ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો, મોદી સરકારે નિર્ણયને 'અકારણ' અને 'તર્કહીન' ગણાવ્યો

અમેરિકા, ભારત, ડોનાલ્ડ ટ્રમ્પ, અર્થવ્યવસ્થા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લગાવ્યો છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લગાવ્યો છે. એટલે ભારત પર હવે કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

ટ્રમ્પના હસ્તાક્ષરવાળા કાર્યકારી આદેશ અનુસાર, વધારાનો ટેરિફ 21 દિવસ બાદ લાગુ થશે.

બુધવારના વ્હાઇટ હાઉસના કાર્યકારી આદેશ અનુસાર, 'ભારત આ સમયે સીધી કે પરોક્ષ રીતે રશિયન ઑઇલની આયાત કરી રહ્યું છે.'

તેના આધારે અમેરિકાએ ભારતથી આયાત થનાર બધાં ઉત્પાદનો પર 25 ટકા વધુ ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે.

જવાબમાં ભારતે ટ્રમ્પની આ ધમકીને 'અયોગ્ય અને તર્કવિહીન' ગણાવી છે.

અમેરિકાના જવાબમાં ભારતે કહ્યું, "હાલના દિવસોમાં અમેરિકાએ રશિયાથી ભારતની ઑઇલ આયાતને નિશાન બનાવી છે. અમે આ મામલે પહેલેથી પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ. જેમાં એ તથ્ય પણ સામેલ છે કે અમારી આયાત બજારની પરિસ્થિતિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ભારતની એક અબજ 40 કરોડ વસ્તીની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે."

ભારતે અમેરિકાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને કહ્યું કે, "અમેરિકાએ ભારત પર વધુ ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે, જ્યારે એ જ કામ ઘણા અન્ય દેશો પણ પોતાના રાષ્ટ્રીય હિતમાં કરી રહ્યા છે. અમે ફરી કહીએ છીએ કે આ કાર્યવાહી અનુચિત, અકારણ અને તર્કહીન છે. ભારત પોતાનાં રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરશે."

અમેરિકાના આ નિર્ણય બાદ કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

કૉંગ્રેસે ઍૅક્સ પર લખ્યું કે, "નરેન્દ્ર મોદીના મિત્ર ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદી લીધો. ટ્રમ્પ સતત ભારત વિરુદ્ધ પગલાં ભરી રહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદી તેમનું નામ પણ લેતા નથી. નરેન્દ્ર મોદી, હિંમત દેખાડો, ટ્રમ્પને જવાબ આપો."

અમેરિકાના વિશેષ દૂતની પુતિન સાથે મુલાકાત બાદ ટેરિફનું એલાન

અમેરિકા, ભારત, ડોનાલ્ડ ટ્રમ્પ, અર્થવ્યવસ્થા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Win McNamee/Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રશિયાના મૉસ્કોમાં ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી છે.

યુક્રેનમાં યુદ્ધવિરામ પર રશિયાની સહમતિ માટે શુક્રવારની ડેડલાઇનથી અગાઉ સ્ટીવ વિટકૉફે પુતિન સાથે મુલાકાત કરી હતી.

અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું, "ભારતને કોઈ ફરક નથી પડતો કે રશિયાના યુદ્ધથી યુક્રેનમાં કેટલા લોકો માર્યા જાય છે. તેથી, હું ભારત પર ટેરિફ વધારવાનો છું."

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે "અમેરિકા હજુ પણ રશિયા પાસેથી પોતાના ન્યુક્લિયર ઉદ્યોગ માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતર અને રાસાયણિક પદાર્થો આયાત કરે છે."

ટ્રમ્પને આ સવાલ અંગે પૂછવામાં આવ્યું હતું કે "ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ, કેમિકલ્સ અને ખાતર ખરીદે છે, પરંતુ તે તેના (ભારત) ઑઇલ આયાત પર વિરોધ દર્શાવે છે. તમે શું જવાબ આપશો?"

ટ્રમ્પે આ સવાલના જવાબમાં કહ્યું કે "મને એ અંગે કશી ખબર નથી. મારે આ અંગે જાણવું પડશે. અમે તમને આ અંગે પછી માહિતી આપીશું."

ટ્રમ્પ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ જલદી એ દેશો પર ટેરિફ લાદવાનો નિર્ણય કરશે, જે રશિયા પાસેથી ઑઇલ ખરીદે છે. ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી મોટી માત્રામાં ઑઇલ ખરીદવાનો અને તેને અન્ય દેશોમાં વેચીને નફો રળવાનો આરોપ લગાવ્યો હતો.

ટ્રમ્પની ધમકી પર ભારતે આપ્યો હતો જવાબ

અમેરિકા, ભારત, ડોનાલ્ડ ટ્રમ્પ, અર્થવ્યવસ્થા, બીબીસી ગુજરાતી

ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પની આ આલોચના ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે અમેરિકા અને યુરોપીય સંઘ પોતે રશિયા સાથે વેપાર ચાલુ રાખી રહ્યા છે.

ગયા વર્ષે, કડક પ્રતિબંધો હોવા છતાં, અમેરિકા અને રશિયા વચ્ચે અંદાજે 3.5 અબજ ડૉલરના માલનો વેપાર થયો હતો.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી અમેરિકા અને યુરોપીય સંઘ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે નિશાન બનાવી રહ્યાં છે. હકીકતમાં, ભારતે રશિયા પાસેથી તેલ આયાત ત્યારે શરૂ કર્યું જ્યારે પરંપરાગત તેલ સપ્લાય યુરોપ તરફ વળી ગયો હતો.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું, "હકીકતમાં ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું શરૂ કર્યું કારણ કે સંઘર્ષ પછી પરંપરાગત સપ્લાય યુરોપ તરફ વળી ગયો હતો. તે સમયે અમેરિકા પોતે ભારતને આવી આયાત માટે પ્રોત્સાહિત કરતું હતું, જેથી વિશ્વનાં તેલબજારની સ્થિરતા જળવાઈ રહે."

"ભારત પોતાના ગ્રાહકો માટે સસ્તી અને સ્થિર ઊર્જા ઉપલબ્ધ કરાવવા માટે આ આયાત કરે છે. આ વૈશ્વિક બજારની પરિસ્થિતિઓની મજબૂરી છે. પરંતુ નોંધનીય છે કે જે દેશો ભારતની ટીકા કરે છે, તેઓ પોતે રશિયા સાથે વેપાર કરે છે. ભારતની જેમ તેમનો આ વેપાર તેમના દેશ માટે કોઈ મજબૂરી પણ નથી."

ભારતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોઈ પણ મોટી અર્થવ્યવસ્થાની જેમ, ભારત પણ પોતાનાં રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે.

પાંચ યુદ્ધ રોકાવ્યાં છે- ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા, ભારત, ડોનાલ્ડ ટ્રમ્પ, અર્થવ્યવસ્થા, બીબીસી ગુજરાતી

અગાઉ પત્રકારપરિષદ દરમિયાન ટ્રમ્પને પુછાયું કે શું તેઓ એ બધા દેશો પર 100 ટકા ટેરિફ લાદશે, જે રશિયા પાસેથી ઊર્જા ખરીદે છે?

ટ્રમ્પે જવાબમાં કહ્યું કે "મેં ટકાવારી જણાવી નથી, પણ અમે તેના પર કામ કરી રહ્યા છીએ. આગામી સમયમાં જુઓ કે શું થાય છે."

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની બુધવારે રશિયા સાથે એક બેઠક થવાની છે, પરંતુ તેમણે એ ન જણાવ્યું કે આ બેઠક ક્યાં થવાની છે અને શેના માટે છે.

મંગળવારે સીએનબીસી ન્યૂઝ ચૅનલ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે "ભારત સારો ટ્રેડ પાર્ટનર નથી રહ્યો" અને તેમણે જાહેરાત કરી કે તેઓ આવનારા 24 કલાકમાં આનાથી પણ વધારે ટેરિફ લગાવશે."

ટ્રમ્પે એક વખત ફરી કહ્યું છે કે ભારત રશિયા પાસેથી સતત ઑઇલ ખરીદે છે અને આ રીતે રશિયાના વૉર મશીનને મદદ કરી રહ્યું છે.

મંગળવારે બપોરે જ ટ્રમ્પે એક કાર્યક્રમમાં ફરી દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોક્યું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ટ્રમ્પે આ દાવો અત્યાર સુધીમાં 30થી વધુ વાર કરી ચૂક્યા છે.

ભારત સતત કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથે સંઘર્ષવિરામની સહમતિ બંને દેશના સૈન્ય અધિકારીઓની વાતચીતથી થઈ હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે "મેં છેલ્લા મહિનામાં પાંચ યુદ્ધ રોકાવ્યાં છે. જો તમે હાલના ત્રણચાર મહિનાનું ઉદાહરણ જુઓ તો આ અવિશ્વસનીય છે."

આ દરમિયાન અમેરિકાના વિદેશ વિભાગનાં પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું કે યુક્રેન યુદ્ધમાં અપ્રત્યક્ષ સહયોગ કરનારા દેશો સાથે કેવી રીતે કામ પાર પાડવું એ રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ નક્કી કરશે.

ભારતના રશિયા પાસેથી ઑઇલ ખરીદી બંધ કરવાના ઇનકાર પર ટેમી બ્રુસે કહ્યું, "હું કોઈ અન્ય દેશની ટિપ્પણી પર કોઈ પ્રતિભાવ નહીં આપું, પરંતુ મને એટલી ખબર છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ આખા મામલાના સમજે છે અને તેમને એ પસંદ નથી કે આ શું થઈ રહ્યું છે."

'ભારત સાથે સંબંધ ન બગાડો'

અમેરિકા, ભારત, ડોનાલ્ડ ટ્રમ્પ, અર્થવ્યવસ્થા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ કહ્યું છે કે અમેરિકાએ ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડવા ન જોઈએ.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ વિશે પોસ્ટ કરી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 24 કલાકમાં ભારત પર 25 ટકાથી વધુ ટેરિફ વધારવાની વાત કરી હતી. એ પછી નિક્કી હેલીએ આ પોસ્ટ મૂકી હતી.

નિક્કી હેલીએ ઍક્સ પર લખ્યું હતું કે, "ભારતે રશિયા પાસેથી ઑઇલ ખરીદવું જોઈએ નહીં, પરંતુ ચીન, જે આપણું વિરોધી છે અને રશિયન અને ઈરાની ઑઇલનું સૌથી મોટું ખરીદદાર છે, તેને ટેરિફમાં 90 દિવસની છૂટ અપાઈ છે. ચીનને છૂટ ન આપો અને ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો ન બગાડો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન