અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાન પૂર્ણ, મતગણતરી ચાલુ, કોણ બનશે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે કમલા?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હૅરિસે છેક છેલ્લી ઘડી સુધી પ્રચાર કર્યો હતો.
મતદાન પહેલાં થયેલા અંતિમ સર્વેક્ષણોમાં પણ બંને વચ્ચેની લડાઈ અતિશય નજીકની જોવા મળી હતી. છેક છેલ્લી ઘડી સુધી સર્વેક્ષણો પરથી એ સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે ક્યા ઉમેદવારની વિજેતા બનવાની શક્યતા વધુ છે.

ક્યારે જાહેર થશે અંતિમ પરિણામ?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે મોટાભાગના રાજ્યોમાં ચૂંટણીપરિણામો 24 કલાકની અંદર આવી જતા હોય છે. એટલે કે ભારતીય સમય પ્રમાણે સાતમી નવેમ્બરની સવાર સુધીમાં પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવી સંભાવના છે.
સાત સ્વિંગ રાજ્યો સહિત અનેક રાજ્યોએ વર્ષ 2020ની ચૂંટણી પછી પોતાની ચૂંટણીપ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. જેના કારણે પણ આ વખતે ચૂંટણીપરિણામોમાં મોડું થાય તેવી શક્યતા પણ રહેલી છે.
ન્યૂઝ ઍજન્સી રૉઇટર્સના અહેવાલ પ્રમાણે અંદાજે સાત કરોડ અમેરિકન મતદારોએ નિયત મતદાનની તારીખ પહેલાં જ વહેલું મતદાન કરી દીધું છે. જેમાં અનેક લોકોએ ટપાલથી પણ મતદાન કર્યું હોવાથી મતગણતરીમાં થોડો વિલંબ થઈ શકે છે.
અમેરિકાની વર્ષ 2020ની ચૂંટણી માટે ત્રીજી નવેમ્બરના રોજ મતદાન થયું હતું, પણ અંતિમ વિજેતા જાહેર થતાં સાતમી નવેમ્બર સુધી રાહ જોવી પડી હતી.
આ વખતે પણ કમલા હૅરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ભારે રસાકસી હોવાને કારણે, અતિશય પાતળું માર્જિન હોવાને કારણે પરિણામ મોડું આવે તેવી શક્યતા છે. કારણ કે અનેક જગ્યાએ પુન: મતગણતરીની પણ માગ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વિંગ સ્ટેટ્સમાં ભારે રસાકસીની શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images
ઍરિઝોના, જ્યૉર્જિયા, મિશિગન, નૅવાડા, નૉર્થ કૅરોલિના, પૅન્સિલ્વેનિયા તથા વિસ્કોન્સિન એ સાત રાજ્ય છે, જેમને સ્વિંગ સ્ટેટસ તરીકે ઓળખવામાં આવે છે.
આ સાત રાજ્યો પર જ મદાર રહેલો છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ કોણ બનશે. બંને ઉમેદવારોએ આ રાજ્યમાં અંતિમ ઘડી સુધી જબરદસ્ત પ્રચાર કર્યો છે.
કમલા હૅરિસ માટે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તથા ડોનાલ્ડ ટ્રમ્પ માટે અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્કે ચૂંટણીપ્રચાર કર્યો હતો.
બંને ઉમેદવારોએ ભારતીય મૂળના તથા દક્ષિણ એશિયાઈ મતદારોને રીઝવવા માટે પણ ઘણા પ્રયત્નો કર્યા હતા.
અનેક સર્વેક્ષણોમાં એ પણ સામે આવ્યું હતું કે સ્ત્રી મતદારો કમલા હૅરિસ પક્ષે તથા પુરુષ મતદારો ડોનાલ્ડ ટ્રમ્પ પક્ષે મજબૂતીથી ઊભા છે. અમેરિકન સમાજ પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે સ્પષ્ટ વહેંચાયો હોવાનો દાવો અનેક સર્વેક્ષણોમાં થયો હતો.
ચૂંટણીપ્રચારમાં ક્યા મુદ્દાઓ છવાયેલા રહ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
પ્યૂ રિસર્ચ સેન્ટરે કરેલા સર્વેક્ષણ પ્રમાણે, અર્થતંત્ર, ઇમિગ્રેશન, મોંઘવારી અને હૅલ્થકેર જેવા મુદ્દાઓ અમેરિકાની ચૂંટણીમાં ખૂબ છવાયેલા રહ્યા છે.
ટ્રમ્પ સમર્થકો માટે આ ચૂંટણીમાં અર્થતંત્ર, ઇમિગ્રેશન અને હિંસક ગુનાઓ સૌથી વધુ મહત્ત્વના હતા.
જ્યારે હૅરિસ સમર્થકો માટે હૅલ્થકેર, સુપ્રીમ કોર્ટમાં નિમણૂંકો સૌથી વધુ મહત્ત્વના મુદ્દાઓ રહ્યા હતા.
રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ગોળીબાર બાદ પ્રચારમાં એ મુદ્દો પણ છવાયેલો રહ્યો હતો.
અનેક મતદારો માટે વિદેશનીતિનો મુદ્દો પણ એટલો જ અગત્યનો રહ્યો છે એવું આ સર્વેક્ષણોમાં સામે આવ્યું છે. વિશ્વમાં અનેક જગ્યાએ ચાલુ યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિને કારણે સમગ્ર વિશ્વની નજર અમેરિકાની ચૂંટણી પર ટકેલી છે. નવા રાષ્ટ્રપતિની વિદેશનીતિ કેવી રહેશે તેના પર પણ સૌની નજર છે.
જો બાઇડને નામ પરત ખેંચ્યું અને સ્પર્ધાનો માહોલ જામ્યો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની ચૂંટણીમાં આ વખતે પણ રાષ્ટ્રપતિ જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સ્પર્ધા થવાની હતી.
પરંતુ બંને વચ્ચે થયેલી પહેલી ડિબેટમાં બાઇડનના નબળા પ્રદર્શન પછી તેમના પર રાષ્ટ્રપતિપદની દોડમાંથી ખસી જવાનું દબાણ ઊભું થયું હતું. તેમના પક્ષ ડેમૉક્રૅટિક પાર્ટીમાંથી જ વિરોધના સૂર સંભળાવાના શરૂ થયા હતા.
આ ડિબેટ પછી 22 જુલાઈ, 2024ના રોજ બાઇડને રાષ્ટ્રપતિપદની દોડમાંથી પોતાનું નામ પાછું ખેંચીને કમલા હૅરિસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ કમલા હૅરિસને ડેમૉક્રેટિક પક્ષના અધિકૃત ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હૅરિસે એકબીજા પર અતિશય આકરા પ્રહારો કર્યા અને તેમના વચ્ચેની ડિબેટ પણ જબરદસ્ત રહી. ત્યારબાદ બંને વચ્ચેનું અંતર પણ ઘટતું ગયું અને ચૂંટણી અતિશય રસાકસીભરી બની ગઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












