ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન વધીને 43 લાખ ટન થવાનો અંદાજ; ભાવ ઘટશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડિયા ગામના ખેડૂત અનિલ ગોંડલિયાએ માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં તેમના પરિવારની 45 વીઘા જમીનમાં વાવેલા ઘઉંની કાપણી કરી.
અનિલભાઈ કહે છે કે વીઘે સરેરાશ 40 મણ ઘઉં પાકતા તેમને અંદાજે 18 હજાર મણ ઘઉંનું કુલ ઉત્પાદન મળ્યું છે. તેઓ કહે છે કે આ ઉત્પાદકતા સારા વર્ષની સરખામણીએ ઓછી છે.
"સારા વર્ષે અમારી વાડીમાં વીઘે 60 મણ સુધી ઘઉં પાકે છે. આ વર્ષે પણ પાક સારો દેખાતો હતો. પરંતુ ફેબ્રુઆરી મહિનાના અંત તરફ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ હતું તે માર્ચ મહિનાની શરૂઆતમાં શિવરાત્રી તહેવારની આજુબાજુ એકદમ વધીને 41 ડિગ્રી થઈ ગયું.
ખેતીવાડીમાં માસ્ટર ડિગ્રી ધરાવતા 39 વર્ષના ગોંડલિયા ઉમેરે છે, "મેં લોક-1 (લોક-વન) જાતના ઘઉં વાવેલ. તે સામાન્ય રીતે 120 દિવસે પાકે છે. પરંતુ, તાપમાન એકદમ વધી જતા આ વર્ષે તે 110 દિવસમાં જ પાકી ગયા. ઓછા દિવસે પાકી જવાથી ઘઉંના દાણા નાના રહ્યા કારણ કે તેમાં પૂરતો સ્ટાર્ચ ભરાઈ ન શક્યો અને તેથી વજન પણ ઓછું રહ્યું છે."

રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામના ખેડૂત ઘનશ્યામભાઈ કાનાણીને પણ માર્ચ મહિનાની શરૂઆતથી જ પડી રહેલી ગરમીથી ચિંતા છે, કારણ કે તેમણે 15 જાન્યુઆરીએ વાવેલ ઘઉંને પાકવાની હજુ ત્રણેક અઠવાડિયાની વાર છે.
"મેં કપાસનો પાક લઈને ઘઉંનું વાવેતર કરેલ, પણ મને લાગે છે કે ઘઉંમાં ઉતારો (પ્રતિ વીઘે ઉત્પાદકતા) 30 મણ જ રહેશે, કારણ કે શિવરાત્રી પછી પડી રહેલા તડકાથી મારા મોડા વાવયેલા ઘઉં વહેલાં પાકી જશે અને તેથી દાણા નાના રહી જશે."
છ ધોરણ સુધી ભણેલ બાવન વર્ષના ઘનશ્યામભાઈ ઉમેરે છે, "થોડાં કેટલાંક વર્ષોથી શિયાળાના અંત તરફ ભારે ગરમી પડવાથી સમસ્યા ઊભી થઈ છે. પહેલાંનાં વર્ષોમાં હુતાસણી (હોળી) સુધી વાતાવરણ ઠંડુ રહેતું અને તેથી શિયાળુ પાક સારા પાકતા."
ગુજરાતમાં ઘઉંનું કુલ ઉપ્તાદન વધ્યું પણ ઉત્પાદકતા કેમ ઓછી?

ઇમેજ સ્રોત, Special Arrangement
રાજ્ય સરકારે 2024-25ના વર્ષ માટે જાહેર કરેલ સેકન્ડ એડવાન્સ ઍસ્ટિમેટ એટલે કે બીજા આગોતરા અંદાજ પ્રમાણે રાજ્યમાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે 43.44 લાખ ટન (પચાસ મણે એક ટન થાય) એટલે કે 21.72 કરોડ મણ રહેશે તેવું અનુમાન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વર્ષે ઉત્પાદન 39.03 લાખ ટન (19.51 કરોડ મણ) હતું. આમ, આ વર્ષે કુલ ઉત્પાદનમાં ચાર લાખ ટન એટલે કે લગભગ બે કરોડ મણનો વધારો થવાનો અંદાજ છે. પરંતુ, આ વધારો બહુધા વાવેતર વિસ્તારમાં થયેલ વધારાને આભારી છે તેમ જાણકારો કહે છે.
રાજ્યસરકારના આંકડા મુજબ ગુજરાતમાં આ વર્ષે 13.57 લાખ હેક્ટર (સવા છ વીઘાએ એક હેક્ટર થાય) એટલે કે 84.81 લાખ વીઘામાં ઘઉંનું વાવેતર થયું હતું. ગત વર્ષે તે 12.26 લાખ હેક્ટર (77.87 લાખ વીઘા) હતું અને તે રીતે, આ વર્ષે ઘઉંના વાવેતર વિસ્તારમાં લગભગ એક લાખ હેક્ટર જેટલો વધારો થયો હતો.

