કૉલેજો અને યુનિવર્સિટી કૅમ્પસોમાં જાતીય સતામણી : શિક્ષણ સંસ્થાઓ કેટલી સુરક્ષિત છે, વિદ્યાર્થિનીઓ શું માને છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આશય યેડગે
- પદ, બીબીસી સંવાદદાતા
"દીકરીઓ અવાજ ઉઠાવે તો સમાજ તેમની સામે જ આંગળી ચીંધે છે. લોકો કહે છે કે તમારી દીકરી જ ખરાબ હશે. માત્ર તેના વિશે જ આવું શા માટે કહેવામાં આવે છે? તેમ છતાં મારી દીકરીએ અવાજ ઉઠાવ્યો અને મરી ગઈ. મારી દીકરી સિંહની દીકરી હતી..."
આવું થોડા દિવસ પહેલાં પોતાની 20 વર્ષની દીકરી કાયમ માટે ગુમાવી ચૂકેલા એક પિતાનું કહેવું છે.
ઓડિશાના બાલાસોર જિલ્લાના એક નાનકડા ગામની તે વિદ્યાર્થિનીના પિતાનો આરોપ છે કે કૉલેજમાં તેમની દીકરીની જાતીય સતામણી કરવામાં આવી હતી. દીકરીએ ફરિયાદ કરી હતી, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેનાથી તંગ આવીને તે વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલની ઑફિસની બહાર ખુદને આગ ચાંપી દીધી હતી. બે દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું.

બાલાસોરની ઘટનાના થોડા દિવસ પછી ઓડિશાના જ સંબલપુરમાં એક કિસ્સો બહાર આવ્યો હતો. તેમાં એક વિદ્યાર્થિનીએ પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. પ્રારંભિક તપાસના આધારે પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે.
આવી ઘટનાઓ માત્ર ઓડિશા પૂરતી સીમિત નથી. તાજેતરમાં કર્ણાટકમાં પણ આવી એક ઘટના બહાર આવી હતી. તેમાં એક ખાનગી કૉલેજના બે લેક્ચરરે એક વિદ્યાર્થિનીને નોટ્સ આપવાને બહાને બોલાવી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો. વાત ત્યાં અટકી ન હતી. એ જાતીય હિંસાનો વીડિયો બનાવીને વિદ્યાર્થિનીને બ્લૅકમેઇલ કરી હતી. આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આઈઆઈટી, મદ્રાસમાં 20 વર્ષની એક મહિલા ઇન્ટર્નની કૅન્ટીનના એક કર્મચારીએ જાતીય સતામણી કરી હોવાના સમાચાર પણ આવ્યા હતા. એ ઘટનામાં મહિલા પંચના હસ્તક્ષેપ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આવી ઘટનાઓ કોઈ ચોક્કસ માનસિકતાની પેદાશ હોય તેવું લાગે છે. તે પિતૃસત્તાક વિચારસરણી છે. એટલે કે મહિલાને કોઈપણ રીતે નિયંત્રિત કરી શકાય છે.
આ ઘટનાઓથી અનેક સવાલ પણ થાય છે. જેમ કે કૉલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થિનીઓ સલામત છે? તેમની જાતીય સતામણીની ઘટના બને તો એ બાબતે શું કાર્યવાહી કરવામાં આવે છે? પુરુષોને એવી ખાતરી કેમ હોય છે કે તેઓ કંઈ પણ કરશે તો પણ છટકી જશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલોના જવાબ મેળવવા માટે અમે અનેક યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો સાથે વાત કરી હતી તથા તેમનો અનુભવ જાણ્યો હતો.
વિદ્યાર્થિનીઓ શું કહે છે?

