You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દાહોદ : 6 વર્ષની બાળકીની હત્યા કરનારા આચાર્યને પકડવા પોલીસે કેવી યુક્તિ કરી?
પોલીસ ટીમના સભ્યો સામાજિક સંસ્થાના કાર્યકરો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ બનીને વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કેળવે છે અને પૂછપરછ કરે છે. ગૂગલ ટાઇમ લાઇનનો ઉપયોગ કરીને સતત ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે.
છ વર્ષની બાળકીના કથિત બળાત્કાર અને હત્યાનો કેસ ઉકેલવા માટે દાહોદ પોલીસે અલગ વ્યૂહરચના અપનાવીને ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી લીધી.
સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં પોલીસે જે શાળામાં બાળકી ભણતી હતી તેના આચાર્ચની ધરપકડ એ બાળકીના હત્યાના આરોપ હેઠળ કરી છે. પોલીસે સમગ્ર મામલામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) મુજબ ગુનો નોંધીને તપાસ કરી રહી છે.
હાલમાં પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જે બાદ આરોપી સામેની ફરિયાદમાં બીજી કલમો ઉમેરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
લિમખેડા તાલુકાના એક ગામમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ગુરૂવાર 19 તારીખે ગુમ થઈ ગઈ હતી. છોકરી શાળાએ ગઈ હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.
તેના પરિવારો બાળકીને શોધતાં શોધતાં શાળામાં પહોંચ્યા ત્યારે તે શાળાના ઓરડાઓ અને કંપાઉન્ડની દિવાલની વચ્ચે બેભાન અવસ્થામાં મળી આવી હતી. પરિવારના સભ્યો બાળકીને લિમખેડા સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. તપાસમાં ફોરેન્સિક ટીમ, ફિંગરપ્રિન્ટ ઍક્સ્પર્ટ ટીમ અને ડૉગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી, પરંતુ કોઈ મહત્ત્વની કડી મળી નહોતી.
આખરે, જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) અને સ્પેશયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) સહિત 10 ટીમ બનાવીને તેમને કેસની તપાસ સોંપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તપાસ દરમિયાન પોલીસને એક એવી માહિતી મળી જેનાથી સમગ્ર ભેદ થોડા જ સમયમાં ઉકેલાઈ જવાનો હતો. પોલીસને જાણ થઈ કે બાળકી છેલ્લે શાળાના આચાર્ચ સાથે જોવા મળી હતી.
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું, ''અમે બાળકીના ગામમાં પૂછપરછ કરી તો ગામલોકોએ જણાવ્યું કે ગુરૂવારે સવારે 10:30 વાગ્યે બાળકીની માતાએ આચાર્ય શાળાએ જતા હોવાથી તેમની કારમાં તેમની દીકરીને બેસાડી હતી.''
પોલીસે જ્યારે શાળાના આચાર્ય ગોવિંદભાઈ નટની પૂછપરછ કરી ત્યારે તેમણે જણાવ્યું કે, ''હું બાળકીને શાળાએ લઈ ગયો હતો. મારી ગાડીમાંથી ઊતરીને બાળકી કઈ જગ્યાએ ગઈ તે વિશે મને કોઈ માહિતી નથી. હું મારું કામ પતાવીને ઘરે આવી ગયો હતો.''
ગોવિંદભાઈએ પોલીસને એ પણ જણાવ્યું કે તેમને બાળકીના ગુમ થવાની જાણ વર્ગ શિક્ષક મારફથે થઈ હતી. પોલીસે આચાર્યને અન્ય સવાલો કર્યા હતા, પરંતુ તેના સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસની શંકા દૃઢ બની હતી.
શાળાનાં બાળકોની પૂછપરછ કરતાં મળી વિગતો
આચાર્ચ ગોવિંદ નટે પોલીસને સતત એવું જણાવ્યું હતું કે તેઓ બાળકીને શાળાએ મૂકીને ગયા હતા, પરંતુ પોલીસને આ વાત ગળે ઊતરતી નહોતી. પોલીસે આ વિશેની તપાસ કરવા માટે નવતર પ્રયોગ અજમાવ્યો.
પોલીસ અધિકારીઓ સામાજિક સંસ્થાના કાર્યકરો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ બનીને શાળામાં ગયા હતા અને વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કેળવી હતી. બાળકોને ચૉકલેટ આપ્યાં હતા અને બાળકી વિશે પૂછપરછ કરી હતી.