સેકન્ડ ઍડવાન્સ ઍસ્ટિમેટ મુજબ આ વર્ષે પ્રતિ હેક્ટર ઉત્પાદકતા 3,200 કિલો (1,000 કિલો એટલે એક ટન) એટલે કે 3.20 ટન રહેશે. વીઘા દીઠ ગણતરી કરતા તે પ્રતિ વીઘે 25.6 મણ (20 કિલોએ એટલે એક મણ) થાય. આ ઉત્પાદકતા ગત વર્ષની 3,131 કિલો પ્રતિ હેક્ટરથી 70 કિલો વધારે છે. એટલે કે, પ્રતિ વીઘે લગભગ 11 કિલો ઘઉં વધારે પાકશે તેવો અંદાજ છે.
43.44 લાખ ટન ઉત્પાદન અને 3,200 કિલોની ઉત્પાદકતા છેલ્લાં દસ વર્ષમાં નોંધાયેલ ત્રીજું સૌથી વધારે ઉત્પાદન અને ચોથી સૌથી ઊંચી ઉત્પાદકતા છે (ટેબલ જુઓ).
છેલ્લાં દસ વર્ષમાં ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન અને ઉત્પાદકતા 2019-20માં નોંધાઈ હતી જયારે રાજ્યમાં 45.53 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું અને ઉત્પાદકતા 3,267 કિલો રહી હતી.
ત્યાર બાદ 2020-21માં 43.78 લાખ ટન ઉત્પાદન અને 3,204 કિલો ઉત્પાદકતા નોંધાયેલ. 2021-22માં ઉત્પાદન ઘટીને 40.18 લાખ ટન થઈ ગયેલ પરંતુ ઉત્પાદકતા નજીવા વધારા સાથે 3205 કિલો થઈ હતી. પરંતુ, 3,200 કિલો પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા આ વર્ષની રાષ્ટ્રીય ઉત્પાદકતા 3,540 કિલો કરતા નોંધપાત્ર રીતે નીચી છે.
રાષ્ટ્રીય સ્તરે શું સ્થિતિ છે?
ભારતમાં 2024-25ના વર્ષમાં કુલ 326 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયેલું, જે ગત વર્ષના 318 લાખ હેક્ટર કરતા લગભગ આઠ લાખ હેક્ટર વધારે હતું.
કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 10 માર્ચે રજૂ કરેલ કેન્દ્ર સરકારના સેકન્ડ ઍડવાન્સ ઍસ્ટિમેટ અનુસાર દેશમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન 1,154 લાખ ટન એટલે કે 11.54 કરોડ ટન રહેવાનો અંદાજ છે. તે ગત વર્ષના 1,132 લાખ ટન કરતાં 23 લાખ ટન જેટલું વધારે હશે. જોકે ઉત્પાદકતા ગત વર્ષની 3,559 કિલોથી ઘટીને 3,540 કિલો થઈ જવાનો અંદાજ છે.
આ વર્ષે ઉત્તર પ્રદેશમાં 357 લાખ ટન, મધ્યપ્રદેશમાં 235 લાખ ટન, પંજાબમાં 172 લાખ ટન, હરિયાણામાં 113 લાખ ટન, રાજસ્થાનમાં 109 લાખ ટન અને બિહારમાં 69 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
ત્યાર પછી સાતમા સ્થાને ગુજરાત આવે છે જ્યાં 41.58 લાખ ટન (રાજ્ય સરકારના અંદાજ મુજબ 43.44 લાખ ટન) ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. હરિયાણા, પંજાબ અને બિહારને બાદ કરતા બાકીનાં રાજ્યોમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન વધવાનો અંદાજ છે.
ગુજરાતમાં ઘઉંની ઉત્પાદકતા કેમ નીચી છે?