ઓડિશાની ઉત્કલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થિની અશ્મિતા પંડા જાતીય સતામણીના મુદ્દે કહે છે, "કોઈ છોકરી ફરિયાદ કરે ત્યારે સમાજનો તેના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. અમે અમારાં માતાપિતા સાથે પણ આવી વાતો ખુલીને કરી શકતા નથી. કહી દઈએ તો પણ માતાપિતા ઘણી વાર એવું કહે છે કે આવી ફરિયાદો ન કરવી જોઈએ. થોડું સહન કરી લો. નજરઅંદાજ કરો. આ રીતે વાતોને ટાળી દેવામાં આવે છે. સમાજની આવી વિચારસરણી બદલવી જોઈએ."
બીજી તરફ દિલ્હી યુનિવર્સિટીનાં વિદ્યાર્થિની અદ્રિકાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "અમે કૅમ્પસમાં ફેસ્ટિવલ ઍન્જોય કરવા જઈએ છીએ ત્યારે પણ સલામત હોતાં નથી. ક્લાસમાં બેઠા હોઈએ છીએ ત્યારે પણ સલામત હોતાં નથી, કારણ કે અમને ઘણી વાર ગંદી નજરે જોવામાં આવે છે."
અદ્રિકાએ કહ્યું હતું, "વિદ્યાર્થિનીઓની સલામતી માટે બનાવવામાં આવેલી સમિતિઓ મોટાભાગે કડક કાર્યવાહી કરતી નથી. દિલ્હીની કોઈ પણ કૉલેજની છોકરી સાથે વાત કરો, લગભગ સમાન અનુભવની વાત સાંભળવા મળશે."
પુરુષોને એવું કેમ લાગે છે કે તેઓ છટકી જશે?

ઓડિશાના મહિલાપંચનાં ભૂતપૂર્વ સભ્ય નમ્રતા ચઢ્ઢા કહે છે, "આપણા સમાજમાં શિક્ષકોને પૂજ્ય માનવામાં આવે છે. કદાચ એટલે જ પુરુષો બચી જાય છે. તેમને ખબર હોય છે કે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓનું ભવિષ્ય તેમના હાથમાં છે. તેઓ કંઈ પણ કરી શકે છે."
"એટલું જ નહીં, આવી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હંમેશાં એક વહેતી વસ્તી જેવા હોય છે. તેમણે થોડાં વર્ષોમાં ત્યાંથી નીકળી જવાનું હોય છે. બીજી તરફ, તેમની માનસિક કે શારીરિક સતામણી કરતા લોકોની નોકરી પાક્કી હોય છે. તેથી કોઈ ભય રહેતો નથી."
બાલાસોરની ઘટનામાં મૃત્યુ પામેલાં વિદ્યાર્થિનીના પિતા કહે છે, "મારી દીકરીએ જે વ્યક્તિ સામે ફરિયાદ કરી હતી, એ ફરિયાદ પછી પણ એ જ વિભાગમાં સમાન પદે યથાવત રહી હતી. તેની તરત બીજા વિભાગમાં બદલી કરવી જરૂરી હતી કે પછી તેને રજા પર મોકલી દેવાની જરૂર હતી, પણ એવું કશું થયું નહીં."
તેઓ ઉમેરે છે, "મારી દીકરીને ડર હશે કે એ કશું કહેશે કે કરશે તો એ વ્યક્તિ તેને નાપાસ કરશે. તેમ છતાં મારી દીકરીએ અવાજ ઉઠાવ્યો. કોઈની સામે ફરિયાદ થાય તો તેને તત્કાળ અસરથી એ પદ પરથી હટાવવો જોઈએ."
આંકડા શું કહે છે?

