લાલુ યાદવે એવું શું કહ્યું કે ભાજપે 'મોદીનો પરિવાર' અભિયાન ચાલું કરવું પડ્યું?

ભારતીય જનતા પાર્ટીએ સોમવારે આરજેડી નેતા લાલુ યાદવ તરફથી કરેલા શાબ્દિક હુમલાનો જવાબ આપતા “મોદીનો પરિવાર” અભિયાન શરૂ કરી દીધું.

આ સાથે જ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સાથે-સાથે કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોતાના એકાઉન્ટ અને પ્રોફાઇલમાં નામની સાથે “(મોદીનો પરિવાર)” જોડી દીધું.

ભાજપનું આ અભિયાન વર્ષ 2019માં શરૂ કરેલા “હું પણ ચોકીદાર” અભિયાનની યાદ અપાવે છે.

જોકે, આ વખતે વિપક્ષ પણ જબરદસ્ત રીતે ભાજપના આ અભિયાનને પડકાર આપી રહ્યો છે.

લાલુ યાદવે વડા પ્રધાન મોદી વિશે શું કહ્યું?

બિહારનાં પૂર્વ મુખ્ય મંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ યાદવે રવિવારે પટણાનાં ગાંધી મેદાન ખાતે યોજાયેલી જન વિશ્વાસ સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક રીતે શાબ્દિક હુમલા કર્યા હતા.

તેમણે કહ્યું, “આ મોદી શું છે.. શું ચીઝ છે આ મોદી? આ નરેન્દ્ર મોદી આજે પરિવારવાદ પર હુમલાઓ કરી રહ્યા છે. અરે ભાઈ, તમે કહોને તમારા પરિવારમાં કોઈ સંતાન કેમ નથી? વધારે સંતાન હોય તેવા લોકોને તમે પરિવારવાદ કહો છો, પરિવારવાદ માટે લોકો લડી રહ્યા છે?”

“તમારી પાસે પરિવાર નથી. તમે હિન્દુ પણ નથી. દરેક હિન્દુ જ્યારે પરિવારમાં સભ્યનું મૃત્યુ થાય ત્યારે દુખમાં વાળ ઉતરાવે છે. જ્યારે તમારી માતાનું અવસાન થયું હતું ત્યારે તમે વાળ કેમ ન ઉતરાવ્યા? કેમ ન ઉતરાવ્યા?”

ભાજપે કર્યો વળતો પ્રહાર

ભાજપનાં નેતાઓએ આ નિવેદન પછી લાલુ યાદવની સાથે-સાથે ઇન્ડિયા ગઠબંધનને આડા હાથે લેવાનું શરૂ કર્યું છે.

બિહારનાં ઉપમુખ્ય મંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ કહ્યું, “લાલુપ્રસાદજી રામ વિરોધી છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. આજે અમે લોકોએ લખ્યું છે કે અમે મોદીનો પરિવાર છીએ.”

“1990ની ચૂંટણીઓ પહેલાં લાલુજી પોતે જ કહેતા હતાં કે રાણીના પેટે રાજા પેદા ન થવો જોઈએ અને આજે પોતે બસ રાજા પેદા કરવાનો જ પ્રયત્ન કરી રહ્યા છે. લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. આ લોકોની ગેરસમજણ છે.”

મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ વીડી શર્માએ આ મુદ્દે કહ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશને પોતાનો પરિવાર માન્યો છે.

તેમણે પોતાના જીવનની દરેક ક્ષણ આ દેશ માટે સમર્પિત કરી છે.

જોકે, લાલુ પ્રસાદ યાદવ જેવા લોકો માત્ર પોતાના પરિવાર અને દીકરા-દીકરીનું જ વિચારે છે.”

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “ભ્રષ્ટાચાર અને રાજશાહી માનસિકતા ધરાવતા લોકો સમજી લો, દેશનો દરેક વ્યક્તિ મોદીનો પરિવાર છે.”

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણામાં આયોજિત સભામાં આ મુદ્દે પોતાનો પ્રતિસાદ આપ્યો છે.

તેમણે કહ્યું, “ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા ઇન્ડિ ગઠબંધનના નેતાઓ ગભરાઈ રહ્યા છે. હું તેમના પરિવારવાદ પર સવાલ કરૂ છું તો તે લોકોએ બોલવાનુ શરૂ કરી દીધું કે મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે 140 કરોડ દેશવાસીઓ જ મારો પરિવાર છે, જેનું કોઈ નથી તે મોદીના છે અને મોદી તેમનો પરિવાર છે. મારું ભારત જ મારો પરિવાર છે.”

વડા પ્રધાને ઉમેર્યું કે દેશની કરોડો દીકરીઓ, માતાઓ, બહેનો જ મોદીનો પરિવાર છે. દેશનો દરેક ગરીબ વ્યક્તિ મારો પરિવાર છે. જેમનું કોઈપણ નથી તેઓ મોદીના છે અને મોદી તેમના છે. મારું ભારત-મારો પરિવાર, આ ભાવનાઓ લઈને જ હું લોકોનાં સપનાંને સિદ્ધ કરવાનો સંકલ્પ લઈને આવ્યો છું, તમારા માટે જ જીવી રહ્યો છું અને લડી રહ્યો છું અને છેવટ સુધી લડતો રહીશ.

આ સાથે જ “મોદીનો પરિવાર” અભિયાન શરૂ થઈ ગયું.

આ અભિયાન હેઠળ ભાજપના વરિષ્ઠ નેતાઓએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોતાના નામ સાથે “મોદીનો પરિવાર” જોડી દીધું.

આ નેતાઓમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહથી લઈને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથસિંહ, નિતિન ગડકરી, યોગી આદિત્યનાથ, પીયૂષ ગોયલ, સ્મૃતિ ઈરાની અને અનિલ બલૂની જેવા નેતાઓ સામેલ છે.

કૉંગ્રેસ તરફથી આવ્યો પ્રતિસાદ

કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ ભાજપના નેતાઓએ તેમના નામ સાથે “મોદીનો પરિવાર” જોડવા પર પ્રતિસાદ આપ્યો છે.

તેમણે કહ્યું, “દેશમાં દરરોજ 50 યુવાનો આત્મહત્યા કરે છે. તેમને પોતાના પરિવારની ચિંતા નથી. આ મુદ્દાઓથી ભટકાવવા માટેનું કાવતરું છે. તેમને કોઈ ચિંતા નથી કે આ દેશમાં દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરે છે.”

“દર કલાકે બે યુવાનો આત્મહત્યા કરે છે. તેમને આ લોકોના પરિવાર વિશે કોઈ ચિંતા ખરી? જો તેઓ ચિંતા કરતા હોત તો લખત કે ખેડૂતનો પરિવાર કે યુવાનોનો પરિવાર. અમને એ ખેડૂતો અને યુવાનોની ચિંતા છે. તેમને મોદીની ચિંતા છે.”

આ સાથે જ આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા વિશે પવન ખેડાએ કહ્યું, “શું મોદીજી દર કલાકે આત્મહત્યા કરતા યુવાનો પર પ્રતિક્રિયા આપશે? આ વિશે તેમની પ્રતિક્રિયા નહીં આવે. ખેડૂતો વિશે, પેપર લીકના મામલા કે મણિપુર વિશે મોદીજીની કોઈ પ્રતિક્રિયા નહીં આવે.”

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજય સિંહના દીકરા જયવર્ધન સિંહે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, “એવું લાગે છે કે ભાજપ સંઘ પરિવારને ભૂલીને માત્ર મોદીના પરિવારને જ યાદ કરી રહી છે.”

“હું પણ ચોકીદાર” વિરુદ્ધ “ચોકીદાર જ ચોર છે”

આ પહેલાં વર્ષ 2019માં કૉંગ્રેસ પાર્ટીએ “ચોકીદાર ચોર છે” અભિયાન ચલાવ્યું હતું. ભાજપે તેનો જવાબ આપતા “હું પણ ચોકીદાર” અભિયાન શરૂ કર્યું હતું.

આ અભિયાન હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલનું નામ બદલની ચોકીદાર નરેન્દ્ર મોદી કર્યું હતું.