રાજકોટમાં સમૂહલગ્નનું આયોજન કરી દાતાઓના પૈસા લઈને નાસી છૂટેલા ત્રણ આરોપીઓની અટકાયત

રાજકોટમાં શનિવારે 28 યુગલોનાં લગ્ન કરાવી આપવા માટે પરિવારો પાસેથી 15,000થી 40,000 રૂપિયા સુધીની ફીની ઉઘરાણી કરીને સમૂહલગ્નના આયોજકો અચાનક 'ફરાર' થઈ જતાં વર-કન્યાપક્ષને રઝળી પડ્યાનો મામલો સામે આવ્યો હતો.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલી એડીબી હોટલ સામે આવેલા મેદાનમાં ઋષિવંશી સમાજના નામે 28 સર્વજ્ઞાતીય યુગલોનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે, પરિવારજનોએ ફરિયાદ કરી હતી કે લગ્નના દિવસે એટલે કે શનિવારે આયોજનસ્થળે કોઈ આયોજકો હાજર નહોતા.

આ ઘટનાને કારણે કેટલાક પરિવારજનોને એ વાતનો આભાસ પણ થઈ ગયો હતો કે તેમની સાથે 'છેતરપિંડી' થઈ છે, જેના કારણે ઘણાં યુગલો સમારોહસ્થળ છોડીને ચાલ્યાં ગયાં હતાં.

આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પરિવારજનોનો આરોપ છે કે આયોજકો તેમની સાથે 'લાખો રૂપિયાની છેતરપિંડી કરીને' 'ફરાર' થઈ ગયા છે, જેના કારણે વરરાજા, કન્યા અને જાનૈયાઓ રીતસર રઝળી પડ્યાં હતાં.

લગ્નના દિવસે સવારથી બધા પરિવારો લગ્નસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ ફરિયાદ અનુસાર આયોજકો ત્યાં હાજર નહોતા, જેના કારણે કેટલાંક યુગલો, જાનૈયા અને પરિવારજનો પાછાં પણ ચાલ્યાં ગયાં હતાં.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આયોજકો સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી, અને પોલીસવિભાગના અધિકારીઓ દ્વારા સમૂહલગ્નમાં કોઈ વિલંબ કે વિઘ્ન ન ઊભો થાય એ માટેની તમામ લગ્નો કરાવવા માટે તૈયારી દર્શાવી અને લગ્નવિધિ શરૂ કરાવાઈ હતી.

રાજકોટ પોલીસે પદ્યુમ્નનગર પોલીસ સ્ટેશમાં આ મામલામાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સહિતની કલમો અંતર્ગત ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટનાં એસીપી (વેસ્ટ) રાધિકા ભાઈનાં જણાવ્યાનુસાર, "સમુહલગ્નના મુખ્ય આયોજક અને મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રાલા સહિત કુલ છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે."

"જે પૈકી દિલીપ ગોહિલ, દીપક હિરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની અટક કરવામાં આવી છે, જયારે હાર્દિક શિશાંગિયા, દિલીપ વરસંડા અને મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રાલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે."

પોલીસને મળેલ માહિતી અનુસાર વર-કન્યાપક્ષ પાસેથી 15-15 હજાર રૂપિયા સહિત આયોજકોએ કેટલાક દાતા પાસેથી દાન પણ મેળવ્યું હતું.

આરોપ છે કે વર્ષ 2023માં પણ આવી જ રીતે આરોપીઓએ સમૂહલગ્નનું આયોજન કરીને છેતરપિંડી કરી હતી, જે બાદ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે શનિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી કે જિલ્લા પોલીસ દ્વારા 28 યુગલોમાંથી સમારોહસ્થળે હાજર એવાં છ યુગલોનાં લગ્ન પણ સંપન્ન કરાવાયાં હતાં. પોલીસે આ યુગલો અને પરિવારજનો માટે ખૂટતી તમામ વ્યવસ્થા કરી હતી.

વર-વધૂઓએ શું કહ્યું?

સમૂહલગ્નમાં હાજર એક વરરાજા મોહિત ખેરે જણાવ્યું હતું કે, "અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. બધા આયોજકોના ફોન પણ સ્વીચ ઑફ છે. કોઈ અમારા ફોન નથી ઉપાડી રહ્યા."

મોહિતનાં ભાવિ પત્ની આયોજકોનો સંપર્ક કેવી રીતે મળ્યો અને સમૂહલગ્નમાં ભાગ લેવાનો વિચાર કેવી રીતે આવ્યો એ અંગે કહે છે કે, "અમને ન્યૂઝપેપરમાંથી આ વિશે ખબર પડી હતી. અમારાં લગ્ન થવાનાં બાકી હતાં, તેથી અમને જરૂર હતી. તેથી અમે આ સમૂહલગ્ન માટે ફૉર્મ ભર્યું હતું. અમને ખ્યાલ નહોતો કે આ લોકો અમારી સાથે આવી રીતે છેતરપિંડી કરશે."

