'દેશનિકાલ કરેલા' પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ ચાર વર્ષ પછી સ્વદેશ પાછા ફરશે, તેમના પુનરાગમન પછી શું થશે?

નવાઝ શરીફ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

    • લેેખક, શુમાઈલા જાફરી
    • પદ, બીબીસી ન્યૂઝ, ઈસ્લામાબાદ

ઇન્ટેન્સિવ કેર યુનિટ અને ઑપરેશન થિયેટરથી સજ્જ એક અત્યાધુનિક એર એમ્બ્યુલન્સે 19 નવેમ્બર, 2019ની ધુમ્મસભરી સવારે એક ખાસ પ્રવાસીને લઈને લાહોરના જૂના ઍરપોર્ટ ટર્મિનલ પરથી ઉડાન ભરી હતી. તે ખાસ પ્રવાસી પાકિસ્તાનના ત્રણ વખત ચૂંટાયેલા ભૂતપૂર્વ વડાપ્રધાન અને દોષિત ગુનેગાર નવાઝ શરીફ હતા.

તેઓ લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની સજા ભોગવી રહ્યા હતા ત્યારે તેમને ‘ઇમ્યુન સિસ્ટમ ડિસોર્ડર’ હોવાનું નિદાન થયું હતું અને અદાલતે એક અભૂતપૂર્વ નિર્ણયમાં તેમને દેશ છોડવાની પરવાનગી આપી હતી.

નવાઝ શરીફે અદાલતને સ્વહસ્તાક્ષરમાં બાંયધરી આપી હતી કે તબીબી તપાસ પૂર્ણ થયા પછી તેઓ ચાર સપ્તાહમાં પાકિસ્તાન પાછા ફરશે. જોકે, એ ચાર અઠવાડિયાને ચાર વર્ષ થઈ ગયાં...હવે તેમના પક્ષે જાહેરાત કરી છે કે નવાઝ શરીફ આખરે 21 ઑક્ટોબરે પાકિસ્તાન પાછા ફરી રહ્યા છે.

નવું પાકિસ્તાન

હમઝા શહબાઝ શરીફ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

નવાઝ શરીફ સંસદીય ચૂંટણી પહેલાં પાછા ફરી રહ્યા છે. જુલાઈ-2018માં પણ તેમણે આવું જ કર્યું હતું. દેશમાં સામાન્ય ચૂંટણીના એક મહિના પહેલાં તેઓ તેમનાં પુત્રી મરીયમ નવાઝ સાથે દેશમાં પાછા આવ્યા હતા. તેમની આગમન સાથે જ ધરપકડ કરવામાં આવી હતી. આ વખતે પણ એવી જ પરિસ્થિતિ હશે. તેમણે અદાલતમાં સરેન્ડર થવું પડશે.

લાંબી ગેરહાજરી અને 2019માં બ્રિટન જતાં પહેલાં આપેલી બાંયધરીના ઉલ્લંઘનને કારણે તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. તેમનો પક્ષ કાયદાકીય વિકલ્પો ચકાસી રહ્યો છે અને તેમના રક્ષણાત્મક જામીન મેળવવાની આશા રાખે છે. જેથી નવાઝ કોર્ટમાં આત્મસમર્પણ કરતાં પહેલાં તેમના સમર્થકોને સંબોધન કરી શકે અને તેમના પરિવાર તથા સ્થાનિક નેતાગીરીને સંબોધન કરી શકે.

નવાઝ શરીફની વાપસીના સંજોગો દેખીતી રીતે 2018 જેવા જ હોવા છતાં વાસ્તવમાં ઘણું બદલાઈ ગયું છે. સૌથી પહેલાં તો તેમના પક્ષના સૈન્ય સાથેના સંબંધમાં પરિવર્તન આવ્યું છે. 2018માં તેમના પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને પાકિસ્તાનના ખરા કિંગમેકર સૈન્યએ એકમેકની સામે શિંગડાં ભરાવ્યાં હતાં. સૈન્ય કોઈ પણ ભોગે ઇમરાન ખાનને સત્તા પર લાવવા ઇચ્છતું હતું. પીએમએલ-એનનો આક્ષેપ છે અને ઘણા રાજકીય વિવેચકો માને છે કે પીએમએલ-એનના ટોચના નેતા કાયદેસર રીતે ચૂંટણી જ ન લડી શકે તે અદાલતોની મદદથી તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. નવમી, મેના હુમલા પછી ઇમરાન ખાન અને તેમનો પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પક્ષ સૈન્યના રોષનો સામનો કરી રહ્યા છે. અલ-કાદીર લાંચ કેસમાં ઇસ્લામાબાદ હાીકોર્ટમાંથી ઇમરાન ખાનની નવમી મેએ ધરપકડ કરવામાં આવી પછી તેમના સમર્થકોએ મકબરાઓ અને સૈન્યની કચેરીઓમાં તોડફોડ કરી હતી. નવમી, મેના દિવસને પાકિસ્તાનનું 9/11 અને સૈન્ય-પીટીઆઈના સંબંધની નિર્ણાયક ક્ષણ કહેવામાં આવે છે.

રાજકીય વિવેચક મુનીબ ફારુકના મતાનુસાર, નવમી મેની ઘટના માટે ઇમરાન ખાન જવાબદાર છે. તેમનું કહેવું છે કે ઇમરાન ખાન સૈન્યના વડા વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા. તેઓ વર્તમાન ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરની નિમણૂક રોકવા માગતા હતા અને ઇમરાન ખાને તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું.

મુનીબ કહે છે, "ઇમરાન ખાનને સૈન્યની અંદરથી પણ સમર્થન હતું. સૈન્યના ભૂતપૂર્વ વડા જનરલ બાજવા પણ તેનાથી વાકેફ હતા. જનરલ અસીમ મુનીરની નિમણૂક સામે ઇમરાન ખાને ગયા વર્ષે નવેમ્બરમાં લાંબી કૂચની જાહેરાત કરી હતી. ઇમરાન ખાને જનરલની નજીકના અધિકારીઓને બદનામ કરવા વ્યવસ્થિત ઝુંબેશ પણ ચલાવી હતી. પોતાની જાહેર સભાઓમાં સેનાના જનરલોને નિશાન બનાવતાં તેમણે ડર્ટી હેરી, મીર જાફર અને મીર સાદિક જેવા શબ્દપ્રયોગ પણ કર્યા હતા."

તેનાથી સૈન્ય મહેકમનો મૂડ બદલાઈ ગયો હતો. નવાઝ શરીફની પીએમએલ-એન માને છે કે ઇમરાન તથા સૈન્ય વચ્ચેના ઘર્ષણને કારણે તેમના માટે તક સર્જાઈ છે અને તેઓ તેનો લાભ લેવા ઇચ્છે છે.

પીએમએલ-એનના પંજાબના પ્રમુખ રાણા સનાઉલ્લાહે સ્વીકાર્યું છે કે પક્ષનો સૈન્ય સાથેનો સંબંધ મહત્ત્વનો છે. તેઓ કહે છે, "2018માં મિંયા નવાઝ શરીફ પોતાની ધરપકડ માટે દેશમાં પાછા ફર્યા ત્યારે અમારા સમર્થકોને ઍરપોર્ટ પહોંચતા રોકવામાં આવ્યા હતા. આ વખતે આવું કંઈ નહીં થાય તેની મને આશા છે."

નવાઝ શરીફની ગેરહાજરીમાં સૈન્ય તથા ઇમરાન ખાન વચ્ચેના સંબંધમાં તંગદિલી એ કોઈ નવી ઘટના નથી.

શહબાઝ શરીફ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇમરાન ખાનની જબરી લોકપ્રિયતા, નવાઝ શરીફ સામેની તેમની ભ્રષ્ટાચાર-વિરોધી ઝૂંબેશનો મતદાતાઓ દ્વારા સ્વીકાર અને આર્થિક મોરચે પીએમએલ-એન સરકારની નિરાશાજનક કામગીરી પરિસ્થિતિ પલટાવી શકે તેવાં કારણો છે. નવાઝ શરીફને આ બધાનો અનુભવ અગાઉ થયો નથી.

વિશ્લેષકો માને છે કે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનની સરકારના એપ્રિલ-2022માં વિસર્જન બાદ લોકોનો મૂડ ઘણો બધો બદલાઈ ગયો છે. ઇમરાન ખાન જેલમાં છે, પરંતુ તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પીએમએલ-એન જેવા વંશવાદી રાજકીય પક્ષો સામે જે કથાનક ઘડ્યું છે તે લોકોમાં બહુ જ લોકપ્રિય છે.

વિશ્લેષક ઝાહિદ હુસૈન માને છે કે રાજકીય પરિદૃશ્યમાંથી ગાયબ રહેવાથી અને ચાર વર્ષ પાકિસ્તાનની બહાર રહેવાના કારણે નવાઝ શરીફ વાસ્તવિકતાથી અજાણ હોય તેવું લાગે છે.

તેઓ કહે છે,"પાકિસ્તાન બહુ બદલાઈ ગયું છે અને વર્તમાન પરિસ્થિતિ પીએમએલ-એન માટે અનુકૂળ લાગતી નથી. જંગનું અસલી મેદાન તો પંજાબ છે. તેની તુલના ભૂતકાળ સાથે કરીએ તો એ પ્રાંતમાં તેમની લોકપ્રિયતા તળિયે પહોંચી ગયેલી છે."

"પીએમએલ-એનના 16 મહિનાના શાસનકાળમાં લોકોએ જે મોંઘવારીનો સામનો કરવો પડ્યો હતો તે લોકપ્રિયતામાં જોરદાર ઘટાડાનું કારણ છે. અલબત, તે એક ગઠબંધન સરકાર હતી, પરંતુ એ માટે પીએમએલ-એનને જવાબદાર માનવામાં આવે છે, કેમ કે એ સરકારનું નેતૃત્વ તેણે કર્યું હતું."

ઝાહિદ હુસૈન માને છે કે ઇમરાન ખાન જેલમાં છે અને પીટીઆઈના ભૂતપૂર્વ સભ્યો પર પક્ષ છોડવાનું દબાણ છે. તેમ છતાં વહીવટીતંત્ર પીટીઆઈના અધ્યક્ષ ઇમરાન ખાન વિરુદ્ધ લોકમત કેળવી શક્યું નથી.

તેઓ કહે છે, "કોઈ એમ માનતું હોય કે નવાઝ શરીફ પીટીઆઈના ગઢમાં છેક નીચલા સ્તર સુધી ગાબડું પાડી શકશે, તો તે ખોટું માને છે."

ભ્રમનું વાતાવરણ

નવાઝ શરીફનાં દીકરી મરિયમ નવાઝ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, નવાઝ શરીફનાં દીકરી મરિયમ નવાઝ

પીએમએલ-એન અને તેના મતદારો તથા ટેકેદારો પર પ્રભાવ પાડી શકે તેવો બીજો એક પડકાર નવાઝ શરીફનું નેરેટિવ છે. તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન ક્યા મુદ્દાઓ ઉઠાવશે? તેઓ સૈન્ય તરફી વલણ અપનાવશે કે સૈન્ય વિરોધી? વિશ્લેષકો માને છે કે આ દુવિધા પાકિસ્તાની રાજકારણમાં નવાઝ શરીફનું કામ બનાવી કે બગાડી શકે છે.

પોતાના પાકિસ્તાન પાછા ફરવાની તારીખની જાહેરાત પછી તરત જ નવાઝ શરીફે લંડનમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દેશને અંધારામાં ધકેલવા માટે જવાબદાર લોકોને તેમના પગલાં બદલ દોષિત ઠરાવવા જોઈએ.

નવાઝ શરીફે આક્ષેપ કર્યો હતો કે "મને જેલમાં ગોંધવામાં આવ્યો હતો. મારો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. આતંકવાદ વિરોધી અદાલતે મને 27 વર્ષની જેલ સજા કરી છે."

"મુઠ્ઠીભર ન્યાયમૂર્તિઓએ જંગી જનાદેશ સાથે ચૂંટાયેલા વડા પ્રધાનને પદ પરથી હટાવ્યા હતા. તેમની પાછળ કોણ હતું? તેની પાછળ જનરલ બાજવા અને જનરલ ફૈઝનો હાથ હતો." જનરલ ફૈઝ હમીદ આઈસએસઆઈના ભૂતપૂર્વ વડા છે.

2018 પછી નવાઝ શરીફ અને તેમનાં પુત્રી તથા રાજકીય ઉત્તરાધિકારી મરિયમ નવાઝ "વોટ કો ઇઝ્ઝત દો"ના નારા સાથે નાગરિકો સર્વોચ્ચ છે તેવી ઝુંબેશ ચલાવી રહ્યાં છે.

જોકે, નવાઝના ભાઈ અને ભૂતપૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફ તથા પીએમએલ-એનના સમાન વિચારધારા ધરાવતા વરિષ્ઠ નેતાઓ સૈન્ય સાથેના ઘર્ષણનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સમાધાનની દિશામાં આગળ વધવા વધુ વ્યાવહારિક અભિગમની હિમાયત કરી રહ્યા છે.

કેટલાક સેનાપતિઓ અને ન્યાયમૂર્તિઓની જવાબદારી વિશેના નવાઝ શરીફના નિવેદનના થોડા દિવસ પછી નવાઝના નજીકના સાથી સેનેટર ઇરફાન સિદ્દીકીએ પુષ્ટિ કરી હતી કે ભૂતપૂર્વ વડા પ્રધાન તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન વિકાસ અને ભૂતકાળની કામગીરીની વાત કરવાની સાથે ચોક્કસ વ્યક્તિઓની જવાબદારી વિશે વાત કરવાનું ચાલુ રાખશે. એ ચોક્કસ વ્યક્તિઓમાં, ઇમરાન ખાન માટે સત્તાનો માર્ગ મોકળો કરવા નવાઝ શરીફને વડા પ્રધાનપદેથી હટાવવામાં સામેલ લોકોનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું હતું, "દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો હતો ત્યારે જેમણે દેશની ગાડી પાટા પરથી ઉતારી નાખી હતી તેમને જવાબદાર શા માટે ન ઠેરવવા જોઈએ?"

મરિયમ નવાઝે પણ પીએમએમ-એનના એક યુવા સંમેલન દરમિયાન આવી જ વાત કરી હતી, પરંતુ કાકા શાહબાઝ શરીફની લંડન મુલાકાત પછી તેમનો સૂર બદલાઈ ગયો હતો. શાહબાઝ સૈન્ય વહીવટીતંત્રનો એક ખાસ સંદેશો લઈને નવાઝ પાસે ગયા હોવાનું માનવામાં આવે છે.

મોટાભાગના રાજકીય વિવેચકો અને વરિષ્ઠ પત્રકારો માને છે કે તે સંદેશો નવાઝ શરીફને ચૂંટણી પ્રચાર દરમિયાન સૈન્યના નેતૃત્વને બદનામ કરવાથી રોકવાનો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાનને સૈન્ય સાથેની દુશ્મનાવટ દફનાવી દેવાની "સલાહ" આપવામાં આવી હતી. અને તેઓ ચૂંટણી જીતે તો ભવિષ્યમાં આર્થિક મોરચે શું કરી શકે તેમ છે તેના પર ફોકસ કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ અહેવાલની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શકાઈ નથી, પરંતુ પીએમએલ-એનની બદલાયેલી મુદ્રા આવા અહેવાલોની પુષ્ટિ કરે છે. દાખલા તરીકે, શાહબાઝ શરીફની લંડનની ઇમરજન્સી ટ્રિપ પછી તરત જ નવાઝ શરીફના સંબંધી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણા પ્રધાન ઇશાક દારે લંડનમાં પત્રકારોને જણાવ્યું હતું કે નવાઝ શરીફે તેમનો કેસ સર્વશક્તિમાન અલ્લાહની મુનસફી પર છોડી દીધો છે.

લંડનમાં શરીફના નિવાસસ્થાન બહાર પત્રકારો સાથે વાત કરતાં દારે કહ્યું હતું, "તેમની પાસે બે વિકલ્પ હતાઃ જૂનું વ્યક્તિગત વેર વાળવામાં વ્યસ્ત રહેવું અથવા તેમની ભૂતકાળની સરકારની જે વિશેષતા હતી તે સમૃદ્ધિ પાછી લાવવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરવો. નવાઝ શરીફે બીજો વિકલ્પ પસંદ કર્યો છે."

હવે મરિયમ શરીફ પણ કહી રહ્યાં છે કે તેમના પિતા બદલો લેવાના નથી.

ટેકેદારોને સંબોધન કરતાં મરિયમે કહ્યું હતું, "અલ્લાહ ઇચ્છશે તો 21 ઓક્ટોબરે પાકિસ્તાનમાં આશા પાછી ફરશે. વિકાસ પાછો આવશે, ફૂગાવા તથા બેરોજગારીનો અંત થશે અને ફરી શાંતિ સ્થપાશે."

