'મોંથા' વાવાઝોડું પ્રચંડ વેગથી આંધ્ર પ્રદેશમાં ત્રાટક્યું, હવે કઈ દિશામાં આગળ વધ્યું?

ઇમેજ સ્રોત, imd
બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડાએ લૅન્ડફૉલ કર્યું છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મોંથાએ તેના અનુમાનિત માર્ગ મુજબ જ કાકીનાડા અને મછલીપટ્ટનમની વચ્ચે લૅન્ડફૉલ કર્યું છે. ત્યાર પછી સાઉથમાં કાકીનાડાને પાર કર્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે લૅન્ડફૉલ થયા પછી વાવાઝોડું નબળું પડી ગયું છે. મંગળવારે સાંજે સાત વાગ્યે લૅન્ડફૉલની પ્રક્રિયા શરૂ થઈ હતી અને ત્યાર પછી વાવાઝોડાએ કાકીનાડાનો કિનારો પાર કર્યો હતો.
મોંથા વાવાઝોડું હવે દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યું છે અને તે થોડું નબળું પડ્યું છે.
મંગળવારે સવારે વાવાઝોડું સર્જાયા પછી આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ શરૂ થયો હતો. બુધવારે આંધ્રના દરિયાકિનારાના જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
બીબીસી તેલુગુના અહેવાલ પ્રમાણે મંગળવારે રાતે 11.30 વાગ્યાથી 12.30 વાગ્યા વચ્ચે મછલીપટ્ટનમ અને કાકીનાડાના સમુદ્રતટને વાવાઝોડું વટાવી ગયું છે. અડધી રાતે જારી કરાયેલા બુલેટિન પ્રમાણે આગામી છ કલાકમાં તે નબળું પડી જશે. આમ છતાં કિનારે રહેતા લોકોને સાવધાન રહેવાની સૂચના અપાઈ છે.
આના કારણે શ્રીકાકુલમ, વિજયનગરમ, માન્યમ, અલ્લુરી, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, એલુરુ, કૃષ્ણા, ગુંટૂર વગેરે જિલ્લામાં ઘણી જગ્યાએ વરસાદ પડશે.
મોંથા વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશ, તેલંગણા, તામિલનાડુ, ઓડિશા, કેરળ, છત્તીસગઢ અને પુડુચેરીની સરકારો ઍલર્ટ હતી.
વાવાઝોડું જમીન ઉપર ત્રાટક્યું તે સમયે તેની ઝડપ 90થી 100 કિલોમીટર પ્રતિકલાકની હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ પ્રક્રિયા લગભગ ચારથી પાંચ કલાક સુધી ચાલશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીના મૅનેજિંગ ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, ત્રણથી ચાર કલાકમાં આ વાવાઝોડું દરિયાકિનારા પરથી પસાર થઈ જશે.
ઓડિશાના હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ઓડિશાના કોરાપુટ અથવા મલકાનગિરી ક્ષેત્રમાં વાવાઝોડા મોંથાની તીવ્રતા ઘટવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડૉ. એમ. મહાપાત્રાએ વાવાઝોડાની અસર વિશે ટીવી ચૅનલ એનડીટીવી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે વાવાઝોડાની સૌથી વધુ અસર આંધ્ર પ્રદેશમાં જોવા મળશે. ત્યાર પછી ઓડિશા, છત્તીસગઢ અને તામિલનાડુમાં તેની અસર જોવા મળશે. અહીં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે.
મોંથા વાવાઝોડું શક્તિશાળી બન્યું

ઇમેજ સ્રોત, ANI
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે મોંથા વાવાઝોડું મંગળવારે વધુ શક્તિશાળી બન્યું અને સિવિયર સાયક્લોન એટલે કે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું.
મોંથાને કારણે તામિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. મોંથાને પગલે આંધ્ર પ્રદેશ, ઓડિશામાં ચક્રવાતની ચેતવણી આપવામાં આવી છે.
મોંથાની અસર હેઠળ મહારાષ્ટ્રના વિદર્ભમાં 28થી 30 ઑક્ટોબર વચ્ચે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ચક્રવાતી વાવાઝોડાની આગાહીના પગલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા, પુડુચેરી અને આંદામાન-નિકોબારમાં ભાજપના એકમોને રાહત અને સહાય કાર્ય માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે.
ઓડિશામાં તૈયારીઓ

ઇમેજ સ્રોત, ANI
મોંથાને પગલે ઓડિશાના તટીય પ્રદેશોમાં એસડીઆરએફની (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) 30 તથા એનડીઆરએફની (નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) 123 ઇમર્જન્સીની ટીમોને રાહત અને બચાવકાર્ય માટે સજ્જ રાખવામાં આવી છે.
ઓડિશામાં બે હજાર 48 રાહતછાવણીઓ શરૂ કરવામાં આવી છે. અત્યારસુધીમાં 11 હજાર કરતાં વધુ લોકોને સલામતસ્થળે ખસેડવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, જરૂર પડ્યે વધુ 30 હજાર લોકોને સલામતસ્થળે ખસેડવામાં આવશે.
આ સિવાય બે હજાર 693 ગર્ભવતી મહિલાઓને હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવી છે. ઓડિશાના મુખ્ય મંત્રી મોહન ચરણ માઝીએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ભુવનેશ્વરસ્થિત હવામાન કેન્દ્રનાં ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું, "મછલીપટ્ટનમ તથા વિશાખાપટ્ટનમસ્થિત ડૉપલર વૅધર રડાર (ડીડબલ્યુઆર), જહાજો તથા સૅટેલાઇટની મદદ સતત વાવાઝોડા ઉપર નજર રાખવામાં આવી રહી છે."
મોંથાને કારણે 42 ટ્રેન રદ કરી દેવામાં આવી છે તથા અનેક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આ સિવાય અમુક ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
લોકોને ઘરમાં જ રહેવા સૂચના, ટ્રેન-વિમાન સેવાને અસર

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આંધ્ર પ્રદેશના કિનારાવર્તી ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડશે. રાયલસીમામાં ભારે વરસાદ પડી શકે છે.
શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, નેલ્લોર, કોનસીમા, કાકીનાડા અને પ્રકાશમ જિલ્લામાં પહેલેથી ભારે વરસાદ પડી રહ્યો છે.
ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીના ડાયરેક્ટર પ્રખર જૈને સલાહ આપી છે કે રાજ્યભરમાં 95 ક્ષેત્રમાં તોફાનની તીવ્રતા ભારે રહેવાની શક્યતા છે તેથી લોકોએ ઘરની અંદર જ રહેવું જોઈએ.
હવામાન વિભાગે આંધ્ર પ્રદેશમાં 26માંથી 23 જિલ્લામાં રેડ અને ઑરેન્જ એલર્ટની જાહેરાત કરી. આ સિવાય તામિલનાડુમાં ચેન્નાઈમાં શાળા-કૉલેજોમાં રજા જાહેર કરી દેવાઈ.
દક્ષિણ મધ્ય રેલવેએ વિશાખાપટ્ટનમ જતી ઘણી ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. પાટાનું નિરીક્ષણ કર્યા પછી અને હવામાનની સ્થિતિ સુધરે પછી જ ટ્રેનો શરૂ થશે.
વિજયવાડાથી દેશના અલગ-અલગ ભાગોની ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. ઇન્ડિગોએ જાહેરાત કરી કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઉડાન સેવાને અસર થઈ શકે છે. લોકોને વેબસાઇટ પર ઉડાનની સ્થિતિ જોયા પછી જ ઍરપૉર્ટ જવાની સલાહ અપાય છે.
મોંથા વાવાઝોડાની ગુજરાતને અસર થશે?

મોંથા વાવાઝોડું આંધ્ર પ્રદેશ પર ત્રાટકશે એટલે એની સીધી અસર ગુજરાતને થવાની શક્યતા નથી.
સામાન્ય રીતે બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાની સીધી અસર ગુજરાતને થતી નથી હોતી. ઘણી વખત વાવાઝોડું આંધ્ર પ્રદેશ કે તામિલનાડુ પરથી ગુજરાત પર આવે ત્યારે તેની થોડી અસર થતી હોય છે.
પરંતુ જ્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તો એ ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ કે તામિલનાડુના દરિયાકાંઠે ત્રાટકતાં હોય છે.
વાવાઝોડું જમીન ઉપર ત્રાટક્યા બાદ તે નબળું પડી જાય અને તેની બાકી રહેલી સિસ્ટમ ઘણી વખત અસર કરતી હોય છે. એટલે બંગાળની ખાડીનું વાવાઝોડું સીધું જ ગુજરાતને અસર કરે નહીં.
આ મોંથા વાવાઝોડું આંધ્ર પ્રદેશ પર ત્રાટક્યા બાદ તે વળાંક લેશે અને ઉત્તર ભારત તરફ જાય એવી શક્યતા છે. જેના કારણે તેની સીધી અસર ગુજરાતને થવાની શક્યતા નથી.
ચક્રવાતી વાવાઝોડું કઈ રીતે બને?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જળવાયુ પરિવર્તનને કારણે પહેલાં કરતાં હાલ વાવાઝોડાની સંખ્યામાં વધારો થયો છે, દરિયાની જળસપાટી ગરમ થતાં વાવાઝોડાં પહેલાં કરતાં તીવ્ર પણ વધુ બન્યાં છે.
સામાન્ય ભાષામાં કહીએ તો વર્તુળાકાર ભારે વેગથી ફૂંકાતું હવાનું તોફાન એટલે વાવાઝોડું, પરંતુ હવામાનની ભાષામાં સમજીએ તો ઉષ્ણકટીબંધીય પ્રદેશોમાં જળસપાટી પરની ગરમ હવા હળવી થાય છે, જે દબાણ પેદા કરે છે અને એક પૉઇન્ટ પર ક્ષેત્ર સર્જે છે.
સાનુકૂળ વાતાવરણમાં દરિયાઈ પાણીમાં લૉ પ્રેશર સર્જાય છે અને એક કેન્દ્ર પર એકઠું થાય છે. એવામાં જો દરિયાઈ સપાટી ગરમ હોય, વાવાઝોડાને સર્જાવા માટે 26.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ ગરમ જળસપાટી અનુકૂળ રહે છે.
તો જો લૉ પ્રેશરના સર્જાવાની ઘટના વખતે જળસપાટી ગરમ હોય તો તે અપર લેવલ પર ફોર્મ થાય છે. નીચે અને ઉપર બનેલા આ બંને પૉઇન્ટ્સ ભેજવાળી હવાને ઉપરની તરફ ગતિ સાથે લઈ જાય છે.
આ ક્રિયા દરમિયાન જ્યારે બાષ્પીભવન થાય, પાણીની વરાળ ટીપાંમાં પરિવર્તિત થાય ત્યારે ઊર્જા મુક્ત કરે છે. ગરમી છોડવાને કારણે વિસ્તાર ગરમ થાય છે અને દબાણ ઘટાડે છે. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને નીચા દબાણની સિસ્ટમ ધીમે ધીમે વાવાઝોડામાં તીવ્ર બને છે.
વાવાઝોડું શક્તિશાળી કેવી રીતે બને?

ઇમેજ સ્રોત, Getty Images
ઉષ્ણકટિબંધીય વાવાઝોડા માટેનાં આ પરિબળો જો સુસંગત રહે તો વાવાઝોડું સર્જાય છે, જે જમીન સુધી પહોંચે છે.
એટલું જ નહીં એ એક કરતાં વધુ દેશો સુધી પહોંચે છે અને તબાહી મચાવે છે.
વાવાઝોડાનાં પરિબળોની વાત કરીએ તો સૌપ્રથમ દરિયાની ગરમ જળસપાટી જે કમસે કમ 50 મીટર ઊંડે સુધી ગરમ હોવી જોઈએ. વાવાઝોડા નામના 'એન્જિન' માટે ગરમ જળસપાટી 'પેટ્રોલ'નું કામ કરે છે.
- વાતાવરણ જે ચોક્કસ ઊંચાઈ પર જલદીથી ઠંડું થઈ શકે.
- સપાટીથી લગભગ પાંચેક કિલોમીટર સુધીના ઉપર ઊઠતા ભેજવાળા સ્તરો.
- આ સમગ્ર ક્રિયાઓનું અંતર વિષુવવૃત્ત કે ભૂમધ્યરેખાથી ઓછામાં ઓછું 500 કિલોમીટર હોવું જરૂરી છે. તો જ તેમાં પૃથ્વીના પરિભ્રમણ સાથે વહેતી હવાઓ સંતુલન પ્રદાન કરશે.
- એ જ કારણ છે કે ભૂમધ્યરેખાની બંને બાજુએ લગભગ 300 કિલોમિટર જેટલા કોરિડોરમાં વાવાઝોડાં નથી આવતાં. તીવ્ર વાવાઝોડા માટેનું પરિબળ વાવાઝોડા માટે પહેલાંથી જ રોટેશન અને બંને બિંદુઓના મિલનનું હોવું જરૂરી છે.
- વાવાઝોડાની તીવ્રતા માટે તેને મોટા સ્પિન અને નીચા સ્તરના સંગઠનની જરૂર પડે છે.
- અન્ય પરિબળ છે વર્ટિકલ વિન્ડ. ઊભી રેખામાં આવતી હવાઓનું સુસંગત હોવું. નીચે અને ઉપર રહેલા બંને બિન્દુઓમાં જે હવાઓનું દબાણ છે તે ક્રમશ: દોઢ કિલોમિટર અને 12 કિલોમીટર હોવું જોઈએ.
જોકે વાવાઝોડા માટે માત્ર આટલાં જ પરિબળો પૂરતાં નથી, કારણ કે વાવાઝોડાની સાનુકૂળતામાં પણ વિક્ષેપો આવતા રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












