You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ખંભાતી કૂવાની ખાસિયત શું હોય છે જે પાણીની તંગી વર્તાવા ન દે
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
2021 અગાઉ ગુજરાતના અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલી નંદનબાગ સોસાયટી નિકટની અન્ય સોસાયટીઓની માફક ચોમાસા ટાણે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળતી હતી.
આ વરસે ભારે વરસાદના થોડા કલાકો બાદ પણ સોસાયટી કોરીકટ જોવા મળી રહી છે.
કંઈક આવો જ ફરક સોસાયટીના ભૂગર્ભજળના સ્તર અને ક્ષાર એટલે કે ટીડીએસ(ટોટલ ડિસોલ્વ્ડ સોલિડ્સ)ના પ્રમાણમાં પણ જોવા મળ્યો છે.
સોસાયટીના રહેવાસી પંકજ ધારકર કહે છે કે, “અગાઉ સોસાયટીના બોરવેલમાં ટીડીએસનું પ્રમાણ 1700-2100 મિલિગ્રામ પ્રતિ લિટર હતું, જેમાં હવે 50 ટકા જેટલો ઘટાડો થયો છે.”
“આટલું જ નહીં, ભૂગર્ભજળના સ્તરમાં પણ વધારો થયો છે. વરસાદ પડે ત્યારે આસપાસ પાણી ભરાય છે, પરંતુ અમારી સોસાયટીમાં નહીં.”
ત્રણ વર્ષમાં આખરે એવો તો શો ફરક આવ્યો કે આ સોસાયટીની પાણીની ગુણવત્તામાં સુધારો થઈ ગયો? આ કોઈ મોંઘીદાટ ટૅકનૉલૉજી કે વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કમાલ નથી. આ અસર છે, ગુજરાતની એક જુનવાણી તકનીકની. જેનું નામ છે ખંભાતી કૂવો.
નોંધનીય છે કે પાણી ભરાવા અને ભૂગર્ભજળમાં ટીડીએસના વધુ પ્રમાણની સમસ્યા નિવારવા માટે સોસાયટીએ કુલ સાત ખંભાતી કૂવા તૈયાર કરાવ્યા હતા.
કંઈક આવી જ કહાણી છે અમદાવાદસ્થિત એશિયા ઇંગ્લિશ સ્કૂલની. વર્ષ 2021 પહેલાં વરસાદની મોસમમાં સ્કૂલમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં, જેના કારણે વિદ્યાર્થીઓને ચારેક દિવસ સુધી રજા આપી દેવી પડતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
પરંતુ વર્ષ 2021માં શાળામાં બે ખંભાતી કૂવા તૈયાર કરાવ્યા પછી જાણે આખું ચિત્ર જ બદલાઈ ગયું છે.
શાળાના કર્મચારી ભરતભાઈ કહે છે કે, “પહેલાં અમારે પમ્પ મૂકીને શાળાના મેદાનમાંથી પાણી બહાર કાઢવું પડતું. આ પાણી ચાર દિવસ સુધી ભરાયેલું રહેતું. હવે આટલું બધું પાણી માત્ર બે જ કલાકમાં ખંભાતી કૂવામાં શોષાઈ જાય છે.”
નોંધનીય છે કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભૂગર્ભજળ અને સપાટી પર પીવાલાયક પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘણી જગ્યાએ ભૂગર્ભજળ સંબંધિત મુખ્યત્વે બે પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે. જે પૈકી એક છે ભૂગર્ભજળનું સ્તર ઊંડું જવું તેમજ ભૂગર્ભજળની ગુણવત્તાના પ્રશ્નો, તેમજ બીજું છે શહેરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા.
ખંભાતી કૂવો મોટા ભાગે આ બંને સમસ્યાઓ માટે 'રામબાણ ઇલાજ' હોવાનું કહેવાય છે.
નોંધનીય છે કે ગુજરાતમાં ઘણી જગ્યાએ ભૂગર્ભજળના સ્તરમાં સુધારો કરવા અને વરસાદી પાણીના નિકાલ માટે ખંભાતી કૂવા તૈયાર કરાયા છે. તાજેતરમાં અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવાના આશયથી શહેર મ્યુનિસિપલ કૉર્પોરેશને અલગ વિસ્તારોમાં 13 ખંભાતી કૂવા બનાવ્યા છે.
જાણીએ જુનવાણી ટેકનૉલૉજીને આધારે ઈંટ, સિમેન્ટ અને માટી વડે તૈયાર કરાતા કૂવા જેવા સાદા સ્ટ્રક્ચરને કેવી રીતે એક ‘કારગત વ્યૂહરચના’ અને ‘રામબાણ ઇલાજ’ ગણાવાઈ રહ્યો છે? અને આખરે આ ખંભાતી કૂવો કામ કઈ રીતે કરે છે?
ખંભાતી કૂવો : સાદી તકનીક, સાવ ઓછા ખર્ચે તૈયાર થતો વિકલ્પ
ખંભાતી કૂવા એ આપણા પરંપરાગત કૂવાના પિતરાઈ ભાઈ જેવા જ છે.
ફરક એટલો છે કે પરંપરાગત કૂવામાંથી પાણી ઉલેચવામાં આવે છે અને ખંભાતી કૂવામાં વરસાદી પાણી ઉતારવામાં આવે છે.
ખંભાતી કૂવાની બનાવટ અને તેના ઇતિહાસ વિશે અંગે સમજાવતાં અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ અને ખંભાતી કૂવાની તકનીકના અભ્યાસુ લોકેન્દ્ર બાલાસરિયા કે, "ખંભાતી કૂવો એ ખાળકૂવાની સુધારેલી આવૃત્તિ છે. જેવી રીતે ખાળકૂવામાં રહેલી માટી જો ગટરનું ગંદુ પાણી શોષી લે છે એવી જ રીતે ખંભાતી કૂવામાં વરસાદનું પાણી શોષાય છે. આ તકનીકમાં કંઈ નવું નથી. એ કાળાંતર સમયથી ચલણમાં છે."
જાણકારોના મતે ઘણાં વર્ષો પહેલાં આ કૂવા બનાવવા માટે ઈંટના સ્થાને ખંભાતી નળિયાનો ઉપયોગ કરાતો. તેથી તેની સાથે ખંભાતનું નામ જોડાઈ ગયું.
સરળ શબ્દોમાં ખાળકૂવા વિશે સમજાવીએ તો જ્યારે કોઈ સ્થળે ગટરલાઇન ન પહોંચી હોય તો ઘરની રસોઈ, સ્નાન અને કુદરતી હાજત સહિતનાં નિત્યકર્મોમાં વપરાતું પાણી અને અન્ય ગંદકીના નિકાલ માટે જમીનમાં ઊંડો ખાડો કરીને ખાળકૂવા તૈયાર કરાતા. જ્યાં આ પાણી જમીનમાં શોષાઈ જતું.
નિષ્ણાતોને મતે જમીનોમાં ખાડો ખોદીને ત્રણ મીટરથી ત્રીસ મીટરની પહોળાઈમાં ખંભાતી કૂવો બનાવી શકાય છે.
અમદાવાદમાં ઘણી જગ્યાએ ખંભાતી કૂવાનું ચણતરકામ કરી ચૂકેલા કારીગર નસીબભાઈ કહે છે કે, "ખંભાતી કૂવો બનાવવાની પ્રક્રિયામાં ખાડો ખોદતી વખતે તળિયે રેતીનું સ્તર આવે ત્યાં સુધી ખોદકામ કરાય છે. કારણ કે એ જ પાણીને શોષીને જમીનમાં ઉતારે છે."
લોકેન્દ્રભાઈ કહે છે કે, “અમદાવાદમાં અમે ઘણા કૂવા બનાવ્યા છે તેના આધારે કહીએ તો 15 ફૂટ પહોળાઈ અને 30 ફૂટ ઊંડાઈનો ખંભાતી કૂવો આદર્શ છે. જેનું તળિયું 12 ફૂટ પહોળું હોય છે."
ખંભાતી કૂવામાં અંદરની તરફ ઈંટોની દીવાલ રચવામાં આવે છે.
એ દીવાલમાં થોડા થોડા અંતરે બખોલ રાખવામાં આવે છે.
જે પહેલી નજરે મધપૂડાનાં છિદ્રો સમાન દેખાય છે, જેને તકનીકી ભાષામાં 'હનીકૉમ્બ બ્રિકવર્ક' કહે છે.
કૂવામાં ઊતરેલું વરસાદી પાણી એ બખોલમાંથી થઈને રેતીવાળા તળિયે પહોંચે છે અને જમીનમાં શોષાય છે.
વરસાદી પાણી કૂવા સુધી કઈ રીતે પહોંચે છે એ વાત કરીએ તો કૂવાની આસપાસ નીક જેવું સ્ટ્રક્ચર બનાવીને તેની ઉપર જાણી મૂકી દેવાય છે. ત્યાંથી કૂવા સુધી પાણી પહોંચાડવા પાઇપ જેવું સ્ટ્રક્ચર ગોઠવી દેવાય છે. જેનાથી પાણી સીધું રેતીના સ્તર પર પડીને જમીનમાં ઊતરી જાય છે.
કૂવાના ઉપરના મુખ તરફના ભાગે દસ મીટરમાં જે ઈંટો હોય છે તેમાં બખોલ રાખ્યા વગર ઈંટોને સળંગ હારબંધ મૂકવામાં આવે છે.
દર દસ ફૂટે કૂવામાં સિમેન્ટની એક રિંગ તૈયાર કરવામાં આવે છે. જે કૂવાને મજબૂતી આપે છે.
ઉપરાંત કૂવાની ઉપર સિમેન્ટનું ધાબું કરવામાં આવે છે.
ભૂગર્ભજળની મસમોટી સમસ્યાનું એક હદ સુધી નિરાકરણ લાવી શકનાર આ કૂવો તૈયાર કરવામાં સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે.
ઉપરાંત દર બે-ત્રણ વર્ષે નજીવા ખર્ચે કૂવાની યોગ્ય જાળવણી રાખી શકાય છે.
બૅંગલુરુમાં રહેતા ટાઉન પ્લાનર અને ભૂગર્ભજળસંચય માટે કામ કરતા વિશ્વનાથ શ્રીકાંતૈયાહ ખંભાતી કૂવાના મહત્ત્વ વિશે વાત કરતાં કહે છે, “ખંભાતી કૂવાને કારણે એક તો પૂરની શક્યતા ટળે છે અને ભૂગર્ભજળ રિચાર્જ થાય છે. દરિયાપટ્ટીના વિસ્તારો જેમ કે કોંકણ, મહારાષ્ટ્ર, કેરળ, ચેન્નાઈ અને ભૂવનેશ્વર વગેરેમાં ખંભાતી કૂવા ભૂગર્ભ જળ રીચાર્જનો સારો વિકલ્પ બની શકે છે. સિંધુ નદીની આસપાસ જે શહેરો વિકસ્યાં છે, એવા કોઈ પણ દેશમાં આ વિકલ્પ લાગુ થઈ શકે છે.
'ટાઉન પ્લાનિંગમાં ખંભાતી કૂવાની ઉપયોગિતા'
ભારતમાં ઘણી જગ્યાએ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની પૂરતી વ્યવસ્થાનો અભાવ હોવાની ફરિયાદ ઊઠતી રહે છે. સાથે જ તેના સ્થાને આ પાણીનો ગટરમાં નિકાલ કરાતો હોવાની પણ રાવ ઊઠે છે.
ગુજરાતમાં જળસ્રોતો પર નોંધપાત્ર સંશોધનો કરનાર વિદ્યુત જોશી ગટરમાં વરસાદી પાણીને વહેવડાવી દેવાની વાતને 'અવિવેક' ગણાવે છે.
તેઓ નગરઆયોજન અને વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે ખંભાતી કૂવાની જરૂરિયાત વિશે વાત કરતાં કહે છે, “આપણે ત્યાં વધુ પ્રમાણમાં રોડ, ફૂટપાથ, પેવરબ્લૉક નાખવામાં આવ્યાં છે, જેથી પાણી જમીનમાં ઊતરી શકતું નથી. આના નિવારણ માટે શહેરોમાં દર કિલોમીટરે એક શોષખાડો અથવા તો ખંભાતી કૂવો બનાવી શકાય. જે વરસાદી પાણીને જમીનમાં ઉતરી શકે.”
વિશ્વનાથ કહે છે કે, "નગરઆયોજનમાં જ્યાં પણ તળાવ કે રિચાર્જ ઝોન હોય તેને ઓળખીને રિચાર્જ કરવા જોઈએ. જો દરેક રહેણાક ઇમારત, સ્કૂલ-કૉલેજ પોતાનાં કંપાઉન્ડમાં પડતું વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા પર ધ્યાન આપે તો ભૂગર્ભજળ સારી રીતે રિચાર્જ થઈ શકે. આ પ્રક્રિયામાં ખંભાતી કૂવા ઉપયોગી સાબિત થઈ શકે.”
જોકે, તેની કેટલીક મર્યાદા પણ છે.
નિષ્ણાતોના મતે વરસાદી પાણી જમીનમાં ઉતારવા આ વિકલ્પ દરેક પ્રકારની જમીનમાં કારગત ઉપાય સાબિત થતો નથી.
પુરાણવાળી જમીન, ખડકાળ-ઊંચાણવાળા વિસ્તાર પર આવેલા વિસ્તારોમાં ખંભાતી કૂવા નથી બનાવી શકાતા. ઉપરાંત જ્યાં થોડી ઊંડાઈએ જ પાણી મળે છે અને જ્યાં જમીનના નીચેના સ્તરે માટી હોય છે, ત્યાં ખંભાતી કૂવો કારગત વિકલ્પ નથી.
ઉપરાંત ખંભાતી કૂવાની ડિઝાઇન સંબંધી પણ કેટલીક મર્યાદાઓ છે.
જે અંગે વૉટરમૅન તરીકે જાણીતા ભારતના જળકર્મશીલ રાજેન્દ્રસિંહ કહે છે કે, "આવી રીતે બનાવાયેલાં કૃત્રિમ રિચાર્જ મૉડલ ટકાઉ નથી હોતાં."
"ખંભાતી કૂવામાં ઈંટ વડે ચણતર કરાય છે, તે જમીનની સમાંતર થતા પાણીના સ્રાવ માટેની ફાટ કે પડને અવરોધે છે. આના કારણે નવા બનાવેલા કૂવામાં ઉપરથી નીચેની તરફનું રિચાર્જ થશે પણ સાઇડમાંથી થતું રિચાર્જ અવરોધાય છે."
'માત્ર ભૂગર્ભજળનું સ્તર વધે એ પૂરતું નથી'
ભારત સરકારે સંસદમાં જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ભૂગર્ભજળના પ્રમાણમાં ભૂતકાળની સરખામણીએ વધારો નોંધાયો છે.
કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ જળશક્તિમંત્રી વિશ્વેશ્વર ટુડુએ સંસદમાં આપેલા જવાબ અનુસાર 2012થી 2021ના નવેમ્બર માસની સરેરાશ સાથે નવેમ્બર 2022ની સરેરાશને સરખાવતા માલૂમ પડ્યું છે કે ભારતમાં ભૂગર્ભજળસ્તરના નિરીક્ષણ માટેના કૂવાઓ પૈકી 61.1 ટકાના જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે.
બીજી તરફ શહેરી વિસ્તારોમાં વર્ષ 2013-2022ની સરેરાશને જ્યારે મે, 2023ના જળસ્તરના આંકડા સાથે સરખાવવામાં આવ્યા તો 58.9 ટકા કૂવાના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે 41.1 ટકા નિરીક્ષણ માટેના કૂવાના ભૂગર્ભજળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે.
ઉપરાંત વિશ્વેશ્વર ટુડુએ સંસદમાં જ વર્ષ 2023માં સ્વીકાર્યું હતું કે, "શહેરીકરણ, વધતી વસતી, ઔદ્યોગિકીકરણ, તાજા પાણીની માગ તેમજ વરસાદની અનિયમિતતાને લીધે દેશના કેટલાંક ભાગો અને શહેરોમાં ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો થયો છે.”
ભારતમાં ભૂગર્ભજળસ્તરના 'વધારા'ની વાતનું વિશ્લેષણ કરતાં રાજેન્દ્રસિંહ કહે છે કે, “ઉદ્યોગો નેટ ઝીરોના નામે પ્રદૂષિત પાણી જમીનમાં ધરબી દે તેના કારણે પણ ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે છે.”
વિશ્વનાથ આ અંગે કહે છે, “શહેરોમાં જે ભૂગર્ભજળ વધે છે તેનાં બે કારણો છે. એક, પાણીની પાઇપલાઇનમાં થતાં લીકેજની સમસ્યા. બીજું, ગટરલાઇનમાં લીકેજ. આ સિવાય શહેરોમાં ભૂગર્ભજળ વધતું નથી. આવું ભૂગર્ભજળ વધે તો પણ શો લાભ? બૅંગલુરુમાં આ જ કારણે લોકોએ ઘણા બોરવેલના પાણીનો ઉપયોગ બંધ કરી દીધો છે."
વિશ્વમાં જળસંકટ
વર્ષ 2019ના સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ વૉટર ડેવલપમૅન્ટ રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં દર દસમાંથી ત્રણ માણસ માટે પીવાલાયક પાણી નથી. ઉપરાંત વિશ્વમાં 200 કરોડ લોકો એવા દેશોમાં રહે છે, જે પાણીની ગંભીર કટોકટીનો સામનો કરે છે.
નૅચર સામયિકના એક રિપોર્ટ અનુસાર સમગ્ર વિશ્વમાં ભૂગર્ભજળનો સંચય થતો તેવા જમીનના પેટાળમાં આવેલાં સંગ્રહકેન્દ્રોમાંથી 71 ટકાના જળસ્તરમાં ઘટાડો થયો છે.
સમ્રાટ બઝાક વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટમાં ભારતનાં શહેરોમાં જળપ્રોગ્રામના ડિરેક્ટર છે. તેમણે કહ્યું હતું કે, “પાણીની અછત માણસને આજીવન ગરીબી તરફ ધકેલી દે છે અને સમાજમાં અસમાનતા વધારે છે. સામાજિક અને આર્થિક રીતે પછાત લોકો પાણી પર વધારે ખર્ચ ન કરી શકે. સરવાળે તેમના આરોગ્ય પર અસર પડે છે.”
આ સિવાય વર્ષ 2021માં ભારે વરસાદને કારણે પશ્ચિમ અને મધ્ય યુરોપમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. જેમાં ફ્રાન્સ, ક્રોએશિયા,બેલ્જીયમ, જર્મની, ઇટાલી, ઑસ્ટ્રિયા વગેરે દેશોમાં આવેલા પૂરમાં 200 કરતાં વધુ લોકોના જીવ ગયા હતા.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)