જોકે, તાજેતરમાં જ નવાઝ શરીફને લંડનમાં મળેલા ન્યૂઝ ઍન્કર મુનીબ ફારુક માને છે કે ક્યા મુદ્દા આગળ વધારવા એ બાબતે પીએમએલ-એનમાં વ્યાપક મૂંઝવણ છે. નવાઝ શરીફ, તેમને પદ પરથી હટાવવા અને જેલ ભેગા કરવામાં સામેલ ન્યાયમૂર્તિઓ અને સૈન્યના અધિકારીઓને માફ કરવા કે નહીં તેનો નિર્ણય કરી શક્યા નથી.

નવાઝ સાથેની મુલાકાત બાદ રેકૉર્ડ કરેલા એક વ્લૉગમાં મુનીબે કહ્યું હતું, "નવાઝને જતું કરવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ મારી સમજણ એવી છે કે તેમણે હજુ સુધી નિર્ણય કર્યો નથી."

રાજકારણ પર અસર

પીપીપી નેતા બિલાવલ ભુટ્ટો અને ખ્વાજા આસિફ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પીપીપી નેતા બિલાવલ ભુટ્ટો અને ખ્વાજા આસિફ

રાજકીય વિવેચક ડૉ. હસન અસ્કરી રિઝવી એવું માને છે કે નવાઝ શરીફની વાપસી સાથે તેઓ રાજકીય રીતે ફરીથી જીવંત થશે. તેઓ પક્ષમાંના આંતરિક મતભેદોને દૂર કરી શકશે. ભવિષ્યમાં પીએમએલ-એનનું નેતૃત્વ કોણ કરશે, એ બાબતે પક્ષમાં અંતર્કલહ ચાલી રહ્યો છે. નવાઝ શરીફ ઇચ્છે છે કે મરિયમ તેમનાં અનુગામી બને, જ્યારે શાહબાઝ ઈચ્છે છે કે તેમનો પુત્ર હમઝા શાહબાઝ પક્ષનું નેતૃત્વ સંભાળે.

ડૉ. અસ્કરી માને છે કે નવાઝ શરીફ પક્ષ પર ફરી નિયંત્રણ મેળવી લેશે. તેમનું પુનરાગમન અમુક અંશે, પીએમએલ-એનની ઘટતી લોકપ્રિયતાને અટકાવી શકશે અને તેનો પ્રભાવ રાષ્ટ્રીય રાજકારણ પર પણ પડશે.

ડૉ. અસ્કરી કહે છે, "પીએમએલ-એનએ મતદારોનું સમર્થન ગુમાવ્યું છે. પક્ષના 16 મહિનાના કાર્યકાળ દરમિયાન વધેલી મોંઘવારી, ગરીબી અને બેરોજગારીને કારણે મતદારો તેમનાથી વિમુખ થઈ ગયા છે."

"નવાઝ શરીફ તેમના કેટલાક સમર્થકોનો વિશ્વાસ પાછો મેળવી શકશે, પરંતુ મતદારોને પોતાની તરફેણમાં લાવવા માટેનું સૌથી મહત્વનું પરિબળ, પક્ષની રજૂઆત હશે."

હસન અસ્કરીનું માનવું છે કે વર્ષોથી આગામી પગલું ભરવાની રાહ જોઈ રહેલા નવાઝ શરીફ હવે એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે સૈન્ય ઇમરાન ખાનને ચૂંટણીથી દૂર રાખશે. તેઓ આને એક તક ગણે છે અને તેનો લાભ લેવા ઈચ્છે છે. નવાઝ શરીફે સૈન્ય સામે આકરું વલણ લીધું હતું, પરંતુ તેઓ તેને ખતમ કરી શક્યા નથી. ડૉ. અસ્કરી માને છે કે આવું ફરી થઈ શકે છે.

તેઓ કહે છે, "તેઓ ચોક્કસ વ્યક્તિઓ બાબતે ફરિયાદ કરવાનું ચાલુ રાખશે, પરંતુ સૈન્ય સાથે સંપૂર્ણ મુકાબલો કરવાનું ટાળશે. સૈન્યએ ઇમરાન ખાન સાથે શું કર્યું તેનું ઉદાહરણ નવાઝની સામે છે. તેથી નવાઝ શરીફ આવી ભૂલ નહીં કરે એવી મને આશા છે."