- વિદ્યાર્થિનીઓ અને શિક્ષિકો, મહિલા કર્મચારીઓ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)નું એક પોર્ટલ છેઃ સક્ષમ.
- સક્ષમ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 2022-23માં દેશની 238 યુનિવર્સિટીમાંથી જાતીય સતામણીની 378 ફરિયાદ નોંધાઈ હતી. એ પૈકીની 377 ફરિયાદોનું નિવારણ 90 દિવસમાં કરવામાં આવ્યું હતું.
- માત્ર એક કેસ 90 દિવસથી વધુ સમય પેન્ડિંગ રહ્યો હતો. એ પછીનાં વર્ષોની માહિતી સક્ષમ પોર્ટલ પર ઉપલબ્ધ નથી.
- રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, 2019થી 2023 દરમિયાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો, આઈઆઈટી જેવી સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓ, મહિલા ફેકલ્ટી અને કર્મચારીઓ દ્વારા જાતીય સતામણીની 681 ફરિયાદો નોંધાવવામાં આવી હતી.
જાતીય સતામણી વિશે ચુપકીદી અને અવાજ ઉઠાવવાનું જોખમ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નમ્રતા ચઢ્ઢા કહે છે, "આ તો નોંધાવવામાં આવેલી ફરિયાદોની સંખ્યા છે. કેટલી વિદ્યાર્થિનીઓ ચૂપચાપ આ બધું સહન કરે છે તેનો તાગ મેળવવો મુશ્કેલ છે. નાના શહેરોની છોકરીઓ સામાજિક પિંજરામાંથી નીકળીને કૉલેજે આવતી હોય છે. તેમને કોઈ પણ સંજોગોમાં અભ્યાસ પૂર્ણ કરવો હોય છે."
નમ્રતા ચઢ્ઢાના મતાનુસાર, "છોકરીઓનું કોઈ શોષણ કરે અને તે અવાજ ઉઠાવે તો તેનાં મા-બાપ કહેશે કે અભ્યાસ છોડીને ઘરે પાછી આવી જા. તેથી કૉલેજમાં વિદ્યાર્થિનીઓ પાસે કોઈ વિકલ્પ હોતો નથી. કોઈ પ્રોફેસર તેમને હેરાન કરે કે જાતીય સતામણી કરે તો તેમણે સહન કરવું પડે છે. છોકરીઓને એવું લાગે છે કે એ અવાજ ઉઠાવશે તો ઊલટાની તેની જ બદનામી થશે. તેના વિશે કૂથલી થશે. તેના ચારિત્ર્ય વિશે સવાલ ઉઠાવવામાં આવશે. આવા ડરથી છોકરીઓ ચૂપ રહે છે."
ભદ્રિકા પશ્ચિમ બંગાળના આસનસોલનાં વતની છે. તેમનું કહેવું છે કે "મારા જેવી નાનાં શહેરોની છોકરીઓને કાયમ આસાન શિકાર ગણવામાં આવે છે. અમે અમારી સલામતી માટે વિનંતી કરીએ તો ઘણી વાર એ કાને ધરવામાં આવતી નથી. અમારામાં ડર બહુ ઊંડે સુધી પેસેલો છે. આ ડર અમારી અંદર જ નહીં, અમારાં માતા-પિતાની અંદર પણ હોય છે."
જાતીય સતામણીની ફરિયાદ થાય પછી શું?

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અદિતિ સિંહ કહે છે, "વિદ્યાર્થિનીઓ સાથેના ખરાબ વર્તનની મોટાભાગે અવગણના કરવામાં આવે છે. અમારી સાથે બનેલી ઘટનાના પુરાવા માંગવામાં આવે છે. કોઈ કહે છે કે વીડિયો દેખાડો. કોઈ ઘટના કૅમેરા સામે ન બની હોય તો તમે એવું માનશો કે એ ઘટના બની જ નથી? ઊલટાનું સ્ત્રી પર આળ મૂકાય છે."
અદિતિ જેએનયુની આંતરિક ફરિયાદ સમિતિમાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિ પણ છે.
તેઓ વધુ એક મહત્ત્વનો સવાલ ઉઠાવે છે, "આપણે એ સમજવું જોઈએ કે કોઈ છોકરી હિંમત કરીને ફરિયાદ નોંધાવતી હોય તો સતામણી કરવામાં આવતી હોય એવી અન્ય કેટલી વિદ્યાર્થિનીઓ હશે. આવી ફરિયાદોને ગંભીર ગણવી જોઈએ."
જાતીય સતામણી અને કાયદો