ઇમેજ સ્રોત, Special Arrangement
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઘઉં સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક એ. એમ. પટેલ જણાવે છે કે ઘઉંના વાવેતર બાદ પ્રથમ 60થી 70 દિવસ દરમિયાન તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી નીચું રહે તો ઉત્પાદન સારું મળી શકે.
તેઓ કહે છે કે, "ઘઉંમાં ફૂટ અવસ્થા કે જયારે છોડના થડમાંથી ટીલર્સ (ઘઉંના થુમડામાંથી મુખ્ય સળી ઉપરાંત ઊગતી સળીઓ) ઊગી નીકળે છે, ફલાવરિંગ સ્ટેજ (ફૂલ અવસ્થા) કે જેમાં ઘઉંમાં ફૂલ આવે છે, પોન્ક અવસ્થા કે જેમાં ઘઉંની ડુંડીમાં દુધિયા દાણા થાય છે અને દાણા ભરાવવાની અવસ્થા મુખ્ય છે."
એ.એમ પટેલ કહે છે કે, "વાવેતર કર્યાના 40થી 45 દિવસે ફ્લાવરિંગ આવી જાય છે ત્યારે તાપમાન 25થી 30 ડિગ્રી હોવું જોઈએ. જો વાવેતર બાદ 70 જેટલા દિવસ સુધી તાપમાન આ રેન્જમાં રહે તો ઉત્પાદન સારું મળે છે. પરંતુ તાપમાન વધી જાય અને ગરમી પાડવા લાગે તો પાકમાં ફૉર્સડ મૅચ્યુરિટી આવી જાય એટલે કે સમય પહેલાં ઘઉં પાકી જાય."
"આવા સંજોગોમાં દાણા બરાબર ભરાતા નથી અને કદમાં નાના રહી જાય છે. તેથી, વજન પણ ઓછું રહે છે."
ગુજરાતના કૃષિ નિયામક પ્રકાશ રબારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "આ વર્ષે ફેબ્રુઆરી મહિનો ગરમ રહેતા તેની વિપરીત અસર ઘઉંના પાક પર પડી છે."
તેમણે ઉમેર્યું, "આ વર્ષે ફેબ્રુઆરીમાં રેકૉર્ડ ગરમી પડી અને તેથી ઘઉંમાં દાણો બરાબર ભરાયો નહીં. જો કે માર્ચ મહિનામાં કાશ્મીરમાં બરફવર્ષા થતા વાતાવરણ થોડું ઠંડું થયું અને તેથી તેનો થોડો ફાયદો ઘઉંના પાકમાં થયો છે."
"સાથે જ આ વર્ષે વરસાદ ખૂબ સારો થયો હોવાથી પિયતની સુવિધા સારી હતી તેથી એકંદરે ઉત્પાદકતા વધી છે."
તેમણે કહ્યું અને ઉમેર્યું, "ગયા વર્ષે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંના ભાવ ખેડૂતોને સારા મળ્યા હતા અને પરિણામે આ વર્ષે ખેડૂતોએ ઘઉંનું વાવેતર વધાર્યું. તેથી, રાજ્યનું કુલ ઉત્પાદન પણ વધવાનો અંદાજ છે."

ઇમેજ સ્રોત, Getty Images
આણંદ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણના નિયામક જે. કે પટેલ કહે છે કે જાન્યુઆરીના અંતિમ અઠવાડિયા અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણ ઘઉંના પાક માટે અનુકૂળ ન રહ્યું. પરિણામે, ઉત્પાદકતા પાંચથી દસ ટકા નીચી રહે તેવો અંદાજ છે," તેઓ કહે છે.
એ. એમ. પટેલે જણાવ્યું કે પંજાબ અને હરિયાણામાં ઉત્પાદકતા 5,000 કિલોથી 6,000 કિલો રહે છે અને તેની સરખામણીએ ગુજરાતમાં ઉત્પાદકતા ઘણી નીચી રહે છે. પરંતુ રબારીએ જણાવ્યું કે ત્યાંની ઊંચી ઉત્પાદકતા ત્યાંના વાતાવરણને આભારી છે.
જ્યારે ગુજરાત કૃષિ નિયામક પ્રકાશ રબારી કહે છે કે, "પંજાબ-હરિયાણા જેવાં રાજ્યોમાં શિયાળો લાંબો ચાલે છે અને શિયાળુ પાકને ઠંડા વાતાવરણવાળા દિવસો જેટલા વધારે મળે તેટલો પાક વધારે સારો થાય. પંજાબ-હરિયાણામાં ઘઉંનો પાક 120 દિવસનો હોય છે જયારે ગુજરાતમાં તે 105 થી 120 દિવસનો હોય છે. તેથી, ઉત્પાદકતા નીચી રહે છે. પરંતુ, પ્રતિ દિવસ મુજબ ઉત્પાદકતા ગણીએ તો આ તફાવત ઘટી જાય છે."
કિંમત ઘટતા સરકારે ટેકાના ભાવે ખરીદી આરંભી

