સુનીતા વિલિયમ્સનો પરિવાર અમેરિકામાં શું કરે છે, તેમના પતિ સહિત પરિવારમાં કોણ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઝુલાસણ, મહેસાણા, સુનીતા વિલિયમ્સ, નાસા

ઇમેજ સ્રોત, Getty Images

બુધવારે વહેલી સવારે નવ મહિનાના લાંબા ઇંતેજાર બાદ આખરે સ્પેસમાં ફસાયેલાં ગુજરાતી મૂળનાં સુનીતા વિલિયમ્સ સહિતના અન્ય અવકાશયાત્રીઓને લઈને સ્પેસએક્સનું ડ્રૅગન સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર પરત ફર્યું છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અણધાર્યા 9 મહિના જેટલા લાંબા સમય માટે ફસાઈ ગયાં બાદ 17 કલાકની પડકારજનક મુસાફરી બાદ ધરતી પર સુરક્ષિત આવી પહોંચેલાં સુનીતા વિલિયમ્સ સહિતના તમામ અવકાશયાત્રીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.

આ સાથે ગુજરાતના મહેસાણામાં સ્થિત સુનીતાના પૈતૃક ગામ ઝુલાસણમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂન, 2024માં બોઇંગની સ્ટારલાઇનર કૅપ્સ્યૂલની પરીક્ષણલક્ષી ઉડાણના ભાગરૂપે આઠ દિવસીય મિશન પર ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પહોંચ્યાં હતાં. જે બાદ કૅપ્સ્યૂલમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંનેએ લગભગ નવ માસ સુધી આઇએસએસ પર જ રહેવું પડ્યું હતું.

હવે જ્યારે બંને અવકાશયાત્રીઓ સ્પેસએક્સની ડ્રૅગન કૅપ્સ્યૂલની મદદથી ધરતી પર ક્ષેમકુશળ આવી પહોંચ્યાં છે ત્યારે ગુજરાત સહિત આખા દેશમાં લોકો સુનીતાનાં ભારતીય મૂળ, અંગત જીવન અને અમેરિકામાં તેમના પરિવાર અંગે વધુ જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

સુનીતા વિલિયમ્સ : ગુજરાતી પિતા અને સ્લોવેનિયન માતાનાં પુત્રી

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઝુલાસણ, મહેસાણા, સુનીતા વિલિયમ્સ, નાસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સ સાથે તેમના પિતા દીપક પંડ્યા

'વીમેન ઇન સ્પેસ : 23 સ્ટોરીઝ ઑફ ફર્સ્ટ ફ્લાઇટ્સ, સાયન્ટિફિક મિશન્સ ઍન્ડ ગ્રેવિટી-બ્રેકિંગ ઍડ્વેન્ચર્સ' પુસ્તકમાં સુનીતા વિલિયમ્સના પરિવાર અંગે કેટલીક વિગતો આપેલી છે.

આ પુસ્તકમાં કરાયેલ ઉલ્લેખ અનુસાર સુનીતા વિલિયમ્સના પિતા, દીપક પંડ્યા ભારતીય હતા. જ્યારે તેમનાં માતા સ્લોવેનિયન છે. ખાસ વાત તો એ છે કે અવકાશયાત્રી બનનાર મૂળ ભારતીય અને સ્લોવેનિયન તરીકે સુનીતા માત્ર બીજી વ્યક્તિ છે. તેમના પિતા એક ખ્યાતનામ ડૉક્ટર (ન્યૂરોએનાટોમિસ્ટ) હતા.

સુનીતાનો જન્મ ઓહાયોના યુક્લીડમાં થયો હતો. જોકે, તેમનો ઉછેર મેસાચ્યુસેટ્સના નીધમ ખાતે થયો હતો.

તેમનાં માતા હજુ આ ક્ષેત્રની નજીકના ફેલામાઉથ ખાતે રહે છે.