"એક મહિના પહેલાં આનાં ફૉર્મ ભરાઈ ગયાં હતાં, તેઓ અમને ફોન કરીને લગ્નમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે એ વિશે પૂછતા. તેમણે અમને સમૂહલગ્નમાં શું શું વ્યવસ્થા છે એ વિશે પણ વાત કરી. અમને કહેવાયેલું કે તમારે ખાલી હાથે લગ્નમાં આવવાનું છે અને છોકરીઓએ કરિયાવર સાથે લઈને જવાનું છે. પરંતુ અત્યારે અહીં સ્થળ પર કંઈ જ નથી."

મોહિતનાં ભાવિ પત્ની આગળ કહે છે કે, "અમે સવારના સાડા છ વાગ્યાથી આમ જ બેઠાં છીએ. મારાં માબાપ વ્યાજે પૈસા લઈને લગ્ન કરાવવા આવ્યાં હતાં. અહીં વહેલી તકે નિર્ણય થાય એ જરૂરી છે. અમે આયોજકોને 30-30 હજાર ફી ચૂકવી છે."

જામનગરના રહેવાસી અને સમૂહલગ્નમાં લગ્ન કરવા આવેલા વરરાજા અર્જુનભાઈ સમગ્ર ઘટના અંગે વાત કરતાં કહે છે કે, "અમે જામનગરથી આવ્યાં છીએ. અમારી પાસેથી સમૂહલગ્ન માટે 15-15 હજાર રૂપિયા લેવાયા હતા. પરંતુ અહીં આવ્યા તો અહીં કોઈ આયોજક નહોતું."

"અમે 100 મહેમાનો સાથે અહીં આવ્યાં હતાં, અમારી ઇજ્જત ગઈ છે, અમારી ઇજ્જત અમને આપી દો. અમે પોલીસ ફરિયાદ કરીશું."

અર્જુનભાઈ આગળ કહે છે કે, "અમે આયોજક પર વિશ્વાસ કરીને અહીં આવ્યા હતા. અમને એના વિશે એ નહોતી ખબર કે એ આવો નીકળશે. અમને આ આયોજનની માહિતી ફેસબુક પર આવેલા એક ફોટો પરથી મળી હતી, એ બાદ અમે ફૉર્મ ભર્યું."

અર્જુનભાઈનાં ભાવિ પત્ની પોતાની આપવીતી જણાવતાં કહે છે કે, "મારાં માબાપ નથી. અમે અહીં ફેરા ફરવા આવ્યાં હતાં. અમને કહેવાયું હતું કે અમારાં લગ્ન કરાવીને અમને 208 આઇટમો ભેટસ્વરૂપે અપાશે, પરંતુ એમાંથી અહીં કંઈ નથી. ભોજન-પાણી પણ નથી. માત્ર માંડવા બાંધેલા છે."

સમૂહલગ્નમાં હાજર મહારાજ કથાકાર જે. પી. દાદાએ કહ્યું હતું કે, "અહીં કોઈ આયોજક કે કમિટી નથી. આયોજકોએ અમારો સંપર્ક એક માસ અગાઉ કર્યો હતો. મને 28 બ્રાહ્ણણો લઈને આવવાનું કહેવામાં આવ્યું હતું. દક્ષિણા આયોજકો આપવાના હતા, પરંતુ અત્યારે એની પણ કાંઈ વ્યવસ્થા નથી."

પોલીસે શું કહ્યું?

રાજકોટ ઝોન-4 ડીસીપી સજ્જનસિંહ પરમારે સ્થળ પર હાજર મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ દ્વારા સમૂહલગ્નમાં આવેલાં યુગલોનાં લગ્ન કરી આપવાની અને બાદમાં આયોજકો સામે કાર્યવાહીની વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "આયોજક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પછી કરીશું, પરંતુ હાલ અહીં આવેલાં યુગલોનાં લગ્ન મુહૂર્ત પ્રમાણે વિધિ અનુસાર લગ્ન કરાવી આપવા માટે સંપૂર્ણ સહકાર આપીશું."

"પ્રાથમિક વિગતો પ્રમાણે સમૂહલગ્નના મુખ્ય આયોજક અને તેને મદદ કરનારા લોકો પણ અહીં હાજર નથી. ઘણાં યુગલો જતાં રહ્યાં છે, પરંતુ જે અહીં હાજર છે એ અને જે અહીં પરત ફરી શકે એ તમામનાં લગ્ન સંપન્ન કરાવવાની કાર્યવાહી પોલીસ તરફથી કરીશું.અહીં ગોર મહારાજ પણ હાજર છે, ઉપરાંત અહીં જે વ્યવસ્થા નથી, એ બધી અમે પૂરી પાડવાનો પ્રયાસ પણ કરીશું."

પોલીસ અધિકારી એસીપી રાધિકા ભરાઈએ કહ્યું હતું કે, "આ સમૂહલગ્નના આયોજકોએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી, અને સ્થળે હાજર પણ નથી રહ્યા. એમના ફોન સ્વીચઑફ કરી દેવાયા છે. આ બાબતની જાણ થતાં આ સમૂહલગ્નની સમગ્ર વિધિ કરાવવાની જવાબદારી રાજકોટ પોલીસે ઉપાડી લીધી છે. હવે ત્રણથી ચાર યુગલોનાં લગ્ન પણ શરૂ થઈ ગયાં છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.