ઇમેજ સ્રોત, Getty Images
ઘનશ્યામભાઈ કહે છે કે ગત વર્ષે તેમને કુલ ત્રણસો મણ ઘઉંનું ઉત્પાદન મળેલ અને તે પ્રતિ મણ છસ્સોને ભાવે વેચાયેલ. "પરંતુ હું જસદણ યાર્ડમાં થોડા દિવસ અગાઉ ધાણા વેચવા ગયેલ ત્યારે ઘઉંના ભાવ 480 રૂપિયા જ બોલતા હતા. આ ભાવ નીચા કહેવાય. તે છસ્સો તો હોવા જ જોઈએ તો જ ખેડૂતોને પોસાય," તેઓ જણાવે છે.
જેતપુર તાલુકાના પીઠડિયા ગામના ખેડૂત અનિલ ગોંડલિયા કહે છે કે તેમને ગત વર્ષે 3,000 મણ ઘઉંનું ઉત્પાદન મળ્યું હતું અને 490 થી 510 રૂપિયા ભાવ મળ્યો હતો.
"પરંંતુ આ વર્ષે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના યાર્ડઝમાંભાવ હાલ રૂપિયા 460 જેવો છે. તે 500 હોય તો પોષણક્ષમ કહેવાય કારણે કે મોંઘવારીના કારણે ખેતીનો ખર્ચ વધ્યો છે," તેઓ કહે છે.
રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દૈનિક એક હાજર ટન ઘઉંની અવાક થવા લાગી છે અને નેશનલ ઇ-નામ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર 18 માર્ચ 2025ના રોજ ઘઉં ટુકડાની મોડાલ કિંમત (જે-તે દિવસે જે ભાવે સૌથી વધારે ઘઉં વેચાય તે) 509 પ્રતિ મણ અને લોક-વનની કિંમત 506 હતી. તે કેન્દ્ર સરકારે આ વર્ષે જાહેર કરેલ લઘુતમ ટેકાના ભાવ રૂપિયા 485 કરતા થોડા વધારે છે.
"પરંતુ, બજાર ભાવ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછા હોવાથી સરકાર ઘઉં ટકેના ભાવે ખરીદી કરી રહી છે અને આ કામગીરી ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમને સોંપવામાં આવી છે," કૃષિ નિયામકે જણાવ્યું.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે ગુજરાતના ખેડૂતો પાસેથી બે લાખ ટન ઘઉં ખરીદવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
તેમણે કહ્યું કે, "સસ્તા અનાજની દુકાનો વાટે ગરીબોને અપાતા ઘઉંનો જથ્થો સ્થાનિક કક્ષાએ જ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને બે લાખ મેટ્રિક ટન ઘઉં ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવાની મંજૂરી આપી છે. આમ, બે લાખ ટન ઘઉં ખરદીવાનો અમારો ટાર્ગેટ છે. શરૂઆતમાં આ માટે પૈસાનું રોકાણ રાજ્ય સરકાર કરશે અને પછી તે કેન્દ્ર સરકાર સરભર કરી આપશે."
બાવળિયાએ ઉમેર્યું, "સોમવારથી ખરીદી ચાલુ કરી છે. હાલ પૂરતું જ્યાં ગોડાઉન ઉપલબ્ધ છે ત્યાં અને 25 એપીએમસીનાં યાર્ડોમાં ખરીદ કેન્દ્રો ખોલ્યાં છે. પણ જો ખેડૂતોની માંગણી હશે તો અમે અન્ય જગ્યાએ પણ ખરીદ કેન્દ્રો ખોલીશું."

ઇમેજ સ્રોત, Getty Images
ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો સોમવારે પ્રારંભ થયો અને કેટલાંક કેન્દ્રો પર ખરીદીની પૂરતી સુવિધાઓ ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. પરંતુ, નિગમના એક અધિકારીએ કહ્યું કે ખરીદી સરકારની સૂચના મુજબ વહેલી ચાલુ કરી છે અને બધી વ્યવસ્થાઓ કરવામાં થોડો સમય જોઈશે.
નિગમના એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતીને તેમની ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું, "કોરોનાના સમય દરમિયાન 2020-21ના વર્ષમાં ગુજરાતમાં અંદાજે એક લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી થઈ હતી. ત્યાર પછીનાં વર્ષોમાં ટેકાના ભાવે ઘઉં ખરીદવાની જાહેરાતો તો થતી જ અને ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂનો નામ નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરાતી પરંતુ છેલ્લાં ત્રણ વર્ષોમાં ભાગ્યે જ કોઈ ખેડૂતે તેમના ઘઉં સરકારને વેચ્યા છે."
"જો કે આ વર્ષે 51,803 ખેડૂતોએ તેમનાં નામ નોંધાવ્યાં છે અને નિગમ 218 ખરીદ કેન્દ્રો ખોલી ખરીદી કરશે. આ ખરીદી આમ તો પહેલી એપ્રિલથી ચાલુ થવાની હતી પરંતુ સરકારની સૂચના મુજબ તે 17 માર્ચથી શરૂ કરી છે. ખરીદ કેન્દ્રો પર હજુ બધી વ્યવસ્થાઓ ન થઈ હોવાથી ખરીદનો પ્રારંભ ધીમો થયો છે."
જો કે છૂટક બજારમાં ઘઉં ટુકડાની કિંમત છસો રૂપિયા બોલાય છે અને હાલ તેમાં કઈ ઘટાડો થાય તેવા અણસાર જણાતા ન હોવાનું વેપારીઓ જણાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