ધ ડેઇલી ગાર્ડિયનના એક ઓનલાઇન અહેવાલ અનુસાર મૂળ ગુજરાતના મહેસાણાના ઝુલાસણ ગામના તેમના પિતા ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 1953માં ઇન્ટરમિડિયેટ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને વર્ષ 1957માં એમડી થયા હતા.

અમેરિકા પહોંચ્યા બાદ દીપકભાઈએ ક્લીવલૅન્ડ ખાતે મેડિસિનમાં પોતાની ઇન્ટર્નશિપ અને રેસિડન્સી પૂરી કરી હતી.

વર્ષ 1964માં તેઓ કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાં પોસ્ટડૉક્ટોરલ ફેલો તરીકે જોડાયા અને બાદમાં ઘણી હૉસ્પિટલો અને રિસર્ચ સેન્ટરો સાથે સક્રિય રહ્યા. ઑક્ટોબર, 2020માં અમેરિકામાં જ દીપકભાઈનું અવસાન થયું હતું.

બીજી બાજુ સુનીતાનાં માતા ઉર્સુલિન બોની ઝાલોકર સ્લોવેનિયન-અમેરિકન છે. તેઓ વર્ષ 1957માં દીપક પંડ્યાને મળ્યાં હતાં. જે બાદ ટૂંક સમયમાં જ બંનેનાં લગ્ન થઈ ગયાં હતાં. બોની તરીકે ઓળખાતાં સુનીતાનાં માતાએ તાજેતરમાં એક ખાનગી સંસ્થા સાથેની વાતચીતમાં તેમની દીકરીની તાજેતરની લાંબી અવકાશયાત્રા બાબતે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

સુનીતા વિલિયમ્સના પતિ માઇકલ શું કરે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઝુલાસણ, મહેસાણા, સુનીતા વિલિયમ્સ, નાસા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુનીતા વિલિયમ્સનાં લગ્ન માઇકલ જે. વિલિયમ્સ સાથે 20 વર્ષ પહેલાં થયાં હતાં.

કિડ્ઝ બ્રિટાનિકા ડોટ કૉમ પ્રમાણે યુએસ નેવલ ઍકેડેમીમાં તેઓ પ્રથમ વખત માઇકલને મળ્યાં હતાં.

તેઓ હાલ ટેક્સાસ બૅઝ્ડ ફેડરલ માર્શલ છે. સુનીતા અને માઇકલ બંને તાલીમબદ્ધ હેલિકૉપ્ટર પાઇલટ રહી ચૂક્યાં છે.

નાસાની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર આ દંપતીને તેમના કૂતરા સાથે લટાર મારવાનું ગમે છે. સુનીતા અને માઇકલને કસરત કરવાનું, ઘરકામ, કાર અને ઍરપ્લેનનું કામકાજ તેમજ હાઇકિંગ-કૅમ્પિંગ ગમે છે.

સુનીતા અને માઇકલનાં કોઈ બાળકો નથી.

હાલ બંને ફ્લોરિડામાં રહે છે. સુનીતાને ઍક્ટિવ રહેવાનું ગમે છે, તેમને સ્નોબોર્ડિંગ અને બો હંટિંગ જેવી પ્રવૃત્તિઓમાં પણ ભારે રુચિ છે. શરીર અને મનની ક્ષમતાની કસોટી કરી દેતી અત્યંત મુશ્કેલ ટ્રાયથલોનની રમત પણ તેમને પ્રિય છે.

માઇકલે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "સુનીતા માટે સ્પેસ એ ખુશીનું સ્થળ છે."

અવકાશયાત્રા મામલે સુનીતાનાં જુસ્સા અને ધગશનું તેમને ગૌરવ છે.

