You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની ઉગ્ર બોલાચાલીને પુતિન કઈ રીતે જોઈ રહ્યા છે?
- લેેખક, સ્ટિવ રોઝનબર્ગ
- પદ, બીબીસી રશિયાના સંપાદક
શુક્રવારે અમેરિકાની ઑવલ ઑફિસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જેના પર દુનિયાના તમામ નેતાઓએ ટિપ્પણી કરી. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેના પર કોઈ ધ્યાન આપ્યું નથી. તેમની તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
પુતિનને આ મામલે કશું કહેવાની જરૂર પણ શું છે. રાષ્ટ્રપતિ પુતિન હવે આરામથી બેસીને રાહ જોવાનું જોખમ લઈ શકે છે કે આ ઘટના હવે કઈ દિશામાં જઈ રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભવિષ્યવાણી કરી દીધી હતી કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની સાર્વજનિક વાતચીત ચર્ચાનો મુદ્દો બની રહેશે.
તેમાં કોઈ શંકા નથી કે વ્લાદિમીર પુતિને આ વાતચીતના 'શૉ'નો આનંદ લીઘો હશે. જેમાં વોલોદિમીર ઝેલેન્સ્કીનું અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિએ દુનિયાભરના પત્રકારો સામે અપમાન કર્યું. રાષ્ટ્રપતિ પુતિનને આ નાટકીય ઘટનાક્રમ તમાશો લાગ્યો હશે.
ઝેલેન્સ્કી એ જ દેશના રાષ્ટ્રપતિ છે જ્યાં પુતિને હુમલો કર્યો છે અને યુદ્ધ અત્યારે પણ ચાલી રહ્યું છે.
પુતિને વૉશિંગ્ટનમાં થયેલી બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી પર હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ કેટલાક રશિયન અધિકારીઓએ આ ઘટનાક્રમ પર જરૂરથી ટિપ્પણી કરી છે.
દિમિત્રી મેદ્વેદેવ કે જેઓ રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ છે અને હવે રશિયાના સુરક્ષા કાઉન્સિલના ડેપ્યુટી પ્રમુખ છે, તેમણે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં લખ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને 'ઑવલ ઑફિસમાંથી તમાચો' પડ્યો.
તેમણે કહ્યું છે કે અમરિકાએ યુક્રેનને સૈન્ય સહાયતા આપવાની બંધ કરવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો પછી રશિયા તેનું કઈ રીતે સ્વાગત કરશે?
ટેલિગ્રામ પર મુકેલી એક પોસ્ટમાં રશિયાનાં વિદેશ વિભાગનાં પ્રવક્તા મારિયા જખારોવાએ ટ્રમ્પ અને જેડી વાંસના 'સંયમ'ના વખાણ કર્યા.
તેમણે લખ્યું, "તેમણે ચમત્કારિર રીતે સંયમ દાખવતા યુક્રેનના રાષ્ટ્રપતિ પર હુમલો નહીં કર્યો."
આ એ નવી દુનિયાનો સંકેત છે જેમાં આપણે રહીએ છીએ. જ્યાં એક તરફ અમેરિકા અને યુક્રેનના સંબંધોના બગડવાનું જોખમ છે અને બીજી તરફ અમેરિકા અને રશિયાના સંબંધોના મામલે તેનાથી વિપરિત સ્થિતિ છે.
હાલના સપ્તાહમાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. નજીકમાં ભવિષ્યમાં તેઓ બંનેની મુલાકાત સંભવ બને તેવી જોર-શોરથી ચર્ચા છે.
ત્યાં સંબંધોની પુન:સ્થાપના અને સંભવિત આર્થિક સહયોગ પર ચર્ચા કરવા બંને પક્ષથી નીચલા સ્તરથી અધિકારીઓની વાતચીત શરૂ થઈ ગઈ છે.
રાષ્ટ્રપતિ પુતિને દુર્લભ ખનિજ અને ઍલ્યુમિનિયમ ઉત્પાદન સાથે જોડાયેલા આકર્ષક જૉઇન્ટ પ્રોજેક્ટ્સની લાલચ અમેરિકા સામે રાખી છે.
જ્યાં યુક્રેન સાથે અમેરિકાના સંબંધોમાં ખાઈને કારણે યુક્રેન માટે ગંભીર સમસ્યા પેદા થશે. ત્યાં રશિયા માટે તે સકારાત્મક સાબિત થશે.
જો અમેરિકા યુક્રેનને હથિયારો આપવાનું બંધ કરે તો રશિયાની સેનાથી બચવું યુક્રેન માટે અઘરું છે.
યુક્રેનને યુરોપના નેતાઓનું સમર્થન છે. આ નેતા તેમની સાથેની એકતાનો વાયદો કરે છે. પરંતુ છતાં રશિયાની સેનાએ યુક્રેનના ઘણા ભાગો પર કબજો કરી દીધો છે.
ગત સપ્તાહ સુધી રશિયા એમ માનતું હતું કે યુક્રેન સાથેની જંગમાં તેમનું પલડું ભારે છે. તેમાં ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચેની ઑવલ ઑફિસમાં ઉગ્ર બોલાચાલીને કારણે તેમની આ વિચારધારાને વધુ મજબૂતાઈ પ્રાપ્ત થઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન