રોહિત શર્માની અજેય ટીમની રણનીતિ સેમિફાઇનલ પહેલાંની છેલ્લી મૅચમાં શું હશે?

    • લેેખક, સંજય કિશોર
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે

દિવાળીના શુભ દિવસે, 'આઈસીસી વર્લ્ડકપ 2023' ની છેલ્લી લીગ મૅચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યજમાન ભારત અને નેધરલૅન્ડ વચ્ચે રમાશે.

વર્લ્ડકપ 2023ની આ 45મી મૅચ છે. આ મૅચમાં જીત કે હારથી કોઈ ફરક પડશે નહીં કારણ કે સેમિફાઇનલની લાઇન-અપ પહેલેથી જ નક્કી થઈ ચૂકી છે.

સેમિફાઇનલમાં 15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલૅન્ડ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. જ્યારે 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં બીજી સેમિફાઈનલમાં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામસામે ટકરાશે.

રિકી પોન્ટિંગની ટીમ અજેય રહીને 2003 અને 2007માં વર્લ્ડકપ જીતી હતી. ત્યારે ઑસ્ટ્રેલિયાએ સતત 11 મૅચ જીતી હતી.

ભારતીય ટીમની અડગ મજબૂતી

2003, 2007 અને 2015ની વિશ્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમનો હિસ્સો રહેલા શેન વૉટસનનું માનવું છે કે હાલની ભારતીય ટીમમાં એકપણ મૅચ હાર્યા વગર ચૅમ્પિયન બનવાની ક્ષમતા છે.

તેઓ કહે છે, “આ ટીમમાં એ જ પ્રકારની આભા અને ચમક છે. ટીમમાં કોઈપણ પ્રકારની નબળાઈ જોવા મળતી નથી. આ જ પ્રકારે 2003 અને 2007માં ઑસ્ટ્રેલિયાની ટીમ જોવા મળતી હતી.”

વૉટસનનું માનવું છે કે એ જ ઑસ્ટ્રેલિયાની ટીમની જેમ આ ટીમમાં પણ વિશ્વસ્તરીય મૅચ વિનર ખેલાડીઓ છે. બે મૅચ જોઈને જ ભારતીય ખેલાડીઓના ફૉર્મ અને સંતુલનનો ખ્યાલ આવી ગયો હતો.”

પ્રથમ આઠ મૅચ જીતી ચૂકેલી રોહિત શર્માની ટીમને પણ અજેય રહેવું ગમશે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા નેધરલૅન્ડ સામેની આ મૅચમાં કોઈ કસર છોડશે નહીં.

ખાસ કરીને આ વર્લ્ડકપમાં નેધરલૅન્ડની ટીમે શક્તિશાળી દક્ષિણ આફ્રિકાને 38 રને હરાવીને બધાને ચોંકાવી દીધા છે. બાંગ્લાદેશને પણ તેમણે 87 રને પરાજય આપ્યો હતો.

આ પહેલા પણ નેધરલૅન્ડની ટીમ વર્લ્ડકપમાં ભારત સામે મજબૂત પડકાર આપતી રહી છે.

વર્લ્ડકપમાં ભારત અને નેધરલૅન્ડની ટીમો બે વખત ટકરાયા છે.

દક્ષિણ આફ્રિકામાં રમાયેલા 2003ના વર્લ્ડકપમાં સૌરવ ગાંગુલીની ટીમે પાર્લના બૉલેન્ડ પાર્કમાં નેધરલૅન્ડને 68 રનથી હરાવ્યું હતું. જોકે, નેધરલૅન્ડના બૉલરોએ ભારતીય બૅટ્સમૅનોને ઘણી મુશ્કેલીમાં મૂક્યા હતા.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. નેધરલૅન્ડના બૉલરોએ 49મી ઓવરમાં ભારતીય દાવને 204 રનમાં સમેટી દીધો હતો. માત્ર સચિન તેંડુલકર જ અડધી સદી ફટકારી શક્યા હતા. દિનેશ મોંગિયાએ 42 રનની ઇનિંગ રમી હતી, જ્યારે યુવરાજ સિંહે 37 રનની ઇનિંગ રમી હતી.

સદ્ભાગ્યે જવાગલ શ્રીનાથ અને અનિલ કુમ્બલેએ 4-4 વિકેટ લીધી અને નેધરલૅન્ડને 136 રનમાં આઉટ કરી દીધું.

ભારત વિ. નેધરલૅન્ડ કેવો રહ્યો છે અત્યાર સુધીનો મુકાબલો

વર્ષ 2011માં બંને ટીમો દિલ્હીમાં આમને-સામને હતી. પ્રથમ બેટિંગ કરતા નેધરલૅન્ડની ટીમ 189 રન બનાવી શકી હતી. ઝહીર ખાને 3 જ્યારે પીયૂષ ચાવલા અને યુવરાજ સિંહે બે-બે વિકેટ ઝડપી હતી.

યુવરાજ સિંહે 51 રન અને વીરેન્દ્ર સેહવાગે 39 રન બનાવ્યા હતા અને 37મી ઓવરમાં 5 વિકેટે ભારતે જીત મેળવી હતી. યુવરાજ સિંહ 'મૅન ઓફ ધ મૅચ' બન્યા હતા.

આ વખતે ભારતીય ટીમને નેધરલૅન્ડને ટેસ્ટ કરવાનો મોકો મળ્યો હતો. પરંતુ 3 ઑક્ટોબરે રમાનાર વોર્મ-અપ મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

આંકડાકીય દૃષ્ટિકોણથી પણ આ મૅચ મહત્ત્વપૂર્ણ છે. જો ભારતીય કૅપ્ટન રોહિત શર્મા જો 58 રન બનાવી લે તો તે વિરાટ કોહલી (543) બાદ આ વર્લ્ડ કપમાં 500 રન બનાવનાર બીજા ભારતીય બૅટ્સમૅન બની જશે.

હાલમાં દક્ષિણ આફ્રિકાના સ્ટાર બૅટ્સમૅન-વિકેટકીપર ક્વિન્ટન ડી કોક 591 રન સાથે નંબર વન પર છે. ન્યૂઝીલૅન્ડના રચિન રવીન્દ્રએ 565 રન બનાવ્યા છે. વિરાટ કોહલી ત્રીજા નંબરે છે.

રોહિતના નામ સાથે વધુ એક રસપ્રદ રેકૉર્ડ જોડાઈ શકે છે.

વર્લ્ડકપમાં 49 સિક્સરનો રેકૉર્ડ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલના નામે છે. રોહિતે 45 સિક્સર ફટકારી છે. 5 સિક્સર ફટકારતાં જ તે 'સિક્સ માસ્ટર' બની શકે છે.

તે જે રીતે આસાનીથી શૉટ ફટકારી રહ્યા છે અને બૉલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલી રહ્યા છે તેનાથી વિશ્વ આશ્ચર્યચકિત છે. પાકિસ્તાન સામેની મૅચમાં રોહિતે 63 બૉલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

તેના પર અમ્પાયર મારિસ ઈરાસ્મસે પૂછ્યું હતું કે, "શું તમારા બૅટમાં કંઈ છે?" જવાબમાં રોહિતે બાવડું બતાવતા કહ્યું હતું, "બૅટમાં કંઈ નથી, આ પાવર છે."

રાહુલ દ્રવિડની આશા ફળશે?

મૅચની પૂર્વ સંધ્યાએ ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પ્રૅસ કૉન્ફરન્સમાં કૅપ્ટન રોહિત શર્માના વખાણ કર્યા હતા.

તેમણે કહ્યું કે કૅપ્ટન અને ઓપનિંગ બૅટ્સમૅનની ભૂમિકા ભજવી રહેલા રોહિત શર્માએ ટુર્નામેન્ટમાં ભારતે જે લય મેળવી છે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

4 મૅચમાં બે વખત 5 વિકેટ લઈને કુલ 16 ખેલાડીઓને આઉટ કરનાર મોહમ્મદ શમી વર્લ્ડકપમાં 3 વિકેટ સાથે 50 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બૉલર બનશે.

જીતનો સિલસિલો જાળવી રાખવા માટે બેતાબ બનેલી 'ટીમ ઇન્ડિયા' તેના કેટલાક મહત્ત્વના ખેલાડીઓને આરામ આપશે તેવું લાગતું નથી.

ઈશાન કિશન અને રવિચંદ્રન અશ્વિનને રમવાની તક મળવી મુશ્કેલ છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરને પણ રમવાની તક મળવાની શક્યતા ઘણી ઓછી છે.

રાહુલ દ્રવિડે પણ આ અંગે સંકેત આપ્યો હતો કે, "અમને છેલ્લી મૅચ પછી છ દિવસની રજા મળી છે. તેથી, અમે ઘણો આરામ કર્યો છે અને ખેલાડીઓ સારી સ્થિતિમાં છે. હું બસ આટલું જ કહીશ."

નેધરલૅન્ડની તાકાત હંમેશાં તેની બૉલિંગ રહી છે. વર્તમાન ભારતીય ટીમમાંથી માત્ર રોહિત શર્મા અને વિરાટ કોહલીને જ વન-ડેમાં નેધરલૅન્ડના બૉલરોનો સામનો કરવાનો અનુભવ છે. તે પણ માત્ર રોલોફ વાન ડેર મર્વે સામે જ રમ્યા છે.

નેધરલૅન્ડ માટે આ મૅચ ઘણી મહત્ત્વની છે. આ સેમિફાઈનલનો નહીં પણ ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે ક્વોલિફાય થવાનો પ્રશ્ન છે. જો નેધરલૅન્ડની ટીમ ભારતને હરાવવામાં સફળ રહેશે તો તેની પાસે ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે ક્વોલિફાઈ થવાની તક રહેશે. ટોપ-8 ટીમો ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે ક્વોલિફાય થશે. આગામી ચૅમ્પિયન્સ ટ્રૉફીનું ટુર્નામેન્ટનું યજમાન પાકિસ્તાન છે.