી રહી છે. આટલો મોટો ઈસ્યુ છે, છતાં તમે હજુ સુધી અહીં આવ્યા નથી."
બુધવારે સાંજે મૃતક વિદ્યાર્થીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઊમટી પડ્યા હતા. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શિક્ષણ મંત્રીએ શું કહ્યું?
ખોખરાસ્થિત શાળાએ બુધવાર બાદ ગુરુવારે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારી કૃણાલ દેસાઈના કહેવા પ્રમાણે, "બે દિવસ પહેલાંની ઘટનાને પગલે સેવન્થ ડે સ્કૂલ ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા જે લોકો દેખાવ કરી રહ્યા હતા, તેમને ડિટેઇન કરવામાં આવ્યા છે."
અમદાવાદ શિક્ષણ વિભાગની ટીમે ઘટનાસ્થળે ધસી જઈને તપાસ હાથ ધરી હતી અને માહિતી મેળવી હતી.
ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બુધવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું, "આ બાબત બધાએ સામાજિક ચિંતન અને મનન કરવાનો વિષય છે. નાનો બાળક ચપ્પુ મારીને બીજાની હત્યા કરી દે, તે સભ્ય સમાજ માટે રેડ સિગ્નલ છે."
"શાળા તથા કૉલેજના પ્રિન્સિપાલો તથા શિક્ષકોએ હિંસક માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ ઉપર નજર રાખવી જોઈએ. શિક્ષણ લઈ રહેલાં બાળકોમાં આટલી વિકૃતિ કેવી રીતે આવે છે, તે તપાસનો વિષય છે. તે માત્ર શિક્ષણ વિભાગ માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર બાબત છે."
"આ કોઈ શાળા કે વાલી ઉપર ઢોળી દઈને છૂટી જવાની બાબત નથી. આવા બનાવ ભવિષ્યમાં ન બને તે માટે અમે શિક્ષણ વિભાગમાં પણ વિમર્શ કરીશું."
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીના કહેવા પ્રમાણે, "આ ખૂબ જ દુખદ બાબત છે કે એક બાળકે જીવ ગુમાવ્યો છે. કોઈ બાળકનાં માનસમાં આટલી બધી હિંસા કેવી રીતે ભરાઈ, તેના વિશે વિચાર કરવો જોઈએ."
"સરકારે આવી ઘટનાઓને ધ્યાને લેવી જોઈએ અને આગામી દિવસોમાં સરકારે તેના વિશે ચિંતા કરવી જોઈએ. જ્યાર સુધી વર્ગોમાં ગાંધીવાદી મૂલ્યોનું સિંચન કરવામાં નહીં આવે, ત્યાર સુધી આવી ઘટનાઓ બનતી રહેશે."
ઉલ્લેખનીય છે કે મંગળવારે સેવન્થ ડે શાળાના એક વિદ્યાર્થીએ ધો. 10ના અન્ય એક વિદ્યાર્થી ઉપર તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. વિદ્યાર્થીને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બુધવારે વહેલી સવારે સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. એ પછી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાલીઓ અને દેખાવકારો સેવન્થ ડે શાળાએ પહોંચ્યા હતા.
કેટલાક લોકોએ શાળામાં તોડફોડ કરી હતી. આ સિવાય કથિત રીતે શાળાના પ્રિન્સિપાલ તથા અન્ય સ્ટાફ સાથે મારઝૂડ કરવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન