ઑપરેશન બ્લૅક થંડર: 1988માં સુવર્ણમંદિરમાં ઘૂસેલા ચરમપંથીઓએ કઈ રીતે સરેન્ડર કરવું પડ્યું?

ઇમેજ સ્રોત, Sondeep Shankar/Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી સંવાદદાતા
ઈ.સ. 1984માં થયેલા 'ઑપરેશન બ્લૂ સ્ટાર'માં સુવર્ણમંદિરમાંથી ચરમપંથીઓને બહાર કાઢ્યા પછીનાં બે વર્ષમાં જ તેઓ ફરીથી સુવર્ણ મંદિરમાં ઘૂસી આવ્યા હતા.
શરૂઆતમાં અકાલી સરકારે ચરમપંથીઓને મંદિરમાં ઘૂસતાં રોકવા માટે સુવર્ણમંદિરમાં પંજાબ પોલીસનો જાપતો ગોઠવ્યો હતો.
પરંતુ જ્યારે શીખ વર્તુળોમાં તેમના આ પગલાની ટીકા થવા લાગી ત્યારે તેમણે નરમ વલણ અપનાવ્યું.
ચરમપંથીઓએ ધીરે-ધીરે ફરીથી સુવર્ણમંદિરમાં પાછા આવવાનું શરૂ કરી દીધું અને ત્યાં તેમણે ઝડપથી પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી.
અકાલ તખ્તના જથ્થેદારે ચરમપંથીઓને બહાર કાઢવા માટે તેમને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેનું કશું પરિણામ ન મળ્યું.
જૈન મુનિ દ્વારા પ્રયત્ન

ઇમેજ સ્રોત, Sondeep Shankar/Getty Images
બીજો એક ગુપ્ત પ્રયાસ તત્કાલીન કેન્દ્રીય મંત્રી સતીશ શર્માએ પણ કર્યો, જેમાં તેમણે સુશીલ મુનિનો જોડ્યા.
પંજાબના ડીજીપી રહેલા જુલિયો રિબેરો પોતાની આત્મકથા 'બુલેટ ફૉર બુલેટ'માં લખે છે, "હું એક સરકારી વિમાનમાં ચંડીગઢથી અમૃતસર જવાનો હતો, એવામાં સતીશ શર્માનો ફોન આવ્યો."
"તેમણે મને વિનંતી કરી કે સુવર્ણમંદિરની નાકાબંધી કરી રહેલી સીઆરપીએફની એક ચોકીને હટાવી દેવામાં આવે, જેથી કેટલાક ચરમપંથી નેતા વાતચીત માટે ચૂપચાપ મંદિરમાં ઘૂસી શકે. જોકે, મારું માનવું હતું કે આ પ્રયાસ સફળ નહીં થાય, પરંતુ હું નહોતો ઇચ્છતો કે લોકો એમ કહે કે મારા અસહકારના કારણે શાંતિ સ્થાપવાની કોશિશ નિષ્ફળ થઈ ગઈ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જુલિયો રિબેરો લખે છે કે તેમણે સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) લોકોને કહ્યું કે તેઓ બે દિવસ સુધી પોતાની દેખરેખમાં થોડીક ઢીલ રાખે, જેનો તેમણે વિરોધ કર્યો અને રિબેરોએ કહેવું પડ્યું કે આ આદેશ ઉપરથી આવ્યો છે.
જોકે, સુશીલમુનિના પ્રયાસ પણ સફળ ન થઈ શક્યા.
ચરમપંથીઓએ સુવર્ણમંદિરમાં પોતાની સ્થિતિ મજબૂત કરી
એપ્રિલ 1988ના અંત પહેલાં ઘણા બધા ચરમપંથી સુવર્ણમંદિર પરિસરમાં ઘૂસી ગયા હતા.
એવી અફવાઓ હતી કે તેઓ મંદિરમાં લોકો પર ઘણા અત્યાચાર કરી રહ્યા છે અને તેમણે એવા ઘણા લોકોને મારી નાખ્યા છે, જે તેમની નજરમાં ગદ્દાર હતા અથવા જેમના પર તેમને સરકાર માટે જાસૂસી કરતા હોવાની શંકા હતી.
તેમણે મંદિરમાં કિલ્લેબંધી કરી દીધી હતી અને એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું કે ફરીથી સશસ્ત્ર કાર્યવાહી કરવાની જરૂર પડે.
મંદિરની ચારેબાજુ લગભગ 14 એવી જગ્યા હતી, જ્યાં ચરમપંથી અને સુરક્ષાદળ સામે સામે ઊભા હતા.
સીઆરપીએફના ડીઆઇજી વિર્ક પર ગોળીબાર થયો

ઇમેજ સ્રોત, Sondeep Shankar/Getty Images
જ્યારે 9 મેના દિવસે સુવર્ણમંદિરમાંથી ચરમપંથીઓએ એકે-47 રાઇફલથી ગોળીબાર કર્યો અને એ ગોળી સીઆરપીએફના ડીઆઇજી એસએસ વિર્કના જડબામાં વાગી ત્યારે ઑપરેશન 'બ્લૅક થંડર'ની શરૂઆત થઈ.
પંજાબના મુખ્ય સચિવ રહેલા રમેશ ઇંદર સિંહ પોતાના પુસ્તક 'ટર્મોએલ ઇન પંજાબ બિફૉર ઍન્ડ આફ્ટર બ્લૂસ્ટાર'માં લખે છે, "વિર્કની સાથે ગયેલા અમૃતસરના એસપી સિટી બલદેવસિંહે જોયું કે ચરમપંથીઓએ એક ધાબા પર ફાયરિંગની પોઝિશન લઈ લીધી હતી. તેમણે નીચા નમી જઈને વિર્કને ચેતવવાની કોશિશ કરી, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. ગોળી તેમના ચહેરા પર વાગી. એ સમયે અમૃતસરના એસએસપી સુરેશ અરોડા કોઈની પાસેથી માગીને લીધેલા સ્કૂટર પર તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા."
જેવી વિર્કને ગોળી વાગી મંદિરની આસપાસ તહેનાત સુરક્ષાદળોએ જવાબી ગોળીબાર શરૂ કરી દીધા અને એ સાંજ સુધી થોડી થોડી વારે ગોળીબાર કરતા રહ્યા.
આ ગોળીબારના કારણે સાત પત્રકાર મંદિરમાં ફસાઈ ગયા. લગભગ છ કલાક પછી એ બધા પોતાના હાથ ઉપર કરીને ઘંટાઘર દેવડીમાંથી બહાર નીકળ્યા.
એનએસજી કમાન્ડો અમૃતસર પહોંચ્યા

ઇમેજ સ્રોત, Sondeep Shankar/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાવચેતીના ભાગરૂપે, એ સમયના અમૃતસરના ડેપ્યુટી કમિશનર સરબજિતસિંહે ત્રણ વાગ્યા પછીથી શહેરમાં કર્ફ્યૂ લાગુ કરી દીધો. વિર્કને ડૉક્ટર્સની સારસંભાળમાં મૂક્યા પછી એસએસપી અરોડાએ ગવર્નરના સલાહકાર જુલિયો રિબેરો પાસે મંદિરમાં ઘૂસીને દોષિતોને પકડવાની મંજૂરી માગી.
તેમને કહેવામાં આવ્યું કે તેઓ દિલ્હીથી મળનારી સૂચનાની રાહ જુએ. એ દરમિયાન દિલ્હીમાં ક્રાઇસિસ મૅનેજમેન્ટ ગ્રૂપની બેઠક થઈ, જેના અધ્યક્ષ તત્કાલીન ગૃહમંત્રી બુટાસિંહ હતા.
બેઠકમાં એનએસજીની ટુકડીને તાત્કાલિક અમૃતસર મોકલવાનો નિર્ણય લેવાયો. 9 મેની રાત્રે જ બ્રિગેડિયર સુશીલ નંદાના નેતૃત્વમાં એનએસજી કમાન્ડો અમૃતસરમાં લૅન્ડ થવા લાગ્યા.
એનએસજીએ મંદિરની પાસે એક ઊંચી ઇમારતવાળી હોટલ પર પોતાનું મુખ્ય મથક બનાવ્યું, જ્યાંથી આખું મંદિર દેખાતું હતું. સીઆરપીએફ અને પંજાબ પોલીસે પરિક્રમાની પાસે બ્રહ્મબુટા અખાડામાં પોતાનું મુખ્ય મથક બનાવ્યું.
10 મેની સવારે રિબેરો અને સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ પીજી હર્લનકર પણ અમૃતસર પહોંચી ગયા. ત્યાં સુધીમાં પંજાબના ડીજીપી કેપીએસ ગિલનું ક્યાંય દેખાતા નહોતા.
રિબેરો પોતાની આત્મકથામાં લખે છે, "કોઈને જાણ કર્યા વગર ગિલનું આ રીતે ગાયબ થઈ જવું, સામાન્ય વાત હતી. અમે પણ તેમની આ આદતને નજરઅંદાજ કરી દેતા હતા, કેમ કે, તેમની સુરક્ષાની એવી જરૂરિયાત હતી કે તેમની પ્રવૃત્તિઓને ગુપ્ત રાખવામાં આવે. તેમની અને રાજ્યપાલની ગેરહાજરીમાં, જેઓ પ્રવાસમાં હતા, મેં ચાર્જ સંભાળી લીધો."
સુવર્ણમંદિરનો વીજળી અને પાણીનો પુરવઠો કાપી નખાયો

ઇમેજ સ્રોત, Getty Images
અમૃતસરમાં સ્થાનિક અધિકારીઓની સાથે થયેલી બેઠક પછી રિબેરોએ નક્કી કર્યું કે થોડાક દિવસ સુધી સુવર્ણમંદિરની ઘેરાબંધી કરીને ચરમપંથીઓને થકવી દેવામાં આવે.
રિબેરો આ પ્રસ્તાવ લઈને દિલ્હી ગયા.
આ દરમિયાન ગિલ અચાનક અજ્ઞાતવાસમાંથી બહાર આવ્યા અને રિબેરોએ તેમને બધો ચાર્જ સોંપી દીધો.
દિલ્હીમાં થયેલી બેઠકમાં વડા પ્રધાન રાજીવ ગાંધી, પંજાબના રાજ્યપાલ સિદ્ધાર્થ શંકર રાય, પી ચિદમ્બરમ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર એમકે નારાયણન, કેપીએસ ગિલ અને એનએસજીના ડીજી (ડાયરેક્ટર જનરલ) વેદ મારવાહ સામેલ હતા.
બેઠકમાં નિર્ણય લેવાયો કે મંદિરની અંદર સુરક્ષાદળને મોકલવામાં નહીં આવે.
વેદ મારવાહે વ્યૂહરચનાનો ખુલાસો કરતાં પોતાના પુસ્તક 'અનસિવિલ વૉર્સ: પેથૉલોજી ઑફ ટેરરિઝમ ઇન ઇન્ડિયા'માં લખ્યું, "નક્કી થયું કે લાંબા અંતરના અચૂક સ્નાઇપર ફાયરથી ચરમપંથીઓને તેમની છુપાવાની જગ્યાએ રોકી રાખવામાં આવે અને પછી ધીમે-ધીમે આગળ વધીને પહેલાં સરાય (ગલી) અને પછી બીજી મહત્ત્વની જગ્યાઓ પર નિયંત્રણ મેળવી લેવામાં આવે."
પરંતુ હજી સુધી એ નક્કી નહોતું કે સુવર્ણમંદિરની ઘેરાબંધી કેટલા દિવસ સુધી ચાલુ રહેશે. સુવર્ણમંદિરનો વીજળી અને પાણીનો પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો.
ચરમપંથીઓને ગોળી મારવામાં આવી

ઇમેજ સ્રોત, Sondeep Shankar/Getty Images
ઘેરાબંધીના પાંચમા દિવસે ગિલની ધીરજ ખૂટવા લાગી હતી.
જુલિયો રિબેરો લખે છે કે દિલ્હીમાં થયેલી બેઠકમાં "વડા પ્રધાન રાજીવ ગાંધીએ ગિલના તર્કોને ખૂબ ધ્યાનથી સાંભળ્યા કે સુવર્ણમંદિરની ઘેરાબંધીને અનિશ્ચિત કાળ માટે ચાલુ ન રાખી શકાય. પરંતુ તેમણે આઇબીના ડાયરેક્ટર નારાયણનના એ તર્કને પણ માન્યો કે હજુ આપણે થોડા વધુ દિવસ સુધી રાહ જોઈ શકીએ છીએ."
"મેં વડા પ્રધાનનું ધ્યાન એ તરફ દોર્યું કે એનએસજીને હજી સુધી દૂરથી સ્નાઇપર્સ દ્વારા થોડાક પ્રખ્યાત ચરમપંથીઓને નિશાન બનાવવાની મંજૂરી મળી નથી અને ઉગ્રવાદીઓ મંદિર પરિસરમાં પોતાનાં હથિયારો બતાવતાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે."
વડા પ્રધાને રિબેરોના સૂચનને માની લીધું. ટૂંક સમયમાં જ ચરમપંથી નેતા જાગીરસિંહ અને તેમના બે સાથીઓ ઉપર દૂરથી ગોળી છોડવામાં આવી. તેમના સાથીઓની નજરની સામે પરિક્રમાના માર્ગ પર તેમના મૃતદેહ પડ્યા રહ્યા, તેમના સાથીઓને લાગ્યું કે મૃતદેહ અંદર લઈ જવાના પ્રયત્નમાં તેમના પર પણ ગોળીબાર કરવામાં આવી શકે છે.
માનસિક દબાણ અને ભય વધારવા માટે એનએસજીએ મોટા અવાજવાળા હથિયારનો ઉપયોગ શરૂ કરી દીધો.
10 મેએ એક પ્રકારે સીઝફાયર જાહેર કરવામાં આવ્યું, જેથી મંદિરમાં ફસાયેલા સામાન્ય તીર્થયાત્રાળુ બહાર આવી શકે. ચરમપંથીઓએ તેમને રોકવાની કોઈ કોશિશ ન કરી. આ રીતે લગભગ 940 લોકો સુરક્ષિત બહાર આવી ગયા.
એવી શંકા હતી કે તેમાંથી લગભગ 20 લોકો ચરમપંથી હતા, તેથી તેમને પૂછપરછ માટે રોકી દેવામાં આવ્યા.

ઇમેજ સ્રોત, HARPER COLLINS
રમેશ ઇંદર સિંહ લખે છે, "ઑપરેશન બ્લૅક થંડર એનએસજીની સીધી દેખરેખ હેઠળ થતું હતું. કેપીએસ ગિલની એનએસજીને તેમના નિયંત્રણ હેઠળ કરવાની વિનંતી માન્ય રાખવામાં ન આવી. તેમ છતાં, આખા અભિયાનમાં ગિલનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું."
"તેનું કારણ હતું તેમનું રુઆબદાર વ્યક્તિત્વ. તેમને વાસ્તવિક હકીકતની પૂરી માહિતી હતી. તેઓ આ અભિયાનના સાર્વજનિક ચહેરા તરીકે ઊભરી આવ્યા અને અભિયાન પૂરું થાય એ પહેલાં તેમના છ ફૂટ કરતાં ઊંચા કદમાં બીજી ઘણી વૃદ્ધિ થઈ ગઈ."
10 મેએ એનએસજીના ડાયરેક્ટર જનરલ વેદ મારવાહે ભારતીય હવાઈદળને વિનંતી કરી કે તે મંદિરની ઉપર ઊડીને ઉપરથી ચરમપંથીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખે અને તેમનાં થાણાંની તસવીરો લેવાની કોશિશ કરે.
તસવીરોથી જાણવા મળ્યું કે આ વખતે 'ઑપરેશન બ્લૂ સ્ટાર'ના દિવસોની સરખામણીએ ચરમપંથીઓની કિલ્લેબંધી ઘણી ઓછી છે.
10 મેએ મંદિરમાં સતત ચાલતા સબદમાં અવરોધ આવ્યો. તેનાથી વહીવટી તંત્રને થોડીક ચિંતા થઈ, કેમ કે, તેનાથી સામાન્ય શીખોની પ્રતિકૂળ પ્રતિક્રિયા આવી શકતી હતી.
સખત ઘેરાબંધી અને થોડી થોડી વારે થતા ફાયરિંગ છતાં 13 મે સુધી ચરમપંથીઓએ આત્મસમર્પણના કશા સંકેત નહોતા આપ્યા.
12 અને 13 મેની રાત્રે છ ચરમપંથીઓએ સુરક્ષાદળોની ઘેરાબંધી તોડવાની કોશિશ કરી હતી અને તેમાંથી બે લોકો ભાગવામાં સફળ પણ થયા હતા.
'બ્લૂ સ્ટાર'થી વિપરીત, જેમાં બધી ટેલિફોન લાઇનો કાપી નંખાઈ હતી, આ વખતે લાઇનોને ચાલુ રાખવામાં આવી અને ઘેરાયેલા ચરમપંથીઓની સાથે વાતચીત કરવા માટે તેનો ઉપયોગ કરાયો.
15 મેએ ચરમપંથીઓને અંતિમ તક આપવા માટે બીજા એક સીઝફાયરની જાહેરાત કરવામાં આવી. ત્યાર પછી ડેપ્યુટી કમિશનર સરબજિતસિંહે ચરમપંથીઓને બહાર આવી જવાની અપીલ કરી.
રમેશ ઇંદર સિંહ લખે છે, "અત્યાર સુધી ચૂપ રહેલા લોકો પરિક્રમામાં પોતાના ઓરડાઓમાંથી બહાર નીકળવા લાગ્યા. તેમને ગુરુ રામદાસ સરાય તરફ આગળ વધવાની સૂચના આપવામાં આવી. બધા મળીને 146 ચરમપંથી નક્કી કરાયેલા રસ્તે ચાલીને બહાર આવ્યા, પરંતુ 47 ચરમપંથીઓએ પહેલાંથી નક્કી કરાયેલા રસ્તાનું અનુસરણ ન કર્યું."
"એ લોકોમાં સુરજિત પેંટા પણ સામેલ હતો, જેના પર લગભગ 40 હત્યા કરવાનો આરોપ હતો. તેનાં પત્ની પરમજિત કૌરે પણ આત્મસમર્પણ કર્યું, જેને આઇબીના એક જાસૂસે ઓળખ્યાં હતાં. જ્યારે સુરક્ષાકર્મી પેંટાની નજીક પહોંચ્યા ત્યારે તેણે સાઇનાઇડની કૅપ્સૂલ ખાઈ લીધી."
ચરમપંથીઓનું આત્મસમર્પણ

ઇમેજ સ્રોત, Getty Images
47 ચરમપંથીઓએ ગુરુ રામદાસ સરાઈ પહોંચવાની સૂચનાનું પાલન નહોતું કર્યું. તેઓ હરમંદિર સાહિબમાં જતા રહ્યા. સુરક્ષાદળોને હરમંદિર સાહિબ તરફ ગોળીબાર કરવાનો, એટલે સુધી કે બ્લૅન્ક કારતૂસ સુધ્ધાંનો ઉપયોગ કરવાનો આદેશ નહોતો.
રમેશ ઇંદર સિંહ લખે છે, "પછીથી ચરમપંથીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે એક ચરમપંથી કરતાજસિંહ ઠંડેએ ધમકી આપી હતી કે જો એ લોકો તેની પાછળ નહીં જાય તો તે તેમને ગોળી મારી દેશે."
"કરતાજસિંહ અગાઉ ભારતીય સેનામાં કામ કરતો હતો. ઑપરેશન બ્લૂ સ્ટાર પછી તેણે સેના છોડી દીધી હતી. 18 મેએ જ્યારે બાકીના ચરમપંથી બહાર આવ્યા ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી."
18 મેએ બાકી રહેલા ચરમપંથી હાથ ઊંચા કરીને એક લાઇન બનાવીને બહાર આવ્યા અને સમગ્ર દુનિયાના લોકોએ પોતાની સ્ક્રીન પર આ દૃશ્યને લાઇવ જોયું.
પોતાને સુરક્ષાદળોના હવાલે કરનાર ચરમપંથીઓની પૂછપરછ પછી જાણવા મળ્યું કે મંદિરની અંદર હત્યા, યાતના અને બળજબરીપૂર્વકની વસૂલી જેવા ઘણા ગુના કરવામાં આવ્યા.
પંજાબના એક મુખ્ય અખબાર 'અજીત'એ ભાઈ નિર્વેરસિંહનો ઇન્ટરવ્યૂ લીધો. તેમણે જણાવ્યું કે પરિક્રમાની આસપાસના ઓરડાઓમાં આ પ્રકારની ઘણી ઘટનાઓ બની હતી.
પછીથી હાથ ધરાયેલા તપાસ અભિયાનમાં 41 લોકોના મૃતદેહ મળી આવ્યા, જેમને કષ્ટ આપીને મારવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