જેલ કે જલસા

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઇમરાન ખાન

નવાઝ શરીફના પાકિસ્તાન પરત આવવાની અપેક્ષા સાથે પીએમએલ-એનનું નેતૃત્વ લોકસંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે. તેઓ જાહેર સભાઓ અને કૉર્નર મીટિંગ યોજીને લોકોને પ્રેરિત કરી રહ્યા છે, 21 ઑક્ટોબરે લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાન ખાતે સ્વાગત જલસા માટે એકઠા થવાનું કહી રહ્યા છે. ત્યાં નવાઝ શરીફ તેમને સંબોધિત કરવાના છે.

અલબત, કાયદાકીય અવરોધોનું નિરાકરણ થવું બાકી છે. નવાઝ શરીફને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. તેઓ પાછા ફરશે કે તરત જ કાયદા અનુસાર તેમની એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવશે, પરંતુ તેમના પક્ષે એક યોજના ઘડી કાઢી છે. નવાઝની લીગલ ટીમ તેમના આગમન પહેલાં રક્ષણાત્મક જામીન મેળવવાના પ્રયાસ કરી રહી છે.

પીએમએલ-એનના પંજાબ પ્રાંતના પ્રમુખ રાણા સનાઉલ્લાહના જણાવ્યા અનુસાર, વકીલો અને કાર્યકરો ભવ્ય સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. નવાઝ શરીફને જામીન મળી જશે તો તેઓ તેમના ટેકેદારોને સંબોધવા સીધા મિનાર-એ-પાકિસ્તાન જશે અને પછી આત્મસમર્પણ કરશે.

"વકીલો નવાઝ શરીફના આગમનના એક કે બે દિવસ પહેલાં જ જામીન માટે અરજી કરશે. નવાઝ શરીફ રાષ્ટ્રીય નેતા છે. તેઓ આત્મસમર્પણ કરવા આવી રહ્યા છે. તેથી અદાલતો તેમને સમજશે અને જામીન આપશે એવી અમને આશા છે."

રાણા સનાઉલ્લાહના મતે, ભૂતપૂર્વ વડાપ્રધાનને જે કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે તે નબળો છે અને પીએમએલ-એનના સર્વોચ્ચ વડાને રાહત મળશે તેવી આશા છે. નવાઝ શરીફનાં પુત્રી અને જમાઈની સજા કોર્ટ પહેલાં જ રદ્દ કરી નાખી છે. એ બન્ને આ કેસમાં સહ-આરોપી હતા.

બીજી તરફ નવાઝ શરીફના ભૂતપૂર્વ ગઠબંધનના ગઠબંધનના ભાગીદારો અને બિલાવલ ભુટ્ટો ઝરદારી તથા મૌલાના ફઝલ-ઉર-રહેમાન સહિતના તેમના વર્તમાન રાજકીય વિરોધીઓ ચૂંટણીમાં સૌ માટે સમાન નિયમ ન હોવાની ફરિયાદ પહેલેથી જ કરી રહ્યા છે. તે પીએમએલ-એનના સૈન્ય સાથે સારા બની રહેલા સંબંધનો સંકેત આપે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કેટલાક નેતાઓએ એવો દાવો પણ કર્યો છે કે નવાઝ શરીફ સૈન્ય સાથેની સોદાબાજી હેઠળ પરત આવી રહ્યા છે. તેનો અર્થ એવો થાય કે સત્તામાં વાપસી માટે આ ખેલ પાડવામાં આવ્યો છે.

આ રાજકીય પક્ષો માને છે કે સૈન્ય દેખીતી રીતે પીએમએલ-એનની તરફેણ કરી રહ્યું છે. પાકિસ્તાનના રાજકારણમાં સૈન્યના વલણને નિર્ણાયક માનવામાં આવે છે, પરંતુ વિશ્લેષકો કહે છે કે નવાઝ શરીફ "જો બીત ગઈ, સો બાત ગઈ"નું વલણ અપનાવવાનું ચાલુ રાખશે ત્યાં સુધી આ સ્નેહસંબંધ ચાલુ રહેશે.

નવાઝ શરીફનો ટ્રેક રેકૉર્ડ જોતાં, તેઓ આવું કરશે કે કેમ, તે કહેવું મુશ્કેલ છે. આ બાબત તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.

રેડ લાઇન
રેડ લાઇન