ઇમેજ સ્રોત, Getty Images
- 1992માં રાજસ્થાનમાં કેટલાક લોકોએ સામાજિક કાર્યકર ભંવરી દેવી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. એ પછી કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે એક લાંબી કાયદાકીય લડાઈ શરૂ થઈ હતી
- 1997માં સુપ્રીમ કોર્ટે 'વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય' કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કેટલીક ગાઇડલાઇન બહાર પાડી હતી.
- તેને વિશાખા ગાઇડલાઇન નામે ઓળખવામાં આવે છે. વિશાખા ગાઇડલાઇન્સ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓ માટે બહુ મહત્ત્વની હતી.
- સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કાર્યસ્થળ પર જાતીય સતામણી બંધારણની કલમ ક્રમાંક 14, 15, 19 (1) (જી) અને 21નું ઉલ્લંઘન છે.
- 2013માં 'સેક્સુઅલ હેરેસમેન્ટ ઑફ વીમેન ઍટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબિશન એન્ડ રીડ્રેસલ) ઍક્ટ' એટલે કે POSH નામનો કાયદો બનાવવામાં આવ્યો હતો.
- એ પછી 2015માં યુજીસીએ પણ ગાઇડલાઇન બહાર પાડી હતી. એ મુજબ, જાતીય સતામણીની ફરિયાદોના નિવારણ માટે દરેક કૉલેજ અને યુનિવર્સિટીમાં આંતરિક ફરિયાદ સમિતિ(આઈસીસી)ની રચના કરવી ફરજિયાત છે.
- વિદ્યાર્થીઓની આત્મહત્યા બાબતે આ વર્ષે જુલાઈમાં ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે તેને રોકવા માટે 15 નવી ગાઇડલાઇન પણ બહાર પાડી હતી.
વિદ્યાર્થિનીઓનો અનુભવ શું કહે છે?

ઓડિશાના પુરીમાં અભ્યાસ કરતાં રાખી સ્વૈન કહે છે, "મેં બે વર્ષ પ્લસ ટુ અને પછી ત્રણ વર્ષ ગ્રેજ્યુએશન કર્યું, પણ અમારી કૉલેજમાં કોઈ આઈસીસી છે તેની મને ક્યારેય ખબર પડી ન હતી."
બીજી તરફ દિલ્હીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અદ્રિકા કહે છે, "મોટાભાગની છોકરીઓને ફરિયાદ ક્યાં કરવી તેની ખબર હોતી નથી. હું પીએચડીની તૈયારી કરી રહી છું, પણ અમારી યુનિવર્સિટીની આઈસીસીની ઑફિસ ક્યાં છે તેની મને ખબર નથી."
આઈસીસી અસરકારક રીતે કામ કરે છે?
દિલ્હી યુનિવર્સિટીની આઈસીસીના મુખ્ય અધિકારી પ્રોફેસર રૂપમ કપૂર કહે છે, "અમે આઈસીસીનાં પોસ્ટર્સ સમગ્ર યુનિવર્સિટીમાં લગાવીએ છીએ. જાગૃતિના કાર્યક્રમો કરીએ છીએ અને યુજીસીની ગાઇડલાઇન્સનું પાલન કરીએ છીએ. આઈસીસી તમામ ફરિયાદો સંદર્ભે નિષ્પક્ષ કાર્યવાહી કરે છે અને જાગૃતિનો પ્રસાર કરવાની પણ તેની જવાબદારી છે."
આઈસીસી કઈ રીતે કામ કરે છે, એવા સવાલનો જવાબ આપતાં અદિતિએ કહ્યું, "અમારી વ્યવસ્થા કહે છે કે એક વખત ચેતવણી આપીએ. કોઈ પ્રોફેસરનો કેસ આવે તો તેમની સામે કઈ રીતે કાર્યવાહી કરવી તેની વિચારણા સમિતિ કરે છે. તેથી આવા મામલાઓમાં સામાન્ય રીતે આકરાં પગલાં લેવામાં આવતાં નથી."
બીજી તરફ નમ્રતા ચઢ્ઢા કહે છે, "યુજીસીની ગાઇડલાઇન્સ અમલી બન્યાને 11 વર્ષ થઈ ગયાં છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર દેખાતો નથી. તમે દેશની ગ્રામ્ય કે નાની કૉલેજોમાં તપાસ કરશો તો જાણવા મળશે કે ત્યાં અત્યારે પણ કોઈ આઈસીસીની રચના થઈ નથી. આ બાબતે બહુ ઓછી જાગૃતિ છે."
પુરાવાનો બોજો વિદ્યાર્થિનીઓ પર જ

નમ્રતા ચઢ્ઢા કહે છે, "(એટલું જ નહીં) ઘટના મહિલા એકલી હોય ત્યારે બની હોય કે ડિજિટલ માધ્યમથી બની હોય, દરેક સતામણીના પુરાવા આપવાની આશા મહિલાઓ પાસેથી રાખવામાં આવે છે."
પ્રોફેસર મૌસમી બસુ પણ કહે છે, "વિદ્યાર્થિનીઓએ 'હોમવર્ક' જાતે કરવું પડે છે." તેઓ વિદ્યાર્થિનીઓને સલાહ આપે છે કે "લડવું હોય તો કોણે, ક્યાં, શું કર્યું એ બધાનો રેકૉર્ડ રાખવો જોઈએ, જેથી તેને બાદમાં કોર્ટમાં રજૂ કરી શકાય."
પણ મોટો સવાલ એ છે કે આવા કિસ્સામાં પુરાવા એકઠા કરવાનું બધી વિદ્યાર્થિનીઓ માટે શક્ય હોય છે?
ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થિનીઓનો સંઘર્ષ
કોઈ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થિનીની જાતીય સતામણી થાય તો ન્યાય મેળવવાનો તેનો સંઘર્ષ વધારે મુશ્કેલ હોય છે.
મુંબઈની એક ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થિની રુશાલી દિશાએ બીબીસીને જણાવ્યું હતું કે કૅમ્પસમાં પ્રવેશ પહેલાં જ તેને સિક્યૉરિટી ગાર્ડ્સ દ્વારા વારંવાર ટૉર્ચર કરવામાં આવે છે અને તેમણે અનેક સવાલોના જવાબ આપવા પડે છે.
રુશાલી દિશા કહે છે, "કૅમ્પસના દરવાજેથી જ ટેન્શન શરૂ થઈ જાય છે. ક્લાસ રૂમ સુધી પહોંચવાનું એક યુદ્ધ જેવું હોય છે. એટલું જ નહીં, અમે શિક્ષણ સંબંધી વાતો કરીએ ત્યારે સૌથી પહેલાં અમારી વાત પર નહીં, પણ અમારી જેન્ડર પર ધ્યાન આપવામાં આવે છે."
બાલાસોરની ઘટનામાં અત્યાર સુધી શું થયું?

ઓડિશા પાછા ફરીએ. બાલાસોરની ફકીર મોહન કૉલેજની ઘટનામાં વિદ્યાર્થિનીએ સમિતિની પુનર્રચનાના એક દિવસ પહેલાં એટલે કે 30 જૂને તત્કાલીન પ્રિન્સિપાલ દિલીપ ઘોષને ફરિયાદ કરી હતી.
આઈસીસીએ આરોપી પ્રોફેસરને ક્લીન ચિટ આપી દીધી હતી.
વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી ત્યારે કૉલેજના વહીવટીતંત્રએ તેની સામે જ આંગળી ચીંધી હોવાનો આરોપ છે.
વિદ્યાર્થિનીના પિતા કહે છે, "પ્રિન્સિપાલે કહેલું કે તમારા વિરુદ્ધનો રિપોર્ટ આવ્યો છે. મારી દીકરી પાસે સતામણીના પુરાવા માંગવામાં આવ્યા હતા. હવે તમે જ કહો કે કોઈ કૅમેરાની સામે એવું કહે કે મને "લાભ" આપો?"
બીજી તરફ કૉલેજના નવનિયુક્ત પ્રિન્સિપાલ ફિરોઝ પાધીએ બીબીસીને કહ્યું હતું, "કૉલેજમાં આઈસીસી હતી. એ સમિતિમાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિ ન હતા. તેથી પહેલી જુલાઈએ આઈસીસીની પુનર્રચના કરવામાં આવી હતી. હવે તેમાં વિદ્યાર્થીઓના ત્રણ પ્રતિનિધિઓ છે."
જાતીય સતામણીની ઘટના પછી દિલીપ ઘોષ અને વિભાગીય વડા સમીર સાહૂને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કૉલેજ કૅમ્પસમાં આઈસીસી વિશેનું એક પોસ્ટર અમે જોયું હતું.
વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓનો દાવો છે કે એ પોસ્ટર જાતીય સતામણીની ઘટના બાદ લગાવવામાં આવ્યું હતું. પહેલાં એ વિશે કોઈ જાણતું ન હતું.
બીબીસી સાથે વાત કરતાં પીડિત વિદ્યાર્થિનીના પિતાની પીડા છલકાય જાય છે.
તેઓ કહે છે, "મારી દીકરીને પીએચડી કરીને ડૉક્ટર બનવું હતું. તેને વિખ્યાત થવું હતું...અને આજે જુઓ એ કેવી પ્રખ્યાત થઈ ગઈ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