સુનીતા વિલિયમ્સના ઝુલાસણ ખાતે રહેતા પિતરાઈ ભાઈ દિનેશભાઈ રાવળે અમેરિકામાં સુનીતા વિલિયમ્સના પરિવારના લોકો વિશે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાતચીત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "અમારું લગભગ આખું કુટુંબ અમેરિકામાં જ સ્થાયી છે. અમારી મોટા કાકાના છોકરાની પત્ની ફાલ્ગુની અન્ય સંબંધી પ્રશાંત સુનીતા વિલિયમ્સ સાથે ખૂબ જ નિકટતાથી જોડાયેલાં છે. મારાં ભાઈ, બહેન અને કાકા-કુટુંબના ઘણા લોકો અમેરિકા જ છે."

સુનીતા વિલિયમ્સ : તાલીમબદ્ધ હેલિકૉપ્ટર પાઇલટથી અવકાશયાત્રી સુધીની સફર

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઝુલાસણ, મહેસાણા, સુનીતા વિલિયમ્સ, નાસા

ઇમેજ સ્રોત, Getty Images

સુનીતાની પ્રારંભિક કારકિર્દી અંગે પુસ્તકમાં લખાયું છે એ પ્રમાણે તેઓ પ્રારંભિક તબક્કામાં યુએસ નેવલ ઍકેડેમીમાં દાખલ થયાં હતાં. જ્યાં તેમણે ફિઝિકલ સાયન્સમાં અંડર-ગ્રૅજ્યુએટ ડિગ્રી અને નેવલ ઍવિએટર અને ડાઇવર તરીકેની તાલીમ પ્રાપ્ત કરી હતી.

નેવલ ઍવિએટર તરીકે તેમણે સ્પેશિયલાઇઝ્ડ હેલિકૉપ્ટર ટ્રેનિંગ પ્રાપ્ત કરી હતી, જે બાદ તેમને પ્રથમ ખાડી યુદ્ધમાં મદદ માટે અને બાદમાં માનવીય સહાય પૂરી પાડવા માટેના ઑપરેશન પ્રોવાઇડમાં જોડવામાં આવ્યાં હતાં.

પોતાની કારકિર્દીમાં આગળ સુનીતાએ એન્જિનિયરિંગ મૅનેજમૅન્ટમા માસ્ટર ઑફ સાયન્સની ડિગ્રી હાંસલ કરી હતી. જે બાદ તેમણે ટેસ્ટ પાઇલટ ટ્રેનિંગ મેળવીને ઇન્સ્ટ્રકટર તરીકે પણ સેવા આપી.

તેમની પાસે 30 પ્રકારનાં વિમાનોમાં ત્રણ હજાર કલાકનાં ઉડ્ડયનનો અનુભવ છે.

વર્ષ 1998માં ઍસ્ટ્રોનોટ પ્રોગ્રામમાં જોડાયાં. જે બાદ તેમણે ટેકનિકલ બ્રીફિંગ, ફિઝિયૉલોજિકલ ટ્રેનિંગ અને વૉટર ઍન્ડ વીલ્ડરનેસ સર્વાઇવલ ઇન્સ્ટ્રક્શન હાંસલ કર્યાં.

નીમો 2 સ્પેસ મિશનનાં એક ક્રૂ મેમ્બર તરીકે તેઓ નવ દિવસ અંડરવૉટર હેબિટાટમાં રહ્યાં હતાં.

પોતાની પ્રથમ ઉડાણ બાદ તેમણે ઍસ્ટ્રોનોટ ઑફિસના ડેપ્યૂટી ચીફ તરીકે સેવા આપી.

તેઓ અત્યાર સુધી ઘણી વખત અવકાશયાત્રાએ જઈ આવ્યાં છે.

તાજેતરની પોતાની અવકાશયાત્રા દરમિયાન કરેલી સ્પેસવૉક સહિત તેઓ પોતાના નામે કોઈ પણ મહિલા ઍસ્ટ્રોનોટ દ્વારા સૌથી વધુ સ્પેસવૉક કરવાનો રેકૉર્ડ ધરાવે છે. તેઓ અત્યાર સુધી 62 કલાક છ મિનિટ સુધી સ્પેસવૉક કરી ચૂક્યાં છે. જે તેમને નાસાની આ સંદર્ભની યાદીમાં ચોથા ક્રમે મૂકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.