વિદ્યાર્થીઓએ પોલીસને જણાવ્યું કે ગુરૂવારે બાળકી શાળામાં આવી જ નહોતી. તે પ્રાર્થના સમયે દેખાઈ નહોતી અને જ્યારે મધ્યાહ્ન ભોજન આપવામાં આવ્યું ત્યારે પણ તે જોવા મળી નહોતી.
પોલીસે શાળાના શિક્ષકો અને અન્ય સ્ટાફની પણ પૂછપરછ કરી તેમાં પણ આ જ વાત સામે આવી હતી.
ડૉ. રાજદીપસિંહ ઝાલા કહે છે, ''શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે શાળા છૂટ્યા બાદ તેણે બાળકીને આચાર્યની ગાડીમાં ઊંઘેલી અવસ્થામાં જોઈ હતી. અમારા માટે આ એક બહુ મહત્ત્વની કડી હતી.''
''અમે આચાર્ય ગોવિંદ નટના મોબાઈલ ફોનનું ટેકનિકલ ઍનાલિસિસ કર્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે ઘટનાના દિવસે બાળકીને જે જગ્યાએથી કારમાં બેસી હતી, ત્યાંથી શાળાએ જવામાં જેટલો સમય લાગે છે તેના કરતાં વધારે સમય લાગ્યો હતો. અમે તેમના ફોન રૅકોર્ડ પણ ચેક કર્યા હતા. અમે આચાર્યની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલી લીધો હતો.''
પોલીસ અનુસાર આચાર્યએ બાળકીને પોતાની કારમાં બેસાડ્યાં બાદ છેડછાડ કરતાં તે બૂમો પાડવા લાગી હતી. બાળકીને બૂમો પાડતી અટકાવવામાં માટે તેમણે તેનું મોઢું દબાવી દીધું હતું, જેના કારણે તે ગૂંગળાઈને મૃત્યુ પામી હતી.
ડૉ. રાજદીપસિંહ ઝાલા કહે છે, ''બાળકીની હત્યા કર્યા બાદ આચાર્ય ગોવિંદ નટે તેનો મૃતદેહ પાછળની સીટમાં મૂકી દીધો હતો. તેઓ શાળાએ ગયા હતા અને પોતાના રોજિંદા કામમાં લાગી ગયા હતા. સાંજે બાળકીના મૃતદેહને શાળાના ઓરડા અને કંપાઉન્ડની દિવાલ વચ્ચે મૂકી દીધો હતો. તેના ચંપલ અને સ્કૂલબૅગ તેના વર્ગખંડની બહાર મૂકી દીધાં હતા.''
ઘટનાથી સમગ્ર પંથક આઘાતમાં
છ વર્ષની બાળકીની અપહરણ અને કથિત બળાત્કાર અને હત્યાની ઘટનાથી તેના ગામના લોકો આઘાતમાં છે. સૌથી વધુ ગુસ્સો લોકોને એ વાતનો છે કે શાળાના આચાર્ચ, જેમને તેઓ બહુ સન્માન આપતાં હતા, તેમણે આ કૃત્ય કર્યું છે.
બીબીસી સહયોગી દક્ષેશ શાહ કહે છે, ''ગોવિંદ નટ છેલ્લાં 18 વર્ષથી આ શાળામાં આચાર્ચ તરીકે કાર્ય કરતા હતા. તેઓ સામાજિક અને ધાર્મિક કાર્યોમાં સક્રિય રીતે ભાગ લેતા હતા તેના કારણે ગામમાં અને આજુબાજુનાં ગામડાંમાં તેમનું બહુ માન હતું. ગામલોકો તેમને આદરભાવથી જોતા હતા. આ ઘટના બની ત્યારે કોઈને કલ્પના નહોતી કે આચાર્યએ આ કૃત્ય કર્યું હશે. કેટલાક લોકો હજુ માનવા તૈયાર નથી.''
ઘટના બાદથી લોકો બાળકોને એકલા શાળાએ મોકલતાં ગભરાઈ રહ્યાં છે. કેટલાક વાલીઓએ માગ કરી છે કે શાળામાં બાળકો માટે સુરક્ષા વધારવામાં આવે.
બીબીસી સહયોગી દક્ષેશ શાહ સાથે વાત કરતા એક વાલી કહે છે, હવે આચાર્ચ આવું કૃત્ય કરે તો કઈ વ્યક્તિ પર ભરોસો મૂકવો? શાળામાં મારાં બાળકો સુરક્ષિત રહેશે તેની જવાબદારી કોણ લેશે. હવે તો બાળકને શાળાએ મોકલવામાં ડર લાગે છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)