પાકિસ્તાનને ટેસ્ટ મૅચમાં હરાવીને બાંગ્લાદેશે ઇતિહાસ રચ્યો

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની પહેલી મૅચમાં બાંગ્લાદેશે યજમાન દેશને હરાવીને ઇતિહાસ રચી દીધો છે.

બંને દેશો વચ્ચે આ મૅચ પાકિસ્તાનના રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન પર બાંગ્લાદેશનો આ પ્રથમ વિજય છે.

આ અગાઉ બંને દેશો વચ્ચે રમાયેલી 13 મૅચમાંથી પાકિસ્તાને 12માં વિજય મેળવ્યો હતો, જ્યારે એક મૅચ ડ્રો થઈ હતી.

પાકિસ્તાનને હરાવ્યા પછી હવે ભારત અને દક્ષિણ આફ્રિકા બે જ ટીમો એવી રહી છે જેની સામે બાંગ્લાદેશે હજી સુધી કોઈ વિજય મેળવ્યો નથી.

બંને દેશો વચ્ચે રમાઈ રહેલી આ મૅચમાં પાકિસ્તાને પહેલા દાવમાં બેટિંગ કરતાં છ વિકેટે 448 રન બનાવ્યા હતા.

જવાબમાં બાંગ્લાદેશની ટીમે 565 રન બનાવ્યા હતા. પાકિસ્તાનનો પહેલો દાવ પૂરો થયા પછી તેમની પાસે 117 રનની લીડ હતી.

બીજા દાવમાં પાકિસ્તાનની ટીમ ફક્ત 146 રન જ બનાવી શકી હતી અને બાંગ્લાદેશને જીત માટે ફક્ત 30 રનનો પડકાર આપ્યો હતો.

બાંગ્લાદેશે બીજા દાવમાં 6.3 ઓવરમાં જ 30 રન બનાવીને 10 વિકેટે વિજય મેળવી લીધો હતો.

પાકિસ્તાન તરફથી પહેલા દાવમાં સઉદ શકીલે 114 રન અને મહમદ રિઝવાને 171 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશ તરફથી પહેલા દાવમાં મુશફિકુર રહીમે ઝમકદાર બેટિંગ કરીને 191 રન બનાવ્યા હતા અને તેમને 'પ્લૅયર ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાન : અલગ-અલગ દુર્ઘટનાઓમાં 30થી વધુ લોકોનાં મૃત્યુ

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને પંજાબ રાજ્યની સીમા ઉપર આઝાદ પતન ગામ પાસે એક બસ ખીણમાં પડી ગઈ હતી, જેના કારણે ઓછામાં ઓછા 23 લોકોનાં મૃત્યુ થયાં છે.

બીબીસી ઉર્દૂ સેવા સાથે વાત કરતા પૂંછના ડૅપ્યુટી કમિશનર સરદાર વાહિદે જણાવ્યું હતું કે બસમાં ડ્રાઇવર સહિત 23 લોકો હતા, જેમાં 19 પુરુષ, ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થતો હતો.

આ બસ ખીણમાં ખાબકતાં તમામ મુસાફરો અને ડ્રાઇવરનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં. મૃતકોના મૃતદેહો કહોટા હૉસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

આ સિવાય દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનમાં અન્ય દુર્ઘટનામાં ઈરાનથી ધાર્મિકયાત્રા કરીને પરત ફરી રહેલા 12 લોકોનાં મકરાનના દરિયા કિનારાના હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટનામાં બસની બ્રૅક ફેલ થઈ ગઈ હતી, જેના કારણે ડ્રાઇવરે તેની ઉપરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બસ પલટી ખાઈ ગઈ હતી.

ટેલિગ્રામના સીઈઓની ફ્રાન્સ પોલીસ દ્વારા ધરપકડ

પ્રચલિત મૅસેજિંગ ઍપ્લિકેશન ટેલિગ્રામના ચીફ ઍક્ઝિક્યુટિવ પાવેલ દુરોવની ફ્રાન્સ પોલીસે ધરપકડ કરી છે.

ફ્રાન્સ મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, પાવેલ દુરોવ પોતાના પ્રાઇવેટ જેટમાં પેરિસના લે બૉર્ગેત ઍરપૉર્ટ પહોંચ્યા હતા, ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.

ફ્રાન્સના પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે, 39 વર્ષીય દુરોવ સામે મૅસેજિંગ ઍપ સંબંધિત ગુનાઓ હેઠળ વૉરન્ટ કાઢવામાં આવ્યું હતું અને તેમની ધરપકડ કરાઈ છે.

રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના કહેવા પ્રમાણે, ફ્રાન્સસ્થિત રશિયાનું રાજદૂતાલય સ્થિતિને સંભાળવા માટેના જરૂરી પગલાં તત્કાળ લઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન સહિત આસપાસના વિસ્તારોમાં મૅસેજિંગ માટે ટેલિગ્રામ ખૂબ જ લોકપ્રિય ઍપ છે.

પોતાના યૂઝર્સનો ડૅટા નહીં આપવા બદલ રશિયાએ વર્ષ 2018માં તેની ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો, જેને વર્ષ 2021માં ઉઠાવી લેવાયો હતો.

'મોદી નહીં તો બીજા PM જાતિગત વસતીગણતરી કરાવશે'

લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત જાતિગત વસતીગણતરીની માગને દોહરાવી છે. તેમણે કહ્યું, "જાતિઆધારિત વસતીગણતરી કરાવવાથી જનસંખ્યા વિશે માલૂમ પડશે, જે ખૂબ જ જરૂરી છે. કારણ કે ભાગીદારી પહેલાં વસતી વિશે જાણવું જરૂરી છે."

ગાંધીએ કહ્યું, "ભારતમાં ધનની વહેંચણી કેવી રીતે થાય છે, તે જાણવું જરૂરી છે. ઓબીસી અને દલિત પાસે કેટલી સંપત્તિ છે, તેના વિશે માહિતી મેળવવી જરૂરી છે."

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, "સરકારી નોકરીઓમાં, ન્યાયતંત્રમાં, મીડિયામાં, ભારતની આવી અલગ- અલગ સંસ્થાઓમાં આ સમુદાયોના કેટલા લોકો છે, તે જાણવું જરૂરી છે."

"જો કોઈને એમ લાગતું હોય કે જાતિઆધારિત વસતીગણતરીને અટકાવી શકાશે, તો કહી દઉં કે તે થશે જ. આની સાથે આર્થિક અને સામાજિક સરવે પણ થશે."

સીધેસીધું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે જો પીએમ જાતિઆધારિત વસતીગણતરી નહીં કરાવે તો બીજા વડા પ્રધાન કરાવશે.

આ સિવાય પોતાની ઍક્સ પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે 'બંધારણ દરેક ભારતીયને ન્યાય તથા સમાનતાનો અધિકાર આપે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશની વસતિના 90 ટકા લોકોને તક કે પ્રગતિમાં ભાગીદારીનો મોકો નથી મળતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.